ઉત્સવ

મારે તારું મોં ચાખવું છે

ટૂંકી વાર્તા -મધુ રાય

તમારા ઇનબોક્સના ઇમેઇલ બધા એકબીજા સાથે વાતો કરે છે. ઇમેઇલ્સ, યસ, ઇમેઇલ્સ, લેપટોપની હાર્ડ ડિસ્કમાં સેવ કરેલા લેટર્સ. યસ, ધે ઇન્ટરફેસ, ધે ટોક ટુ ઇચઅધર.

થોભો, સાંભળો, વેઇટ, સબૂર, ઊભા રહો!

તમે માનો છો કે હનુમાને સંજીવની પર્વત ઉપાડેલો? કે મોઝેઝે દરિયાના ભાગલા પાડેલા? કે કાકે મંજરીનું દિલ જીતેલું અથવા પદ્મિની સતી થયેલી? તો આ વાત કેમ ના માનો?

ને પછી ગૂગલમાં એવી પણ વાત ઊડેલી જે સાચી નીકળેલી, યસ? કે લાઇબ્રેરીનાં પુસ્તકો બધાં સામસામે કેરેક્ટર્સની અદલાબદલી કરે છે, લાઇક વન કાઇન્ડોફ ખો-ખોની રમત રમે છે, રિમેમ્બર? લાઇક સરસ્વતીચંદ્ર દેવદાસની ચન્દ્રમુખીને મળવા જાય છે ને માનો કે વાત આવેલી અમુક નોવેલ્સોની હિરોઇનો બીજી નોવેલ્સોના હીરોઝ સાથે રાસડા લે છે, એન્ડ લાઇક ધેટ, કેમકે તે સાયબરસ્પેસના વીજાણુ જગતમાં સારું-નરસું કે મોરલ-બોરલનું કાંઈ લફરું નથી. મુક્તાકાશે મુક્તમને મુક્તજીવન.

અને પછી અચાનક નવી અફવાઓએ જોર પકડેલું, ઇન્કવાયેરીઓ થયેલી ને પ્રૂફ પણ મળેલાં કે મ્યુઝિયમોમાં પેઇન્ટિંગ્ઝ સઘળાં રાત્રિચર્યા કરે છે, રાજા રવિ વર્માનાં પાત્રો સપોઝ કે વાન ગોઅનાં પાત્રો સાથે લારીલપ્પા કરે છે. રેનુઆરની હિરોઇન રાજપૂત સ્ટાઇલના મિનિયેચરમાં છુપાઈને કેલિ કરે છે. પોલ સેઝાં ને પોલ ક્લીની સંતતિ લોકલ શરાબની પ્યાલીઓ ઉછાળે છે, યુ ગેટ ધ આઇડિયા. આ બધું સતત ચાલતું જ રહે છે. નોન લીનિયર, નોન લિન્ગુઅલ, નોન રેશનલ. નોન સ્ટોપ.

અને તેમાં નિશાળના સ્ટૂડન્ટસ ડેની માફક અમારા ઇલેક્ટ્રોનિક વર્લ્ડમાં કોઈ વાર પીપુલ્સ ડે ઉજવીએ અમે લોકો, યુ સી, ને સ્કૂલમાં વરસનો એક દિવસ સ્ટુડન્ટ નવનીત શાહ હિન્દીના સર યાજ્ઞિક સર બને, ને સ્ટુડન્ટ વિશાખા મહેતા હિસ્ટ્રીનાં મેડમ રાણા મેડમ બને ને અજિત સંપટ હેડમાસ્તર ઝાલા સાહેબ બને તેમ આજનો દિવસ હું બનેલ છું તમારો પ્રવક્તા, યુ ફોલો? કેમકે હવે તો ટેક્સટ મેસેજ, ને વોટસેપ ને એટલું બધું વધી ગયું છે કે સમ કાઇન્ડોફ પ્રવક્તાની હેલ્પ વિના તેનો છેડો પકડવો અસંભવ છે. અને ફક્ત મારા-તમારા ઇનબોક્સના જ નહીં, સમસ્ત સાયબર સ્પેસના કરોડો, અબજો ઇમેઇલ, બીમેઇલ ને એસેમેસ સામસામા હાઈફાઈવની તાળીઓ લે છે. તમારા, મારા, વાઇફના, ડોટરના, પ્લસ પ્રાઇવેટ પાર્ટીના ટોટલે ટોટલ મેસેજિઝ, ઇમેઇલ ને વોઇસમેઇલ, વિન્ક વિન્ક. ગુજરાતી, હિન્દી, અરેબિક, એસપરાન્તો વોટેવર. કેમકે લેન્ગવેજ તો માણસોએ બનાવેલી લિમિટેશન છે. રાઇટ! માણસો સમજે છે કે લેન્ગવેજથી વાત એક્સપ્રેસ થાય છે પણ ખરેખર લેન્ગવેજથી વાતની લિમિટ બંધાય છે. થિન્ક એબાઉટ ઇટ.

