જો યોગ્ય રસ્તો બતાવનારી વ્યક્તિ મળી જાય તો…….
એક ભલા પોલીસ અધિકારીએ એક ખેપાની કિશોરની જિંદગીમાં કેવો અકલ્પ્ય વળાંક આણી દીધો…!
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
આ વખતે તોફાની કિશોરમાંથી જગમશહૂર બનેલા એક બોક્સરની વાત કરવી છે.
જાન્યુઆરી૧૭, ૧૯૪૨ના દિવસે અમેરિકાના કેન્ટુકીના લુઈસવિલેમાં જન્મેલો કૅશિયસ માર્સેસસ બાળપણમાં અને કિશોરાવસ્થામાં બહુ જ તોફાની હતો. કૅશિયસનું બાળપણ ને કિશોરાવસ્થા રસ્તા પર રખડતાં તોફાનો – ખેપાની છોકરાઓ સાથે પસાર થયું હતું. કૅશિયસ કિશોરાવસ્થામાં મિત્રો સાથે દારૂ પીને ઢીંચતો, ચોરીઓ કરતો અને લોકો સાથે ઝઘડા કરીને મારામારી કરતો .
જો કે એક વખત કૅશિયસે નવી સાઇકલ ખરીદી અને થોડા દિવસોમાં જ એની એ સાઇકલ ચોરાઈ ગઈ એને કારણે કૅશિયસની જિંદગીમાં એક અકલ્પ્ય વળાંક આવી ગયો.
ચોરીની ફરિયાદ નોંધાવવા માટે એ પોલીસ સ્ટેશનમાં ગયો. એ વખતે તેની મુલાકાત જો માર્ટિન નામના એક પોલીસ અધિકારી સાથે થઈ. જો માર્ટિન માયાળુ પોલીસ અધિકારી હતા. કૅશિયસ જેવા તોફાની છોકરાઓને સીધા રસ્તા પર લાવવાની કોશિશ કરતા રહેતા. એ વિસ્તારનાં બાળકો માટે પોતે બોક્સિંગ જિમ પણ ચલાવતા. એ માનતા કે તોફાની છોકરાઓમાં વધુ પડતી ઊર્જા હોય એને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો એમની ઊર્જાનો સકારાત્મક ઉપયોગ થાય અને એમના જીવનમાં પરિવર્તન પણ આવે. માર્ટિનનું ધ્યાનમાં કૅશિયસ હતો. એમને ખબર હતી કે કૅશિયસ પણ તોફાની કિશોર છે.
કૅશિયસ સાઈકલચોરીની ફરિયાદ કરવા માટે એમની પાસે ગયો ત્યારે એમણે કૅશિયસને પૂછ્યું:
‘તને બોક્સિંગ આવડે છે?’ કૅશિયસ બઘવાઈ ગયો. જો કે એણે કહ્યું: ‘મને બોક્સિંગ આવડતું નથી, પણ હું શીખી લઈશ.’
કૅશિયસને બોક્સિંગ શીખવવાનું માર્ટિને શરૂ કર્યું. એ વખતે કૅશિયસ તેર વર્ષનો હતો.એનું વજન માત્ર નેવું પાઉન્ડ જ હતું. માર્ટિન પાસેથી બોક્સિંગની તાલીમ મળી એ પછી એણે બોક્સિંગની પ્રથમ સ્પર્ધામાં જ વિજય મેળવી લીધો. પછી તો એણે પાછું વળીને ન જોયું. પાંચ વર્ષમાં તો તે અવ્વલ બોક્સર બની ગયો ને ૧૯૬૦માં રોમમાં યોજાયેલી ઓલિમ્પિક્સ સ્પર્ધાઓમાં માત્ર ૧૮વર્ષની ઉંમરે એણે પ્રથમ લાઈટ, હેવીવેઇટ ગોલ્ડ મેડલ્સ જીતીને પોતાનું કૌશલ્ય બતાવી દીધું.
કૅશિયસે ઓલિમ્પિક્સ સ્પર્ધામાં ઊતરતા અગાઉ જ જાહેર કરી દીધું હતું: ‘આ ગોલ્ડ મેડલ્સ હું જ જીતવાનો છું.’ એ વખતે કૅશિયસની સામે પ્રતિસ્પર્ધી તરીકે૧૯૫૬ની ઓલિમ્પિક ગેમ્સમાં બોક્સિંગ ચેમ્પિયન બનેલા ગ્વેનાર્ડી શેટકોવ હતા. એ વખતે બધા એવું જ માનતા હતા કે શેટકોવ વિજેતા બનશે અને ઘણા લોકોએ એ માટે શરત પણ લગાવી હતી,પરંતુ કૅશિયર્સે બધાને ખોટા સાબિત કર્યા. એ પછી રોમ ઓલિમ્પિકની છેલ્લી મેચમાં પણ કૅશિયસે અપસેટ સર્જી દીધો. કૅશિયસ સામે ૨૩૧સ્પર્ધાનો અનુભવ ધરાવનારા રશિયન બોક્સર ઝિગી પિએન- ઝિકોવ્સ્કી હતા. કૅશિયસે એમને ત્રીજા રાઉન્ડમાં જ પછાડી દીધા.
