ઉત્સવ

ગુજરાતમાં દારૂબંધી હટે તો નાણાંનો વરસાદ થાય…!

જે રીતે હમણા આંશિક રીતે દારૂબંધી હળવી કરી એમ ગુજરાત સરકાર જો ક્રમશ: સમુદ્રકાંઠાના અમુક વિસ્તારોમાં પણ શરાબ -નિષેધ દૂર કરી એને વિકસાવે તો ત્યાંનો પ્રવાસન ક્ષેત્ર અવ્વ્લ બનશે ને અઢળક ધન ગુજરાતમાં ખેંચાઈને ઠલવાશે..

કવર સ્ટોરી -વિજય વ્યાસ

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈને ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી ગીફ્ટ સિટીમાં લિકર સર્વ કરવાની છૂટ આપી દીધી અર્થાત ત્યાંથી દારૂબંધી નાબૂદ કરવામાં આવી.

રાજ્ય સરકારે ગીફ્ટ સિટીમાં ‘વાઈન એન્ડ ડાઈન’ પોલિસીને મંજૂરી આપતાં લોકો ગિફ્ટ સિટીમાં બનેલી હોટલ રેસ્ટોરાં અને ક્લબમાં બેસીને દારૂ-શરાબ સેવન કરી શકશે. એ માટે ગિફ્ટ સિટીમાં કામ કરનારાં અને માલિકોને સત્તાવાર રીતે “લિકર એક્સેસ’ પરમિટ’ અપાશે. કંપનીઓમાં આવતા અધિકૃત વિઝિટર્સ-મુલાકાતીઓને પણ પરમિટ આપવામાં આવશે કે જેથી ગિફ્ટ સિટીમાં કામ કરનારા કર્મચારીઓ સાથે જઈને દારૂ પી શકશે. મુલાકાતીઓ ગિફ્ટ સિટીમાં બેસીને દારૂ પી શકશે, પણ અહીં દારૂની બોટલ વેચી શકશે નહીં તેથી દારૂબંધીની છૂટ માત્ર ગિફ્ટ સિટી પૂરતી મર્યાદિત હશે.

ગુજરાતની સ્થાપના ૧ મે, ૧૯૬૦ના રોજ થઈ ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે. દેશનાં ઘણાં રાજ્યોએ દારૂબંધી અપનાવી અને છોડી પણ ખરી, પણ ગુજરાત દારૂબંધીના માર્ગેથી હટ્યું નથી તેનું કારણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે.

ગાંધીજી દારૂને સૌથી મોટું સામાજિક દૂષણ માનતા તેથી તેના પર પ્રતિબંધનો એમનો આગ્રહ હતો. આ કારણે દેશ આઝાદ થયો પછી મોટા ભાગનાં રાજ્યોએ દારૂબંધી અપનાવેલી. ધીરે ધીરે બધાં રાજ્યો દારૂબંધી હટાવતાં ગયાં.

દારૂના વેચાણની છૂટથી રાજ્યોને ધીકતી કમાણી થતી. રાજ્યો પાસે કમાણીનાં બીજાં સ્રોત નહોતાં તેથી રાજ્યો માટે આ કમાણી જરૂરી હતી એટલે ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થઈ ત્યાં સુધીમાં મોટા ભાગનાં રાજ્યોમાંથી દારૂબંધી જતી રહી હતી, પણ ગુજરાતમાં ના ગઈ કેમ કે ગાંધીજી ગુજરાતના હતા ને કૉંગ્રેસીઓ ગાંધીના ગુજરાતના નામે લોકો પાસેથી મત લેતા હતા.

ગુજરાત દારૂબંધી હટાવે તો ગુજરાતનો જે આર્થિક વિકાસ થાય તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. ગુજરાત સરકારને દારૂ પરના ટેક્સમાંથી તો જંગી આવક થશે જ પણ બહારથી પણ ગુજરાતમાં નાણાંનો વરસાદ થશે. ભારતમાં શરાબ પર કરવેરામાંથી કમાણી કરવામાં તમિલનાડુ નંબર વન છે. તમિલનાડુ વરસે ૩૦ હજાર કરોડ રૂપિયા શરાબ પરના કરવેરામાંથી જ કમાય છે.

ગુજરાતને વરસે આ વધારાની કમાણી થાય તો એ પૈસો લોકો માટે જ વપરાવાનો છે.

બીજા ફાયદા તેના કરતાં પણ મોટા છે.

