ઉત્સવ

વિપત પડે નવ વલખિયે વલખે વિપત નવ જાય, વિપતે ઉદ્યમ કીજિયે તો ઉદ્યમ જ વિપતને ખાય

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

આળસ અને ઉદ્યમ. જીવમાત્રની આ લાક્ષણિકતા જીવનને અર્થ કે અનર્થ પૂરા પાડે છે. બંનેને એકબીજા સાથે બાપે માર્યા વેર છે. એકની હાજરીમાં બીજાનું અસ્તિત્વ ટકી જ ન શકે. પરિશ્રમનું પ્રમાણ આપતો એક શ્ર્લોક છે કે ઉદ્યમેન હિ સિદ્ધયન્તિ, કાર્યાણિ ન મનોરથૈ:, ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા: મતલબ કે મહેનત – ઉદ્યમ કરવાથી જ કાર્યો સફળ થાય છે, માત્ર મનોરથ – વિચાર કરીને બેસી રહેવાથી નહીં. સુઈ રહેલા સિંહના મોંમાં હરણ કાંઈ આવીને પડતું નથી. કહે છે ને કે કોળિયો કોઈ ભરાવી આપે, પણ ચાવવો તો જાતે જ પડે. કવિશ્રી જલન માતરીની મનનીય પંક્તિઓ છે કે ઘૂંટી લે શ્ર્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે, ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે? અહીં પણ પરિશ્રમના મહિમાનું જ રટણ જોવા મળે છે. સફળતા મેળવવા ઈશ્ર્વર કૃપા, નસીબ વગેરેનો સાથ જોઈએ એની ના નહીં, પણ પ્રયત્ન તો કરવા જ પડે. ધૂપસળી જો પ્રજ્વલિત જ ન થાય તો એ ક્યારેય સુગંધ પ્રસરાવી નથી શકતી.

જાતમહેનતના ગુણગાન ગાઈ ઊંડી સમજણ કેળવતું સુભાષિત છે : જાતે ફરવું જાતે રળવું જાત વિના સૌ જૂઠુંજી, જાતે ઝૂઝવું આગે વધવું જાત વડે ઉદ્ધરવુંજી. આ સુભાષિતની સમકક્ષ કહેવત છે આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. ઉદ્યમના મહિમાનું વર્ણન કરતું બીજું પ્રભાવી સુભાષિત જાણીએ અને એને સમજીએ. વિપત પડે નવ વલખિયે વલખે વિપત નવ જાય, વિપતે ઉદ્યમ કીજિયે તો ઉદ્યમ વિપતને ખાય. વિપત એટલે આપદા, મુશ્કેલી અને વલખવું એટલે અકળાઈ જવું, મૂંઝાઈ જવું, ફાંફાં મારવા. મુશ્કેલી આવી પડે ત્યારે અનેક લોકો અકળાઈ જાય છે, અહીંતહીં ફાંફાં મારવા લાગે છે. રોદણાં રડવા બેસી જાય છે. જોકે, એવું બધું કરવાથી મુશ્કેલી દૂર નથી થતી. મુશ્કેલી આવી પડે ત્યારે સંકટનો સામનો કરવા ઉદ્યમ એટલે કે મહેનત કરવી જોઈએ. એ મહેનત ઊગી નીકળે અને એના ફળ મુશ્કેલી દૂર કરવામાં મદદરૂપ થાય. વાત એ જ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હાથ જોડી બેસી રહેવાને બદલે હાથને કામે લગાડવાથી સમસ્યા દૂર કરી શકાય છે.

