ઉત્સવ

પોતાને પોતાની જાત દેખાવા લાગે તો એને ભૂત ગણશો?

કેનવાસ -અભિમન્યુ મોદી

એક હકીકત જાણવા જેવી છે. જાણ્યા પછી સહેજ વિચારવું પડશે. એવું છે કે આપણે આપણને જોઈ શકતા નથી. આપણે આપણી જાતને આખી િંજદગી જોઈ શકવાના નથી. પાણી કે અરીસો તો પ્રતિિંબબ બતાવે. આભાસી ઈમેજ છે તે. વાસ્તવિક નથી. આખી દુનિયા આપણને જોઈ શકે પણ આપણે પોતાને જોવા હોય તો એ અશક્ય છે. આ સાદો તર્ક વિચાર્યા પછી એ કલ્પના કરો કે આપણને આપણી જાત દેખાય છે! એવું કંઇક બને છે કે એક માણસ પોતાની સાથે પોતાની જ જાતની કોપી હજાર હોય એવું અનુભવે છે. આ કલ્પના નથી, આ વાસ્તવિક અનુભૂતિ છે અને આવું ઘણાને થાય છે. વાત ભૂતપ્રેતની નથી કે અલૌકિક દુનિયાની નથી.

સાહસ અને શૌર્યના સેક્શનમાં ઇતિહાસનું એક જ્વલંત પ્રકરણ છે જેનું શીર્ષક છે : હિરોઇક એજ ઓફ એન્ટાર્કટિક એક્સપ્લોરેશન. એક એવો જમાનો હતો જ્યારે સાહસિકો એન્ટાર્કટિકા ખંડ ફેંદવા નીકળી પડતાં. સાવ ઉજ્જડ અને નિર્જન પ્રદેશ ઉપર જઈને બરફમાં ઝંડો લહેરાવવાનો રોમાંચ રહેતો. એ રોમાંચ માટે જીવને બાજી ઉપર લગાડતા સાહસિકો અચકાતા નહી. ઓગણીસમી સદીના અંત ભાગમાં આ પ્રકરણ શરૂ થયું જેનો અંત પહેલા વિશ્ર્વયુદ્ધ પછી આવ્યો. ઇતિહાસકારો શેકલટન – રોવેટ પ્રવાસને હિરોઈક એજનો આખરી પ્રવાસ ગણે છે. તેના પછી મિકેનિકલ એજ ઓફ એકસપ્લોરેશન શરૂ થઈ કારણ કે વાહનો, સાધનો અને ટેકનોલોજી આવી ગઈ. પણ શેકલટન-રોવેટના એક્સ્પીડીશન ટાંચા સાધનો અને ન્યૂનતમ ઉપકરણો સાથે થયેલી છેલ્લી ખેપ હતી.

સર અર્નેસ્ટ શેકલટન એંગ્લો-આઇરિશ સાહસિક હતો. એન્ટાર્કટિકાની ઓલમોસ્ટ જીવલેણ કહી શકાય એવી ખેપ માર્યા પછી એમણે એક પુસ્તક લખ્યું જેનું નામ છે : સાઉથ. ૧૯૧૯ માં એ પુસ્તક આવ્યું. એ પુસ્તકમાં બરફના અફાટ રણ અને ભયંકર ઠંડીમાં માનવશરીરની શું હાલત થાય અને કેવા કેવા અનુભવો થાય તેની અમૂલ્ય વાતો છે. અમૂલ્ય એટલા માટે કે આવા ફર્સ્ટ હેન્ડ એક્સ્પીરીયન્સ બીજે કશે જાણવા મળે નહી. એ પુસ્તકમાં અર્નેસ્ટ શેકલટને એક અનુભવ વર્ણવ્યો છે જેને ઘણા વિચારકોનું ધ્યાન ખેંચ્યું. બીજા પણ એવા સાહસિકોએ તે અનુભવની પુષ્ટિ ભરી કે તેઓને પણ આ પ્રકારનો અનુભવ થયો છે. તે અનુભવ હવે થર્ડ પર્સન ફેક્ટર કે ધ થર્ડ મેન તરીકે ઓળખાય છે. એ અનુભવમાં શું થાય?

