ઉત્સવ

વસંતમાં આવે જો પાનખર

આકાશ મારી પાંખમાં -કલ્પના દવે

(ભાગ- ૨)
તે દિવસે દેવકીને મળવા મિહિર હોસ્પિટલમાં આવ્યો હતો. ગુલાબનાં બે ફૂલ દેવકીના હાથમાં આપતાં બોલ્યો:- દેવકી, તું જલદી સાજી થઈ જા. તારા વગર મને શાળામાં ગમતું નથી. આપણે તો સ્કૂલમાં અને પછી કોલેજમાં પણ સાથે જ ભણીશું. હા,મિહિર મને પણ અહીં ગમતું જ નથી,પણ જો ને મને સારું થતું જ નથી. દેવકીએ આંખોમાં આંસુ લાવતા કહ્યું.

દેવકી તું બરાબર દવા લેજે. તને સારું થઈ જશે. આપણા દેશમુખ મેડમ અને દેસાઈ સરે પણ આશિષ આપ્યા છે. મિહિર સાથે અડધો કલાક વાત કરી ત્યારે દેવકી ખુશ થઈ ગઈ. મને સારું થશે, હું પાછી સ્કૂલમાં જઈશ.

તે દિવસે મને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે દેશમુખ મેડમે મારી ટ્રોફી સાથે મને એમની બાજુમાં ઊભી રાખી અને ફોટો પડાવ્યો હતો. તે વખતે પણ આઈ કે બાબા કોઈ આવ્યું ન હતું. શું કામ આવે એમને કયાં દેવકી ગમે છે? આઈ તો નાની બહેન મધુને અને નાના ભાઈ સોનુને જ વહાલ કરે છે. અને, તે દિવસે તો આઈએ જ મને પેલા શેઠની રૂમમાં ધકેલી હતી ને, કોઈની પણ આઈ આવું કરે?
દેવકીની નજર સામે પેલો ભયંકર પ્રસંગ તરવરી ઊઠ્યો.

તે દિવસે હું આઈ સાથે શેઠના ઘરે કામ કરવા ગઈ હતી. બપોરના ભોજનના સમયે મોટા શેઠ આવ્યા. દેવકી એમનો બેડરૂમ સાફ કરી રહી હતી. શયનખંડના ટેબલ પર મૂકેલી મા લક્ષ્મીની મૂર્તિ એણે કપડાંથી સાફ કરી. નમન કરતાં માથે લગાડી મૂર્તિ ટેબલ પર ગોઠવી.

દેવકી રૂમ સાફ કરી રહી હતી. ત્યાં તો શેઠ શયનખંડમાં આવ્યા. ઝીણી નજરે દેવકીને જોઈ રહ્યા. દેવકીની ઊગતી કળી જેવી માદક સુગંધ તેમને સ્પર્શી ગઈ. ખાટલામાં આડા પડખે થતાં મોટેથી કહ્યું- દેવકી. મારા માટે પાણી લઈ આવ.

દેવકી નીચે રસોડામાં ગઈ, આઈએ તેને પાણીનો લોટો ભરી આપ્યો. દેવકી ઉપલે માળે શેઠના શયનખંડમાં ગઈ. ગોળ ટેબલ પર પાણીનો લોટો મૂકતી હતી, ત્યાં જ દરવાજાનો આગળો કોઈ ભીડી રહ્યું હોય તેવો અવાજ આવ્યો, પલંગ તરફ જોયું તો શેઠ પલંગ પર ન દેખાયા.

ખંડમાં ભેંકાર શૂન્યતા ફરી વળી હતી, દેવકી ભયભીત બની ગભરાયેલા પંખીની જેમ ફફડી ઊઠી. તે માતાજીની મૂર્તિને તાકી રહી. શેઠે ભૂખ્યા વરૂની પેઠે એની તરફ આવી રહ્યા હતા. પોતાની જાતને બચાવવા તે બારી તરફ નાઠી, પણ શેઠે ઝડપથી બે હાથ વચ્ચે ભીંસી દીધી.પોતાના બાહુબળના જોરે સુવડાવી તેના મોઢા પર પોતાનો હાથ દાબી દીધો. શેઠની વિકરાળ આંખો, બીભત્સ ચહેરો જોતાં દેવકી ગભરાઈ ગઈ. એનો શ્ર્વાસ ફૂલી રહ્યો હતો, તેની આંખો બેબાકળી બની ગઈ. એક ગીધ જેમ તેના શિકારને સકંજામાં લે અને પછી પ્રાણ લઈને જ છોડે, એવો ઘાટ દેવકીનો હતો. શેઠના બરછટ આંગળા દેવકીના નાજુક દેહને નિર્દયતાથી પીસી રહ્યા હતા. એણે બે-ત્રણ લાત મારી છટકવાનો પ્રયત્ન કર્યો. એની નજર પેલી લક્ષ્મીમાતાની મૂર્તિ પર પડી અને એક ચમત્કાર થયો.
અચાનક શેઠની પકડ ઢીલી થઈ. શેઠ પલંગ પરથી ગબડી પડ્યા. તક મળતાં જ દેવકી ભાગી. તે આઈ, આઈ કરતી બૂમો પાડતી નીચે ગઈ.

હાંફતી હાંફતી ગભરાયેલી દેવકી નીચે જઈને તેની આઈને શોધવા લાગી. આઈ રસોડામાં કે નાની રૂમમાં ન હતી. એ તો વરંડામાં બેઠી બેઠી પાન ચાવતી હતી, અને ૨૦,૪૦,૫૦ એમ રૂપિયા ગણવામાં મશગૂલ હતી.

