ઉત્સવ

આશય સારો હોય તો પરિણામની પરવા ન કરવી

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા સમય અગાઉ એક પરિચિત યુવતીએ કહ્યું: ‘મારા પપ્પા રોજ સવારે સોશિયલ મીડિયા પર મહાન વ્યક્તિઓનાં ક્વોટ્સ મૂકે છે, પણ એમાં કોઈને રસ પડતો નથી. એમની એવી પોસ્ટમાં ગણીને પાંચ-દસ લાઇક હોય છે. મેં એમને સમજાવ્યા કે કોઈને તમારી આવી પોસ્ટમાં રસ પડતો નથી તો શા માટે આવી પોસ્ટસ મૂકતા રહો છો, પણ એ સમજતા જ નથી. એ વળી ક્યારેક બીજા લોકોનેય ટેગ કરે છે. ક્યારેક દિવસમાં ત્રણ-ચાર વાર આવી પોસ્ટ્સ મૂકી દે છે એને કારણે મારા માટે સંકોચજનક સ્થિતિ ઊભી થઈ જાય છે. એમને સોશિયલ મીડિયા પર ટાઇમ ન બગાડવા માટે કહું છું, પણ એ માનતા નથી એટલે મારે ક્યારેક એમની સાથે અકળાઈને વાત કરવી પડે છે. તમે મારા પપ્પાને સમજાવશો એ તમારી વાત માનશે.’

પેલી પરિચિત યુવતીની વાત સાંભળીને મને પહેલા તો હસવું આવ્યું. સોશિયલ મીડિયાને કારણે આપણે કેવી કેવી નકામી અને ફાલતું વાતોમાં સમય વેડફતા થઈ ગયા છીએ!

મેં એને કહ્યું: તારા પિતામાં આ ઉંમરે પણ કશીક પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ છે એ માટે તારે તો ખુશ થવું જોઈએ. ઘણા લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા હોય છે, ઝઘડા કરીને કટુતા ફેલાવતા હોય છે એને બદલે તારા પિતા સોશિયલ મીડિયા પર કશુંક સારું પોસ્ટ કરતા હોય તો તારે શા માટે તેમને એવું કરતા અટકાવવાની કોશિશ કરવી જોઈએ! એ બહાને એમને ખુશી મળતી હોય તો તારે તો રાજી થવું જોઈએ. તું નાની હોઈશ ત્યારે એમને નહીં ગમે એવું તેં પણ ઘણું કર્યું હશે. આજે પણ એમને નહીં ગમે એવું કશુંક તો તું કરતી હોઈશ ને જેમ કે એમને તારી આ સલાહ કદાચ નહીં ગમતી હોય! એમની પોસ્ટ્સ પર પાંચ-દસ લાઇક્સ આવે તો એનો અર્થ એ થયો કે સોશિયલ મીડિયા પર એટલા માણસોને તો તારા પપ્પાની પોસ્ટ્સ ગમતી જ હશે.’

હું એ યુવતીના પિતાને બે-ત્રણ વાર મળ્યો છું. એ થોડા ધૂની ખરા, પણ છે સરળ સ્વભાવના.એમના માટે વૃદ્ધાવસ્થામાં સોશિયલ મીડિયા સમય પસાર કરવાનું એક સાધન છે. મેં એમની દીકરીને સમજાવી કે તારા પિતાની એવી પોસ્ટથી સંકોચ અનુભવવાને બદલે એમની કોઈ પોસ્ટ પર ક્યારેક લાઇક-કમેન્ટ કરી જો એ ખુશ થઈ જશે. અને કેટલી લાઇક્સ કે કમેન્ટ્સ આવે એ મહત્ત્વનું નથી. એમની સારી વાત આંગળીના વેઢે ગણાય એટલા લોકોને ગમે તો પણ સારું જ છે.

પેલી દીકરીની ફરિયાદ સાંભળ્યા પછી મને એક પ્રાચીન કથા યાદ આવી ગઈ.

