ઉત્સવ

પોતાનામાં પ્રતિભા હોય તો બીજા કોઈની પરવા કર્યા વિના આગળ વધવા માટે કોશિશ ચાલુ રાખવી જોઈએ

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા સમય અગાઉ એક યુવાન વાચક સાથે મુલાકાત થઈ. તે મને મળવા આવ્યો એ અગાઉ મારા એક મિત્રએ મને તેની સાથે વાત કરાવી હતી. મારા મિત્રએ કહ્યું કે આ છોકરો તેજસ્વી છે, પણ તેને કોઈ તક મળતી નથી એટલે તે ડિપ્રેશનમાં સરી પડ્યો છે. તેને જીવન ટુંકાવી લેવાના વિચારો આવે છે. તમે એક વાર તેની સાથે વાત કરી જુઓ. તે યુવાન મને મળવા આવ્યો ત્યારે તેણે તેની આજુબાજુના લોકો પ્રત્યે આક્રોશ ઠાલવ્યો. તેણે કહ્યું કે મારે કંઈક નવું કરવું છે, પણ કોઈ મારો હાથ પકડવા તૈયાર નથી. એમાંના કેટલાક તો મને કહે છે કે “તું ગાંડીઘેલી વાતો કરે છે એને બદલે કોઈ નોકરી શોધી લે. તે યુવાન ભણવામાં બહુ નબળો હતો એના આધારે તેના સગાંવહાલાં અને પરિચિતોને લાગતું હતું કે તે કશું કરી નહીં શકે.

જો કે તે યુવાનને મળ્યા પછી મને લાગ્યું કે તે ખરેખર પ્રતિભાશાળી છે. તે યુવાને કેટલાક આઇડિયાઝ વિષે વાત કરી. મને સમજાયું કે તે યુવાન ખરેખર કશુંક કરી શકે એમ છે, પણ તેની ધીરજ ખૂટી ગઈ છે.

મેં તેનો કેટલીક વ્યક્તિઓ સાથે સંપર્ક કરાવ્યો અને તે યુવાનને મદદરૂપ બનવા માટે ભલામણ કરી. એ પછી મેં તે યુવાનને મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનના જીવનની વાત કરી. ૧૮૪૭માં જન્મેલા અને ૧૯૩૧માં મૃત્યુ પામેલા મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન તેમના જીવન દરમિયાન અઢળક વૈજ્ઞાનિક શોધો કરી ગયા, પરંતુ તેમણે પણ તેમના જીવન દરમિયાન ઘણું સહન કરવું પડ્યું હતું.

જિનિયસ થોમસ આલ્વા એડિસન બાળક હતા અને સ્કૂલમાં અભ્યાસ કરતા હતા એ વખતે તેમના માટે તેમના શિક્ષકનો અભિપ્રાય આઘાતજનક હતો. એડિસનને તેની માતાએ સાત વર્ષની ઉંમરે સ્કૂલમાં ભણવા મુક્યા હતા. એડિસન માંડ ત્રણ મહિના સ્કૂલમાં ગયા ત્યાં તેમના શિક્ષકે તેમના નામનું નાહી નાખ્યું. તેમણે એક દિવસ એડિસનની માતાને બોલાવીને કહી દીધું કે તમારો દીકરો ઠોઠ નિશાળિયો છે. તેને અમે નહીં ભણાવી શકીએ. તમે તેને બીજી કોઈ સ્કૂલમાં લઈ જાઓ, જોકે બીજી કોઈ સ્કૂલ પણ એને સંઘરવા તૈયાર નહીં થાય!

શિક્ષકના એ શબ્દોથી એડિસનની માતાને આઘાત લાગ્યો. જો કે એ અડિયલ શિક્ષકના કડવા શબ્દોથી એડિસનની માતા નિરાશ ન થઈ. કારણે કે તેને પોતાના દીકરાની બુદ્ધિક્ષમતા પર અગાધ વિશ્ર્વાસ હતો.

તેણે દીકરાને કહ્યું કે આ સ્કૂલના શિક્ષક તને ભણાવી શકે એટલા સમર્થ નથી એટલે હવે હું તને ઘરે ભણાવીશ. અને એડિસનની માતાએ તેમને જાતે જ ભણાવવાનું ચાલુ કર્યું. તેમણે એડિસનને વિજ્ઞાનથી માંડીને બધા વિષયોનું જ્ઞાન આપ્યું.

માતાની પાસે ભણવામાં એડિસનને પણ મજા આવવા લાગી. તેઓ ૧૦ વર્ષના થયા ત્યારે તેમને ભૌતિકશાસ્ત્રમાં ઊંડો રસ પડી ગયો. તેમણે ઘરમાં નાનકડી પ્રયોગશાળા બનાવી અને એમાં તેઓ ચિત્ર-વિચિત્ર પ્રયોગ હાથ ધરવા લાગ્યા.

તેમના કુટુંબની આર્થિક સ્થિતિ બહુ જ નબળી હતી એટલે તેમને થયું કે મારે કશુંક કરવું જોઈએ. તેમણે બાર વર્ષની ઉંમરે રેલવે સ્ટેશન્સમાં અને ટ્રેનમાં અખબારો અને બીજી વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું.

થોમસ આલ્વા એડિસને અમેરિકામાં ઘણી બધી તકલીફો ભોગવવી પડી, પરંતુ તેઓ હિંમત હાર્યા વિના કામ કરતા રહ્યા અને મહાન વૈજ્ઞાનિક તરીકે પોતાનું નામ અમર કરી ગયા. તેમણે સેંકડો શોધની પેટન્ટ રજિસ્ટર કરાવી. તેમના નામે કોઈ પણ વૈજ્ઞાનિક કરતાં વધુ પેટન્ટ્સ બોલે છે. તેમને સ્કૂલમાંથી કાઢી મૂકનારા ઘેટા જેવા શિક્ષકને કોઈ નથી ઓળખતું!


માણસમાં પ્રતિભા હોય તો બીજા લોકોનો તેમના પ્રત્યેનો અભિગમ કોઈ મહત્ત્વ નથી ધરાવતો. પ્રતિભાશાળી વ્યક્તિ વિષમ સંજોગોમાં પણ પોતાનો રસ્તો શોધી જ લેતી હોય છે. પોતાનામાં પ્રતિભા હોય તો બીજા કોઈની પરવા કર્યા વિના, હિંમત હાર્યા વિના આગળ વધવા માટે કોશિશ ચાલુ રાખવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button