PULL WORDS AND IDIOMS

ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપવાની શરૂઆત મોટેભાગે A for Apple થી જ શરૂ કરવામાં આવતી હોય છે. જોકે, આજના વિદ્યાર્થીઓને કદાચ A for Android વધુ યાદ રહેતા હોવાની સંભાવના ભારોભાર છે. આજે આપણે અંગ્રેજી અક્ષર ‘એ’થી શરૂ થતી કહેવતો – રૂઢિપ્રયોગથી વાકેફ થઈએ. Absence makes the heart grow fonder. કોઈ વ્યક્તિથી દૂર રહેવાથી એના માટેની લાગણી વધે છે. વિરહ અને મિલનનો મહિમા ગઝલોમાં ઘણો ગવાયો છે. બીજી કહેવત છે Actions speak louder than words. લોકો શું બોલે છે એના કરતા શું કરે છે એના પરથી અસલી ઓળખાણ થાય છે એનો ભાવાર્થ છે. રાજકારણીઓને આ કહેવત સૌથી વધુ લાગુ પડે છે. ટૂંકમાં કહીએ તો કથન કરતા કૃતિ વધુ મહત્ત્વની છે. The politician promised to do many things but he never did anything. However, actions speak louder than words and he lost the next election. અર્થ એકદમ સ્પષ્ટ છે. All good things must come to an end મતલબ સારો સમય ક્યારેક તો સમાપ્ત થાય જ છે. 1975 અને 1979માં વર્લ્ડ કપ ક્રિકેટમાં ચેમ્પિયન બન્યા પછી 1983ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનો પરાજય થયો હતો. Any port in a storm ભાષા પ્રયોગ સમજવા જેવો છે. પોર્ટ એટલે બંદર અને સ્ટોર્મ એટલે તોફાન. આ બે રૂપકનો ઉપયોગ કરી માનવ સ્વભાવનો પરિચય કરાવવામાં આવ્યો છે. માણસ કટોકટીની પરિસ્થિતિમાં મુકાય ત્યારે એ કોઈની પણ મદદ કે કોઈનો પણ આશરો લેવા તૈયાર થઈ જાય એ એનો ભાવાર્થ છે. એ સમયે ગમા – અણગમા બાજુમાં મૂકી દેવામાં આવે છે. કકડીને ભૂખ લાગી હોય કે ભૂખથી જીવ જતો હોય ત્યારે ટાઢી રોટલી કે ટાઢા ભાત પણ મેવા મીઠાઈ જેવા લાગે એવી વાત છે. All roads lead to Rome કહેવતના શબ્દાર્થમાં ઈશારો સ્પષ્ટ છે. કોઈ પણ રસ્તે જશો તો પણ રોમ જ પહોંચશો. મતલબ કે લક્ષ્ય પ્રાપ્તિ માટે જુદા જુદા વિકલ્પ હોય એવી વાત છે. The two groups used two different methods to finish the project. All roads lead to Rome. પ્રોજેક્ટ પૂરો કરવા બંને ગ્રુપે અલગ અલગ પદ્ધતિ અપનાવી. બાળકને સમજાવવા કોઈ મા ફોસલાવે તો કોઈ ધમકાવે એવી વાત છે. An ounce of prevention is worth a pound of cure. માઠા પરિણામો ભોગવવા કરતા એવું કામ કે એવી કોશિશ જ ન કરવી એ એનો ભાવાર્થ છે. I decided to stay home and rest rather than go out in the cold with my sore throat.

