શેરબજારની વધઘટના જોખમથી ભય લાગતો હોય તો ઈક્વિટી સિવાયના મ્યુચ્યુઅલ ફંડસ વિશે વિચારવું જોઈએ…
આજકાલ મ્યુચ્યુઅલ ફંડસમાં રોકાણનો પ્રવાહ સતત વધી રહયો છે ત્યારે ઈક્વિટી સિવાયની યોજનાઓ વિશે પણ ચર્ચા વધવા લાગી છે. માર્કેટના જોખમથી મુકત રહેવા માગતા રોકાણકારો માટે આવી યોજનાઓ પર નજર નાખવા અને રાખવા જેવી છે.
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
મ્યુચ્યુઅલ ફંડસ એટલે શેરબજારમાં પરોક્ષ રીતે કરવામાં આવતું રોકાણ, જેથી માર્કેટ વધે તો ફંડની નેટ એસેટ વેલ્યૂ (એનએવી-નાવ) વધે અને માર્કેટ ઘટે તો નેટ એસેટ વેલ્યૂ પણ ઘટે આવી એક દઢ માન્યતા લોકોમાં છે, વાત સાચી પણ છે એટલે જ મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં કરાયેલું રોકાણ જોખમને આધિન છે એવું જોરશોરથી કહેવામાં આવે છે, જેને લીધે બહુ મોટો એક વર્ગ ખોટી રીતે અથવા સાચી સમજણના અભાવે ફંડસની ઈક્વિટી યોજનાઓથી દૂર રહે છે. તેમ છતાં હવે મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ ની ઝુંબેશમાં વધુ એક ઝુંબેશ ઉમેરવામાં આવી છે.
ઈક્વિટીના જોખમથી બચવાના ઉપાય મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટીલક્ષી સ્કિમના યુનિટસની નેટ એસેટ વેલ્યૂની વધઘટને ભૂલી જાવ, મ્યુચ્યુઅલ ફંડમાંથી ફિક્સડ ઈન્કમ પણ મળી શકે છે. આજકાલ આ પ્રચાર જોરમાં છે, કેમ કે નિયમનકાર ‘સેબી’ એ પણ ઈચ્છે છે કે નાના રોકાણકારો ફિક્સડ ઈન્કમવાળા મ્યુચ્યુઅલ ફંડની યોજનામાં પણ રોકાણ કરે. આવી યોજનામાં ફિક્સડ ઈન્કમ મળી શકવાનું કારણ એ છે કે આ ફંડ સરકારી સિકયોરિટીઝમાં, કોર્પોરેટ કે સરકારી બોન્ડસ વગેરે જેવાં સાધનમાં રોકાણ કરે છે, જે મહત્તમ સલામત ગણાય છે અને તેના પર નિયમિત વ્યાજ આવતું રહે છે. પરિણામે આવા ફંડસમાં રોકાણ કરનારને પણ નિયમિત ફિક્સડ ઈન્કમ મળતી રહે છે. જો કે , આ વળતરનો દર નિયત અને નિયમિત ભલે હોય, તે કેટલો ઊંચો રહે છે એ પણ સમજવું રહયું.
બાય ધ વે, જયાં રોકાણની સલામતી ઊંચી હોય ત્યાં વળતરના દર ઊંચા ન રહી શકે. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે ફંડસની યોજનાઓમાં ઈક્વિટી સાથે ડેટ અને સોનામાં રોકાણનું મિશ્રણ પણ ઓફર થતું હોય છે અર્થાત્, રોકાણકારોને એક યોજનામાં રોકાણ કરી ત્રણ એસેટસમાં રોકાણનો લાભ લઈ શકે છે : ઈક્વિટી, ડેટ (ઋણ સાધનો) અને ગોલ્ડ. આમા એમનું જોખમ પણ વહેંચાઈ જાય છે.
ઘરગથ્થું બચત પ્રવાહ ફંડસ તરફ વળશે
તાજેતરમાં મ્યુચ્યુઅલ ઉદ્યોગ હેઠળનું ભંડોળ રૂ. ૫૦ લાખ રૂપિયા કરોડ ઉપર પહોંચ્યું છે, જે હવે આગામી પાંચથી છ વરસમાં બમણું થવાનો અંદાજ છે અર્થાત્ એમ કહી શકાય કે ઉદ્યોગમાં વાર્ષિક કમ્પાઉન્ડ ગ્રોથ ૧૪ ટકા જેટલો થશે. મજાની વાત એ છે કે આ અભ્યાસ પ્રમાણે વરસ ૨૦૩૦ સુધીમાં ઘરગથ્થું બચતનું પ્રમાણ પણ વધવાનો અંદાજ છે, જેમાં રિટેલ ઈન્વેસ્ટર્સ મહત્તમ સહભાગી થશે. અલબત્ત, આ રોકાણ પ્રવાહ વધારવામાં ડિજિટાઈઝેશનની મહત્ત્વની ભૂમિકા રહી છે. બજારની તેજી અને અર્થતંત્રની મજબૂતીની ભૂમિકા પણ ખરી, પરંતુ સાથે-સાથે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ અને રિડમ્પશનની સુવિધા પણ આકર્ષણનું કારણ બની રહી છે, ખાસ કરીને નવી પેઢીના ઈન્વેસ્ટર્સ આ માર્ગ વધુ પસંદ કરે છે.
હરીફાઈ ગુણવત્તા સુધારવામાં નિમિત્ત
મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓનો ફેલાવો કે પ્રમાણ દેશના જીડીપીના માત્ર ૧૫ ટકા જેટલા છે, જે ગ્લોબલ સ્તરના ૭૪ ટકા કરતાં નોંધપાત્ર નીચું કહેવાય. આ હકીકત ધ્યાનમાં લેતા તેમાં વૃદ્ધિનો અવકાશ કેટલો ઊંચો છે તેનો અંદાજ આવી શકે છે. ૨૦૩૦માં ભારતનો જીડીપી ૧૧ ટકા આસપાસ પહોંચવાનું અનુમાન છે. જો કે ઉદ્યોગમાં ૭૩ ટકા જેટલું વર્ચસ્વ માત્ર ટોચની આઠ એસેટ મેનેજમેન્ટ કંપનીઓનું છે. અન્ય ફંડ હાઉસિસનો હિસ્સો પણ વધતો રહેવો જોઈએ. હવેના ટ્રેન્ડને જોતા આગામી વરસોમાં મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે હરીફાઈ વધશે, જેને પગલે ઈનોવેશન અને કવાલિટી સુધરશે, નાના રોકાણકારોને આકર્ષવા માટે ઓફરો અને તકો વધશે. ટૂંક સમયમાં રિલાયન્સ ગ્રુપની જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસ’ પણ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે પ્રવેશવાની મંજૂરી મેળવી લેશે. જિયોની એન્ટ્રી ઉધોગમાં વધુ વાઈબ્રન્સી લાવી શકે છે.તેણે અગ્રણી ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ કંપની ‘બ્લેકરોક’ સાથે સહયોગ સાધ્યો છે.
બીજી બાજુ,અમેરિકન કંપની ‘ઈન્વેસ્કો’ ભારતીય મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાંથી પોતાનો હિસ્સો ઘટાડી રહી છે. કહેવાય છે કે કેટલીક ફોરેન એસેટ મેનેજમેન્ટ કંપનીઓને ભારતીય મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ માફક આવ્યું નથી.
ફંડસના રોકાણકારોની કેટેગરીઝ અહી એ નોંધવું રસપ્રદ અને મહત્ત્વનું છે કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોની કેટેગરીઝમાં વ્યક્તિગત, કોર્પોરેટ અને સ્થાનિક તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહી, પેન્શન ફંડ અને ટ્રસ્ટ પણ મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં રોકાણ કરે છે. જો કે, છેલ્લાં પાંચેક વરસમાં આ માર્ગમાં રિટેલ રોકાણકારોની સંખ્યા સતત વધતી રહી છે, જેણે શેરબજારને અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને નવી ઊંચાઈ અને નવા વિશ્ર્વાસની ખાતરી આપી છે. મ્યુચ્યુઅલ ફંડનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહયો છે, જેના આંકડારૂપી અનેક પુરાવા સામે આવતા જાય છે. હવે તો રોકાણકારો પણ કહે છે, સહી હૈ મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ ના વિધાન સાથે હવે કદાચ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે પોતે પ્રચાર કરવાની જરૂર ઓછી યા નહીંવત રહેશે, કારણ કે ખુદ રોકાણકારો જ ‘મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ ફીલ કરવા લાગ્યા છે.
તાજા સમાચાર મુજબ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાસેનું ભંડોળ રૂ.પચાસ લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે, જે ફંડસના મેનેજમેન્ટ હેઠળ છે, અર્થાત આ ભંડોળ માર્કેટમાં આવી રહયું છે અને તેમાં વૃદ્ધિ પણ થતી રહેશે. શેરબજારની સતત નવી-નવી ઊંચાઈ સાથે મ્યુચ્યુઅલ ફંડનો વિકાસ પણ સતત નવા ઊંચા લેવલ પર પહોંચતો જાય છે. જેનો પુરાવો પણલ આ આંકડા છે. ફંડની યોજનાઓમાં રોકાણ ધરાવતા ફોલિયોની સંખ્યા ૧૬ કરોડ ઉપર પહોંચી ગઈ છે, જે તેમાં વધતા વિશ્ર્વાસ અને આકર્ષણની સાક્ષી પુરે છે. જેમ અત્યારે સેન્સેકસ અને નિફટીના આગામી વરસોમાં નવા શિખરની આગાહી થાય છે તેમ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાસે આગામી પાંચેક વરસમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ મેનેજમેન્ટ હેઠળ આવી જાય તો
નવાઈ નહીં. આની સાથે રોકાણકારોની સંખ્યા પણ મોટે પાયે વદ્ધિ પામશે એ નકકી જણાય છે.
તમને શું લાગે છે સહી હૈ?!