દુનિયાના કોઈ પણ પ્રદેશમાં બહારનો પૈસો પ્રવાસન અને બિઝનેસ-ઈન્ડસ્ટ્રી બે રસ્તે સૌથી વધારે આવે છે. ગુજરાત ભારતનાં સૌથી સલામત રાજ્યોમાં એક છે. બીજા કોઈ
રાજ્ય પાસે ના હોય એવું જબરદસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે-આધારભૂત સુવિધા છે, છતાં ગુજરાતમાં તેની ક્ષમતાના પ્રમાણમાં પ્રવાસીઓ પણ ઓછા આવે છે . બિઝનેસ-ઈન્ડસ્ટ્રીમાં રોકાણ પણ ઓછું આવે છે. તેમાં પણ વિદેશી પ્રવાસીઓ તો મોટાભાગે આવવાનું ટાળે છે તેનું કારણ ગુજરાતની દારૂબંધી છે.

આપણા સિદ્ધાંતોના કારણે આપણા લોકો દારૂના પીએ એ બરાબર છે, પણ બહારનાં લોકો માટે એ સિદ્ધાંતો કંઈ કામના નથી. દારૂ પીવો એ એ લોકોની સહજ લાઈફસ્ટાઈલનો ભાગ છે, પણ ગુજરાતમાં દારૂના મળે તેથી એમની લાઈફ સાયકલ ખોરવાય. આ કારણે વિદેશી પ્રવાસીઓ અને બિઝનેસ કોમ્યુનિટી બંને ગુજરાતથી દૂર ભાગે છે.

ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણપણે ના હટાવાય ને પસંદગીનાં સ્થળો પર જ છૂટ અપાય તો પણ એ પ્રવાસન ક્ષેત્રે ભારતનાં બીજાં બધાં રાજ્યોને પાછળ પાડી શકે. અત્યારે સ્થિતિ એ છે કે, ગુજરાત પાસે પ્રવાસન વિકસાવવા માટે બીજા કોઈ રાજ્ય પાસે ના હોય એવી સવલતો છે ,છતાં ગુજરાત પ્રવાસનમાં પછાત છે.

ગુજરાત પાસે ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો છે. ભારતના ૫૪૦૦ કિલોમીટરના દરિયાકાંઠામાંથી લગભગ ત્રીજા ભાગનો એટલે કે અંદાજે  ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતમાં છે. આ દરિયા કાંઠે અનેક સુંદર બીચ છે ,પણ કમનસીબે આ બીચ પર વિદેશી પ્રવાસીઓ તો છોડો પણ ભારતનાં બીજાં રાજ્યોમાંથી પણ પ્રર્યટકો ફરકતા નથી. ભારતીયો દરિયાના કુદરતી સૌંદર્યને માણવા માટે મોરેશિયસ અને માલદીવ્સ જાય છે કેમ કે ગુજરાતનાં બીચ પર દારૂ મળતો નથી

ગુજરાતમાં મોરેશિયસ-માલદીવ્સના બીચને ટક્કર મારે એવા નયનરમ્ય બીચ છે, પણ દારૂ નથી તેથી આપણા બીચ પ્રવાસીને આકર્ષી શકતા નથી.

ગોવા પાસે ઓછા બીચ છે, છતાં જોરદાર સવલતો ઊભી કરીને ગોવા ભારતીય તો ઠીક્, વિદેશી પર્યટકોમાં છવાઈ ગયું છે. એનું એક અગત્યનું કારણ ત્યાં દારૂબંધી નથી. ગુજરાતના દરિયાકાંઠે ટૂરિઝમમાં રોકાણ કરવા માટે કંપનીઓ પણ આવતી નથી. ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ ઊમટે તો આપણા દરિયાકિનારે સ્પોર્ટ્સ, એડવેન્ચર, વોટર ગેમ્સ વગેરેમાં પણ જંગી રોકાણ આવે. નવા નવા રિસોર્ટ, કોટેજિસ વગેરે બને અને ગુજરાતમાં લાખો લોકોને રોજી મળે.

દારૂબંધી હટે તો ગુજરાતમાં મોટી ઈન્ડસ્ટ્રીઝ પણ આવે તેના કરતાં વધારે મહત્ત્વનું એ કે, ગુજરાત આખા દેશનું બિઝનેસ અને કોર્પોરેટ મીટિંગ્સનું હબ બની જાય. ગુજરાત પાસે બીજાં ઘણાં અદભૂત સ્થળો છે,જ્યાં મીટિંગ્સનો દોર જામી શકે. એશિયામાં સિંહો માત્ર ગુજરાતમાં છે. સિંહોનું ઘર ગીરનું જંગલ અદભૂત છે ને ત્યાં બિઝનેસ-ઈન્ડસ્ટ્રીનાં લોકો મીટિંગ્સ સાથે જંગલ સફારીની મજા માણી શકે. આફ્રિકાના દેશોએ આફ્રિકન સફારી દ્વારા એ કર્યું જ છે. ગુજરાત પાસે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વિશાળ જંગલો છે. આ જંગલોમાં પણ સફારી દ્વારા લોકોને આકર્ષી શકાય. ગુજરાત પાસે નાના નાના સંખ્યાબંધ પર્વત છે ને ત્યાં પણ ટ્રેકિંગ સાથે મીટિંગ્સ કરી શકાય.

એ જ રીતે,ગાંધીનગરનું મહાત્મા મંદિર અને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ખાતે જે અદભુત સવલતો છે એ તો બિઝનેસ-ઈન્ડસ્ટ્રીના માંધાતાઓને સૌથી વધારે માફક આવ એવી છે. હમણાં નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું એ સુરતનું ડાયમંડ બુર્સ દુનિયાભરની ડાયમંડ ઈન્ડસ્ટ્રીને ગુજરાતમાં લાવી શકે એ જોતાં ગુજરાતમાં બહારના પૈસાની રેલમછેલ થઈ જાય.

દારૂબંધીના કારણે ગુજરાત બીજાં રાજ્યોની સરખામણીમાં પાછળ પણ પડ્યું. મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ. તેલંગાણા વગેરે રાજ્યો પાસે ગુજરાત કરતાં ઓછી સવલતો હોવા છતાં ઔદ્યોગિક વિકાસમાં આ રાજ્યો આગળ નીકળ્યાં કેમ કે બહારનાં લોકો ગુજરાત આવવા ઝટ તૈયાર થતા નથી. દારૂબંધી હટે તો આ ખચકાટ પણ દૂર થશે.

ભૂપેન્દ્ર પટેલની સરકારે એ દિશામાં શરૂઆત કરી છે. આશા રાખીએ કે માત્ર ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટ આપીને સરકાર સંતોષ ના માને. ધીરે ધીરે એનો દાયરો વધારે. હા, તાત્કાલિક સમગ્ર ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવી જરૂરી નથી, પણ દરિયાકાંઠાના વિસ્તારો, ટૂરિઝમ સ્પોટ અને બિઝનેસ-ઈન્ડસ્ટ્રીની બેઠકો થઈ શકે એવા વિસ્તારોમાં જ છૂટ મળે તો ગુજરાતીઓ પણ બહાર નહીં જાય ને બહારનો પણ અઢળક પૈસો ગુજરાતમાં ખેંચાઈને ઠલવાશે.. સમૃદ્ધ ગુજરાત અતિ સમૃદ્ધ બનશે.

દારૂબંધી હટે તેના કારણે અમુક દૂષણો પણ આવશે. દારૂબંધીના કારણે પણ દૂષણો પેદા થયાં જ છે. દારૂબંધીના કારણે ગુજરાતમાં એક સમાંતર અર્થતંત્ર ઊભું થયું છે. દારૂબંધી હોવા છતાં ગુજરાતીઓ દારૂ પીવે જ છે તેથી ગુજરાતમાં દારૂનો ગેરકાયદેસર બિઝનેસ કારોબાર ધમધોકાર ચાલે છે. દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો રાજકારણીઓ અને પોલીસને આડકતરી રીતે હપ્તા આપીને ધંધો ચલાવે જ છે. જે કમાણી સરકારની તિજોરીમાં જવી જોઈએ એ રાજકારણીઓ અને પોલીસ પાસે જાય છે. ગુજરાતમાં દારૂના અડ્ડા ધમધમે છે તેના કારણે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્નો પણ છે જ.

અત્યારે તો આપણે નાણાં પણ ખોઈએ છીએ ને દૂષણોને પણ સહન કરીએ છીએ એ જોતાં દારૂબંધી હટે તો બેવડો ફાયદો છે. જે નવાં દૂષણો પેદા થશે એ પૈકી મોટા ભાગના કાયદો વ્યવસ્થાને લગતાં હશે તેથી એને ડામવા રાજ્ય સરકારે વધુ આકરા થવું પડે. પોલીસ તંત્ર વધુ વિકસાવીને સર્વેલન્સ સિસ્ટમ વધુ મજબૂત કરવી પડશે, પણ દારૂબંધી હટતાં થનારી આવકમાંથી બધું સરભર થઈ શકે….!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત