પ્રવીણ જોશી સાથે કામ કરવાની તક ન મળી એનો મને રંજ છે
મહેશ્ર્વરી
દેશી નાટક સમાજના નાટકના ભાવનગર શો વખતે બનેલી વાત આગળ વધારતા પહેલા પ્રવીણ જોશી સાથે સંબંધિત અમુક જાણેલી – સાંભળેલી વાત નાટ્યપ્રેમી વાચક મિત્રો સાથે શેર કરવાનું મન થયું છે. પ્રેક્ષકો નાટક જોવા શું કામ આવતા હોય છે? સાથે મળીને સ્વેચ્છાએ હસવા, રડવા, વિચાર કરતા થવા, તો ક્યારેક સૌંદર્ય માણવા તો ક્યારેક કલ્પનાના મિનારાથી પ્રફુલ્લિત થવા જતા હોઈએ છીએ. પ્રવીણ જોશીના નાટકો આ બધી લાગણીઓ – ભાવનાના સરવાળા જેવા હતા. રંગભૂમિને વળાંક આપવામાં ભારતીય વિદ્યાભવન દ્વારા આયોજિત એકાંકી હરીફાઈનું પ્રભાવી યોગદાન રહ્યું છે. આ નાટ્યસ્પર્ધામાંથી બહાર પડેલા યુવાન નટ – દિગ્દર્શકમાં ઝગમગતો સિતારો એટલે પ્રવીણ જોશી.૧૯૬૦ના દાયકામાં તેમણે એકથી એક ચડિયાતા નાટકો આપ્યા. કેટલાક રૂપાંતર હતા અને અમુક મૌલિક નાટક પણ હતા. વર્ષ યાદ નથી, પણ તેમણે ભજવેલું રામજી વાણિયા લિખિત ‘મોતી વેરાણા ચોકમાં’ નાટક બહુ જ વખણાયું હતું. આ નાટકમાં સ્ટ્રોબલાઈટ તરીકે ઓળખાતી ફ્લેશ લાઈટનો પ્રથમ વાર ઉપયોગ તખ્તા પર થયો હતો. નાટકના આરંભે પડદો ઊંચકાય, મંચ પર પ્રવેશેલા નટ પર સ્પોટ લાઈટનો ઝળહળતો પ્રકાશ પડે અને એ સાથે હાજર સર્વ પ્રેક્ષકોની આંખો મંચ પર ઊભેલા નટને ટગર ટગર જોવા લાગે ત્યારે એ નટ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી કોઈ મજબૂત વિચારધારાથી પ્રેક્ષકને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવતો હોય છે અને આવું કામ પ્રવીણ જોશીએ સતત કર્યું અને એક અલાયદો પ્રેક્ષક વર્ગ ઊભો કર્યો હતો. એમના અવસાન વખતે ‘જાણે મધ્યાહ્ને સૂર્યાસ્ત થયો’ એવી લાગણી સહુ કોઈએ અનુભવી હતી. નાટ્ય સફર દરમિયાન મને કાંતિ મડિયા સાથે કામ કરવાનો મોકો મળ્યો, પણ પ્રવીણ જોશીના નાટકોમાં તક ન મળી એનો મને રંજ છે.
ગયા હપ્તામાં આપણે ભાવનગરના મુકામે બનેલા બનાવથી વાત આગળ વધારીએ. ભાવનગર શહેર નાટ્ય પ્રવૃત્તિ સાથે અનન્ય નાતો ધરાવે છે. મારી કારકિર્દીના પ્રારંભમાં મેં પરમાનંદ ત્રાપજકરના નાટકો કર્યા હતા. ત્રાપજકર કાકા ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામના હતા. મૂળશંકર મુલાણીનો જન્મ અમરેલી જિલ્લામાં પણ ભાવનગર સાથે ગાઢ નાતો ધરાવતા હતા. એકંદરે ભાવનગરે નાટ્ય પ્રવૃત્તિમાં વર્ષો સુધી સક્રિય ભાગ ભજવ્યો છે. કંપનીના સુપરહિટ નાટક ‘પૈસો બોલે છે’નો શો હતો ત્યારની વાત છે. બધા કલાકાર પોતપોતાની રૂમમાં હતા ત્યાં અચાનક જોર જોરથી અવાજ આવવા લાગ્યો. ‘શું થયું, શું થયું’ના સવાલનો જવાબ એ હતો કે શાલિનીબહેન અને રક્ષા દેસાઈ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. મેનેજર સોમાભાઈએ મધ્યસ્થી કરી બંનેને શાંત પાડવાની કોશિશ કરી, પણ તેમના હાથ હેઠા પડ્યા હોય એવું લાગ્યું. અચાનક ખબર પડી કે શાલિનીબહેન અને રક્ષા દેસાઈ નીકળી મુંબઈ જવા રવાના થઈ ગયા. અમે બધા ચોંકી ગયા કે આ શું થઈ ગયું, પણ પછી તરત સ્વસ્થ થઈ રાતના નાટકના શોની તૈયારીમાં લાગી ગયા. નસીબજોગે એ નાટકમાં શાલિનીબહેનનો કોઈ રોલ જ નહોતો અને જેમતેમ કરીને શો કર્યો. જોકે, એ રાત્રે ઘણા લોકોને સરખી ઊંઘ ન આવી. આવતીકાલની અનિશ્ર્ચિતતા દિમાગને ઘેરી વળી હતી. આ આશંકા સાચી પડી જ્યારે સવારમાં જ ‘ગાંસડાપોટલાં બાંધી લો’ એમ અમને કહેવામાં આવ્યું. રંગભૂમિ પર નાટકનું પાત્ર ભજવતી વખતે પરિસ્થિતિ અનુસાર કલાકાર ચહેરા પર વિવિધ ભાવ ઉપસાવતા હોય છે. અહીં તો જીવનની રંગભૂમિ પર બધા આર્ટિસ્ટના ચહેરા પર ભય, શંકા, ઉદાસી કે બેફિકરાઈના એક્સપ્રેશન જોવા મળી રહ્યા હતા. નાટકના શોનો પડદો પડ્યા પછી કલાકાર પાત્રના ખોળિયામાંથી બહાર આવી તેના અસલ સ્વરૂપમાં આવી જતો હોય છે. અહીં તો પડદો પડ્યા પછી કલાકારોના ચહેરા પર વિવિધ ભાવ નજરે પડી રહ્યા હતા. કલાકારોનો રસાલો એસટી સ્ટેન્ડ પર પહોંચ્યો ત્યારે સોમાભાઈ પ્રગટ થયા અને એવો બૉમ્બ ફેંક્યો જેનાથી જમીન નીચેની ધરતી સરકી રહી હોય એવી લાગણી બધાને થઈ.
‘બધા પોતપોતાના ઘરે જાઓ, કારણ કે કંપની (શ્રી દેશી નાટક સમાજ) બંધ થઈ ગઈ છે.’ આ કેવળ સોમાભાઈના શબ્દો નહોતા, કલાકારો માટે વજ્રઘાત હતો. તેમને તો પગ નીચેથી ધરતી સરકી જતી હોય એવું લાગ્યું. વાતાવરણ નિ:શબ્દ હતું, પણ વિલાયેલા ચહેરા ઘણું બધું કહી રહ્યા હતા. જોકે, રૂપકમલબહેનના પતિ ઝવેરભાઈએ વિકટ પરિસ્થિતિનો તોડ કાઢવાની પહેલ કરી. મીટિંગ બોલાવી જેમાં કંપનીના કર્તાહર્તા મુકુંદભાઈને હાજર રાખ્યા અને તેમને કહેવામાં આવ્યું કે ‘જુઓ, મુકુંદભાઈ, આમ અચાનક નાટક કંપની બંધ કરવાની વાત બરાબર નથી. કેટલાય કલાકાર – કસબીઓની રોજીરોટી છીનવાઈ જશે. તાબડતોબ તેમને કામ પણ ક્યાંથી મળે? બધા ત્રણ – ચાર મહિના પગાર લીધા વિના કામ કરવા તૈયાર છે, પણ તમે કંપની બંધ ન કરો.’ મુકુંદભાઈએ હકારમાં કે નકારમાં ડોકું ધુણાવ્યું નહીં. તેમને અચકાયેલા જોઈ ઝવેરભાઈએ બીજો ઉકેલ આપ્યો કે ‘તમે કલાકારોને નાટક કંપની ચલાવવા આપો.’ આ રજૂઆતની ધારેલી અસર થઈ અને મુકુંદભાઈએ કંપની ચાલુ રાખી, પણ ડચકા ખાતો જીવ કેટલું ખેંચે? થોડા નાટક કર્યા અને ‘અધિકારી’ નાટકની ભજવણી પછી ૧૯૭૯માં શ્રી દેશી નાટક સમાજ પર કાયમ માટે પડદો પડી ગયા. મુંબઈ અને ગુજરાતના લાખો નાટ્ય રસિકોના મનોરંજનનો અધિકાર છીનવાઈ ગયો.
રામજીભાઈ વાણિયા – પૃથ્વીરાજ કપૂરનો સહવાસ – બોક્સ
કપડાં વણવાનો વ્યવસાય કરતી વણકર કોમમાં જન્મેલા રામજીભાઈ દેશાભાઈ વાણિયાને સાળવી કામ માટે કોઈ રુચિ નહોતી. બાળપણથી જ સાળ – બાબીનને બદલે નાટ્યકલા માટે રુચિ પેદા થઈ. ભવાઈ, લોકમેળા અને ભજન મંડળી સાથે સંધાન થયું અને શરૂઆત નાટકોમાં અભિનયથી કર્યા બાદ નાટ્યલેખન તરફ વળ્યા. ૧૯૫૦ના દાયકામાં તેઓ સૌરાષ્ટ્ર સંગીત નાટ્ય અકાદમી સાથે સંકળાયા અને એ દરમિયાન પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટર્સ સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. પૃથ્વીરાજ કપૂરની કંપની સાથેના સહવાસને કારણે દેશના વિવિધ પ્રાંતમાં પ્રવાસ કરવાની તક મળી અને નાટ્ય-ભજવણીની અવનવી પદ્ધતિઓનો અને નાટ્યલેખન વિશે સઘન અભ્યાસ કર્યો. પૃથ્વી થિયેટર્સ છોડ્યા પછી ગુજરાતી નાટ્યસંસ્થા ‘નટ મંડળ’ સાથે જોડાયા. અહીં તેમને જયશંકર ‘સુંદરી’ અને દીનાબહેન પાઠક સાથે કામ કરવાની તક મળતા ઘડતર થયું અને રંગમંચ સજાવટથી માંડીને લેખન, દિગ્દર્શન અને અભિનયમાં પારંગત થયા. તેમના ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’ અને ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘વસુંધરાનાં વહાલાં દવલાં’ના નાટ્ય રૂપાંતરને બહોળો આવકાર મળ્યો હતો. ૧૯૭૨થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ધમધમાટ શરૂ થયો ત્યારે ફિલ્મમાં સંવાદ અને પટકથા લેખન પણ કર્યું.
(સંકલિત)