ઉત્સવ

આપણી આજુબાજુની વ્યક્તિઓ સુખી હોય તો એ જોઈને રાજી ન થઈ શકાય?

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા દિવસ અગાઉ લુધિયાણાની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના જજ મુનીશ સિંઘલે નીલમ નામની એક યુવતીને ફાંસીની સજા ફટકારી. તે યુવતીએ પોણા ત્રણ વર્ષી દિલરોઝ કૌર નામની માસૂમ છોકરીને જીવતી દફનાવી દીધી હતી. દિલરોઝનાં માતા-પિતા કિરણ અને હરપ્રીતની પાડોશણ નીલમ હતી અને એણે દિલરોઝને જીવતી દફનાવી દીધી હતી.

દિલરોઝના દાદાએ પૌત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ પોલીસને કરી એ પછી પોલીસે તપાસ કરી ત્યારે સીસીટીવી ફૂટેજની મદદથી ખબર પડી હતી કે દિલરોઝને પાડોશમાં રહેતી યુવતી નીલમ સ્કૂટર પર બહાર લઈ ગઈ હતી. પોલીસે આકરી પૂછપરછ કરી ત્યારે નીલમે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. એણે પોલીસને કહ્યું કે ‘મારા છૂટાછેડા થઈ ગયા છે અને હું મારા બે બાળકો સાથે એકલી રહું છું. મારા પાડોશી હરપ્રીત સિંઘ અને કિરણ કૌર એમની દીકરી દિલરોઝને ખૂબ સારી રીતે ઉછેરતા હતા અને તેના માટે સરસ મજાની ભેટો લાવતા હતાં. એ જોઈને મારાં બાળકો પણ એવી ભેટની અપેક્ષા મારી પાસેથી રાખતાં હતાં એટલે મને હરપ્રીત સિંઘ અને કિરણ કૌરની અને એમની દીકરીની ઈર્ષા થતી હતી અને ગુસ્સો પણ આવતો હતો. મેં ઈર્ષા અને ગુસ્સાને કારણે દિલરોઝને જીવતી દફનાવી દીધી હતી.’

આ અકલ્પ્ય અને આઘાતજનક કિસ્સા વિષે જાણ્યા પછી થયું કે ઈર્ષા માણસને કઈ હદ સુધી લઈ જઈ શકે છે!

મોટાભાગના કિસ્સાઓમાં લોકોને પાડોશીઓ સાથે ફાવતું નથી હોતું. આપણે ત્યાં કહેવત છે કે ‘પહેલો સગો પાડોશી’ પણ મોટાભાગના કિસ્સાઓમાં પહેલો દુશ્મન પાડોશી હોય એ રીતે લોકો વર્તતા હોય છે. અપવાદરૂપ કિસ્સાઓમાં પાડોશીઓને એકેમેક્ની સાથે ખૂબ સારું બનતું હોઈ શકે છે, પરંતુ મોટેભાગે પાડોશીઓમાં ઈર્ષાનું તત્ત્વ જોવા મળતું હોય છે.

આ કિસ્સો જાણીને મહાવીર સ્વામીની એક બોધકથા યાદ આવી ગઈ, જે ઓશોના માધ્યમથી જાણવા મળી હતી.

એક માણસ મહાવીર સ્વામી પાસે ગયો. તે બહુ દુ:ખી હતો. એણે મહાવીર સ્વામીને કહ્યું: મારા જીવનમાં બહુ દુ:ખ છે. એનાથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય બતાવો.
મહાવીર સ્વામીએ તેને પૂછ્યું: તારો પાડોશી સુખી છે?

તે માણસે જવાબ આપ્યો: એ તો મારાથી પણ વધુ દુ:ખી છે.

મહાવીર સ્વામીએ એને કહ્યું: તો પછી તું ભગવાનને પ્રાર્થના કર કે હે ભગવાન મારો પાડોશી બહુ દુ:ખી છે એનું દુ:ખ દૂર કર અને દૂર ન કરી શકે તો ઓછું કર.

પેલા માણસે કહ્યું કે: હું શા માટે પાડોશીનું દુ:ખ દૂર કરવા ભગવાનને પ્રાર્થના કરું?

મહાવીર સ્વામીએ તેને કહ્યું: ઈશ્ર્વર, તું મારા માટે કંઈક કર એને બદલે બીજા માટે કંઈક કર એવું કહેવાથી ભગવાન એ
પ્રાર્થના જલદી સાંભળે છે. એટલે ભગવાન પાસે માગતી વખતે બીજા માટે કંઈક માગવું જોઈએ અથવા તો એવું કહેવું જોઈએ કે, ભગવાન, તું બધાનું ભલું કર. આવું કહેવાથી ભગવાન બીજાનું ભલું કરશે જ પણ આવી પ્રાર્થના કરનારનું વગર માગ્યે ભલું કરશે.

મહાવીર સ્વામી ‘સ્મરણ સુત્તમ’ પર પ્રવચન આપતી વખતે ઓશોએ આ વાત ટાંકી હતી અને પછી તેમણે કહ્યું હતું કે ‘મહાવીરનું એક જ સૂત્ર માણસો જીવનમાં ઉતારે તો દુનિયામાં બધા લોકોની ઝંઝટનો અંત આવી જાય.

મહાવીરનું સૂત્ર છે કે જે તું મારા માટે ઇચ્છા રાખે છે એવી ઇચ્છા બીજા માટે પણ કર. જે તું તારા માટે ન ઇચ્છે એની
ઇચ્છા બીજા માટે પણ ન કર.’ ઓશોએ કહ્યું હતું: મહાવીરના આ આધારસૂત્રનું પાલન કરો તો તમે ધર્મનું પાલન કર્યું
ગણાશે.

‘સ્મરણ સુત્તં’ની આટલી સહજ વાત માણસો જીવનમાં ઉતારી શકે તો દુનિયા કેવી બદલાઈ જાય! આપણી આજુબાજુની વ્યક્તિઓ સુખી થાય એવી પ્રાર્થના ન કરી શકીએ, પણ તેમનું સુખ જોઈને રાજી તો થઈ જ શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button