ઉત્સવ

ખૂશી નામે ખૂફિયા ખજાનો મિલે તો જી લે, યારોં!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ:
ફરિયાદ અને યાદ, જીવનમાં જીવવા ના દે. (છેલવાણી)
તમે ખુશ છો? આઇનામાં પૂછો. જવાબ જે મળે એ તમને પહેલાંથી જ ખબર છે. કરેક્ટ?

એક માણસ બારમાં દારૂના પેગ પર પેગ પી રહ્યો હતો. વેઇટરે પૂછ્યું, ‘સર, આજે દારૂ? બધું બરાબર છેને?’
‘પત્નીએ કહ્યું કે હું ૧ મહિનો તારી સાથે વાત નહીં કરું…’
‘આ તો ખુશીની વાત છે.’ વેઇટરે કહ્યું.
‘હા, પણ કાલે ૧ મહિનો પૂરો થશે!’
………..એટલે ખુશી કોને ક્યાં મળે એની કોઇ ફેંફડાંફાડ ફોર્મ્યૂલા નથી. જૂતાં જેને જ્યાં ડંખે એને જ સમજાય, એમ ખુશી કોને ક્યારે ને ક્યાંથી મળે એને જ સમજાય.

માશૂકાની ગાલની લાલીથી, ખિસ્સાં ખાલી કે ભરેલાં હોય સુધી દરેકની ખુશીની વ્યાખ્યા જુદી હોય છે. સૌની ફિંગર-પ્રિંટ અલગ એમ ખુશીનાં ખયાલી પુલાવીનાં ખ્વાબ અલગ!
આ લેખ વાંચીને તમને ખુશી મળશે જ એમ ધારીને લખું છું, પણ ત્યારે એમ પણ થાય છે કે હેપીનેસ ઉર્ફ ખુશી એટલે એક્ઝેટલી શું?

જો કે આનો જવાબ જગતભરના ફિલોસોફરોના કાફિલા પાસે પણ નથી. જગતને હસાવનારો રોબિન વિલયમ્સ નામનો અભિનેતા-કોમેડિયન કે પછી વિશ્ર્વનાં મર્દોની માદક તન-મનપરી મેરેલીન મનરોએ ૪૦ ઊંઘની ગોળી ખાઇને આત્મહત્યા કરેલી તો પછી ખુદાને પૂછવાનું મન થાય કે કમબખ્ત ખુશી ક્યા ચીઝ હૈ રે? ઇન શોર્ટ ખુશી, લાગણી બેકાબૂ કે હાથથી સરકતા સાબુ જેવી છે.
એક જંગલમાં એક દિવસ કાગડાએ સફેદ હંસને તરતા જોયો ને વિચારવા લાગ્યો-
‘આ હંસ કેટલો સફેદ ને સુંદર છે ને હું કાળો બદસૂરત!’

કાગડો હંસ પાસે ગયો ને એની વાત સાંભળીને હંસે કહ્યું, ‘ના ભાઇ, પહેલાં મને યે લાગતું કે હું દુનિયાનું સૌથી સુંદર પક્ષી છું. પણ એક દિવસ મેં પોપટને જોયો તો પછી મને થયું કે પોપટ જ દુનિયાનું સૌથી ખુશ પક્ષી છે.’ પછી કાગડાએ પોપટ પાસે જઇને પૂછ્યું, ‘શું તું દુનિયાનું સૌથી ખુશ પક્ષી છે?’

પોપટે કહ્યું, ‘ના..જ્યાં સુધી મેં મોરને જોયો નહોતો ત્યાં સુધી હું પણ એમ જ માનતો હતો.’ પછી કાગડો મોરને શોધતાં શોધતાં કાગડો એક પ્રાણીસંગ્રહાલયમાં પહોંચ્યો ને ત્યાં જોયું કે પાંજરામાં પુરાયેલા ખૂબસૂરત મોરને જોવા અનેક લોકો આવેલા. કાગડો મોર પાસે ગયો ને કહ્યું, તું કેટલો નસીબદાર છે. તારી સુંદરતાને કારણે તને જોવા રોજ હજારો લોકો આવે છે. મને તો લોકો, આસપાસ ભટકવા પણ નથી દેતા. શું તું દુનિયાનું સૌથી ખુશ પક્ષી છે?’

ત્યારે મોરે કહ્યું, ‘મારી આ સુંદરતા જ મારી દુશ્મન બની ગઈ ને હું આ પાંજરામાં કેદ છું. આ ઝૂમાં આવ્યા પછી મેં જોયું કે તારા જેવો કાગડો જ એક પક્ષી છે જે કેદમાં નથી! કાશ, હું કાળો બદસૂરત કાગડો હોત, તો કમસેકમ આઝાદીથી ખુલ્લામાં ફરી શકત ને દુનિયાનું સૌથી ખુશ પક્ષી હોત!’