આ આજનો દિવસ આપણે સામસામે આમ લટર પટર કરી શકીશું, ને સડનલી આંખો ખૂલશે ત્યારે સઘળું છૂમંતર! ને ચિંગખચિંગ! સુપર્ણાની આંખો ખૂલી ગઈ.


વ્હોટ? સુપર્ણાએ ઝાંખા અજવાળામાં આંખો ફાડીને જોયું, કમરો તો પોતાનો જ હતો, બારી, પંખો, કબાટ બધું હતું. મીન્સ કે રિયાલિટી છે? પેલી હમણાં જોયેલી બધા ઇમેઇલ સામસામા ભેળસેળ થવાની વાત જસ્ટ ડ્રીમ કે સંભ્રમ? ને મિહિરની સ્ટોરી સેઇફ છે, થેન્ક ગોડ, ને?

મિહિર! સુપર્ણાએ ઊંડો શ્ર્વાસ લીધો, ને જાણે શિવરાત્રિની ભાંગનો એક ગલાસ પીધો! તેના હાર્ટમાં એક હિન્દી “ટીસ ઊઠી. સુપર્ણા મનોમન હસી પડી, “ટીસ ઉપર.

મિહિર વ્યાસ! કદાચ સાચું નામ નયે હોય. પણ તેનું સાચું કે ખોટું નામ લેતાં સુપર્ણાના બદનમાં એક સર્પિણી જાણે સળવળી ઊઠે છે. આખા દિવસની દરેક મિનિટ બલકે દરેક મિનિ-સેક્ધડ મિહિરના નામની ઇલેક્ટ્રિસિટી પીતી પીતી સુપર્ણાને જાણે સાચેસાચ “જીવતી રાખે છે. ઓહ તેમાં સુપર્ણાના ચશ્મુદીન મિસ્ટર રાજેશને કોઈ લેવા દેવા નથી. પતિ રાજેશ સાથે સુપર્ણાને કોઈ ટંટો નથી, કે રાજેશ સિવાય બીજા કોઈ પુરુષનું રુંવાડું તે અડકી નથી, ગોડ નો! વસ્તુ શરીરસુખની નથી. સુપર્ણાના આત્માના સંતર્પણની છે, ફરી સુપર્ણા લજવાઈને હસી પડી, “સંતર્પણ.
પણ મિહિર છે તેનો આબેહયાત. લેપટોપ કે આઇફોન ખોલીને મિહિર સાથે બે મિનિટ, ભલેને બે જ મિનિટ, સહેજ છેડછાડ કરી લે એટલે આખો દિવસ જાણે મિહિરનો શ્ર્વાસોશ્ર્વાસ, લાઇક, તેનાં પોતાનાં નસકોરાંમાંથી અવરજવર કરે છે. ચિંગખચિંગ!

બે મહિના પહેલાં તેની કોલેજની ફ્રેન્ડ શીલાએ, જે હવે તેની કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે તે શીલકીએ તેને ‘સમોસા’ની વાત કરેલી. શીલા પણ સુપર્ણાની જેમ તાજી જ પરણેલી હતી. બંને પોતપોતાના સંસારમાં ઓક્કે હતી, બંને બોમ્બેની એક ‘હાઈફાઈ’ બ્રોકરેજ ફર્મમાં ફેન્સી પગારે કામ કરતી હતી, અને બંનેના મિસ્ટર્સો બિઝનેસમાં સોલિડ કમાતા હતા ને પોતપોતાની વાઇફોને લવ કરતા હતા અને ઓલ ધેટ વોઝ સિલી ને સિકનિંગલી નોરમલ ને ટોટલી ઓરરાઇટ.

પણ શીલકીએ સુપર્ણાનો હાથ દબાવીને કહેલું કે આજકાલ હવે બધી છોકરીઓ નેટ ઉપર એકાદો લવર બી રાખતી હોય છે જેને કોડવર્ડમાં કહેવાય છે, ‘સમોસું.’ રોજ સવારના પહોરમાં પોતાના સમોસા સાથે ‘લવ’ની કાંઈક વાત કરવાની. પોતાની કાંઈક મુંઝવણ હોય તો જણાવવાની. પેલો સામે એવી જ કાંઈક પોતાની વાત કરે. બસ દિવસભર તેનો નશો રહે, કોઈક છે મારું, સિક્રેટ સિક્રેટ છે મને ગ્રેટેસ્ટ લવ કરનારું. ‘ઊફ્ફ! તે વસ્તુ સિક્રેટ રહે તેનો વળી ઔર એક
નિશો થાય યાર,’ શીલાએ આંખો નચાવી માથું ધુણાવતાં કહેલું. ‘હોધી લે એક કાચો કુંવારો કાચીકાચી મૂછવાળો જેવો કોલેજિયન! તારું પર્સનલ સમોસું.’

અને સુપર્ણાએ તેવું સમોસું શોધી કાઢેલું. હાઉ? શીલાએ નીચલો હોઠ કચરીને તેને ટ્રિક શીખવેલી: ફેસબુક ઉપર જા. ગમે તે એક છોકરાનું નામ લખ, લાઈક રમેશ કે દિનેશ કે જિજ્ઞેશ કે જે આવડે તે. ને સર્ચ કર, ડઝન્ટ મેટર. એવા પાંચપંદર નામોના ‘ફ્રેન્ડ’ બનવાનું ને પછી જોવાનું કે કયો ચોકલેટી ચિકન છોકરો લપસે છે. ને બસ ધેટ ઇઝ યોર ઓવન ટેસ્ટી સમોસા. અને હલો! બે દિવસની અંદર સુપર્ણા પોતાની જિંદગીના ભાણામાં ઉતારે છે ફણફણતું સમોસું, નામે મિહિર વ્યાસ. તેની સાથે કોઈ બી વાત થાય. તે તમને કોઈ બી વાત કરે. ગમે તેવી ખાટીમીઠી, મોળીતીખી, સાચીજૂઠી, ગલીચ કે ગલગલીપ્રદ ગંદી, કે ફક્ત ‘ગુડ મોર્નિંગ!’ બસ સુપર્ણાનો પોતાનો અંગત ઇન્ડિવિડ્યુઅલ પ્રાઇવેટ ગોખલો. દુનિયાથી દૂર, મારો, ફક્ત મારો પોતાનો દલ્લો! જેમાં કોઈ ગિલ્ટ નહીં, કોઈ પાપ નહીં, ફક્ત દિલ બહલાવ! સાચ્ચે સાચ્ચો દિલ બહેલાવ.

સુપર્ણા પથારીમાંથી ઊભી થઈ. દિવસ ઊગી રહ્યો હતો. બ્રશ કરવા જાય તેની પહેલાં એક વાર અડકી લેવા દે મારા ધગતા સમોસાને, તેણે આઇફોન ‘પેટાવ્યો’ મનોમન બોલતાં સુપર્ણા ફરી હસી, ‘પેટાવ્યો.’ મિહિરનો વિચાર આવતાં તેના માથામાં જાણે સ્મિતનું ઝૂમખું ઊગતું. માય લિટલ ડોગી, માય ડિયર લવરલેટ!

મિહિર ઓનલાઇન નહોતો, પણ ‘આઇએલવાય’ લખતાં કોણ રોકે છે! ઓહ, કેવી રિલીફ છે ને? કે પેલું હનુમાને સંજીવની કે મોઝેઝે દરિયાના ભાગલા કે કાકે મંજરીનું દિલ જીતેલું અથવા પદ્મિની સતી થયેલી વગેરેવાળો ચિત્તભ્રમ ફક્ત એક ઝપકી જ હતી, નોટ રિયાલિટી. સેફ છે મિહિર. મારા ઇમેઇલ, મારા ટેક્સટ, સેફ છે મારા આબેહયાતની સુરાહી.

ટેસ્ટિંગ, ટેસ્ટિંગ, યોર પ્રવક્તા હીયર, લેડીઝ એન્ડ જેન્ટલમેન. એક વાત તો સમજો છો ને, કે હું પ્રવક્તા છું એમ કહું છું તે ફક્ત તમારી સહૂલિયત માટે. હું પોતે કાંઈ છું જ નહીં, સિર્ફ ઇલેક્ટ્રોનિક ઇમ્પલ્સ. મારે કોઈ આકૃતિ નથી, વ્યક્તિત્વ નથી, ઇડ-ઇગો-સુપરઇગો નથી. આ બયાન ફક્ત તમારા મનોરંજન માટે ટેલર-મેઇડ છે કેમકે કોઈના લેપટોપના ઇનબોક્સમાંથી કે હાર્ડ ડિસ્કમાંથી કોઈ લેટર ઊડીને તમારી સાથે વાતે વળગે તે કાકે મંજરીનું દિલ જીતેલું તેવી એબસર્ડ વાત છે.

ઓકે, ઓકે, પણ પ્રવક્તા મહારાજ, તમારું બયાન શું છે? તમે પૂછો છો. મિહિર વ્યાસ નામની કોઈ વ્યક્તિનું શું? શીલા તેના સમોસાને ને સુપર્ણા તેના સમોસાને રૂમાની ખિલૌનાની જેમ ખિલવે છે, પણ સામી વ્યક્તિનું શું?

એટલે વાચક, વાચક હું તમારી સાથે તે સમોસા વિશે કેટલા ફાંટા પડે તેનું બયાન કરવા માગું છું. પહેલો ફાંટો છે કે સંભવત: મિહિર વ્યાસ નામની જીવતી જાગતી કોઈ એક વ્યક્તિ નથી. મહેમદાવાદના એસટી સ્ટેશનની પાછળની ઝૂંપડપટ્ટીમાં ચાલે છે એક સાયબર કાફે. બીજા કાફેઝમાં જેમ વીડિયો ગેમ્સ ખેલવા છોકરાઓ આવે તેમ અહીંયા ‘સમોસા’ની ગેઇમ રમવા કોલેજિયનો આવે છે, જેનો એક ખેલંદો છે ‘મિહિર વ્યાસ,’ નામનું કલ્પિત પાત્ર. કોઈ બી ખેલાડી કોઈ બી નામના પાત્રની આઇડેન્ટિટી ઓઢીને સામેની યુવતી સાથે ગેડીદડા રમે છે. એક લુચ્ચો સ્પોર્ટ, માનો ને, જેનાથી કોઈને કશો હાર્મ થવાનો નથી. માત્ર મજા જ મજા. કોઈ સવારે મિહિર રામુ બને છે તો કોઈ બપોરે મિહિરનો વેશ ઓઢે છે શ્યામુ ને કોઈ સાંજે મિહિરકુમારના ડાયલોગ મારે છે ઉદ્ધવલાલ.

પણ સુપર્ણાની મિહિર પ્રત્યેની સંપૂર્ણ કુરબાની જોતાં એવો ફાંટો બહુ ક્રૂર કહેવાય. વેરી પોસિબલ, પણ વેરી ક્રૂર.

ઓકેમ તો મિહિર વ્યાસ છે તે સાચે સાચો મોંઘીબાઈ સીતારામ મહાશાળામાં એમએનું છેલ્લું વરસ ભણતો વિદ્યાર્થી છે, જે સ્કૂટર ચલાવે છે ને સપોઝ જીએસએની એક્ઝામ આપી કશેક કલેક્ટર થવા ઇચ્છે છે. જેમ તે સુપર્ણાનો આબેહયાત છે, તેમ તેના જીવનમાં સુપર્ણા છે તેનો પ્રાણાધાર છે, જેની સાથે એક વાર એક મેસેજની અદલબદલ ન થાય ત્યાં સુધી તેને ચેન પડતું નથી. એ જાણે છે કે સુપર્ણા પરિણીત છે, તેમ જ તેઓ કદી પ્રત્યક્ષ મળવાનાં નથી. બસ, તે જ વસ્તુ આખી રિલેશનશિપને સ્પેશ્યલ બનાવે છે, કે કોઈ સ્વાર્થ નથી, કોઈ અપેક્ષા નથી, છે ફક્ત લગાવ. પ્લેટોનિક.

ઘંટાઘૂસ્સ! કહીને સ્વ. જયંતીલાલ કાલિદાસ પટેલ સ્વર્ગની સજાવેલી શૈયા ઉપરથી પ્લેટોનિકની ફિશિયારીનો કક્કો કાપી નાખે છે. પ્લેટોનિક કાંઈ હોતું નથી. થાય તો થાય, ન થાય તો ઝૂરતા રહેવાય, બાકી કરવું નથી એવું કહેનાર તમને ને મને બેયને બબુચક બનાવે છે. ને પેલી શીલકી શું કહે છે? શીલા કહે છે વોય વોય, સાલું સમોસું તને જોઈને પાણી પાણી થઈ જાય, તારો સ્લેવ થવા રેડી હોય એ તો કેવો જલસો! ને તેને ચગાવી ચગાવી એકદમ ફટાક દઈને તેનું દિલ તોડી નાખવામાં કેવો મીણો ચડે.

શીલા એચઆર ડિપાર્ટમેન્ટમાં છે ને સુપર્ણા સેલ્સમાં. ટીવી સ્ક્રીનના તળિયાના ભાગમાં સતત સરકતી ચાલતી શૅરના ભાવની ઇલેક્ટ્રોનિક પટ્ટી ઉપર સુપર્ણાની નજર જડેલી રહે છે, ઘરે બહારે ને રસ્તે વાહનમાં. એક દિવસ તેના ડેસ્કટોપની સ્ક્રીન ઉપર અંગ કસરતના બીભત્સ આસન કરતો એક જોકરનો વીડિયો દેખાયો. આઇટી ડિપાર્ટમેન્ટમાંથી કોઈ ટેણિયો ગોવાનીઝ ટેકી આવેલો ને તે લલ્લુએ અર્ધોએક કલાક કોને ખબર શી એકડીબગડી ઘૂંટી, ઇધર દેખા ઉધર દેખા, બોલા મેડમ તુમેરા પીસી મેં વાયરસ હૈ. અને પછી તેનો આઇફોન જોવા માગ્યો, તેનું આઇપેડ તપાસી જોયું. અબ્રાકડબ્રા, ગિલી ગિલી ગો! અને સ્ક્રીન ઉપરથી જોકર ગયો ને તે પછીથી કદીયે તકલીફ પડી નથી.

અને એક દિવસ મોડી રાત્રે સુપર્ણાનો આઇફોન એક સ્પેશ્યલ ટિંકલ બજાવી સાવધ કરે છે કે સમોસાનો મેસેજ છે, ચિંગખચિંગ! આટલા વખતની સેક્સી, જૂસી, ઇન્ટિમેટ ગુસપુસ પછી પહેલી વાર મિહિર ડિમાન્ડ કરે છે કે મારે તને જોવી છે. સદેહે જોવી છે. બસ ફક્ત એક વાર. હું તને કોઈ રીતે છેડીશ નહીં, સ્વીટહાર્ટ. ડોન્ટવરી. અને શીલકીને યાદ કરીને ભુંરાટી થયેલી સુપર્ણા કહે છે ફાઇન! મારેયે તને જોવો છે, લુચ્ચા, ને મારે તારું મોં ચાખવું છે બોલ! આવતા ગુરુવારે, લંચ અવરમાં, વાંદરામાં હક્કાસાન ચાઇનીઝ રેસ્ટોરાંના સેન્ટ્રલ હોલમાં, સમય, સ્થળ નક્કી થાય છે. ચિંગખચિંગ! યસ! મિહિર વ્યાસના પેટમાં ફાળકા પડે છે, પ્રેમિકા કહે છે કે મારે તારું મોં ચાખવું છે! ચિંગખચિંગ! સુપર્ણા સિવાય ને મિહિર સિવાય કોઈને ખબર નથી સિક્રેટ સેમી-સેક્સી ડેઇટની. નોટ ઇવન શીલકી નોવઝ.

હલો? વાચક, વાચક, સાંભળો છો ને? યોર પ્રવક્તા કન્ટિન્યુઇંગ ઉસકા બયાન. સોમવાર આવે છે ને જાય છે, મંગળવાર આવે છે ને જાય છે, ને બુધવાર! શીલકી ઇન્ટરકોમ ઉપર સુપર્ણાને કહે છે કે અમેરિકાની મોરગન સ્ટાનલી કંપનીનો એક હેડ હન્ટર બોમ્બે આવ્યો છે, અહીંની બ્રાન્ચ માટે સ્ટાફ રોકવા માગે છે. વ્હોટ? સુપર્ણા ઊછળી પડે છે. આઇ કેન ફિક્સ યુ અપ! શીલકી કહે છે. પણ તારે તેની સાથે લંચ લેવો પડે, સહેજ આંખો પટપટાવવી પડે, યુ નોવ ધ રૂટિન! પટપટાવીશ આંખો, જા ને ફિક્સ મી અપ! ફિક્સ મી અપ! આવતી કાલે, ગુરુવારે લંચ અવરમાં, ફોર સીઝન્સ હોટેલના બારમાં. ચિંગખચિંગ! અને વોન્ટ યુ નોવ ઇટ? મિહિર વ્યાસના ફોન ઉપર તેનો સ્પેશ્યલ ટિંકલ વાગે છે, માય ડાર્લિંગ, સુપર્ણાનો ટેક્સટ મેસેજ છે, માય ડીયર બિલવેડ પ્રેશ્યસ સેક્સ મેનિયાક સ્વીટી! સુપર્ણા કહે છે કે એકાએક તેને સખત શરદી ને ફ્લુ થઈ આવ્યો છે, આ ગુરુવારે આપણાથી નહીં મળાય. ચિંગખચિંગ! વેરી સોરી! વેરી ડિસપોઇન્ટેડ. પણ સાજી થઈને તરત હું તને મલીશ, મારા વરરાજા, મારા પોતાના સ્વર્ગાધિપતિ! ચિંગખચિંગ! ઓહ યસ, સુપર્ણા મલકે છે મનોમન, સ્વર્ગાધિપતિ.

અચાનક સિલેક્ટિવલી શીલાના ડેસ્કટોપ ઉપર ને સુપર્ણાના ડેસ્કટોપના સ્ક્રીન ઉપર ફરી એક વાર પેલા જોકરનો બીભત્સ વીડિયો ઉત્પાત કરે છે. આઈટીની ટીમ બોલાવાય છે, પેલો સેઇમ ગોવાનીઝ ટેણિયો ટેકી અર્ધોએક કલાક ઇધર દેખા ઉધર દેખા ને ફિર સે બોલા મેડમ તુમેરા પીસી મેં વાયરસ હૈ. અને પછી તેનો આઇફોન જોવા માગ્યો, તેનું આઇપેડ તપાસી જોયું. અબ્રાકડબ્રા ગિલી ગિલી ગો! અને અંતે સ્ક્રીન ઉપરથી જોકર ગયો ને ભારત માતા કી જૈ.

પરંતુ તે દિવસે શીલાના એકાઉન્ટમાંથી મોરગન સ્ટાનલીના હેડહન્ટરને ઇન્સલ્ટિંગ ઇમેઇલ કઈ રીતે ગયો હશે? સુપર્ણાની ફોર સિઝન્સની લંચ ડેઇટ કોણે પોલાઇટલી કેનસલ કરી હશે? સાહેબ કાક ને મંજરી, મોઝેઝ ને રેડ સી, હનુમાન ને સંજીવની જે હોય તે, પોતપોતાની રીતે સ્થાપિત છે ને તે સૌને એક ટેણિયા ગોવાનીઝ ટેકીના દુઆસલામ. મણિશંકર નરભેરામ વ્યાસનો પાંચ ફૂટ છ ઇંચનો છોકરો મિહિર વાપીની નજીક સિલવાસા પોર્ચુનીઝ કોલોનીમાં જન્મેલો, અને પોર્ચુગીઝ સ્કૂલમાં ભણેલો તેથી બ્રોકરેજ ફર્મમાં બધાં તેને ગોવાનીઝ સમજતાં.

અને યસ, સર! તે ગોવાનીઝ તે યોર્સ ટ્રૂલી, મિહિર વ્યાસ, સુપર્ણાનું ફણફણતું સમોસું. સુપર્ણાનો એકેએક ટેક્સટ, વ્હોટસેપ મેસેજ, વોઇસમેઇલ, ફોન કોલ, ઇમેઇલ અને સુપર્ણાએ વિઝિટ કરેલી ઇચ એન્ડ એવરી પોર્નો- વેબસાઇટ, તેણે રચેલાં હડહડતાં જુઠ્ઠાણાં, કરેલી નાની મોટી વિશ્ર્વાસઘાતની ચોરીઓ બધું છે મારી પાસે, ચિંગખચિંગ.

અને શીલા? મારું મન થાય તો મહરબાન, એક કલાકમાં સુપર્ણાને ને શીલાને જેલ ભેગા કરી શકું એવી શેતાનિયત છે, ટેણિયા ગોવાનીઝ ટેકીમાં. પણ આમ ને આમ તે લોકોને મારી નજર સામે સતત ટટળાવવામાં ઔર આનંદ છે.

અને ઓહ, તે ગુરુવારે તો હક્કાબાન ચાઇનીઝ રેસ્ટોરાંમાં મિલન ના થયું. પણ તે પછી લંચ ડેઇટ રિસ્કેજુલ થયેલી કે? હે હે હે. વ્હોટ ડુ થિન્ક?
સમાપ્ત
જર્સી સિટી રવિવાર, ૦૮ સપ્ટેમ્બર ૨૦૧૯

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત