મૂઆ આ નખ્ખોદિયા ચૂંટણી જીતી જશે તો ?
વ્યંગ – ભરત વૈષ્ણવ
રાધારાણીને ફડકો પેસ્યો! ‘મૂઆઆ નખ્ખોદિયા’ આટલું બોલી રાધાકાણીએ ઊંડો શ્ર્વાસ લીધો. સાડીના છેડાથી મોં લૂંછયું. ફૂટબોલની સાઇઝ જેવા કોરા હોઠ પર વોટર કેનનની જેમ જીભ ફેરવી. તેના એના ચહેરા પર ખોફ વર્તાતો હતો. કદાચ આટલો ટ્રૌમા સંદેશખાલી ઘટનાની પીડિતાને પણ નહીં થયો હોય.વ્યગ્ર થઇ રસોડામાં જઇ ફ્રિજ ખોલી ચિલ્ડ વોટર બોટલ ગટગટાવી સાડીના છેડાથી મોં લૂંછી ડ્રોઇંગરૂમમાં પાછી આવી.
‘રાધુ, તારી તબિયત ઠીક છે ને?’ મેં તેના કપાળ પર હાથ મુકી મૃદુતાથી પૂછયું. મોગેમ્બો મૃદુ થાય તો પણ નેવું ડેસિબલ જેટલો અવાજનો ઘોંઘાટ તો રહેવાનો. ‘મારી તબિયતને પાણા પડે તો તમને શું ફેર પડે છે? તમારે તો રાજુભાઇ અને બાબુલાલ બબુચક જોડે હાહાહીહી જ કરવું છે ને?’
રાધારાણી નામની વીજળી મારા પર પડી. કોઇ વ્યક્તિ એની સમસ્યા સંભળાવે તો સમસ્યાની માત્રા હળવી થાય, પરંતુ, સમસ્યાને છાતીસરસી ચાંપીને રાખે તો ગમે તેવો હિતેચ્છુ શું કરી શકે?
મૂઆ પિટયા નખ્ખોદિયા..
રાધારાણીએ અગાઉની રેકર્ડ પ્લે કરી.
‘રાધુ, જે કહેવું હોય તે સાફ કહે આ તારું તૂટક તૂટક ગાનથી હું ઇરિટેટ થઉં છું.’ મેં રાધારાણીને અલ્ટિમેટમ આપ્યું.
તમે, અભીને અભી શોપિંગ સેન્ટર જઇ સ્ટીલનો ઘડો અને બુઝારું લઇ આવો. રાધારાણીએ અર્જન્ટ ઓર્ડર કર્યો. રાધારાણી નક્કી મારો ઘડો લાડવો કરવા જ ઘડાનો બંદોબસ્ત કરવાની લાગે છે એટલે જ ઘડો મંગાવ્યો લાગે છે. અત્યોષ્ણ વાતાવરણ જોઇ પૂછવાની હિંમત ન ચાલી. ગુલામે તો હુકમનું પાલન કરવાનું હોય. હું સ્ટીલનો ઘડો અને બુઝારૂ લઇ આવ્યો.
‘આ કેવું લાગે છે એ જોઇને કહો.’
રાધારાણીએ કોઇ આભૂષણ પકડાવી દીધું. એક હાર જેવું હતું. જો કે, હાર છે કે કેમ તે નક્કી કરવા જેટલી મને ગતાગમ પડતી નથી. કાળા મોતી પછી ગોલ્ડન મોતી દોરામાં પરોવેલા હતા. બંને છેડે કાંઈક ચકતા જેવું હતું.
આ શું છે?’
‘અરે ડોબારા મમંગળસૂત્ર છે.’ રાધારાણીએ જવાબની સાથે મને વગર માગ્યે ઉપાધિ આઇ મિન ડિગ્રી એનાયત કરી. પરણેલા પુરૂષને સન્માનસૂચક ડિગ્રી મળે તેવી આશા રાખવી એ તલ શેકીને વાવવા જેવી વાત છે! મેં સવાલ પૂછીને શું કાંદા કાઢ્યા ?
‘એટલે આ ઉંમરે મને રેઢો મેલી કાંઇ નવાજૂની કરવાના મૂડમાં છો ?’ મેં આશંકા જાહેર કરી.
‘હું તો તમારામાં જ ઠરી નથી. પછી બીજું -ત્રીજું કે ચોથું શું કરવાનું હોય?’ રાધારાણીએ અમારાં લૂગડાં લઇ લીધાં!
પરંતુ, મંગળસૂત્ર તો એક જ હોય ને? દ્રૌપદીના કિસ્સામાં પાંચ મંગળસૂત્ર હશે. દ્રૌપદી સેંથામાં પાંચ અલગ અલગ જગ્યાએ સિંદૂર પૂરતી હશે.?’ મેં પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો.
‘આ મૂઆઆં પિટ્યાની રામાયણ છે.’ પાછું એનું એ જ.
‘હું કંઇ સમજ્યો નહીં. તમે કહો છો કે મારી સર્કિટ ઊડી ગઇ છે, મગજમાં શોર્ટસર્કિટ થતા ફ્યૂઝ ઊડી ગયો છે’ મેં મારી અકળામણને વાચા આપી..
‘તમે એક કડિયાને બોલાવી લાવો.’ રાધારાણી કોઇ ભાર નીચે કચડાઇ ગયેલી લાગી.
‘રાધુ, કડિયાનું કામ શું છે? ઘરમાં કોઇ ટાઇલ્સ તૂટી નથી. કોઇ રિપેરિંગ કે રિનોવેશન કરવાનું ક્યાં છે?’ મેં પ્રતિ પ્રશ્ર પૂછ્યો.
‘ગિધુ, મારો કોઇ ભરોસો નથી’ રાધારાણીએ નવો ફણગો ફોડ્યો .
રાધુ, દોઢસો કિલોની કાયા લઇ અદનાન સામી અને ખલી જીવે છે. તમે કોરાનાની રસી લીધી તેની આડઅસર થઇ શકે, પરંતુ લાખોમાં એકને આડઅસર થાય છે. મારા એવા કયા સદનસીબ છે કે તમને સાઇડ ઇફેકટ થાય?’ મેં બળાપો કાઢ્યો.
‘એટલે તમે મારા મરવાની રાહ જુઓ છો, પછી કોઇ વંતરીને ઘરમાં બેસાડવી છે ?’ રાધારાણીએ સાહેબ વિપક્ષી નેતા પર પ્રહાર કરે તેમ મારા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી.
‘અરે રે, રાધુ, તું વાતનું વતેસર કરે છે. તું જે કહેવાનું હોય તે કહે!’ અમે રાધારાણીન હાથ જોડ્યા.
‘ગિરધરલાલ, હું તમારો નવટાંક ભરોસો કરી શકું, પરંતુ મને આ મારા રોયા નખ્ખોદિયા પર લગીરે ભરોસો નથી. મૂઆ પિટયા ભૂલેચૂકે ચૂંટણીમાં ચૂટાઇને સરકાર બનાવે તો મારું મંગળસૂત્ર લઇ જશે તેવી ફડક પેઠી ગઇ છે. જાગતાં, સૂતા, હાલતા, ચાલતા, હસતા, રડતા, બોલતા મંગળસૂત્ર લઇ જશે તેવો મારા પર ખૌફ છવાયો છે. કોઈ સો વાર કહેલું જૂઠ અફર સત્ય સાબિત થાય તો? મને મધરાતે પરસેવો વળે છે. મારું મંગળસૂત્ર પણ સાત તોલાનું છે!’ હવે રાધારાણીનું મૌસમના પલટા જેવું બદલાયેલ વર્તન સમજાયું!
‘રાધુ, તારો પ્લાન શું છે ?’ મેં પૂછયું.
‘બેડરૂમની એક ટાઇલ્સ કડિયા પાસે ખોલાવીએ.નીચે ખાડો કરીએ. આ ખાડામાં આ સ્ટીલના ઘડામાં મારું મંગળસૂત્ર,બોરિયા, બકકલ, પીન, ચીપિયા, છડાં, ઝાંઝરી, લિંગરી, લિપસ્ટિક, સેન્ડલ ભરીને જમીનમાં દાટી દઉં!’ ‘કેવો સુંદર પ્લાન. ન રહેગાં બાંસ ન બજેગી બાંસુરિયા.!’ રાધારાણીએ પ્લાન જણાવ્યો.
‘વન્ડરફૂલ. એકસલેન્ટ. આપણી પાસે ભાડાનું ખખડધજ મકાન છે. બખડજંતર ચેનલની નોકરીમાં બાબુલાલ એરંડિયું પાઇને તેલ કાઢે છે. મોંઘવારી સાતમા આસમાને પહોંચી છે અને ઝાકળ જેવો પગાર છે..બચતના નામે મીંડું છે. આપણી પાસેથી વળી શું છીનવી વિધર્મીને એનાયત કરી શકે. ..?’ મે રાધારાણીને ટેકો જાહેર કર્યો.
‘ગિરધરલાલ તમે પણ તમારા રેઝર, બૂટ, ચપ્પલ, બેલ્ટ, ડીઓ, શેવિંગ ક્રિમ, ટુથબ્રશ, ટુથપેસ્ટ, પગલૂંછણિયું, પરફયુમ, ઈત્યાદિ-ઈત્યાદિ આ ઘડામાં મુકી દો.!’ રાધારાણીએ સલાહ આપી. :
‘પછી ભલે મારા રોયાંવ કમળવાળા જીતે કે પંજાવાળા.’ આમ કહી રાધારાણીએ અમારા બોડીબામણીના ખેતર જેવા વાળ પર રેઝર ફેરવવા માંડ્યું
નહીં નહીં રાધુ, રહેવા દે! આમ કહેતાં કહેતાં મેં આંખ ખોલી. અમે તો અમારા હિંચકા જેવા ખાટલામાં ઊંઘતાં હતાં એમાંથી ચીસ પાડીને જાગ્યા.
ચૂંટણીના ચકરાવાની ચિંતામાં સાલ્લા સપનાં પણ કેવાં કેવાં
આવે છે!