એક વાર સંત કેટલાક શિષ્યો સાથે એક નગરમાં જઈ પહોંચ્યા. એ નગરમાં થોડા દિવસો ગાળ્યા. એ દરમિયાન એ દરરોજ પ્રવચન આપતા,જેને સાંભળવા નગરના લોકો મોટી સંખ્યામાં એકઠા થતા હતા.

એ નગર કુખ્યાત હતું અને ત્યાં દરરોજ ચોરીની કે લૂંટની ઘટનાઓ બનતી હતી. એ નગરના લોકો વચ્ચે ભૂખ ઝઘડા થતા હતા. ઘણા લોકો તો પાડોશીઓ પર કે સગાંવહાલાં પર હુમલો પણ કરતા હતા અને બીજી પણ ઘણી એવી ઘટનાઓ બનતી રહેતી હતી કે જે સભ્ય સમાજવાળા શહેરો જેવી જ સ્થિતિ એ નગરમાં હતી.

સંત જેટલા દિવસ એ નગરમાં હતા ત્યાં સુધી પોતાના પ્રવચનમાં કહેતા રહ્યા: ‘માણસે દરેક માણસને પ્રેમ કરવો જોઈએ, કોઈની નિંદા કે ઈર્ષા ના કરવી જોઈએ. કોઈનું બૂરું ના ઈચ્છવું જોઈએ અને પોતાનાથી થઈ શકે એટલું બીજા માણસોનું ભલું કરવાની કોશિશ કરતા રહેવું જોઈએ. કોઈને નુકસાન ન પહોંચાડવું જોઈએ.’

સંતે છેલ્લા દિવસે નગરના માણસોને એ જ ઉપદેશ આપ્યો અને બધાએ નતમસ્તકે એમનો ઉપદેશ સાંભળી લીધો. પ્રવચન પૂરું થયા પછી સંતે કહ્યું: કોઈના મનમાં સવાલ ઉઠતા હોય તો મને પૂછી શકે છે.’

એક માણસે એમની નજીક જઈને કહ્યું: ‘મારે તમને એક સવાલ પૂછવો છે.’

સંતે કહ્યું: ‘ખુશીથી પૂછો, ભાઈ.’
તે માણસે પૂછયું : ‘તમારો ઉપદેશ સાંભળવા ઘણી બધી વ્યક્તિઓ આવે છે અને તમારો ઉપદેશ ધ્યાનથી સાંભળે પણ છે, પણ એમાંથી કોઈ પણ વ્યક્તિ તમારા ઉપદેશમાં કહેવાતી એક પણ વાતનો અમલ કરતી નથી અને તો પણ તમે આ બધાને ઉપદેશ આપ્યા રાખો છો. લોકો પર અસર થતી નથી તો પણ તમે ઉપદેશ શા માટે આપ્યા રાખો છો?

સંતે સહેજ મલકીને કહ્યું: ‘પહેલા મારા એક પ્રશ્ર્નનો ઉત્તર આપો. એ પછી હું તમારા સવાલનો જવાબ આપું.’
એ માણસ સહેજ મુંઝાઈ ગયો, પણ પછી કહ્યું:
હા. પૂછો પ્રશ્ર્ન.

સંતે મંદમંદ હાસ્ય કરતાં પૂછયું : તમારા પર મારા ઉપદેશની કશી અસર થઈ?
પેલા માણસે કહ્યું: ‘હા.’

સંતે કહ્યું: ‘બસ, તો મારો ઉપદેશ સફળ થઈ ગયો! મારું કામ લોકોને સારા માર્ગે વાળવા માટે ઉપદેશ આપવાનું છે. મારો ઉપદેશ સફળ રહેશે કે નિષ્ફળ એ હું વિચારતો નથી. કેટલા લોકો મારા ઉપદેશને અનુસરશે એવા પરિણામની અપેક્ષા સાથે હું ઉપદેશ આપતો નથી. આટલા લોકોમાંથી તમારા એક પર તો મારા ઉપદેશની અસર થઈ ને! મને એનાથી પણ સંતોષ છે. દરેક વ્યક્તિએ સફળતાની પરવા કર્યા વિના પોતાનું કામ કરતા રહેવું જોઈએ. હું એ જ કરી
રહ્યો છું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button