गुजराती प्रयोग हिंदी में

માણસ – માણસ વચ્ચેનો પ્રેમ વ્યવહારમાં શાશ્વત નથી હોતો. બે ભાષા વચ્ચેનો પ્રેમ – લેવડદેવડ અનન્ય હોય છે. અનેક ઉદાહરણો એના સમર્થનમાં આપી શકાય એમ છે. ‘મુંબઈ સમાચાર’ની આ કોલમ દ્વારા માનનીય વાચકોને એની જાણકારી આપવાની કોશિશ કરવામાં આવે છે. ગુજરાતી પ્રયોગ હિન્દીમાં એવો જ એક પ્રયાસ છે. ઘણીવાર એક ભાષાનો ભાવ બીજી ભાષામાં સાવ જુદા પ્રયોગથી કેવો અદ્દલ જળવાય છે એ વાત હેરત પમાડે છે. કોઈ વ્યક્તિ ફસામણી કરે ત્યારે છળ કરવું – કપટ કરવું એવા રૂઢિપ્રયોગનો ઉપયોગ ગુજરાતીમાં થતો હોય છે. આ જ વાત હિન્દીમાં टेढ़ी चाल चलना તરીકે જાણીતો છે. ગુજરાતી પ્રજામાં પતિ – પત્ની વિશે અસંખ્ય રમૂજો થતી હોય છે, કેફિયત માંડવામાં આવતી હોય છે. પતિની બહુ જ જાણીતી ‘વ્યથા’ છે કે પત્ની આગળ મારું કશું ચાલતું નથી. કશું ચાલવું નહીં, કામમાં સફળતા ન મળવી એ વાત હિન્દીમાં दाल नहीं गलना સ્વરૂપે હાજર છે. मोहित शादी के लिए लड़की देखने गया था, परन्तु वहां उसकी दाल नहीं गली। સમજાઈ ગયું ને. નાની અમથી વાતને બહુ મોટું સ્વરૂપ આપવામાં આવે ત્યારે કાગનો વાઘ કર્યો એમ કહેવામાં આવે છે. કાગળ અને વાઘ એ બે પ્રતીક પરથી વાત સ્પષ્ટ સમજાઈ જાય છે. હિન્દીમાં આ વાત तिल का ताड करना સ્વરૂપમાં જાણીતી છે. राजनीति में छोटी सी गलती होने पर विपक्ष तिल का ताड बना देती है. ગુજરાતીની જેમ જ હિન્દીમાં પણ તલ અને તાડ એ બે પ્રતીકના વિરોધાભાસથી અર્થ સ્પષ્ટ થાય છે.

॥ नव्या म्हणी ॥

દરેક ભાષાની પોતીકી સુગંધ હોય છે, મહેક હોય છે, એના આગવા શૈલી અને બંધારણ હોય છે. શહેરની ભાષા અને ગ્રામ્ય જીવનની ભાષામાં અને એના લહેકામાં તફાવત જોવા મળે છે. ગ્રામ્ય ભાષામાં ભીની માટીની ખુશ્બુ હોય છે જ્યારે શહેરી ભાષામાં સિમેન્ટ કોંક્રિટની ગંધ આવે છે. એક પ્રાકૃતિક જ્યારે બીજી કૃત્રિમ. ગામડે રોટલો – ખીચડી – ઓળો ખાઈને જલસા કરતા લોકો શહેરમાં પિત્ઝા – બર્ગર – નાચોઝ વગેરેનો આનંદ લેતા થયા. શહેરમાં વસેલા માણસના ખાવા પીવા કે ઓઢવા – પહેરવામાં બદલાવ આવ્યો એમ એની ભાષા પણ બદલાઈ ગઈ. ગયા બે હપ્તામાં આપણે જોયેલા એ બદલાવનો સિલસિલો આગળ વધારીએ. શહેરી જીવનને મજેદાર ગણાવતા કહેવામાં આવે છે કે जीवन झाले फाईन, सर्वत्र ॲानलाईन !કેવો સૂક્ષ્મ કટાક્ષ છે. ગામનું પારિવારિક જીવન, ઓટલે કે ગામના ચોતરે બેસી ગપાટા મારતા દિવસો અસ્ત થઈ ગયા. હવે બધા સાથે ઓનલાઇન સંપર્ક છે. યુએસ અને મોરબી એક સાથે વાત થઈ શકે છે. સ્વિટ્ઝર્લૅન્ડની સહેલ ઘરમાં બેઠા સ્માર્ટ ફોન કરાવી આપે છે. બીજી આધુનિક કહેવત છે फॅशनचे झटके, कपडे घाली फाटके ! આજની ફેશન પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આભલાવાળા પોલકા કે ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ ધરાવતા અન્ય પોશાકની બાદબાકી થઈ ગઈ છે. ફેશનના નામે હવે ફાટેલા જીન્સ પહેરવામાં આવે છે અને કોનું ક્યાંથી વધુ ફાટેલું એ સિદ્ધિ ગણવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button