ઉત્સવ

વર-કન્યા રાજી તો પછી ગોરમહારાજે શા માટે માથું કૂટવું?!

અતિ શ્રીમંત જે રીતે ભવ્ય-વૈભવી લગ્ન પાછળ જલસા કરે છે એની દેખાદેખી કરીને પછી બીજા દેવાદાર બની જાય છે…એવી દલીલોમાં કેટલો દમ?

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

થોડાં વર્ષ પહેલાં મુકેશ- નીતા અંબાણીની પુત્રી ઈશાના લગ્ન ભારે ધામધૂમથી થયાં હતાં. એ વખતે એક ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું : શું અંબાણી કુટુંબે લગ્ન પાછળ આટલો બધો ખર્ચો કરવો જોઈતો હતો?

લગ્નમાં વિશ્ર્વભરમાંથી મહેમાનો આવ્યાં અને પ્રિવેડિંગ સેરેમનીથી માંડીને ક્ધયા વિદાય સુધીની વિધિઓની તસવીરો અને વીડિયો વિઝ્યૂઅલ્સ જોવા માટે લોકોએ પડાપડી કરી હતી અને ગામને ચોરે અને ચૌટે લગ્નની ચર્ચા પણ ખૂબ થઈ.હજીતો લગ્ન પૂરા પણ નહોતા થયા ત્યાં તો લગ્નના ખર્ચનો ચોક્કસ આંકડો (૭૦૦ કરોડ રૂપિયા) ફરતો પણ થઈ ગયો હતો!

આ આંકડો અંબાણી કુટુંબમાંથી કોઇકે કહ્યો કે એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તાત્કાલિક મોબાઇલના કેલક્યુલેટર પર કાઉન્ટ કરીને આપ્યો એ મોટું સસ્પેન્સ છે!

આપણે જાણીએ છીએ કે સામાન્ય માણસને ત્યાં પણ લગ્ન હોય અને લગ્નનો ખર્ચ અતિ ક્ષુલ્લક હોય તો પણ હિસાબ-કિતાબ કરતાં અઠવાડિયું નીકળી જાય છે. જો કે ગુજરાત વિરોધ પક્ષના એક ધારાસભ્યએ એવું લખી પણ નાખ્યું કે, અંબાણીએ ૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ લગ્નમાં કર્યો એનો કેવો કેવો સદ્ઉપયોગ થઈ શક્યો હોત, વગેરે વગેરે… એ ધારાસભ્યને જવાબ આપતાં કોઈકે વળતુ લખ્યું કે ૨૮ ટકા જી.એસ.ટી. ગણોતો ૭૦૦ કરોડ રૂપિયા લેખે અંબાણીએ ૨૦૦ કરોડ જેટલો ટેક્સ ચૂકવવો પડ્યો હશે…. આ ૨૦૦ કરોડ રૂપિયામાંથી ‘જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી’ (જેએનયુ)માં ભણતા અને હોસ્ટેલમાં રહીને સરકારી પૈસે જલસા કરતાં ક્ધહૈયા કુમાર જેવા કેટલા મફતિયાઓ સચવાઈ જશે?!

અહીં વધુ મોટા દંભની વાત એ હતી કે વર્ષના ૩૬૫ દિવસ અંબાણીઓને ‘ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારી..’ કહીને ગાળો આપતાં તમામ રાજકીય પક્ષના રાજકારણીઓ પણ લગ્નનું આમંત્રણ મળતાં જ દોડતા પહોંચી ગયા હતા!

લગ્નમાં આવેલા જાનૈયાઓની થાળીમાં વાનગી પીરસતા આમિર ખાન- અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાનની તસવીરો કે વીડિયો જોઇને કેટલાકે નાકનું ટેરવું ચઢાવતા પ્રશ્ર્નો કર્યા હતા કે, ‘જોયો પૈસાનો પાવર!… આવા મોટા સ્ટાર્સે પણ પિરસણાનું કામ કરવું પડે છે.’

આવી પંચાત કરતા પંચાતિયાઓને ખબર નથી કે મારવાડી (કે આપણા ગુજરાતની પણ કેટલીક જ્ઞાતિમાં) વરરાજા જાન લઈને આવે ત્યારે જાનૈયાઓને નજીકના કુટુંબીઓ – મિત્રો, જાતે આગ્રહ કરીને પિરસીને જમાડે છે. અમારા દક્ષિણ ગુજરાતના ગામડામાં પટેલને ત્યાં લગ્ન હોય ત્યારે ઘણાં વર્ષો સુધી નીચે જમીન પર પાથરણા પાથરીને પંગત બેસતી. પિરસવા માટે કોઈ કેટરીંગ કંપનીના ભાડૂતી માણસો નહીં ,પરંતુ જેમને ત્યાં પ્રસંગ હોય એમના કુટુંબીઓ અને મિત્રો જ ખડે પગે હાજર રહેતાં. અંબાણીએ પૈસા કમાયા એટલે શું એમની સાથે કોઈએ મિત્રતા નહીં રાખવાની? આ તે કેવા પ્રકારની માનસિકતા?
મૂળ વાત એ છે કે લગ્ન ગરીબ કુટુંબમાં હોય, મધ્યમવર્ગીય કુટુંબમાં હોય કે અતિ શ્રીમંતને ત્યાં હોય, મોટાભાગના માટે જિંદગીનો એ એક અમૂલ્ય પ્રસંગ છે. જેના ગજવાને પોસાય એવો ખર્ચ દરેક કરે. એક દલીલ એવી થાય છે કે અંબાણી જેવા અતિ ધનાઢ્ય જે રીતે જલસા કરે છે એની દેખાદેખીથી કરીને પછી બીજા દેવાદાર બની જાય છે!

