ઉત્સવ

કશું ન નીપજે એકથી, ફોકટ મન ફુલાય,કમાડ અને તાળું મળી ઘરનું રક્ષણ થાય

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

કાવ્ય – કવિતાને રસ ઉત્પન્ન કરનારી વાણી તરીકે અનન્ય ઓળખ મળી છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ કહેવતનો ઉપયોગ ભલે મજાકના સ્વરમાં કે કટાક્ષ સ્વરૂપે થતો હોય, એનો ભાવાર્થ ઘણો ઊંડો છે. એ જ પ્રમાણે ઉક્તિ કે લોકોક્તિ જેવા પર્યાયવાચક શબ્દ ધરાવતી કહેવતમાં અનેક વાર જીવનની ફિલસૂફી વણાયેલી જોવા મળે છે. કહેવત અને કવિતાનો સમન્વય થાય ત્યારે ભાષા એના સ્વરૂપમાં તેમજ એના ભાવાર્થમાં કેવી ઊંચાઈ હાંસલ કરે છે એ આપણે છેલ્લા કેટલાક હપ્તામાં જોયું. આજે કવિતા – કહેવતનો સિલસિલો આગળ વધારીએ. માનવ સ્વભાવના બોલવા અંગેના લક્ષણો ચરિતાર્થ કરતી કાવ્ય પંક્તિઓ છે કે અતિશે નહીં બોલના, અતિશે નહીં ચૂપ, અતિશે નહીં બરસના, અતિશે નહીં ધૂપ. વધુ પડતું બોલવું નહીં, સાવ ચૂપ પણ નહીં રહેવું, અતિશય વરસાદ પણ સારો નહીં અને વધુ પડતો તડકો પણ સારો નહીં એ આવશ્યકતા પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. એકંદરે કોઈપણ બાબતમાં અતિરેક આવકારદાયક નથી એવો સુંદર સંદેશ આ પંક્તિઓ આપી જાય છે. અતિરેક એટલે આફતને નોતરું. મનુષ્ય સ્વભાવ અને પ્રકૃતિ વિશે વાત કરતી પંક્તિ છે કે આભ ગાભ ને વર્ષાકાળ, સ્ત્રીચરિત્ર ને રોતાં બાળ, એની પરીક્ષા જે કોઈ કરે, તેને ઘેર સહદેવ જોષી પાણી ભરે. કેટલીક બાબતોનું અનુમાન કરવું કે એને ઓળખવું – સમજવું મુશ્કેલ જ નહીં નામુમકિન હોય છે એ આ પંક્તિઓ સમજાવે છે. આભ એટલે આકાશ અને ગાભ એટલે વાદળ. આકાશમાં જમા થયેલા વાદળો ક્યારે વર્ષાકાળ શરૂ કરશે એનો અંદાજ બાંધવો અત્યંત મુશ્કેલ કામ છે. એ જ રીતે બાળક શા માટે રડે છે તેમજ સ્ત્રીનો સ્વભાવ સમજવો કે એનું અનુમાન કરવું પણ મુશ્કેલ છે. એમાં જો કોઈ સફળતા મેળવે તો સહદેવ જોષી એટલે કે જ્યોતિષ તેના ઘરે પાણી ભરે મતલબ કે આ કામ ત્રિકાળજ્ઞાની સહદેવ માટે પણ સંભવ નથી. હું કરીશ હું કરીશ એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે એ શ્રી નરસિંહ મહેતાની પંક્તિઓ સાથ – સહકારની ભાવના અને એકલપંડે નહીં, પણ સહકાર્યથી કામ ઉકેલાઈ જાય એ વાત પર ભાર મૂકે છે. કશું ન નીપજે એકથી, ફોકટ મન ફુલાય, કમાડ ને તાળું મળી ઘરનું રક્ષણ થાય પંક્તિમાં એ ભાવ સુપેરે પ્રગટ થાય છે. માત્ર કમાડ એટલે કે બારણાં વાસવાથી કે માત્ર પાસે તાળું હોય એનાથી ઘરનું રક્ષણ નથી થતું. કમાડ વાસી એને તાળું મારવાથી ઘરની સુરક્ષા થાય છે. સાથી હાથ બઢાનાનો ભાવ છે. અનેક વર્ષો ગામડાની ખુલ્લી હવામાં, ખેતરોમાં અને વિશાળ ઘરમાં રહેવાની આદત પડી હોય એને ઘોંઘાટ અને પ્રદૂષણ ધરાવતા શહેરના વન બીએચકે ફ્લેટમાં રહેવાનું કહો તો એને બે દિવસમાં ગૂંગળામણ થવા લાગે. આ લાગણી કાવ્ય પંક્તિ આંબાડાળે કોયલ રાજી, મચ્છી રાજી જલમાં, ઘરબારી તે ઘરમાં રાજી, જોગી રાજી જંગલમાં આબાદ રજૂ થાય છે. ‘મારું વનરાવન છે રૂડું’ જેવી વાત છે. (વધુ કવિતા કહેવત આવતા સપ્તાહે).