એન્ટાર્કટિકા સાવ વેરાન જગ્યા છે. નજર પહોચે ત્યાં સુધી માત્ર બરફ દેખાય. લેશ માત્ર જીવનો દોરીસંચાર નહી. એવી જગ્યાએ મહિનાઓ પસાર કરવાના અને પ્રવાસ શરૂ કરવાનો. કલ્પના ન કરી શકાય એવી હાડમારીઓનો સામનો દર મિનિટે કરવાનો થતો હોય. શેકલટન લખે છે કે ૧૯૧૫ થી ૧૯૧૭ દરમિયાનની એન્ટાર્કટિકન ખેપ દરમિયાન અમે ત્રણ સાથીદારો હતા પણ થોડા સમય પછી મને કોઈ ચોથા માણસની હાજરી અનુભવવા લાગેલી. જાણે ચોથી વ્યક્તિ અમારી જોડે છે અને એ પણ અમારી સાથે પ્રવાસ કરી રહી છે. જેમ જેમ એ ફિિંલગ સ્ટ્રોંગ થતી ગઈ એમ એમ એવો અહેસાસ થવા લાગ્યો કે એ ચોથી વ્યક્તિ બીજું કોઈ નહી પણ મારી જ જાત હતી. મારી જ જાતની એક આવૃત્તિ અમારા ત્રણની સાથે હતી.

આ અનુભવ પબ્લિશ થયા પછી બીજા ઘણાં સાહસિકોએ આ જ પ્રકારના અનુભવો થયા હોવાનું કબૂલ્યું. ઘણા સાહસિકોએ તો પોતાના આ અનુભવો એટલે જાહેર કર્યા નહી કે એમને બીક હતી કે દુનિયા એને ગાંડી ગણશે અને બીજી વખત આવા પ્રવાસ માટે કોઈ સ્પોન્સર નહી મળે.

જો સિમ્પસન નામનો એક પર્વતારોહક છે. હજુ હયાત છે. તેમણે ૧૯૮૮ માં પેરુની એન્ડીઝ પર્વતમાળા નું ચડાણ તેમના જોડીદાર સાઇમન યેટ્સ સાથે શરૂ કર્યું હતું. થયું એવું કે પર્વતારોહણ દરમિયાન સિમ્પસન એક ખાઈમાં પડી ગયો. ખાઈ એટલી ઊંડી હતી કે ત્યાં સુધી અવાજ પણ પહોંચી શકે એમ ન હતો. તેને બચાવવાની કોઈ કોશિશ પણ થઈ શકે એમ ન હતી. કલાકો સુધી વિલાપ કર્યા પછી સાઇમને સિમ્પસન ને મરેલો માની લીધો અને તેણે પ્રવાસ શરૂ કર્યો. નીચે ખાઇમાં સિમ્પસન પડ્યો હતો અને એના હાડકા ભાંગી ગયા હતા. તે પર્વતારોહકની ટુકડીનો બેઝ કેમ્પ બહુ દૂર હતો. ત્યાં પેટે ઢસડાઈને જીવતો પહોંચ્યો. કોઈ ખોરાક કે પાણી વિના. આ તાકાત ક્યાંથી આવી? સિમ્પસનના પોતાના શબ્દોમાં સાંભળો: “મને મારા અવાજ જેવો લાગતો એક બીજો અવાજ સંભળાતો હતો. જે મને િંહમત આપતો હતો. એક એક ફૂટ આગળ વધવા માટે મને એ અવાજે િંહમત આપી. થોડા સમય પછી તો મને રીતસરની કોઈ માણસની હાજરી અનુભવાતી હતી. એ અદ્રશ્ય અવાજ અને અદ્રશ્ય હાજરીની કંપની હતી અને હું બેઝ કેમ્પ સુધી જીવતો પહોંચી શક્યો.”

પર્વતારોહકોને, સાહસિકોને, દરિયામાં ફસાઈ ગયેલા સર્વાઈવરોને આવા અનુભવો થયા છે. વિજ્ઞાન પાસે આવી અનુભૂતિના કારણોનો કોઈ ઠોસ જવાબ નથી. મનોવિજ્ઞાનીઓએ પોતાની રીતે તર્ક લગાવીને આવું થવાની અમુક થીયરીઓ રજૂ કરી છે ખરી. મહાન કવિ ટી.એસ. ઇલિયોટે તો ’ધ વેસ્ટ લેન્ડ’ નામના કાવ્ય સંગ્રહમાં આ અનુભૂતિ ઉપર કવિતા લખી છે: “હુ ઇઝ ધેટ થર્ડ પર્સન હુ વોક્સ ઓલ્વેઝ બિસાઇડસ યુ?
જ્યારે હું જોઉં છું ત્યારે હું ને તું એમ બંને જ હોઈએ છીએ પણ જ્યારે હું સફેદ રણમાં આગળ જોઉં છું ત્યારે તારી સાથે કોઈ ચાલતું જ હોય છે. એક મોટા પહોળા કથ્થઈ પહેરણમાં સજ્જ એ પુરુષ છે કે સ્ત્રી ખબર નથી પડતી, પણ તું તો કહે કે તારી બાજુમાં છે કોણ?” શેકલટનના જ અનુભવો ઉપરથી ટી.એસ. ઇલિયટે ૧૯૨૨ માં કવિતા લખી હતી જેનો રફ ભાવાનુવાદ કરવાની કોશિશ કરી.

એક પર્વતારોહકે રસપ્રદ નિરીક્ષણ એવું શેર કર્યું કે– ’થોડા સમય પછી અમારી ચારની ટીમની હું મિિંટગ લઉં તો મને મારી નજર સામે ત્રણ જ દેખાય. હું થોડી સેકંડો માટે રઘવાયો થઈ જઉં કે ચોથો માણસ ક્યાં? પછી ખ્યાલ આવે કે એ ચોથો તો હું જ છું!’ અમુક કપરાકાળમાં માણસની ઓબજેટકીવિટી વધી જતી હશે અને સબજેક્ટીવિટી ઓછી થઈ જતી હશે. સરળ શબ્દોમાં કહીએ તો સાક્ષીભાવ પરાકાષ્ઠાએ પહોંચી જતો હશે માટે જ પોતાની આવૃત્તિ જેવી બીજી વ્યક્તિ કે પોતાના જેવો અવાજ સંભળાવા લાગતો હશે. આ સ્ક્રીઝોફ્રેનીયા કે સ્પ્લિટ પર્સનાલિટીના દર્દીઓ નથી. પણ માનસિક – શારીરિક તકલીફોના એ શિરોિંબદુએ પહોંચેલા જવાંમર્દો હોય છે જેને પોતાની જ જાતને કંપની આપીને જુસ્સો ટકાવી રાખે છે. પોતાની જાત સાથે વાતચીત તો લગભગ બધા કરતાં હોય. પણ આ તો એવી અનુભૂતિ જે નજર સામે દેખાય અને સંભળાય. માટે એવા અનુભવને ધ થર્ડ મેન કહ્યો. ક્રિકેટની ગેમ હોય કે જીંદગીની રમત, થર્ડ અમ્પાયર હંમેશા સાથે જ હોય છે.

સમુદાયોને આવા થર્ડ મેનને અમ્પાયર જાહેર કરીને ભગવાન ઘોષિત કરી દિધો હોય એવું બને. ગાર્ડિયન એન્જલ કે ઈશ્ર્વરી શક્તિ કે કોઈ દેવની કૃપા એવું પણ લાગ્યું હોઇ શકે. પણ સ્વતંત્ર બુદ્ધિ ધરાવતા માણસ તરીકે એ વિચારવાનું રહે કે કોઈ આપણી અંદર છે જે આપણને નિરાશ થવા દેવા નથી માંગતું. કોઈ છે જે આપણને એકલું પાડવા નથી દેતું. કોઈ છે જે આપણને હારી જતા જોવા માંગતું નથી. એ કોઈ આપણી અંદર છે. સમય, સંજોગો અને આપણી ઈચ્છા શક્તિ તેને અંદરથી બહાર લાવીને જાગૃત કરે છે અને પછી તે એવો ચમત્કાર આપણી પાસે કરીને બતાવે છે કે દુનિયા જોતી રહી જાય. પણ ક્યારેક કોઈ સંબંધ, કોઈ સમય, કોઈ સ્થિતિ એવી પણ આવી જતી હશે ને કે એ વ્યક્તિ, એની જાત અને એની અંદર રહેલો થર્ડ મેન ત્રણે ત્રણના રામ રમી જતા હશે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…