દેવકી રડતા રડતા ગભરાતાં પોતાની વાત કહી રહી હતી. પણ, આઈ એકદમ ચૂપ. શેઠ પર ન કોઈ ગુસ્સો, ન દેવકી સાથે શેઠે આવું કર્યાનું દુ:ખ. આતા ગપ બસ કી, હે કુણાલા સાંગુ નકો. બાબાલા પણ સાંગુ નકો . શેઠ પૈસે દેતે, આણિ તુઝે બાબા દારૂ પીઉન યેતે, પૈસે કમવત નાય.

આઈ, ચાલ આપણા ઘરે, તું પણ કાલથી અહીં ન આવતી. દેવકી બોલી.

આ શેઠ ૫૦-૬૦ રૂપિયા આપે એટલે જ તને અહીં લાવી હતી. આઈએ કહ્યું. આઈ, પૈસા માટે તારી દીકરીને આવા લંપટ શેઠને સોંપતા તારો જીવ કેમ ચાલ્યો, તને શરમ ન આવી? દેવકીએ પૂછયું.
આપણે ગરીબોને શેની શરમ- આ ચામડું વેચીને પણ ઘર ચલાવવું પડે છે.

આ ઘટના યાદ આવતાં આજે દેવકી આઈને ફરીથી ધિકકારવા લાગી. શું આઈ પોતાની જ દીકરીને પૈસા કમાવવાનું સાધન બનાવે? અને મારા બાબા પણ મને પ્રેમ નથી કરતા, મને આટલી બધી તકલીફ થાય છે, પણ દવા ન લાવ્યા. મને મળવા પણ નથી આવતા.

હોસ્પિટલના બેડના ઓશિકા નીચે દેવકીએ એક છાપું સંતાડી રાખ્યું હતું, વોર્ડબોય રામુએ આપ્યું હતું, આ છાપામાં મિહિરનો ફોટો હતો. આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મિહિરની ટીમને ટ્રોફી મળી હતી. દેવકીને જયારે મિહિર યાદ આવે ત્યારે આ ફોટો જોયા કરતી.

દેવકીને શાળામાં ગઈ હતી, એ છેલ્લો દિવસ યાદ આવી ગયો. એ દેશમુખ મેડમને મળવા ગઈ હતી, પણ દેશમુખ મેડમ આવ્યાં ન હતાં. દેવકી હતાશ થઈ ગઈ. એને થયું કે આખી દુનિયામાં મારું કોઈ નથી. સુલેખા એની ખાસ સહેલી પણ એને આ ચેપીરોગ થયો છે, એમ કહી એની બાજુમાં બેસતી નથી, એની સાથે ડબ્બો પણ ખાતી નથી. દેવકી વર્ગમાં ગઈ, દફતરમાંથી ડબો કાઢયો. ડબામાં ચાર-પાંચ બિસ્કીટ મૂક્યા હતા.

દેવકી ગૌરી પાસે ગઈ અને ડબો ખોલીને ગૌરીને આપતાં બોલી- ચાલ, આપણે સાથે નાસ્તો કરીએ. ગૌરી બિસ્કીટ હાથમાં લઈને મોઢામાં મૂકવા જતી હતી ત્યાં જ સુરેખા આવીને બોલી- અરે, ગૌરી. તું આના ડબામાંથી ખાય છે ? જોતી નથી એના શરીરે કેવો રોગ થયો છે? ગૌરીએ બિસ્કીટ પાછી દેવકીના ડબામાં મૂકી દીધી.

હૉસ્પિટલના બિછાના પર સૂતેલી દેવકી બબડવા લાગી- હે ભગવાન, મને મારાં કયા પાપની આ સજા મળી છે, મારી સાથે જ આવું કેમ બન્યું, હવે હું શું કરું- કયાં જઉં. તે દિવસે આઈએ પૈસા માટે મને શેઠની રૂમમાં ધકેલી હતી, મારા બાબા પણ અહીં આવતા નથી..

આમ વલોપાત કરી રહેલી દેવકી હીબકાં ભરતી સૂઈ ગઈ. તે તાપમાં સપડાઈ ગઈ. દેવકીના રોગની તીવ્રતા જોઈ ડો.અજય અને ડો.વસુધા ચિંતિત હતાં.

ડો.અજયે મુંબઈના ચર્મરોગના નિષ્ણાત ડો.કેળકરની સાથે ફોન પર દેવકીના કેસની ચર્ચા કરી અને પર્સનલ વિઝિટ માટે એપોઈંટમેન્ટ લઈ લીધી. બીજી ચિઠ્ઠી રામુના પિતા ધોંડુને લખી. આ ધોંડુ જ દેસાઈ સર સાથે દેવકીને હૉસ્પિટલમાં લાવ્યો હતો અને પાલક તરીકે સહી કરી હતી. ડો.અજયે ધોંડુને ભારપૂર્વક જણાવ્યું હતું કે દેવકીનો રોગ તીવ્રતાથી વધી રહ્યો છે. તેની માનસિક સ્થિતિ પણ ગંભીર બની શકે તેમ છે. હું મુંબઈથી મોટા ડોકટરની એપોઈંટમેન્ટ લઉં છું. આ વખતે દેવકીના પિતા ગણપતે અને તમારે હાજર રહેવું પડશે.

તે પત્ર રામુના હાથમાં આપતાં ડો,અજયે કહ્યું- રામુ, આ પત્ર તારા પિતા ધોંડુને આપજે. અને દેવકીના માતા અને પિતા ગણપતને કહેજે કે દેવકીની હાલત ગંભીર છે, એટલે અહીં જરૂર આવે. આજે સાંજની બસમાં જ તુ ગામ જા.

રામુએ કહ્યું- જી સાહેબ.
(ક્રમશ: ભાગ-૩ આવતા અંકે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button