IDIOMS IN LITERATURE

કોઈ પણ ભાષાના સાહિત્યમાં શબ્દોના સાથિયા પૂર્યા હોય, સજાવટ થઈ હોય, અલંકાર વપરાયા હોય એ બધું સહજ અને સ્વાભાવિક છે. અંગ્રેજી ભાષા પણ આમાં અપવાદ નથી. વિલિયમ શેક્સપિયર હોય કે એન્ટોન ચેખોવ હોય કે પછી ડી એચ લોરેન્સ – અર્નેસ્ટ હેમિંગ્વે હોય, અલંકારીક ભાષાના ઉપયોગમાં મીનમેખ નહીં. મોટાભાગના સર્જકોએ તેના લખાણમાં કહેવત – રૂઢિપ્રયોગ (Idioms and Phrases)નો ઉપયોગ અવશ્ય કર્યો છે. સમકાલીન અંગ્રેજી લખાણોમાં વિલિયમ શેક્સપિયરની રજૂઆતમાં આવેલી કહેવતો સૌથી વધુ ચલણમાં જોવા મળે છે. શેક્સપિયરની પ્રસિદ્ધ કૃતિ ‘ઓથેલો’માં ઠયફિ ખુ ઇંયફિિં ઘક્ષ ઝવયશિ જહયયદયWear My Heart On Their Sleeve પ્રયોગ નાટકના કાવ્ય વિભાગમાં આવે છે. ઈયાગો નામનું પાત્ર કહે છે કે જો પોતે ઓથેલો માટેનો પોતાના મનમાં રહેલો ધિક્કાર વ્યક્ત કરશે તો એ કેવો ભાંગી પડશે એવો નાટકમાં એનો અર્થ છે. આજે જો કોઈ વ્યક્તિ પોતાની લાગણી ન છુપાવે મતલબ કે હૈયે હોય એ જ હોઠે આવે એવી વ્યક્તિ માટે આ પ્રયોગ વપરાય છે. બીજો પ્રયોગ છે Mad as a Hatter જે ૧૯મી સદીમાં લખાયેલી બાળકોની નવલકથા Alice’s Adventures in Wonderlandમાં જોવા મળે છે. કોઈ બાબત સાથે વધારે પડતા સંપર્કને કારણે એ માટેનો અભિપ્રાય બદલાઈ જાય એ દર્શાવવા આ પ્રયોગ વપરાય છે. Love is Blind પ્રયોગ અનેક જગ્યાએ લખાયો છે, અનેક લોકો દ્વારા બોલાયો પણ છે. ગુજરાતીમાં પ્રેમ આંધળો હોય છે એમ કહેવાય છે. સૌપ્રથમ ૧૪મી સદીમાં The Canterbury Tales નામના કથા પુસ્તકમાં રજૂ થયેલો આ પ્રયોગ આપણને જેના માટે અનહદની લાગણી – પ્રીતિ હોય એની અણગમતી સત્ય વાત પ્રત્યે આપણે આંખ આડા કાન કરતા હોઈએ છીએ એના માટે વપરાય છે. આજનો અંતિમ પ્રયોગ છે Break the Ice શેક્સપિયરની ખૂબ જાણીતી કૃતિ The Taming of the Shrewમાં એનો પ્રથમ ઉપયોગ થયો હતો. આજની તારીખમાં કોઈ વ્યક્તિને પહેલી વાર મળ્યા પછી એની સાથે વાતચીત શરૂ કરવા માટે અથવા ટેન્શન દૂર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે.