સાવ વાહિયાત- હાસ્યાસ્પદ દલીલ છે આ… કયા મધ્યમવર્ગીય કે ગરીબે અંબાણીનું જોઇને કહેવાતો ૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ લગ્નમાં કર્યો?

આવાં લગ્નોને તો મીડિયા પ્રસિદ્ધિ આપે એટલે લોકો સુધી તમામ હકીકત પહોંચે અને મોટાભાગના લોકો મીડિયા દ્વારા લગ્નમાં મહાલ્યાનો આનંદ માણે.

લગ્ન પ્રસંગ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાની પરંપરા આપણા (અને બીજા) દેશમાં નવી નથી. એમાં કોઈ દેખાડાની વાત આવતી નથી. જિંદગીમાં એકાદ કે બે પ્રસંગે તમામ કુટુંબીઓ – મિત્રો ભેગા થઈ આનંદ મહોત્સવ કરે એમાં નાકનાં ટેરવા ચઢાવવાની જરૂર નથી. કોણે કેટલો ખર્ચો કરી કયા પકવાન રાખવા- કેટલી કિંમતથી વધુના કપડા નહીં પહેરવા, આમંત્રિત મહેમાનોની સંખ્યા કેટલી રાખવી- કેટલા પ્રકારનાં
ફૂલોનો શણગાર કરવો… જેવી ડોશીમાની કૂથલી જેવી વાતો ખૂબ જ બોરિંગ થઈ ગઈ છે. શ્રીમંતો લગ્ન પ્રસંગે ખર્ચો કરે છે તો એને કારણે કેટલા ગરીબ કેટરીંગવાળા- બેન્ડવાળા-રોશનીકરવાવાળા કે આતશબાજીવાળાઓના મહિનાઓનો ઘરખર્ચ નીકળે છે એ વિશે પણ બોલવું-લખવું જોઇએ. અર્થશાસ્ત્રનો સાદો સિદ્ધાંત છે કે ચલણ ફરતું રહે અને એ જ સારા અર્થતંત્રની નિશાની છે.

આપણા પંજાબીઓ જે ઉમંગ-ઉત્સાહથી લગ્ન મહોત્સવ માણે છે એની ચર્ચાતો આખા વિશ્ર્વમાં થાય છે. ‘ધ બીગ ફેટ પંજાબી વેડિંગ’ તરીકે ઓળખાતા પંજાબી લગ્નમાં આમંત્રણ મેળવનાર નસીબદાર કહેવાય! પંજાબી લગ્નના બેકગ્રાઉન્ડ પર બનેલી કેટલીક હિન્દી ફિલ્મોએ ૧૦૦ કરોડથી વધુનો ધંધો કરી નાખ્યો છે. વિદેશ સ્થાયી થયેલા આપણા વિદેશી ભારતીયો પણ લગ્ન માટે દેશમાં જ આવે છે અને ‘લગ્ન સિઝન’ તરીકે ઓળખાતા એ સમયગાળામાં કેટલાક સ્થાનિક વેપારીઓ આખા વર્ષની કમાણી કરી લે છે.

રાજા-મહારાજાઓને ત્યાં જ્યારે રાજવી કુંવર કે કુંવરીનાં લગ્ન થતાં ત્યારે આખી રૈયતને જમવાનાં નોતરા મોકલાતાં અને દિવસો સુધી થતો જલસો નિહાળવા દૂરદૂરથી પ્રજા આવતી અને મઝા કરતી.
ઇટાલિયન પ્રજા પણ આપણી જેમ જ ધામધૂમથી લગ્ન પ્રસંગ ઉજવે છે .જેને ત્યાં પ્રસંગ હોય એનો આર્થિક બોજ ઓછો કરવા આપણી જેમ જ ‘ચાંદલા’ કરવાની પ્રથા ત્યાં પણ છે. સ્પેન- મેક્સિકો કે ઇરાન-ઇરાક જેવા ઇસ્લામિક દેશોમાં પણ શાદી-નિકાહનો પ્રસંગ ખૂબ જ મહત્ત્વનો ગણીને સુંદર રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે.

સામ્યવાદીઓ કે સમાજવાદી દેશોમાં કદાચ ત્યાંના સત્તાધીશો, બીજા અમીરોને ત્યાં લગ્નપ્રસંગે થતા ખર્ચ પર કાપ મુકતા હશે, પરંતુ સામ્યવાદીઓ પણ લગ્નપ્રસંગે ધામધૂમથી ખર્ચ કરવામાં પાછળ નથી.

અહીં સૌથી ખાસ વાત એ છે કે પોતાની મહેનતથી કરેલી કમાણીમાંથી ટેક્સ ભર્યા પછી બાકીનો પૈસો કાયદેસર રીતે ક્યાં અને કેટલો વાપરવો એ નક્કી કરવાનો અધિકાર લોકશાહી દેશમાં જે તે વ્યક્તિનો ગણાય કે નહીં?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો