ઘરવાળી સામે બળવો કરવાનો નવા વરસે સંકલ્પ કરો તો ખરા મરદ માનું!!!
વ્યંગ – ભરત વૈષ્ણવ
નવું વરસ. તુંડે તુંડે મર્તિભિન્ના એમ સંસ્કૃતમાં કહેવાય છે. આ બાબત નવા વરસને પણ ફીટ બેસે છે. દરેક માટે નવું વરસ એકસમાન નથી. અમુક લોકો માટે જુલિયન, રોમેન અને ગેગ્રોરિયન કેલેન્ડર મુજબ પહેલી જાન્યુઆરી નવું વરસ છે. તમુક માટે કારતક માસનો પ્રથમ દિવસ નવું વરસ છે. અમુક માટે ચૈત્ર સુદ એકમ એટલે કે ગૂડી પડવો નવું વરસ છે. અમુક માટે નવરુંધૂપ નવું વરસ છે. ખેડૂતો અખાત્રીજને નવું વરસ માને છે. સહકારી પ્રવૃત્તિ માટે પહેલી જુલાઈ નવું વરસ છે. નાણાકીય વરસ માટે પહેલી એપ્રિલથી નવું વરસ શરૂ થાય છે.અમુક માટે હીબ્રુ કેલેન્ડર મુજબ નવું વરસ છે! યહૂદી, મુસ્લિમ માટે નવું વરસ અલગ છે. કેરલ જેવા રાજ્ય માટે પોંગલ નવું વરસ છે. કચ્છી લોકો માટે અષાઢી બીજ નવા વરસનો પહેલો દિવસ છે.નેતા માટે ચૂંટણીમાં જીત મળી એ નવું વરસ શરૂ થાય છે!!! પ્રેમીઓ માટે જ્યારે પ્રેમિકા મળે ત્યારથી નવું વરસ શરૂ થાય છે. લાંચિયા માટે લાંચ મળે એ દિવસ નવા વરસનો પહેલો દિવસ છે!!
નવા વરસની ઉજવણી મીઠાઇ, નવા વસ્ત્રાલંકાર, ફટાકડા, રંગોળી, ધૂમધડાકા અને ચાર બોટલ વોડકા કામ મેરા રોજકાથી થાય છે. લોકો ખાલી પીલી પેટ્રોલ બાળી ગર્મજોશીથી ભેટીને પરસ્પર નવા વરસની શુભેચ્છા, અભિનંદન અને મુબારકબાદી પાઠવે છે. જો કે, આ જોશ, ઝનૂન, ઉમંગ સોડા વોટરના ઊભરા જેવો ક્ષણિક અને નાશવંત હોય છે.પછી આખું વરસ મેસેજ, ફોન કોલ્સ કે રૂબરૂ સાક્ષાત્કાર કરતા નથી, તે યહ કહાની ફિર સહી હોય છે!!!
નવું વરસ સાલ્લુ ખરજવું છે? જેને ખરજવું થાય તેને વારંવાર વલૂરવાની ખણ ઊપડે છે. નવા વરસ અને સંકલ્પ લેવા વચ્ચે ચોલી અને દામનનો સંબંધ છે. બધાને ખબર છે કે લગ્ન લાકડાના લાડુ છે. જે ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય!! આવું જ નવા વરસના સંકલ્પોનું છે. જો તમે સંકલ્પ ન લો તો નિઠલ્લા, નકામા અને સંગદિલ છો. નવા વરસના સંકલ્પ લીધા હોય અને સંકલ્પ સિદ્ધિ માટે પાપડ વણો તો તમે દેવાનુમર્પ્રિય એટલે કે મૂર્ખ છો!! સંકલ્પ પાલન ન કરો તો બેદરકાર છો. જાયે તો જાયે કહાં , સમજેગા કાન યહાં દર્દભરી દિલ કી જુબાં ગીત જેવા હાલાત બને છે.
