ઉત્સવ

કોઈ માણસ સુધરવા ઈચ્છતો હોય તો તેના ભૂતકાળને બદલે તેના વર્તમાનને નજર સમક્ષ રાખવો જોઈએ

સુખનો પાસવર્ડ -આશુપટેલ

થોડા સમય અગાઉ પત્રકારમિત્ર ભાર્ગવ પરીખે જેલની સજા ભોગવીને બહાર આવેલા એક માણસ વિશે વાત કરી હતી. તે માણસની ભાભીએ આત્મહત્યા કરી હતી એ કેસમાં તેની નાની ઉંમરે ધરપકડ થઈ હતી. જેલમાંથી બહાર આવીને તેણે ભણવાનું શરૂ કર્યું અને જુદીજુદી ૪૨ ડિગ્રીઝ મેળવી. તે રેસ્ટોરાં ચલાવે છે અને હજી વધુ અભ્યાસ કરવા ઇચ્છે છે. જો કે હજી કેટલાક લોકો તેના પ્રત્યે અણગમો રાખે છે. જેલવાસ ભોગવી આવેલા તે માણસે નવી િંજદગી શરૂ કરી છે.

તે માણસ વિશે જાણીને મને ઓ. હેનરીની વાર્તા અ રિટ્રાઈવ્ડ રિફોર્મેશન યાદ આવી ગઈ.

ઓ. હેનરીની એ વાર્તામાં જિમી વેલેન્ટાઈન નામના એક ચોરની વાત છે, જે ગમે એવી તિજોરીઓ તોડીને ચોરી કરી શકે છે. જિમી ઘણી બધી ચોરીઓ કરે છે, પરંતુ પછી બેન પ્રાઈસ નામનો પોલીસ ડિટેક્ટિવ તેને પકડી પાડે છે. જિનીને ચાર વર્ષની જેલની સજા થાય છે. જો કે દસ મહિના પછી તે જામીન પર છૂટીને બહાર આવે છે.

જેલમાંથી બહાર આવીને જિમી ફરી વખત ચોરી કરવા લાગે છે. અગાઉ જિમીની ધરપકડ કરનારા ડિટેકટિવ બેન પ્રાઈસને ચોરને પકડી પાડવાનું કામ સોંપાય છે. જિમીની ચોરી કરવાની સ્ટાઈલ પરથી બેન પ્રાઈસ સમજી જાય છે કે આ બધી ચોરી પણ જિમી જ કરી રહ્યો છે, પરંતુ બેન પ્રાઈસ તેને પકડી શકતો નથી. જિમી આર્કાન્સાસના એલમોર ટાઉનમાં પહોંચી જાય છે. અને ત્યાં તે એક બેન્ક લૂંટવાની યોજના ઘડે છે. પરંતુ એ દરમિયાન તે એ બેન્કરની અત્યંત સુંદર એવી યુવાન પુત્રી એન્નાબેલના પ્રેમમાં પડી જાય છે.

જિમી એન્નાબેલને પામવા માટે બધુ જ કરી છૂટવા તૈયાર થઈ જાય છે. જિમીને એ વાત સમજાય છે કે એન્નાબેલને ખબર પડે કે તે ચોર છે તો તે તેને કોઈ કાળે ન સ્વીકારે એટલે તે જૂતાની દુકાન શરૂ કરે છે અને રાલ્ફ સ્પેન્સર એવું નવું નામ ધારણ કરી લે છે. તેણે ચોરી કરવાનું છોડી દેવાનો નિર્ણય કરી લીધો છે એટલે તે વિચારે છે કે હવે ચોરી માટેના સાધનોની કોઈ જરૂર નથી. તે તેના એક જૂના મિત્રને સંદેશો મોકલે છે કે હવે મને ચોરીના સાધનોની જરૂર નથી એટલે એ સાધનો હું તને આપી દેવા ઇચ્છું છું.

જિમી ઉર્ફે રાલ્ફ ચોરી કરવા માટેના સાધનો એક બેગમાં ભરીને તેના મિત્રને આપવા માટે નીકળે છે. એ જ દિવસે તેની પ્રિયતમા એન્નાબેલના બેન્કર પિતા એક તિજોરી પ્રદર્શનમાં મૂકે છે. અને દાવો કરે છે કે આ તિજોરી દુનિયાનો કોઈ પણ માણસ નહીં ખોલી શકે. આ તિજોરીને લોક કર્યા પછી એને ખોલવા માટેનું કોમ્બિનેશન જેને ખબર હોય એ સિવાય દુનિયાની કોઈ પણ વ્યક્તિ આ તિજોરી નહીં ખોલી શકે.
એ તિજોરી લોકોને જોવા માટે ખુલ્લી મુકાઈ હોય છે એ દરમિયાન એન્નાબેલની નાનકડી પિતરાઈ બહેનો ત્યાં રમતી હોય છે. એન્નાબેલની એક નાનકડી પિતરાઈ બહેન તિજોરીમાં પ્રવેશે છે એ વખતે તેની બીજી એક પિતરાઈ બહેન રમતાં-રમતાં નાદાનીથી તિજોરી બંધ કરી દે છે. એન્નાબેલના બેન્કર પિતાએ હજી કોમ્બિનેશન ગોઠવ્યું નથી હોતું અને એ તિજોરી બંધ થઈ જાય છે એટલે બધા સ્તબ્ધ થઈ જાય છે. એન્નાબેલનો બેન્કર પિતા નિરાશાથી માથું ધુણાવે છે. તે મથામણ કરે છે, પરંતુ તિજોરી ખૂલી શકતી નથી. એ દરમિયાન વિહવળ થઈ ગયેલી એન્નાબેલ પોતાના પ્રેમી રાલ્ફ એટલે કે જિમી વેલેન્ટાઈન સામે આશા ભરી નજરે જોઈને કહે છે કે “રાલ્ફ, મારી બહેનને બચાવી લે પ્લીઝ.

જિમી દ્વિધામાં મુકાઈ જાય છે, કારણ કે એ વખતે તેને શોધતો શોધતો પોલીસ ડિટેક્ટિવ બેન પ્રાઈસ ત્યાં આવી ચડ્યો હોય છે. એક બાજુ પોતાની પ્રિયતમાની નાની બેન ગૂંગળાઈને મૃત્યુ પામી શકે એવી સ્થિતિમાં છે તો બીજી બાજુ પોલીસ ડિટેક્ટિવના હાથમાં પકડાઈ જવાનો ડર છે અને પોતે ચોર છે એ વાત જાહેર થાય તો તેણે એન્નાબેલને પણ ગુમાવી દેવી પડે.

આ સ્થિતિમાં જિમી પોતાની પ્રિયતમાને બેનને એક નાનકડી નિર્દોષ છોકરીનો જીવ બચાવવાનું જોખમ ઉઠાવે છે. તે તરત જ પોતાનું કૌશલ્ય અજમાવે છે. અને તિજોરી તોડવાની ઝડપનો પોતાનો જ રેકોર્ડ તોડીને તે થોડી વારમાં જ તિજોરી ખોલી નાખે છે અને એન્નાબેલની બેનને બચાવી લે છે. એન્નાબેલ સહિત બધા લોકો જિમી પર ખુશ થઈ જાય છે. જિમીના ચહેરા પર તણાવની લાગણી હોય છે. તેને પોતાની પ્રિયતમાની પિતરાઈ બહેનને બચાવવાનો સંતોષ છે, પરંતુ હવે પોતે જેલમાં જવું પડશે અને પ્રિયતમાને ગુમાવવી પડશે એ વાસ્તવિકતાનો તેણે સામનો કરવાનો છે.

જિમી બેન પ્રાઈસ સામે જુએ છે અને તેના શરણે થવા માએટ આગળ વધે છે. બેન પ્રાઈસને ખબર જ છે કે આ અનેક ચોરી કરનારો ચોર જિમી વેલેન્ટાઈન છે, પરંતુ બેન પ્રાઈસ જિમીની સામે જુએ છે અને તેને સમજાય છે કે જિમી હવે બદલાઈ ગયેલો માણસ છે. તે જિનીને તેના નવા નામ રાલ્ફ તરીકે સંબોધન કરીને શાબાશી આપે છે અને ત્યાંથી જતો રહે છે!

ઓ. હેનરીની આ વાર્તા પરથી ૧૯૨૮માં ફિલ્મ પણ બની હતી.

આ વાર્તાનો સાર એ છે કે જે માણસનું ખરેખર હ્રદય પરિવર્તન થઈ જાય તો તેની ભૂતકાળની ભૂલોની તેને કઠોર સજા આપવાને બદલે તેને સુધરવાની તક આપવી જોઈએ. કોઈ માણસ સુધરવા ઈચ્છતો હોય તો તેના ભૂતકાળને બદલે તેના વર્તમાનને નજર સમક્ષ રાખવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button