થોડા દિવસો અગાઉ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ગીરગઢડા પાસે વિખ્યાત દ્રોણેશ્વર મંદિરમાં જવાનું થયું. ઉનાથી ૨૩ કિલોમીટર દૂર દ્રોણ ગામસ્થિત આ મંદિર ૫૮૦૦ વર્ષ જૂનું છે.
(આ મંદિર વિશે એવું કહેવાય છે કે દ્વાપરયુગમાં ગુરુ દ્રોણાચાર્ય અહીં આવ્યા હતા અને એમણે અહીં પોતાનો આશ્રમ બનાવ્યો હતો. એ દરરોજ દ્રોણેશ્ર્વર મહાદેવના દર્શન કરવા અહીં આવતા હતા. એવી દંતકથા છે કે ગુરુ દ્રોણની ભક્તિથી પ્રસન્ન થઈને ગંગામૈયા અહીં પ્રગટ થયાં અને હરિદ્વારની જેમ અહીં કાયમ માટે સ્થિર રહેવાનું એમણે ગુરુ દ્રોણને વચન આપ્યું. એવું મનાય છે કે ત્યારથી ગંગાનો અવિરત પ્રવાહ અહીં વરસી રહ્યો છે. દ્રોણેશ્વર મહાદેવ પર અવિરત જળધારા પ્રવાહિત થતી જ રહે છે. જળની આ ગુપ્ત ધારા ક્યાંથી આવી રહી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. દંતકથા પ્રમાણે વાસ્તવમાં આ જળરાશિ એ સ્વયં ગંગા જ છે).
દ્રોણેશ્વર મંદિરની બાજુમાં મચ્છુન્દ્રી નદી વહે છે એના નયનરમ્ય ધોધને નિહાળ્યા પછી નરનારાયણ સ્વામી સાથે લટાર મારી રહ્યો હતો એ વખતે નજીકના ગામ ફાટસરના ખેડૂત શૈલેષ ખોખર સાથે મુલાકાત થઈ ગઈ. નરનારાયણ સ્વામીએ બાંકડા પર મિત્રો સાથે બેઠેલા શૈલેષભાઈનો પરિચય કરાવ્યો. શૈલેષભાઈ સાથે વાતો કરતી વખતે જાણવા મળ્યું કે એ ઓર્ગેનિક ખેતી કરે છે. સાડા ચાર હજારની વસતિ ધરાવતા ફાટસર ગામમાં એમના સિવાય બીજા કોઈ ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતા નથી એ જાણ્યું એટલે મેં એમને પૂછ્યું :
‘તમને ઓર્ગેનિક ખેતીનો વિચાર કઈ રીતે આવ્યો?’
એમણે કહ્યું, ૨૦૧૬ના વર્ષમાં ગીરગઢડામાં માધવપ્રિયદાસ સ્વામીજીની કથા યોજાઈ હતી. એ વખતે એમણે વ્યથિત અવાજે કહ્યું હતું કે ‘ખેડૂતભાઈઓ, હવે ધરતીમાંથી ક્યાં સુધી ઝેર ઉગાડશો?’ એમણે ખેતીમાં પેસ્ટીસાઈડ્સના બેફામ ઉપયોગ વિશે ચિંતા વ્યકત કરતા એ વાત કહી હતી. એ વાત મને કાળજે વાગી ગઈ ને મેં નક્કી કર્યું કે ‘આજથી હું ખેતીમાં પેસ્ટીસાઈડ્સનો – ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ કરી દઈશ. એ જ દિવસથી મેં કુદરતી ખેતીની શરૂઆત કરી. મારી પાસે જે જંતુનાશક દવાઓ પડી હતી એ પણ ફેંકાવી દીધી.’
અચાનક જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરવાને કારણે શૈલેષભાઈને ભારે આર્થિક ફટકો પડ્યો. જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કર્યો એ પછી પ્રથમ વર્ષે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા અન્ય ખેડૂતોનાં ખેતરોમાં વીઘા દીઠ વીસ મણ પાકનું ઉત્પાદન થયું એની સામે શૈલેષભાઈના ખેતરમાં માંડ પાંચથી છ મણનો ઉતારો આવ્યો.
શૈલેષભાઈએ કહ્યું, ‘અન્ય ખેડૂતો કરતાં ચોથા ભાગનું ઉત્પાદન થયું એને કારણે મારા પાડોશીઓ, મિત્રો અને પરિચિતોએ મારી મજાક ઉડાવવાનું શરૂ કર્યું. એ બધા મને કહેવા લાગ્યા:’ તું ક્યાં વળી ઓર્ગેનિક ખેતી કર્યા વિના રહી ગયો હતો!’ જોકે મેં નિશ્ચય કરી લીધો હતો કે હવે હું જંતુનાશક દવાઓનો ઉપયોગ નહીં કરું.