નવા વરસે કેવા પ્રકારના સંકલ્પો લેવા એ પણ યક્ષ પ્રશ્ર્ન છે. કેમ કે મોટા ભાગે સહેલા સંકલ્પો લેનાર ઘેટા ટાઇપના લોકો બહુમતીમાં છે. જેમ કે સવારે વહેલા ઊઠવું . ભાઇ વહેલા ઉઠાવે શું કાંદા કાઢશો?? સાહેબ ચાર વાગ્યે ઊઠે છે. અઢાર કલાક કામ કરે છે. તેમના શબ્દોમાં પ્રધાન સેવક કે ચોકીદાર છે. અઢાર અઢાર કલાક કામ કરવા માટે વઝીરેઆલા એટલે કે પ્રધાનમંત્રી થોડાં થવાય?? અમિતાભ પણ સંકલ્પ લીધા સિવાય ચાર વાગ્યે ઊઠી જાય છે. અનિંદ્રાના રોગીના પડખા ઘસતાં ઘસતા માંડ રાતના એક બે વાગ્યે ઊંઘ આવે અને ઊંઘ પૂરી થયા પહેલાં પથારી છોડવી પડે!!! સરાસર ગલત અને નાઇન્સાફી છે!!
ઘણા લોકોને શરીર સૌષ્ઠવ સુદ્રઢ કરવાના ધખારા હોય છે. આપણા સદાબહાર હાસ્યલેખક જયોતિન્દ્રભાઇ દવે જેવું સળેકડા જેવું શરીર હોય. કસરત કરે તો બિસ્માર થઇ જાય. અમારા ગાંધીનગરમાં લોકો વહુઘેલા જેવા ચાલવાઘેલા કે પ્રગલ્લભ હોય છે. સવારે સાંજે અર્ધો કિલોમીટર ચાલો એ બરાબર છે. ગાંધીનગરમાં તો દિવસમાં હાફ મેરેથોન જેટલું ચાલે. પછી ની રિપ્સેસમેન્ટ કરાવવાની નોબત આવે. અતિ સર્વત્ર વર્જયતે એ સૂત્ર પણ આત્મસાત કરી કસરત કરો.
આજકાલ વર્ક આઉટ અને જિમમાં કસરત કરવાનો ક્રેઝ છે. બોડી સિકસ એપ કે એઇટ એપ બનાવીને તમારે કયા ઝંડા ગાડવા છે? કપિલદેવે , સૌરવ ગાંગુલી જેવી સેલેબ્રિટીને જિમમાં જ સ્ટ્રોક આવેલ છે. ત્વરિત સારવાર અને સુશ્રુષા મળવાથી જીવ બચ્યો છે. બીજા ઘણા લોકોના નિધન થયેલ છે. કસરત બાબતે શ્યામ રંગ સમીપે ન જાવું મારે કસરત રંગ સમીપે ન જવું એવો સંકલ્પ લેવો. દેખવું નહીં ને દાઝવું નહીં. અગર મગર ન રહેગા બાંસ ન રહેગી બાંસુરી!!!
તમે સ્વયં સત્યવાદી હરિશ્ર્ચંદ્ર કે હરિશ્ર્ચંદ્રના સીધી લીટીના વારસદાર નથી. સત્યનું મુખ કનકપાત્રથી બાંધેલું છે. સત્ય કરતાં અસત્યની ચાલ બુલેટ ટ્રેનની સ્પીડ જેવી હોય છે. સત્યનો મારગ છે શૂરાનો નહીં જૂઠાનું કામ જોને!! જીવન સંકુલ છે. જીવનમાં ડગલે ને પગલે અનિવાર્યર્પણે જૂઠું બોલવું પડે છે. ત્યાં માત્ર સત્ય અને સત્ય બોલીશ એવા બાલિશ સંકલ્પોથી તમે ક્ષણભરમાં ચ્યુત થવાના છો. પછી આવા સંકલ્પ બંકલ્પ લેવાના તાયફા કરવાની શી જરૂર છે.
તમે સ્વ પ્રેરણાથી સંકલ્પ લો અને બીજાને ઇમ્પ્રેસ કરવા સંકલ્પ લો. એ પરિસ્થિતિ સ્વીકાર્ય અને આવકાર્ય નથી.
પ્રેમી પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા ચાંદ તારા તોડવાનો સંકલ્પ લે તો તે સંકલ્પ ક્યારેય પરિપૂર્ણ થવાનો નથી. એક મુસ્લિમ મહિલાનો પુત્ર બીમાર પડ્યો. તેણે પુત્ર સાજો થશે તો અલ્લા મિંયાને આકાશ જેટલી રોટી ખવડાવવાનો સંકલ્પ કર્યો. બાળકે સંકલ્પ સાંભળ્યો. તેના બાળમનમાં સંશય થયો. આકાશ જેવડી રોટલી બનાવવા અમ્મીજાન આવડી પાટલી વેલણ ક્યાંથી લાવશે? તેણે તેનો સંશય અમ્માને કહ્યો. અમ્મી ઉવાચ કે મૈં તો અલ્લા મિંયાકો ફૂસલાતીથી!!! આ પ્રકારના લલચામણા, છેતરામણા,લપસણા સંકલ્પો લેવાથી બચીએ તો સારું રહે. બાકી રબ દી અગર અલ્લાની મરજી!!
આપણે મોટા સંકલ્પો જ લેવા. રશિયા-યુક્રેનના યુદ્ધમાં યુદ્ધ વિરામ કરાવીશ. ગલવાન ઘાચીમાંથી ચીનને ચુહાની માફક ભગાડીશ. એક ડૉલર બરાબર એક રૂપિયાનો એક્સચેન્જ રેટ કરાવીશ. રાતે મેઘ ધનુષ દેખાડીશ. સૂરજ ઉત્તરમાં ઉગાડીશ અને દક્ષિણમાં આથમાવીશ!! અમાસે પૂનમ જેવી ચાંદની રેલાવીસ!!
નવા વરસે દુનિયા બદલવાના ધખારા હોય તો અમે સૂચવેલ ખતરા અખતરા કરવાના સંકલ્પ લઇ જુઓ!!
૧. સખીના ઘરનો બગડેલ નળ બદલી કાઢો
૨. એક કામ કરો બધાં વૃક્ષોના મૂળિયા ઉપર કરી નાખો,
૩. એક કામ કરો આભને નીચે ને ધરતીને ઉપર કરી નાખો,
૪. એક કામ કરો સાંજ ને સવાર ઊલટ પુલટ કરી નાખો,
૫. એક કામ કરો સૂરજને મહાસાગરમાં ડૂબાડી નાખો,
૬. એક કામ કરો રોટલીની સાઈઝ ત્રિકોણ કરી નાખો,
૭. એક કામ કરો ગોળ ઈડલીની સાઈઝ ષટ્કોણ કરી નાખો,
૮. એક કામ કરો, સમોસાની સાઈઝ ગોળ કરી નાખો,
૯. એક કામ કરો, મરઘી કે ઈંડું કોણ પહેલું તે નક્કી કરી નાખો,
૧૦. પહેલાં તમારી જાત ને પછી દુનિયા બદલી નાખો.
ખરેખર સંકલ્પ લેવો હોય તો ઘરવાળીની તાનાશાહી, આપખુદ, સરમુખત્યારી, ફાંસીવાદી ઝેન્થેપી જેવી એકાધિકાર માનસિકતા સામે બળવો કરીશ એવો સંકલ્પ લો તો ખરા મરદ અને ભાયડા માનું!!
બાકી અમે નીચેની કવિતા મુજબ નવા વરસના સંકલ્પ લીધા છે!!!
નવું વરસ
નવા વરસે કોઇ પણ સંકલ્પ,
ન કરવાનો મક્કમ સંકલ્પ છે.
પાછલું વરસ જીવ્યા તેમ જીવો,
તે સિવાય ક્યાં કોઇ વિકલ્પ છે?
આટલા વરસ પાણી જેમ ગયા,
ભૈ,સમયની કેવી ચીલઝડપ છે!!
જેમ તેમ કરી નવું વરસ વધાવ્યું,
પણ ચહકતી ખુશીનો લોપ છે!!
કોઇકે સંકલ્પ લીધો,છૂટકો છે?
બાકી આપણો મત તો અલ્પ છે.
કંઇ કરો ન કરો દેખાદેખીમાં ,
નવું વરસ વધાવવાની તલપ છે!!
ન વહેલા ઉઠાય ,ન વોક કરાય,
રજાઇ ન ફગાવવાનો સંકલ્પ છે?