એ પછી તો કૅશિયસ જગમશહૂર બની ગયા.૧૯૯૬૪માં કૅશિયસે પ્રથમ હેવીવેઇટ ચેમ્પિયનશિપ મેળવતા સોની લિસ્ટનને નોકઆઉટ કર્યા એ પછી તો તેમની ખ્યાતિ ચોતરફ ફેલાઈ ગઈ. એ અમેરિકન પ્રજાના હીરો બની ગયા. કૅશિયર્સે એ સમયમાં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને નવું નામ ધારણ કર્યું મોહમ્મદ અલી. યસ, કૅશિયસ માર્સેસસ ક્લે એટલે વિશ્ર્વવિખ્યાત બનેલા બોક્સર મોહમ્મદ અલી.
મોહમ્મદ અલી શ્ર્વેત-અશ્ર્વેત માતા-પિતાના સંતાન તરીકે જન્મ્યા હતા, પરંતુ એમને શ્ર્વેત લોકો પ્રત્યે ખૂબ રોષ હતો એટલે એ મુસ્લિમ બન્યા. એમના રોષનું એક કારણ એ પણ હતું કે ફરજિયાત લશ્કરી સેવા માટે એ લશ્કરમાં સામેલ થવા ગયા ત્યારે સરકારે એવું કારણ આગળ ધરીને એમને પ્રવેશ ન આપ્યો કે તમે મંદબુદ્ધિના છો…. બોક્સર તરીકે દુનિયામાં ખ્યાતિ મેળવી ચૂકેલા અલી એ અપમાનથી ખૂબ અકળાયા હતા. ‘પોતે મંદબુદ્ધિના છે’ એવા કારણસર પોતાને લશ્કરમાં પ્રવેશ ન મળ્યો એટલે એમણે કોર્ટમાં જઈને ન્યાય માગ્યો. સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા અને સુપ્રીમ કોર્ટમાં જીતીને લશ્કરી સેવા માટે સામેલ થવા માટે એમને રસ્તો મળી ગયો,પરંતુ ત્યારે અલીએ કહી દીધું કે હવે મારે લશ્કરી સેવામાં જોડાવું નથી! એ વખતે અલી એક્ટિવિસ્ટ બની ચૂક્યા હતા. એ વિયેતનામ યુદ્ધના વિરોધી પણ હતા એટલે એમણે લશ્કરમાં જોડાવાનો ઇનકાર કરી દીધો. એને કારણે એમને ત્રણ વર્ષની જેલની સજા પણ થઈ.
એમના બોક્સિગં ચેમ્પિયન તરીકેના ટાઈટલ્સ છીનવી લેવામાં આવ્યાં. જો કે એ પછી ફરીવાર એ બોક્સિગં સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યા. ૧૯૭૪ના વર્ષમાં જ્યોર્જ ફોરમેન જેવા વિખ્યાત બોકસરને હરાવીને એમણે ફરી વાર હેવીવેઇટ ચેમ્પિયનનું બહુમાન મેળવ્યું. એ પછી૧૯૭૮માં લિઓ સ્પિંગ્સને હરાવીને ત્રણ વખત હેવીવેઇટ ચેમ્પિયન બનનારા બોક્સર તરીકે પણ સિદ્ધિ- પ્રસિદ્ધિ મેળવી.
એમની બોક્સર તરીકેની કારિયરમાં ૫૬ સ્પર્ધામાં વિજય મેળવ્યો ને માત્ર પાંચ સ્પર્ધામાં પરાજિત થયા. એમાંય ૫૬ સ્પર્ધા પૈકી ૩૭ વખત એમણે હરીફોને નોકઆઉટ કર્યા હતા! અલી આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૨ સ્પર્ધામાં ભાગ લીધો એમાંથી માત્ર ત્રણ સ્પર્ધામાં એમણે પરાજય સહન કરવો પડ્યો. આમ એમની સફળતાનો રેશિયો ૯૧.૮૦ ટકા રહ્યો.
મોહમ્મદ અલી બોક્સિગં રિંગમાં ઊતરતા ત્યારે ‘આઈ એમ ધ ગ્રેટેસ્ટ !’ એવો હુંકાર કરીને પોતાના હરીફને પડકારતા…આવા અલી ગ્રેટેસ્ટ એટલે કે મહાન બોક્સર તો હતા જ, પણ એમને મહાન બનાવવામાં પોલીસ અધિકારી જો માર્ટિનનો સિંહફાળો હતો. કોઈ તોફાની માણસને યોગ્ય રસ્તો બતાવનારી વ્યક્તિ મળી જાય તો એના જીવનમાં અકલ્પ્ય પરિવર્તન આવી શકે છે એનો પુરાવો મોહમ્મદ અલી છે. એમના વિસ્તારના પોલીસ અધિકારી જો માર્ટિને એમને બોક્સિંગ તરફ ન વાળ્યા હોત તો મોહમ્મદ અલીએ કદાચ દારૂના રવાડે ચડીને જિંદગી બરબાદ કરી નાખી હોત. એ ચોરીઓ કરતા રહ્યા હોત અને કદાચ હાર્ડકોર ક્રિમિનલ પણ બન્યા હોત, પરંતુ એક ભલા પોલીસ અધિકારીએ એમને માર્ગદર્શન આપીને તેમના જીવનમાં સુખદ વળાંક લાવી દીધો હતો.
મોહમ્મદ અલી જૂન ૩, ૨૦૧૬ના દિવસે અવસાન પામ્યા, પણ પોતાનું નામ ‘ધ ગ્રેટેસ્ટ’ તરીકે અમર કરી ગયા.