રોકાણકારોને કેપિટલ ગેન ટેક્સમાં રાહત મળે તો બજાર ઉછળે!
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
આવકવેરા કાયદા હેઠળ સ્થાવર અને જંગમ, બંને મિલકતના વેચાણમાંથી
થતા લાભ ઉપર કેપિટલ ગેન્સ ટેક્સ લાગુ પડે છે. ઈક્વિટી, ડેટ (ઋણ)
અને રિયલ એસ્ટેટ, આ ત્રણેય પ્રકારની મિલકત પર જુદા જુદા દરે અને
સમયગાળા મુજબ આ ટેકસ લાગુ થતો હોય છે. નાણાકીય લાભ (શોર્ટ ટર્મ)
ટૂંકા ગાળાનો છે કે લાંબા ગાળાનો (લોંગટર્મ) એના આધારે ટેકસ રેટ લાગુ
થાય છે.
કેપિટલ ગેન્સમાં ૧૦ ટકાથી લઈને વધુમાં વધુ ૩૦ ટકા જેટલા દરે ટેક્સ વસૂલ કરવામાં આવે છે. એક વર્ષથી લઈને ત્રણ વર્ષના હોલ્ડિંગ પિરિયડને ગણતરીમાં લઈને વેરો લાગુ કરવામાં આવે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે હોલ્ડિંગ પિરિયડને વ્યવસ્થિત કરવા માટે કેપિટલ ગેન્સ કરમાળખાને વ્યવહારુ અને તર્કસંગત બનાવવામાં આવે, મિલકતના તમામ વર્ગ માટે લાંબા ગાળા અને ટૂંકા ગાળાના દરમાં સમાનતા લાવવામાં આવે અને લાંબા ગાળાના કેપિટલ ગેન્સની આકારણીમાં ઈન્ડેક્સેશન (અર્થાત્ ફુગાવાના દરને ગણતરીમાં લઈને) માટે પાયાના વર્ષની ગણતરીમાં ફેરફાર કરવામાં આવે તો ઈન્વેસ્ટરોને લાભ થશે. આ વિશે એવી આશા સેવાય છે કે તમામ સ્થાનિક ઈક્વિટીઝ અને મ્યુચ્યુઅલ ફંડ્સ માટે સમાન હોલ્ડિંગ પિરિયડની પ્રથા લાગુ કરીને કેપિટલ ગેન્સના કરમાળખાને સરળ બનાવવામાં આવશે. આ કર માળખામાં એકરૂપતા લાવવાથી વેરા ચુકવણીમાં પ્રોત્સાહન મળશે.
સીધા અને ફંડ મારફત રોકાણનો કર વ્યવહાર
કેટલાક નિષ્ણાતોના મતે લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝમાં સીધા મૂડીરોકાણ અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્રારા ઓફર કરાતી ડેટ સ્કિમમાં પરોક્ષ મૂડીરોકાણ માટેના કર વ્યવહારમાં સમાનતા લાવવામાં આવશે. હાલ લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝમાં અને ૧૨મહિનાથી વધુના સમયગાળાના ઝીરો-કૂપન બોન્ડ્સ (લિસ્ટેડ અથવા અનલિસ્ટેડ)માં સીધા મૂડીરોકાણને લાંબા ગાળાના ઈન્વેસ્ટમેન્ટ તરીકે ગણવામાં આવે છે.
બીજી બાજુ, જો મૂડીરોકાણ કોઈ મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમમાં કરવામાં આવ્યું હોય તો એમાં હોલ્ડિંગ પિરિયડ લાંબા ગાળાના ઈન્વેસ્ટમેન્ટ તરીકે ૩૬ મહિના સુધીનો રખાય છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ માટેનો લાંબા ગાળાનો હોલ્ડિંગ પિરિયડ પણ જો ઘટાડીને ૧૨ મહિનાનો કરવામાં આવે તો તે કેટેગરી ઈન્વેસ્ટરો માટે આકર્ષક બની શકે. એ માટે સરકારે લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સના માળખાને સરળ બનાવવું પડે.
બજારને નારાજ નહીં કરાય
ઈન્વેસ્ટમેન્ટ એકસપર્ટ માને છે કે ૨૦૨૩ના એપ્રિલ પછી ઈન્વેસ્ટરો ઈક્વિટીઝમાં વધારે રોકાણ કરતા જણાયા છે. આર્થિક સલાહકારની સલાહ અનુસાર
પોતાના પોર્ટફોલિયોમાં ડેટ-ઈક્વિટી બંનેમાં મૂડીરોકાણ કરવાના ઈન્વેસ્ટરોના વલણમાં યોગ્યતા દેખાય છે એટલે એવી આશા રખાય છે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે
કેટલીક ટેક્સ રાહત અપાશે. ઈક્વિટીઝ માટેના કેપિટલ ગેન ટેક્સમાં કર
વ્યવસ્થા યથાવત્ રાખવામાં આવશે એવી ધારણા છે. હાલ જોરદાર તેજી છે. ઈન્વેસ્ટરોનો જુસ્સો ભારે ઊંચો છે અને આગામી બજેટથી પ્રોત્સાહનમાં વધારો થશે. આવા સંજોગોમાં કોઈ ધરખમ વેરા લાગુ કરાય એવી સંભાવના હાલને તબક્કે ઓછી છે.
રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મ્યુચ્યુઅલ ફંડ્સના દ્રષ્ટિકોણથી એસેટના નવા વર્ગની રચના કરવા પર આ વખતના બજેટમાં ધ્યાન આપવામાં આવે એવું બની શકે. અહીં કેપિટલ ગેઇન્સ મુદ્દે પણ કોઈક લાભદાયી જાહેરાત કરાય તો તે આવકાર્ય રહેશે.
LTCG માં રાહતની માગણી
અહીં એ યાદ કરવું જોઈએ કે વર્ષ ૨૦૧૮માં તે વખતના નાણાં પ્રધાન અરુણ જેટલીએ એવો નિયમ લાગુ કર્યો હતો કે જેમાં આર્થિક લાભની રકમ રૂ. ૧ લાખથી વધી જાય તો એવા લોન્ગ ટર્મ કેપિટલ ગઇેન્સ (LTCG) પર ૧૦ ટકા ટેક્સ લાગશે. અગાઉ ૨૦૦૪માં, તે વખતના નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે એલટીસીજીને કર-મુક્ત જાહેર કર્યું હતું, જ્યારે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) લાદવાનું ચાલુ રાખ્યું હતું.
આ વેરો શૅરબજારમાં થતા તમામ સોદા પર લાગુ છે. નિષ્ણાતો એવી
આશા રાખે છે કે આ વખતે સરકાર એલટીસીજીમાં થોડીક રાહત આપે.
વિગતો પરથી એવું જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સરકારે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) દ્વારા રૂ. ૯,૭૨,૨૨૪ કરોડની આવક મેળવી હતી.
સરકાર એલટીસીજી દ્વારા ખાસ નાણાં વસૂલ કરતી નથી, કારણ કે મોટા ભાગના ભારતીયો F& O ઈન્વેસ્ટરો છે અને એ બધા એસટીટી ચૂકવે છે. તેથી, મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટરો અને શેરબજારોમાં નિયમિત વેપાર કરતા કેટલાક ઈન્વેસ્ટરો એલટીસીજી બ્રેકેટમાં આવે છે. તેથી એસટીટી ચાલુ રખાય અને એલટીસીજી રદ કરાય તો વધારે સારું રહેશે.
બજેટ: મોટા આશ્ર્ચર્યોની સંભાવના ઓછી
ચૂંટણી પરિણામો પછી એવા અહેવાલો આવ્યા હતા કે સરકાર તમામ પ્રકારની એસેટસ કેટેગરી માટે સમાનતાનો નિયમ લાગુ કરે એવી ધારણા છે. જોકે ઘણા નિષ્ણાતોનું માનવું છે કે એવું પગલું ભારતીય ઈક્વિટીઝ માટે નકારાત્મક
સાબિત થશે. નાણાં મંત્રાલય પણ સમાનતાના નિયમ વિશેના અહેવાલોને અફવા ગણાવીને રદિયો આપી ચૂક્યું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના નિષ્ણાતો એવું માને છે કે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ન હોવાથી આગામી બજેટમાં એવા કોઈ પગલાં ભરવામાં નહીં આવે કે જેનાથી ઈન્વેસ્ટરોનો મૂડ બગડી જાય.
કેપિટલ ગેન ટેકસ: હાલનું માળખું
હાલને તબક્કે કંપનીઓના શેર અને ઈક્વિટી-પ્રેરિત મ્યુચ્યુઅલ ફંડ્સના યુનિટ્સ જેવી લિસ્ટેડ સિક્યુરિટીઝ (કે જેમાં ઈક્વિટી મૂડીરોકાણ સંપત્તિના ૬૫ ટકાથી વધારે હોય) તેના એક વર્ષની અંદરના વેચાણ પર ૧૫ ટકા શોર્ટ-ટર્મ કેપિટલ ગેન્સ (એસટીસીજી) લાગુ કરવામાં આવે છે. ૧૦ ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ (એલટીસીજી) ટેક્સ ત્યારે લગાડવામાં આવે છે જ્યારે લિસ્ટેડ સિક્યુરિટીઝ તેની ખરીદીના એક વર્ષ બાદ વેચી હોય અને તેમાં એક વર્ષમાં રૂ. એક લાખ કરતા વધારે લાભ મળ્યો હોય.
હવે નવા બજેટમાં આમાં શું ફેરફાર આવે છે તેની બજારને પ્રતીક્ષા છે અને એ ફેરફાર લાભદાયી નીવડે એવી આશા પણ છે.