भरमानेवाले शब्द

हिंदी भाषा बोलने में सबसे अधिक सरल और लचीली भाषा है और इसे बोलना और समझना बहुत ही आसान है | हिंदी भाषा को लिखने के लिए देवनागरी लिपि का प्रयोग किया जाता है | ગમ્મત કરાવી જ્ઞાન આપી સમજણ વધારતા ભ્રામિક શબ્દોની મજેદાર દુનિયામાં થોડા આગળ વધીએ. આજની પહેલી જોડી છે छाजन और साजन. ફરક છે માત્ર છ અને સનો. જોકે, બારાખડીમાં છ અને સ વચ્ચે અંતર છે એમ આ બંને શબ્દના અર્થમાં પણ અંતર છે. છાજન એટલે કપડું અથવા છાપરું.  હિન્દીમાં છાપરાને છાન કે ખપરૈલ પણ કહેવાય છે. આ સિવાય આચ્છાદન કે વસ્ત્ર અથવા કપડું એવો અર્થ પણ છે. સાજન એટલે પ્રેમી, પ્રિયતમ અથવા સ્વામી. સંબંધના તબક્કા અનુસાર અર્થ નીકળે. બીજું યુગ્મ છે छत्ता और छाता. છત્તા એટલે મધપૂડો. छत्ते में शहद मिलता है। શહદ એટલે મધ. છાતા એટલે છત્રી. હવે જો કોઈ એમ કહે કે મધપૂડો મધમાખીની છત્રી છે તો ચોંકી નહીં જતા. छिड़कना और छिटकना છિડકના એટલે છાંટવું. जले पर नमक छिड़कना मुहावरे का अर्थ दु:ख पर और दु:ख देना होता है। છીટકના એટલે પ્રકાશનું ચોતરફ ફેલાઈ જવું. जैसे, चांदनी छिटकना, तारे छिटकना। હવેના યુગ્મ जनाजा और जनाना અંત્ય અક્ષરનો ફરક છે. જનાજા એટલે શબ. ગાલિબનો એક અદભુત શેર છે: हुए मर के हम जो रुस्वा हुए क्यूँ न ग़र्क़-ए-दरिया, न कभी जनाज़ा उठता न कहीं मज़ार होता. જો હું દરિયામાં ડૂબીને મૃત્યુ પામ્યો હોત તો મારા શબને કોઈ ઊંચકીને લઈ ન જાત કે ન તો મારી કબર બની હોત. જનાના એટલે સ્ત્રીને લાગતું. बस में जनाना के लिए अलग सीट होती है. जाड़ा और झाड़ा જોડીમાં જાડા એટલે શિયાળો. અને ઝાડાનો સીધો ગુજરાતી અર્થ નહીં સમજવાનો. હિન્દીમાં ઝાડા એટલે ખંખેરવું અથવા ઠપકો આપવો. આજનું અંતિમ યુગ્મ છે जितना और जीतना. ફરક છે માત્ર હ્રસ્વ ઈ અને દીર્ઘ ઇનો. જોકે, જિતના એટલે જેટલું. उस गाड़ी के बारे में जितना हो सके, उतना पता कीजिए। જીતના એટલે જીતવું. कोई हारना नहीं चाहता। सबको जीतना पसंद होता है.

तुकाराम गाथा

સંત તુકારામ 17મી સદીના વારકરી સંત કવિ હતા. તેમની રચના અભંગ તરીકે ઓળખાઈ. તેમના અભંગો મારફત લોકોને ઈશ્વર ભક્તિનો સરળ માર્ગ મળ્યો. તુકારામ મહારાજની ગાથા પણ અત્યંત લોકપ્રિય થઈ. તેમની ગાથા એટલે જીવનના વિવિધ વ્યવહારનું સૂત્ર સ્વરૂપે કરેલું માર્ગદર્શન. એમાંથી જીવનનો બોધ પણ મળી આવે છે. તેમનું બહુ જ જાણીતું અભંગ છે કે लहानपण देगा देवा । मुंगी साखरेचा रवा ।। ऐरावत रत्न थोर । त्यासी अंकुशाचा मार ।। તુકારામ મહારાજ ઈશ્વરને વિનંતી કરે છે કે હે ઈશ્વર, આ સંસારમાં જે સૌથી નાનો જીવ છે એનાથી પણ મને નાનો બનાવજે. આવી માંગણીનું કારણ એવું છે કે કીડી આકારમાં અત્યંત નાની હોવાથી એના અસ્તિત્વની નોંધ કોઈ નથી લેતું. એ સુખેથી જીવે છે અને ભોજન માટે રોજ એને સાકરની કણી મળી રહે છે. બીજી તરફ છે ઐરાવત હાથી જે સમુદ્ર મંથનમાંથી બહાર પડેલા 14 રત્ન પૈકી એક છે. એની વિશાળતા જાણી ઇન્દ્રએ તેને માંગી લઈ પોતાનું વાહન બનાવ્યો હતો. જોકે, આ અવસ્થામાં ઐરાવતના નસીબમાં તો રોજ મહાવતના અંકુશનો માર ખાવાનું અને ચૂપચાપ સહન કરવાનું જ આવ્યું. પછી આગળ તેઓ જણાવે છે કે ज्याचे अंगी मोठेपणा । तया यातना कठीण ।। तुका म्हणे जाण । व्हावे लहानाहूनि लहान ।। જે પણ મોટા ભા બનીને ફરે છે અને લોકોની નજરમાં વસી જવાની મહેચ્છા ધરાવે છે એ લોકોની નજરમાં વસે છે ખરા, પણ એનો લાભ થવાને બદલે નુકસાન વધુ થતું હોય છે. યાતનાઓ સહન કરવી પડે છે. વાહ વાહ થવાને બદલે કષ્ટ સહન કરવાનો વારો આવે છે. જે નમ્ર હોય છે અને કદમાં નાના કરતા પણ સાવ નાનું હોય છે એના નસીબમાં ગજબનું સુખ લખાયેલું હોય છે. કોઈ એની આડે ફાટતું નથી કે નથી ત્રાસ આપતું. કીડીને કણ મળી રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…