કન્ઝ્યુમરને જાણવો છે તો ફિલ્મો જોવો
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી
માર્કેટિંગના વિવિધ પાસાઓમાં એક મહત્ત્વનું પાસુ એટલે તમે તમારા ગ્રાહકને કેટલો જાણો છો. ક્ધઝ્યુમર બિહેવિયર અર્થાત ઉપભોક્તાની વર્તણૂકનો આપણો અભ્યાસ કેટલો છે. ક્ધઝ્યુમરના અભ્યાસ માટે બ્રાન્ડ, રિસર્ચ પર આધાર રાખે છે. આપણા દેશમાં જ્યાં વિવિધ પ્રાંત, જાતિ અને ભાષાના લોકો છે ત્યારે કોઈપણ બ્રાન્ડ માટે ક્ધઝ્યુમરનો અભ્યાસ જરૂરી છે. આનો અર્થ તે નથી કે બધાને ધ્યાનમાં લઈને પ્રોડક્ટ અથવા તેનું કોમ્યુનિકેશન બનાવવું પણ મારે કોને ટાર્ગેટ કરવાનો છે તેની સ્પષ્ટતા આવા અભ્યાસ દ્વારા મળી શકે છે. ક્ધઝ્યુમરની વર્તણૂકના અભ્યાસ માટે જેમ રિસર્ચ એક રસ્તો છે તેમ સિનેમા પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આને બે રીતે જોઈ શકાય; એક જે બની રહ્યું છે તે સિનેમા બતાવે અને બીજું સિનેમામાં જે બતાવવામાં આવે તે રીતે સમાજ વર્તે.
લોકો કહે છે સિનેમા તે સમાજનો પડઘો છે, સમાજમાં જે ચાલી રહ્યું છે તે બતાવે છે. વિવિધ વાર્તાઓ વિવિધ પ્રાંતના આધારે બતાવવામાં આવે ત્યારે બ્રાન્ડ માટે તે પ્રાંતની, ત્યાંની રહેણી કરણી, રીતભાત, ભાષા જાણવા મળી શકે. ઉદાહરણ તરીકે; શહેર અને ગેંગ્સ ઓફ વસેપુર આપણને ઉત્તર પ્રદેશ વિષે જણાવશે. હાલમાં આવેલી પુષ્પા સાઉથથી માહિતગાર કરે છે તો દિલ્હી સિક્સ દિલ્હી વિષે, ટુ સ્ટેટ્સ બે પ્રાંતની વિચારધારા છતી કરે છે, ઉડતા પંજાબ, લાઇફ ઈન એ મેટ્રો તેઓના પ્રાંત વિષેની રિયાલિટી બતાવે છે, મિર્ચ મસાલા અને રુદાલી રાજસ્થાન દર્શાવે છે વગેરે.
આ વિષય પર વાત એટલે કરવાનું યોગ્ય લાગ્યું કારણ હાલમાં આવેલી ફિલ્મ એનિમલ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી કારણ તેમાં એક સારો કલાકાર છે. જે રીતે આ ફિલ્મના વિષે લોકો પોતાનો મત આપી રહ્યા છે તે બ્રાન્ડ અને માર્કેટિંગના લોકો માટે જાણવું જરૂરી છે. નકારાત્મક સમીક્ષા આ ફિલ્મની વધુ છે. આલ્ફા મેલને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે, મારધાડ વધુ બતાવવામાં આવ્યું છે જે ખોટી રીતે યુવાનોને પ્રભાવિત કરી શકે છે. તમે જો શ્રીમંત છો તો તમે મન ફાવે તેમ સમાજમાં વર્તી શકો છો. બદલો લેવો તેમાં કઈ ખોટું નથી અને મૂળ વાત આમાં ક્યાંય કાનૂન વ્યવસ્થા બતાવવામાં નથી આવી. આવી ઘણી વાતો હશે જેના પર ચર્ચા થઇ શકે પણ તે કરીશું તો વિષયાંતર થશે. આના દ્વારા પ્રશ્ર્ન એક જ છે શું આલ્ફા મેલને તમે તમારી બ્રાન્ડ માટે આ રીતે બતાવશો?
આપણા મુદ્દા પર પાછા આવીયે, જેમ ઉપર જોયું કે સિનેમા વિવિધ કલચરની વાત કરે છે જે સમાજમાં જોઈ શકાય છે તો બીજી તરફ સિનેમામાં બતાવવામાં આવતી વાતો સમાજ અપનાવે છે. એક જે વર્તણૂક છે તેની જાણ કરે છે તો બીજી તરફ સમાજમાં વર્તણૂક સિનેમા દ્વારા બદલાય પણ છે. ઉદાહરણ તરીકે; કરણ જોહરની ફિલ્મોએ ગુજરાતીઓને પણ કરવા ચોથ કરતા કર્યા અને લગ્નોને જાજરમાન રીતે ઉજવો તે બતાવ્યું. આજે હરેક લગ્નમાં સંગીત, બેચલર પાર્ટી, ડિઝાઈનર કપડા હોવાજ જોઈએ. દિલ ચાહતા હે થી લોકો ગોઆ જતા થયા અને બીજી વાત બદલાઈ કે મિત્રોએ ક્યારે પણ ફરવા જવાનો પ્લાન બનાવી લેવો. આ એક મોટો બદલાવ હતો જે આજે નોર્મલ થઇ ગયો છે. થ્રી ઈડિયટ્સ દ્વારા તમારે શું કરવું છે ની વાત આવી તો મુન્ના ભાઈએ ગાંધી ગીરીને અલગ સ્વરૂપ આપ્યું. તુમ્હારી સુલલુ, પિન્ક, થપ્પડ જેવી ફિલ્મોએ સ્ત્રીઓને કંઈ રીતે માન આપો અને તેમને સમાન સ્તરે લાવવાની વાતો કરી. આજે યુવાન મુક્તપણે પોતાનો મત લોકો સમક્ષ રાખે છે તેનું એક મોટું કારણ સિનેમા છે જેના થકી તે પોતાના જીવનમાં બદલાવ લાવે છે. રંગ દે બસંતીએ યુવાનોને જાગૃત કર્યા પોતાનો મત સ્થાપિત કરવા. આજે લોકો કૠઇઝચ ની વાતો ખુલ્લામાં કરે છે તેનું શ્રેય સિનેમાને જાય છે. આના થકી ઘણી બ્રાન્ડની એડ તેઓને મધ્યમાં રાખી બનાવવામાં આવી છે. આવી ઘણી ફિલ્મો તમે વિચારી શકો જેણે સમાજમાં બદલાવ લાવ્યો હોય અને બદલાવ તમારી વર્તણૂક પણ બદલે. આનાથી આગળ આજે લોકોને વિવિધ દેશોની સંસ્કૃતિનું ભાન પણ વૈશ્ર્વિક સિનેમા દ્વારા મળે છે અને તે આજે આપણને આજની યુવા પેઢીની વિચારધારામાં જોવા મળે છે. આ મોટો બદલાવ છે અને તે તમે તેમના પહેરવેશમાં, બોલીચાલીમાં અને રહેણીકરણીમાં જોઈ શકો છો.
સિનેમામાંથી બ્રાન્ડ માટે સૌથી મોટી શીખ એટલે ઉપભોક્તાની વર્તણૂકનો અભ્યાસ. જયારે તમે આનાથી માહિતગાર થાવ છો ત્યારે તમે તે મુજબના પ્રોડક્ટ બનાવી શકો અથવા તે મુજબના કિરદારો, વાર્તા અને સેટઅપ તમારા કોમ્યુનિકેશનમાં બતાવો છો. ઉદાહરણ તરીકે, જે રીતે લગ્નો સિનેમામાં બતાવવામાં આવ્યા આપણે એથનિક વેર કેટેગરીને કુદકે ને ભૂસકે વધતી જોઈ. આવા સેટઅપ બ્રાન્ડ પોતાની એડમાં બતાવે છે પછી તે કોઈપણ કેટેગરી હોય. લગ્નમાં વધુ ખાવાથી ગેસ થશે તો તેને મટાડવાની દવાની બ્રાન્ડ પણ જાજરમાન લગ્ન બતાવશે અને નહિ કે સાદાં લગ્નો કારણ ક્ધઝ્યુમર તેવા સેટઅપને રિલેટ નહિ કરી શકે. સ્ત્રી બની શકે છે કરી શકે છે તેવો આત્મવિશ્ર્વાસ કપડા ધોવાનાં ઉત્પાદનો બતાવશે. જે કામ સ્ત્રીનું છે તેમ સમાજ માને છે તેનો જવાબ છે કે આજની સ્ત્રી બંને કરી શકે છે. ચા બનાવતી બ્રાન્ડ સમાજમાં બદલાવની વાત કરશે કારણ આજનો યુવા તેમ જોવા માગે છે જે ઘણી ફિલ્મોએ બતાવ્યું છે. નાનાં શહેરોની વાતો અને તેમાં બતાવવામાં આવતી તેઓના સપના પૂરા કરવાની તમન્નાઓ બ્રાન્ડને નાનાં શહેરોમાં પોતાને પ્રસ્થાપિત કરવામાં મદદ કરે છે. ઘણી નામી બ્રાન્ડની એડમાં આપણે આવાં નાનાં શહેરોની વાત જોશું. અમુક સમય પહેલા એડ એટલે ગ્લેમરસ ચહેરાઓ બતાવો, શહેરી રહેણી કરણી બતાવો વગેરે હતું પણ આજે સિનેમાના સહારે લોકો સાથે કેવી રીતે જોડાઈ શકીશું તે બ્રાન્ડ સમજી પોતાની એડ બનાવે છે. આમ તમને તમારા
ક્ધઝ્યુમરનો અભ્યાસ ખરા અર્થમાં થશે. બીજું સિનેમા તમને તમારી બ્રાન્ડ માટે કયો ચહેરો અને શા માટે લોકો તેને ચાહે છે તેનાં કારણો આપશે. આ વાત તમને તમારી બ્રાન્ડ માટે સેલિબ્રિટી પસંદ કરવામાં મદદ કરશે.
આમ બ્રાન્ડ માટે સિનેમા ક્ધઝ્યુમરનો વાસ્તવિક ચહેરો સમજવામાં મદદ કરે છે. જે સામાજિક વિચારો, સમસ્યાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. જે સામાજિક મુદ્દાઓને સંબોધે છે જેનાથકી બ્રાન્ડને તે સમજવામાં મદદ મળે છે કે કયા મુદ્દાઓ સાથે જોડાવું. આજના સમાજના મન પર ફિલ્મોનો નોંધપાત્ર પ્રભાવ છે. આવા સમયે જવાબદાર બ્રાન્ડ માટે મોટો પડકાર છે કે, સક્રિયપણે એવી ફિલ્મોની શોધ કરવી જે સકારાત્મક વિચારધારા સમાજમાં પ્રસ્થાપિત કરે અને તેવા રોલ મોડલને પ્રમોટ કરે. જયારે બ્રાન્ડ આવી ફિલ્મો અને બદલતી વર્તણૂકનો અભ્યાસ કરી તેને અમલમાં મુકશે ત્યારે ચોક્કસપણે પોતાની કેટેગરીમાં અલગતા સ્થાપી સફળતા મેળવશે.