મારા પિતાએ મારા એ નિર્ણયમાં સાથે આપ્યો. ખેતીમાં થતી ખોટ સરભર કરવા માટે મેં ટ્રેક્ટર અને ઓરણીમાંથી થતી આવક ઓર્ગેનિક ખેતી પાછળ ખર્ચવાનું શરૂ કર્યું. પિતા વેલજીભાઈ ટ્રેક્ટર લઈને બીજા ખેડૂતોનાં ખેતરોમાં ઓરણી સાથે વાવણી કરવા જવા લાગ્યા. એમાંથી સારી આવક થવા લાગી.
એ આવકનો ઉપયોગ હું ઓર્ગેનિક ખેતીમાં કરવા માંડ્યો… એ રીતે શરૂઆતમાં પાંચેક વર્ષ મેં આર્થિક નુકસાન વેઠયું, પરંતુ પછી મેં જુદા-જુદા પાક લેવાનું શરૂ કર્યુ એ દરમિયાન કુદરતી ખાતરને લીધે જમીન પણ ફળદ્રુપ થવા લાગી હતી એને કારણે પાકનો ઉતારો સારો આવવા લાગ્યો.
જોકે હજી મારા ખેતરમાં અન્ય ખેડૂતો જેટલા પાકનું ઉત્પાદન નથી થતું, પણ હું ઓર્ગેનિક ખેતી ચાલુ રાખવા માટે મક્કમ છું. મેં પચાસ વીઘા જમીનમાં અમુક ભાગમાં આંબા, જામફળી અને લીંબુડીનો બગીચો બનાવ્યો છે. થોડા વર્ષોમાં હું બીજા ખેડૂતો કરતાં વધુ પૈસા કમાતો થઈ જઈશ એવો મને વિશ્ર્વાસ છે. ઘણા સમય સુધી લોકોએ મારી ઠેકડી ઉડાડી, પરંતુ મારા મનમાં વિશ્ર્વાસ હતો કે ‘મારો ઈરાદો સારો છે એટલે કુદરત મને સાથ આપશે.’
શૈલેષ ખોખરને મળીને એમની વાત જાણીને મને સારું લાગ્યું. આપણા દેશમાં ક્રિકેટર્સ, ફિલ્મસ્ટાર્સ અને બિલ્યેનર્સ રોલમોડેલ બની જાય છે અને શૈલેષભાઈ જેવા રિયલ લાઇફ હીરોને કોઈ ઓળખતું પણ નથી એથી એમની આ વાત વાચકો સાથે શેર કરવાનું મન થયું.
Also Read – મિજાજ મસ્તી : પ્રેમના રંગ કેવા કેવા સોનેરી- કેસરિયો કે કાળો?
શૈલેષ ખોખરના કિસ્સા પરથી અન્ય ખેડૂતોએ પણ પ્રેરણા લઈને ઓર્ગેનિક ખેતી શરૂ કરવી જોઈએ. લોકોની મજાક કે મહેણાંટોણાની પરવા કર્યા વિના શૈલેષ ખોખરે ઓર્ગેનિક ખેતી ચાલુ રાખી એ માટે એમને સલામ કરવી જોઈએ.
કોઈ પણ વ્યક્તિ કશુંક નવું કરવા જાય ત્યારે એની આજુબાજુની વ્યક્તિઓ સલાહ આપવા દોડી જતી હોય છે કે એને બેવકૂફ માની લેતી હોય છે. ભારતીય સમાજની આ એક મોટી તકલીફ છે કે કોઈ સારું કરે ત્યારે એને પ્રોત્સાહન આપવાને બદલે એને માનસિક રીતે તોડી નાખવા માટે એની આજુબાજુના માણસો તત્પર બની જતા હોય છે.
જાણીતા કવિ દુષ્યંત કુમાર લખી ગયા છે: ‘ક્યું આસમાન મેં સુરાગ નહીં હો સકતા, એક પત્થર તો તબિયત સે ઉછાલો, યારોં.’
આપણે બસ એક ઈરાદારૂપી પથ્થર ઉછાળવાની તૈયારી રાખવી જોઈએ અને આપણો ઈરાદો સારો હોય ત્યારે દુનિયાની પરવા ન કરવી જોઈએ.