ઉત્સવ

જ્ઞાન જોઈતું હોય તો અહંકાર કોરાણે મૂકવો પડે

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

સંપાદકે આ રવિવાર માટે કોઈ રસપ્રદ ઝેન કથા સાથેનો લેખ લખવાનું કહ્યું. આ તો મારો પણ પ્રિય વિષય છે. ઝેનકથાઓમાં બહુ ઓછા શબ્દોમાં ઠાંસીઠાંસીને ફિલોસોફી ભરી હોય છે. ઘણા ઝેનગુરુઓ તો એમના શિષ્યોને શબ્દોને બદલે મૌનથી જ જ્ઞાન આપતા હતા. ઝેનકથાઓમાં અત્યંત સહજ શબ્દોમાં અતિ ગહન બોધ હોય છે. આવી જ બે ઝેનકથા વાચકો સમક્ષ મૂકું છું.

એક માણસ એક ઝેનગુરુ પાસે ગયો. એણે પૂછ્યું:
મને તમારો શિષ્ય બનાવશો?’

ઝેનગુરુ કશું ન બોલ્યા. એમણે માત્ર આંખોના ઈશારાથી જ પેલાને હા પાડી.

એ દિવસથી એ માણસ ગુરુ સાથે જ રહેવા લાગ્યો. થોડા દિવસો તો એ ઉત્સાહમાં રહ્યો. શરૂઆતના દિવસોમાં તો ઝેનગુરુની જીવનશૈલીથી એ અત્યંત પ્રભાવિત થઈ ગયો, પણ થોડા સમય પછી નિરાશા અનુભવવા લાગ્યો. ઝેનગુરુ પાસેથી જીવનનું જ્ઞાન મેળવવાની એને આશા હતી એ ફળીભૂત થતી નહોતી કેમ કે ઝેનગુરુ બહુ જ ઓછું બોલતા અને ક્યારેક તો માત્ર આંખોથી કે ઈશારાથી જ જવાબ આપતા હતા. ઘણી વાર તો એ કેટલાય દિવસો સુધી કશું બોલતા નહોતા.

દિવસો વીતતા ગયા એમ ઝેનગુરુના શિષ્ય બનેલા માણસની ધીરજ ખૂટતી ગઈ.

એક વાર એણે કહ્યું: ‘મને કોઈ ઉપદેશ તો આપો.’
‘ઝેનગુરુ હસ્યા- કહ્યું: ‘તો આટલા દિવસથી હું શું કરી રહ્યો છું!’
ઝેનગુરુનો આ નવો શિષ્ય તો ઝેન પરંપરાથી અજાણ હતો એટલે એને આશ્ચર્ય થયું. એણે સવાલ કર્યો:
‘તમે મને ક્યારે ઉપદેશ આપ્યો?’

ઝેનગુરુએ કહ્યું: ‘હું જે રીતે જીવું છું એ તને દેખાતું નથી?’

‘હા, એ તો હું જોઉં છું. અને તમારી જીવનશૈલીથી હું બહુ પ્રભાવિત પણ થયો છું, પણ મારે તો તમારી પાસેથી જ્ઞાન મેળવવું છે. મને કશોક ઉપદેશ આપો.’
ઝેનગુરુએ કહ્યું: ‘હું તને શબ્દોથી ઉપદેશ આપવાને બદલે મારા જીવન થકી, મારી જીવવાની પદ્ધતિ થકી ઉપદેશ આપું છું. તું એના પરથી પણ જો પ્રેરણા ન લઈ શકતો હોય તો મારા શબ્દોથી તારા પર શું અસર પડશે? ક્યારેક હું પણ તારી જેમ જ મારા ગુરુ પાસે ગયો હતો અને મારામાં તો તારા જેટલી પણ ધીરજ નહોતી. મેં તો એમની મુલાકાત થઈ એ સાથે જ કહ્યું હતું કે મને જીવનનો અર્થ સમજાવો!’

શિષ્ય ઝેનગુરુની સામે જોઈ રહ્યો. એ દિવસ પછી એણે ક્યારેય ગુરુને એક પણ સવાલ ન કર્યો. થોડાં વર્ષો પછી એ ઝેનસાધુ બની ગયો.

આવી જ અન્ય એક રસપ્રદ ઝેન કથા જાણવા જેવી છે.

એક ઝેન ગુરુનો શિષ્ય એમની પાસે જ્ઞાન મેળવવા આવ્યો. એ પોતાને બહુ સ્માર્ટ સમજતો હતો. ઑવર સ્માર્ટ માણસોની જે ખામી હોય છે એવી ખામી આ શિષ્યમાં હતી. આવાને થોડુંક જ્ઞાન મળે ત્યાં તો એ પોતાને દુનિયાના સૌથી જ્ઞાની માણસ ગણવા માંડે છે અને બીજા બધાને તુચ્છ.

આ નવા શિષ્ય બનેલા માણસમાં તો અહંકાર પણ ઠાંસી ઠાંસીને ભર્યો હતો. ઝેન ગુરુએ એનો અહંકાર દૂર કરવાની કોશિશ કરી. એ શિષ્ય ગુરુની સામે તો ડાહ્યોડમરો બનીને રહેતો હતો, પણ બીજા શિષ્યોની સામે પોતાને મહાન ગણીને એમને નીચા બતાવવાની કોશિશ કરતો રહેતો.

ઝેન ગુરુનો આ અહંકારી ઑવર સ્માર્ટ શિષ્ય કોઈ સાથે ઝઘડો નહોતો કરતો કે ઊંચા અવાજે બોલતો પણ નહીં, પરંતુ એના વર્તનમાંથી એનો અહંકાર ડોકાઈ જતો. ઝેન ગુરુ એ વાતની નોંધ લેતા હતા કે એ શિષ્ય પોતાને પરમ જ્ઞાની સમજવા લાગ્યો છે.

એક રાતે ગુરુએ એ શિષ્યને કહ્યું, ‘સામે દેખાય છે એ ટેકરી પર જઈએ. ચાલ, મારી સાથે.’
અહંકારી શિષ્ય ઝેન ગુરુ સાથે ચાલતો થયો.

ઝેન ગુરુએ એ ટેકરી પર જઈને પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્ર સામે આંગળી ચીંધીને કહ્યું, ‘આ ચંદ્ર સામે ધ્યાનથી જો.’
ગુરુએ ચંદ્ર સામે આંગળી ચીંધી એ વખતે શિષ્યનું ધ્યાન એમની આંગળી તરફ ગયું. એણે કહ્યું,
‘તમારી આંગળીમાંથી તો લોહી વહી રહ્યું છે!’

‘હું તને ચંદ્ર બતાવી રહ્યો છું ત્યારે તું મારી આંગળી સામે જોઈ રહ્યો છે! હું તને ચંદ્ર જેવું, શીતળતા બક્ષતું જ્ઞાન આપવા ઈચ્છું છું, પણ તારું ધ્યાન અત્યારે જેમ મારી લોહી નીંગળતી આંગળી પર છે એમ ચંદ્ર સમા જ્ઞાનની પ્રાપ્તિ આડે તારો અહંકાર આવે છે. અત્યારે જેમ ચંદ્ર તારી સામે છે છતાં મારી આંગળી પર તારું ધ્યાન છે એમ જ્ઞાન તારી સામે છે પણ વચ્ચે તારો અહંકાર તને નડે છે.’
ઝેન ગુરુના શબ્દો સાંભળીને પેલા શિષ્યની આંખો ખૂલી ગઈ.

ફરી ક્યારેક આવી બીજી ઝેનકથાઓ વિશે વાત કરીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button