ઉત્સવ

બાવાઓ બ્રહ્મચારી ન નીકળે તો…

…એ સમસ્યા આપણી અપેક્ષાની છે, બાવાઓના દાવાની નહીં !

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

દેશમાં જયારે પણ કોઈ સાધુ-બાવાનાં સેક્સ કૌભાંડના સમાચાર આવે, ત્યારે લોકોનો ગુસ્સો માત્ર પીડિત સ્ત્રી માટે નથી હોતો, પરંતુ બાવાઓના કથિત સાધુત્વને લઈને હોય છે. લોકોને દુ:ખ એ નથી હોતું કે કોઈ બાળકી કે સ્ત્રી સાથે અત્યાચાર થયો છે. દુ:ખ એ વાતનું છે કે તે જેને ગુરુ-ભગવાન કે સંત માનતા હતા એણે એમના વિશ્ર્વાસનો ભંગ કર્યો છે. આ સમજવા જેવું છે….

આધ્યાત્મની આપણી માન્યતા પ્રમાણે સાધના અને બ્રહ્મચર્ય એક બીજાના પૂરક જ નહીં, અનિવાર્ય પણ છે. એક સાધક ત્યારે જ સાધનાના માર્ગ પર ચાલી શકે છે, જ્યારે એ પોતાની દૈહિક જરૂરિયાતમાંથી પરવારી ગયો હોય અથવા એનાથી પર થઇ ગયો હોય. આ માન્યતાનું કારણ એ છે કે આપણા આધ્યાત્મિક મહાપુરુષોના જીવનમાં દૈહિક અથવા ઇન્દ્રિય આનંદની ગેરહાજરી હોય છે.
આ આયાસ કે પ્રયાસથી નહીં પરંતુ એમના આધ્યાત્મિક પરિવર્તનનું સાહજિક પરિણામ હોય છે. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં રામકૃષ્ણ પરમહંસ- સ્વામી વિવેકાનંદ- મહર્ષિ અરવિંદ- ચૈતન્ય મહાપ્રભુ- રમણ મહર્ષિ અને પરમહંસ યોગાનંદ જેવા અનેકાનેક મહાપુરુષોએ સેક્સના ઉર્ધ્વીકરણનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલા માટે બ્રહ્મચર્ય સાધુત્વની પ્રથમ શરત બની ગયું છે.

આપણે સાધુ તરીકે એને જ સ્વીકારીએ છીએ, જેણે બ્રહ્મચર્ય અપનાવ્યું હોય. એટલા માટે જ જેણે ભાગવાં વસ્ત્રો પહેર્યા હોય એને આપણે બ્રહ્મચારી માની લઈએ છીએ. એ બ્રહ્મચર્ય સાહજિક છે કે ઉપરથી થોપેલું છે તેની સાથે આપણને નિસ્બત નથી, કારણ કે એવા લોકોમાં આપણને તારણહાર નજર આવે છે, એવો તારણહાર જે આપણાથી જુદો અને પર-ઉપર છે- પહેલા નંબરે છે.
એ આપણાથી જુદો છે એની પહેલી પહેચાન ઇન્દ્રિય મોહ છે. આપણે સ્વીકારી લીધું છે કે આપણા જેવા પામર જીવ કામી- ક્રોધી- લોભી અને મોહિત હોય છે, પરંતુ સાધુ જેવા પરમ જીવો એનાથી પર હોય છે અને એટલે જ આપણે એમને પરમાત્માના ‘એજન્ટ’ તરીકે સ્વીકાર્યા છે. એ પરમ જીવો જ્યારે આપણી જેમ કામી અને લોભી નીકળે ત્યારે આપણને આપણી શ્રદ્ધા સાથે છેતરપિંડી થયાની લાગણી થાય છે.

આપણા નૈતિક દંભનું શ્રેષ્ઠ ઉદાહરણ આચાર્ય-ભગવાન-ઓશો રજનીશ છે. રજનીશ સેક્સથી સમાધિની વાત કરતા હતા અને લોકોને એમના ભક્ત થવામાં કોઇ પ્રોબ્લેમ ન દેખાયો. એમના આશ્રમમાં એ બધું જ થતું હતું, જેની
આપણને સૂગ છે, પણ આપણને એનાથી કોઇ તકલીફ ન હતી, કારણ કે બધું આપણને ‘વિશ્ર્વાસ’માં લઇને થતું હતું.

આપણે રજનીશને માફ કરી દઇએ છીએ કારણ કે એણે બ્રહ્મચારી હોવાનો દાવો કર્યો ન હતો ,પરંતુ ત્યાં સુધી
પહોંચવાની ‘ખાતરી’ એમણે જરૂર આપી હતી. આપણો પ્રોબ્લેમ સેક્સ નહીં, પણ બ્રહ્મચર્ય છે. સ્વામી નિત્યાનંદની
કામલીલા’થી આપણને આશ્ચર્ય અને આઘાત એટલા માટે થાય, કારણ કે એણે એ સ્પષ્ટતા ન કરી હતી કે એ સેક્સનો
સ્વામી છે કે બ્રહ્મચર્યનો. એ કિસ્સામાં પણ અભિનેત્રી રંજીતા મેનનની ‘ઇજજત’ સરેઆમ લૂંટાઇ ગઇ એમાં કોઇને
‘રસ’ ન હતો. મોટાભાગના લોકોને તો નિત્યાનંદની સેક્સ ‘સીડી’માં એ મહિલાનું નામ સુધ્ધાં ખબર નહીં હોય.

સેક્સના મામલે આપણા આ નૈતિક દંભના પરિણામે જ આપણે રાજકારણીઓના સેક્સ અપરાધને નજરઅંદાજ કરી દઇએ છીએ પણ સંતોને તાબડતોબ ફાંસીએ લટકાવવા તૈયાર થઇ જઇએ છીએ. આપણે ભગવાં કપડાંધારી
બાવાઓની આગળ-પાછળથી ‘સંત’નું લેબલ હટાવી દઇએ તો એ પણ તમારા-મારા જેવો એક આમઇન્સાન છે અને
તમારી-મારી જેમ કોઇ સ્ત્રીને શરીરથી પ્રેમ કરવા સક્ષમ પણ છે, પરંતુ એ સંત છે- ભગવાનનો એજન્ટ છે એટલે
આપણે એને આપણાથી અલગ માનીએ છીએ. કોઈ બાવો બ્રહ્મચારી હોવાનો દાવેદાર છે એટલા માટે જ એને
સેક્સુઅલ આનંદ – શારીરિક પ્રમાદ માટે અંદર પૂરી દેવો જોઇએ એ તર્ક બેબુનિયાદ છે, કારણે એ દાવો એનો તો હતો જ નહીં-આપણો હતો. આપણે એવું માનીએ છીએ કે બાવો હોય એટલે બ્રહ્મચારી હોય. આપણી આ અપેક્ષા ખોટી પડે તેમાં આપણો દોષ છે, બાવાઓનો નહીં..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો