ઉત્સવ

વસંતમાં આવે જો પાનખર

આકાશ મારી પાંખમાં -કલ્પના દવે

(ભાગ-૩)
દેવકી જેને સતત ઝંખતી હતી તે એના બાબા ગણપતની વીતક કથા દેવકીને કયાંથી સમજાય? એની ડ્રાયવરની નોકરી છૂટી ગયા પછી દોઢ વર્ષ સુધી કોઈ કામ મળ્યું નહીં. રોજીનું કામ મળે તો દહાડીયાના ૧૦૦ રુપિયા મળે પણ એ મુકાદમના હાથમાં. ત્રણ સંતાનો, બયરી અને પોતે પાંચ જણનું કુટુંબ કેવી રીતે નભાવે, એમાં પાછી દારૂની લત લાગી.

એક વાર સહકારી મંડળીમાં ખેતરની ગૂણીઓ ટ્રકમાં પહોંચાડી, ત્યારે મેનેજરે શેઠને આપવા માટે ૨૦૦૦રૂપિયા આપ્યા. ગણપતનું મન બગડ્યું, એણે એમાંથી ૫૦૦ રૂપિયા કાઢી પોતાની બંડીમાં મૂકી દીધા. શેઠે પૈસા ગણ્યા, ૫૦૦રૂ.ની ચોરી બદલ શેઠે પોલીસને સોંપી દીધો.ધોંડુ પણ તેને બચાવી ન શક્યો. પોલીસે એને જેલમાં ઘાલી દીધો. શેઠના પૈસા ભરે તો જ છોડીએ.

ચોરી કરવા બદલ જેલમાં સબડતો ગણપત દેવકી માટે દવા કયાંથી લાવે, એને કેવી રીતે મળવા જાય. રૂમમાં મૂકેલા અરીસામાં દેવકી પહોળી આંખે પોતોનો ચહેરો જોઈ રહી હતી. પછી પોતાની જાતને ધિક્કારતી હોય તેમ બોલી- કાળી ઊંડી ઊતરેલી આંખો, કયાંક સફેદ તો કયાંક લાલ થયેલો ચહેરો, આ હાથ અને ગળા પરના ઢીંમણા-છી: છી: હું કેવી ગંદી લાગું છું. ડૉકટર સાહેબ- દીદી બધા મારી કેટલી કાળજી લે છે. પણ, હવે મારી સામે કોઈ નહીં જુએ. આઈ, મધુને જ વહાલ કરે છે. આઈ મધુને કાન પાછળ કાળું ટીલું કરે, તે દિવસે મેં કહ્યું- આઈ પણ કાળું ટપકું કરી આપને. આઈ તરત બોલી હતી- ચલ, જા ઈથુન, તને કૂબડીને કોની નજર લાગવાની છે. આજે અરીસામાં પોતાના બદસૂરત ચહેરાને જોતાં આઈના કડવા વેણ તેને તીરની જેંમ ભોંકાઈ રહ્યા હતા.

ડૉ.અજય દેવકીના ગંભીર થઈ રહેલા રોગ તથા તેની માનસિક સ્થિતિ અંગે ચિંતિત હતા.

મુંબઈથી ડૉ.કેળકર સાથે એમના જુનિયર ડૉકટર પરાગ અને મનોચિકિત્સક અમી દેસાઈ પણ આવવાના હતા. ડૉ.કેળકરે કહ્યું હતું, ડૉકટર પરાગ અને ડૉ.અમી તમે જાણો છો કે ડૉ.અજયની હૉસ્પિટલ તો દહાણુના આદિવાસી વિસ્તારમાં છે, જયાં મોટેભાગે ગરીબ અને નિરક્ષર લોકો સારવાર માટે આવે છે. આપણે પણ સેવાભાવનાથી જ જવાનું છે.

યસ,સર વી આર વીથ યુ, ઈન ધીસ નોબેલ કોઝ. પરાગ અને અમીએ કહ્યું.

રવિવારે સવારે ૧૦ વાગે ડૉ.અજયની હોસ્પીટલમાં ડૉ.કેળકર સાથે ડૉ,પરાગ અને ડૉ.અમી આવી ગયાં. ડૉ,અજય અને ડૉ.વસુધાએ તૈયાર કરેલી દેવકીની કેસ હીસ્ટ્રીનો ડૉ.કેળકર,પરાગ અને અમીએ અભ્યાસ કરતાં ચર્ચા કરી જરૂરી માહિતી મેળવી. ડૉ.અજય સાથે વાત થઈ હતી તે મુજબ ડૉ.કેળકર કેટલીક દવાઓ પણ સાથે લાવ્યા હતા.

અજયે વસુધાને કહ્યું- વસુ, તું અને મેટ્રન પહેલાં દેવકી પાસે જાઓ. એને જણાવો કે મુંબઈથી મોટા ડૉકટર તને મળવા આવ્યા છે. તને જલદી સારું થઈ જશે. વસુધા અને મેટ્રન દેવકીના બેડ પાસે ગયા ત્યારે દેવકી પલંગ પર બેઠી બારી બહાર સૂનમૂન બની જોઈ રહી હતી. દીદીને જોતાં જ દેવકી ખુશ થઈ ગઈ.

જો, દેવકી મુંબઈથી મોટા ડૉકટર તને તપાસવા આવ્યા છે. એ જે કંઈ પૂછે તેનો જવાબ આપજે. ડૉ.વસુધાએ કહ્યું ત્યારે દેવકીએ હકારમાં માથું હલાવ્યું.

ડૉ.અજય સાથે નવા ત્રણ જણને જોતાં દેવકી તો પોતાનો ચહેરો છુપાવવા બાજુના વરંડામાં ભાગી ગઈ.

વસુધા દેવકીની પાછળ ગઈ અને ધીરેથી કહ્યું- આ મોટા ડૉકટર તને તપાસશે તો તને જલદી સારું થઈ જશે.

દીદી, મને બીક લાગે છે. મારે જીવવું નથી અને મરવું પણ નથી. તમે જ કહો હું શું કરું? રડમસ અવાજે દેવકી બોલી.

જો દેવકી તું ખૂબ ડાહી અને સમજુ છે. દીદીની વહાલી દીકરી છે ને- તને ડૉકટર જે પૂછે તે કહેવાનું, હું અને તારા ડૉકટર અંકલ તારી સાથે જ છીએ. ચાલ.

ડૉકટર કેળકરે તપાસી. ડૉકટર પરાગ અગત્યની નોંધ લઈ રહ્યા હતા.

ત્રણે ડૉકટર કંઈક ચર્ચા કરી રહ્યા હતા. ડૉ.અમી સાઈકિયાટ્રિસ્ટની દ્રષ્ટિએ દેવકીનું નિરીક્ષણ કરી રહી હતી.

ડૉ.અમીએ નોંધ્યું કે એડૉલેશન એજમાંથી પસાર થઈ રહેલી દેવકી ગંભીર રોગને કારણે માનસિક તાણ અનુભવી રહી છે. એક તો એડૉલેશનના સંવેદનો, ઉપરથી ગંભીર માંદગી અને માતા-પિતાની ઉપેક્ષા, આ બધા કારણોને લીધે તે હતાશ છે. તેને હૂંફની જરૂર છે.

ડૉ.અમીએ કહ્યું કે ડૉ.અજય જો દેવકી થોડો સહકાર આપે તો હું તેની માનસિક અવસ્થાનો આંક કાઢી શકું. પણ, મારે દેવકી સાથે એકાંતમાં જ વાત કરવી છે.

ઓ.કે કહીને બધા ડૉ.અજયની કેબીનમાં ગયા.

ડૉ.અમીને દેવકીનું મન જીતતા વાર ન લાગી. ઓશિકા નીચે શું છુપાવ્યું છે, તારે મિહિરને મળવું છે ને- હું તને લઈ જઈશ. દેવકી તું ખુશ રહીશ તો તને જલદી સારુ થઈ જશે. પછી તું સ્કૂલમાં જઈશ. તને મિહિર મળશે. તારા દેસાઈ સર, દેશમુખ મેડમ મળશે,
પણ, માઝી આઈ માઝા વર રાગવતે, શેઠ ચા ઘરી ગેઉન જાણાર.

ઐસા કુછ નહીં હોગા. મૈ તેરી આઈસે બાત કરુંગી.

માઝે બાબા પણ યેત નાય. દેવકીએ કહ્યું.

હમ જાયેંગે. ડૉ.અમીએ કહ્યું ત્યારે દેવકી હસી પડી.

ડૉ.અમીએ ડૉ.અજયની કેબિનમાં પોતાનું નિરીક્ષણ સમજાવતાં કહ્યું-
પુઅર ચાઈલ્ડ, સો પીટી દેવકી એના માતા-પિતાના પ્રેમ માટે હીજરાય છે. મને લાગે છે દવા વિશે બધું સમજાવી એને એના ઘરે મોકલવી જોઈએ.

પણ, એના ઘરની પરિસ્થિતિ કેસને વધુ બગાડશે, ડૉ.પરાગે કહ્યું.

દેવકીના રોગની ગંભીરતાનું એક કારણ છે ડીપ્રેશન. આ હતાશામાં એ ઝંખે છે માતા-પિતાની હૂંફ. ડૉ.અજય તમે અહીં કેટલો વખત રાખશો? આખરે એ જ વાતાવરણમાં રહેવાનું છે.આખરે એ પરિસ્થિતિનો પડકાર ઝીલવાની તેને હિંમત આપવી પડે.

હા, આપણા તરફથી બેસ્ટ ટ્રીટમેન્ટ તો આપવાની જ છે. તથા એના પેરેન્ટસનું કાઉન્સીલીંગ કરવું પડે.

ત્યાં જ રામુએ કેબિનમાં આવીને જણાવ્યું-સાહેબ, પુઢારી ચાચા, મારા પિતા અને દેવકીના પિતા ગણપતચાચા
આવ્યા છે.

શું ગણપત પણ આવ્યો છે ! વસુધા, ડૉ,અજય , ડૉ.કેળકર, પરાગ અને ડૉ.અમી એકી સાથે બોલ્યાં.

ગણપતે આવતાની સાથે જ કહ્યું, મારી દેવકીને કેમ છે? હું એને ઘરે લઈ જવા આવ્યો છું.

આશાના એક કિરણને વધાવતાં ડૉ. વસુધાએ કહ્યું- વસંતમાં આવેલી આ પાનખરમાં હવે ફરી વસંત
આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button