ઇંટરવલ:
ગમ ઔર ખુશી કા ફર્ક ના મહેસૂસ હો જહાં, મૈં દિલ કો ઉસ મકામ પે લાતા ચલા ગયા. (સાહિર) અર્થાત્ ૫૦૦૦૦ કરોડની આપણી લાઇફમાં માત્ર ૫ ટકાનો પ્રોબ્લેમ એ છે આપણે હંમેશાં બીજાને જોઈને નક્કામાં પોતાની સરખામણી બીજા સાથે કરીએ છીએ અને દુ:ખી થતા હોઈએ છીએ. બીજા પાસે જે હોય એને જોઈને દુ:ખી થવા કરતાં આપણી પાસે જે છે એની સાથે ખુશ રહેવું જોઈએ. બાય ધ વે, એ સિવાય ઉપાય પણ શું છે?

એક રાજાને દરબારમાં મંત્રી સાથે મતભેદ થયો. મંત્રી દરબાર છોડીને જતો રહ્યો. રાજાને મંત્રી પર બહુ ગુસ્સો આવ્યો. સિપાહીઓ સાથે મંત્રીને સંદેશ મોકલાવ્યો કે આજે સાંજે ૬ વાગ્યે એને ફાંસી આપવામાં આવશે.

રાજાના સિપાહીઓ મંત્રીના ઘરે સંદેશો લઈને ગયા. મંત્રીના ઘરે પ્રસંગ ચાલતો હતો. બધાં મિત્રો અને સગાંવહાલાં આનંદમાં હતા. એક સિપાહીએ મંત્રીને રાજાનો હુકમ સંભળાવ્યો. રાજાનું આ ફરમાન સાંભળીને ત્યાં બધાં મહેમાનો ઉદાસ થઈ ગયા પણ મંત્રી જરા યે દુ:ખી ન થયો. એણે કહ્યું, ‘ચાલો સારું થયું કે ફાંસી ૬ વાગે છે. ત્યાં સુધી તો આપણે આજના પ્રસંગનો આનંદ માણીએ.’
બધાંએ મત્રીને કહ્યું, ‘તમે પાગલ છો? શું બકી રહ્યા છો? તમને ૬ વાગ્યે ફાંસી થશે ને અમે ખુશીથી પ્રસંગ માણીએ?’

મંત્રીએ કહ્યું, ‘જુઓ ભાઈ, મરવાનું તો છે જ! તો ૬ વાગ્યા સુધીનો સમય ખુશીથી પસાર કરીએ. હવે મારે એક મિનિટ પણ વેડફવી નથી.’
આ વાત રાજા સુધી પહોંચી. રાજા, મંત્રીના ઘરે ગયા. ત્યાં જઈને જોયું તો બધાં મજા કરતાં હતાં. રાજાએ મંત્રીને પૂછ્યું, ‘શું તું ગાંડો થઈ ગયો છે? ૬ વાગ્યે તને ફાંસી આપવાના છે ને તું ઉજવણી કરી રહ્યો છે?’

મંત્રીએ વિનમ્રતાથી કહ્યું, ‘મહારાજ, તમારો ખૂબ આભાર કે તમે ફાંસીનો સમય સાંજે ૬ વાગ્યાનો રાખ્યો. મારી પાસે સાંજ સુધીનો જે સમય છે તો એને હું દુ:ખી થઈને કેમ વેડફી નાખું? હું રાજીખુશી એને પસાર કરવા માગું છું.’

મંત્રીની વાત સાંભળી રાજાએ કહ્યું : ‘જે માણસ જીવનની દરેક ક્ષણને હજી યે ખુશીથી જીવવા માંગે છે એને મોતની સજા માટે વાર કેમ? હમણાં જ આપી દો!’
ખુશી ક્યારેક બદહાલ જીવન જીવાડે છે કે તો ક્યારેક એનાં અભાવે રીબાવે છે. એ નથી પૈસામાં, નથી સત્તામાં કે એ નથી લાખોનાં સૂટબૂટમાં કે કરોડોનાં સમારંભની ઉછીની વાહવાહીમાં. એ મનમાં છે તો છે, નથી તો નથી.

એંડ-ટાઇટલ્સ:
આદમ: તું મારી સાથે ખુશ છે?
ઈવ: ક્યારે?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button