‘મેં ના પાડી અને ફિલ્મ તનુજાને મળી’
મહેશ્ર્વરી
નાટકને આજીવિકાનું સાધન બનાવવાનું આસાન નથી એનો બહુ જલદી ખ્યાલ આવી ગયો. ગણેશોત્સવના નાટકોનું મંચન કેટલા દિવસ હોય? પૂજા માટે નાટકો કરવાનું લાંબો સમય ચાલતું પણ એવા નાટકોમાં પૈસા બહુ ઓછા મળતા. ઘરના ફંક્શન કે પાર્ટીમાં કેવળ ગાયનનો મોકો મળતો અને એમાંય ખાસ કંઈ પૈસા મળતા નહીં. એટલે ફરી નોકરી કરવા સિવાય છૂટકો જ નહોતો. કોઈએ કહ્યું કે ફિલ્મિસ્તાન સ્ટુડિયો (ગોરેગાંવ)માં છોકરીઓને કામ પર રાખે છે, ત્યાં કોશિશ કરી જુઓ. કામ મળી જશે. નોકરી કરવી તો જરૂરી હતું. હું અને મારી બહેન બંને જોડાઈ ગયાં. નાટકનો દરવાજો મેં બંધ કર્યો હતો, પણ ઈશ્ર્વરે ફિલ્મની દુનિયાનો દરવાજો ખોલી આપ્યો. ઈશ્ર્વર જાણે મને કહી રહ્યો હતો કે ‘જા મહેનત કર અને નસીબ અજમાવી જો.’
ફિલ્મિસ્તાનનું ચાર માળનું મકાન હતું. અમારે સવારે ૧૦ વાગ્યે પહોંચી જવાનું. ત્યાં કુંદનલાલ માસ્ટર ડાન્સ ડિરેક્ટર હતા જે કથક શીખવતા. સંગીતકાર રોશન અને ગીતકાર આનંદ બક્ષી પણ ત્યાં આવતા. મને ગાવાનો શોખ બહુ. રોશન સાહેબ ફ્રી હોય તો મને પેટી વગાડતા શીખવતા, ગાવાનું પણ કહેતા. અભિનય સાથે ગાના – બજાના પણ શીખવા મળી રહ્યું હતું. ફિલ્મિસ્તાનની ફિલ્મ હોય તો જ કામ કરવાનું એમ અમને કહેવામાં આવ્યું હતું. અહીં ફિલ્મિસ્તાન સિવાયની ફિલ્મોના પણ શૂટિંગ થતા. દિલીપ કુમારની લાજવાબ ફિલ્મ ‘ગંગા જમના’ના કેટલાક સીન ફિલ્મિસ્તાનમાં શૂટ થયા હતા. એ વખતે અભિનેત્રી અઝરા સાથે મુલાકાત થઈ હતી. મેહબૂબ ખાનની ‘મધર ઈન્ડિયા’થી અભિનય યાત્રા શરૂ કરનારી અઝરાએ ૧૯૫૦ – ૬૦ના દાયકામાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી અને ‘જંગલી’માં શમ્મી કપૂર પર ફિલ્માવાયેલા ‘આઈ આઈ યા સુકુ સુકુ’ ગીતમાં હેલન ઉપરાંત જે અભિનેત્રી નજરે પડે છે એ અઝરા. વિવિધ અનુભવ ધરાવતા લોકોના સંપર્કમાં આવવાથી અને એમની વાતો સાંભળવાથી જાણ્યે-અજાણ્યે ઘણું શીખવા મળતું હોય છે. મનોજ કુમારની ‘પિકનિક’ નામની ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું એ વાત જાણવા જેવી છે. એ ફિલ્મમાં ઢોલ વગાડનાર એક્સ્ટ્રા કલાકાર તરીકે મને કામ મળ્યું હતું. ત્યારે મનોજ કુમાર પાસે ઝાઝો અનુભવ નહોતો. શૂટિંગ વખતે બહુ ભૂલો થતી. બહુ રિટેક લેવા પડતા. ડિરેક્ટર શહીદ લતીફ ચિડાઈ જતો. એ જ મનોજ કુમાર પછી ક્યાં પહોંચી ગયા? સમય સમયની વાત છે. અનુભવને ઉત્તમ શિક્ષક અમથો નથી કહ્યો. બીજી એક ખાસ વાત. ‘પિકનિક’ની વાર્તા મરાઠી ફિલ્મ ‘પહિલં પ્રેમ’ને મળતી આવતી હતી. વાર્તામાં સામ્ય હોય એવા અનેક ઉદાહરણ પછી જોયા. ખેર. અભિનેત્રી મીના શૌરીના પતિ રૂપ શૌરી ‘એક લડકી સાત લડકે’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. કમનસીબે આ ફિલ્મ રિલીઝ ન થઈ. એની હિરોઈન હતી અમિતા અને એક નાનકડા રોલમાં કલ્પના (પ્રોફેસરમાં શમ્મી કપૂરની હિરોઈન) હતી જેની સાથે મારે સારી ફ્રેન્ડશીપ થઈ હતી. જોકે, ‘પિકનિક’માં અમને અમારા કામનું મહેનતાણું મળી ગયું હતું. એ જ સમયે શંકર મુખરજી કિશોર કુમાર સાથે ‘ઝુમરુ’ ફિલ્મ બનાવી રહ્યા હતા. એક દિવસ શૂટિંગ દરમિયાન છોકરીઓ ઓછી પડી એટલે અમને બધાને બોલાવ્યા. શૂટિંગ શરૂ થયું અને મને લલિતા પવારની બાજુમાં ઊભી રાખી હતી. જયંત (અમજદ ખાનના પિતાશ્રી) અને લલિતા પવાર વચ્ચે ઝઘડો થાય છે અને હું હસીને નીકળી જાઉં છું એવો સીન હતો. એક દિવસનું જ કામ હતું, પણ મજા પડી. આ શૂટિંગ ચાલતું હતું ત્યારે અલ્તાફ જહાન (મધુબાલાની મોટી બહેન)એ મને જોઈ અને બોલાવી પૂછ્યું કે ‘મેરી ફિલ્મ મેં કામ કરોગી?’ મારે તો કામ જ કરવું હતું. એટલે તરત હા પાડી દીધી. એ ફિલ્મ હતી ‘પઠાન’ જે ૧૯૬૨માં રિલીઝ થઈ હતી અને એનું દિગ્દર્શન મધુબાલાના પિતાશ્રી અતાઉલ્લા ખાને કર્યું હતું. આમ ફિલ્મિસ્તાન સિવાયની ફિલ્મોમાં પણ કામ મળી રહેતું હતું અને અમારું ગાડું ગબડ્યે જતું હતું.
ફિલ્મિસ્તાનમાં વિવિધ નિર્માતાઓની ફિલ્મોના શૂટિંગ થયા કરતા. અલગ અલગ નામી ડિરેક્ટર પણ ત્યાં આવતા. એક દિવસ ‘બાવરે નૈન’ અને ‘જોગન’ના ફિલ્મમેકર કેદાર શર્મા મારી પાસે આવ્યા અને બોલ્યા કે ‘એ લડકી, ફિલ્મ મેં કામ કરના હૈ હિરોઈન કા? ઈચ્છા હો તો ચૌથે મજલે પે આ જાના.’ બસ એટલું કહીને નીકળી ગયા. અચાનક આ રીતે પૂછ્યું એટલે હું ડરી ગઈ હતી. મારી સાથે કામ કરતી એક છોકરીએ મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે નહીં જતી. હું વધારે ડરી ગઈ. અને તમે માનશો એ ફિલ્મ પછી કોણે કરી? તનુજાએ અને એ ફિલ્મનું નામ હતું ‘હમારી યાદ આએગી’. એક સોનેરી તક હાથમાંથી સરી ગઈ. હું ફિલ્મોમાં આગળ વધુ એ કદાચ ઈશ્ર્વરને મંજૂર નહોતું. આવો જ બીજો એક કિસ્સો પણ જાણવા જેવો છે. વાત છે ૧૯૫૭ – ૫૮ની. વસંત પુરોહિત નામના એક મરાઠી પ્રોડ્યુસર હતા. મને હિરોઈન તરીકે ચમકાવવા માગતા હતા, પણ એમની એક શરત હતી કે ‘મારી સાથે લગ્ન
કરીશ તો હિરોઈન બનીશ’ ત્યારે હું ૧૫-૧૬ વર્ષની અને નિર્માતા ૪૦ વટાવી ગયેલા. હિરોઈન બનવા હું લગ્ન કરવા તૈયાર નહોતી. હું એમને મળવા જ ન ગઈ. એ ફિલ્મનું નામ હતું ‘આઈ’ જે પછી સીમા દેવને ઓફર થઈ હતી. એ સમયે હિરોઈન બનવા જે ચાલાકી જોઈએ એનો મારામાં સદંતર અભાવ હતો.
સપ્લાયરો સાથે ઓળખાણ થઈ હોવાથી બીજે ક્યાંય શૂટિંગ હોય અને એક્સ્ટ્રા કલાકારોની જર હોય ત્યારે અમારો નંબર લાગી જતો. મહાન ફિલ્મમેકર ગુરુ દત્તનું ‘સૌતેલા ભાઈ’ બની રહ્યું હતું. એમાં એક્સ્ટ્રા કલાકારોની જરૂર હતી અને અમને ચાન્સ મળશે એ ખબર પડતા જ હરખાઈ ગઈ. અમે પહોંચ્યા ચાંદીવલી સ્ટુડિયો. ગુરુ દત્તે મારી સામે થોડી વાર જોયા કર્યું અને પૂછ્યું. ‘લડકી કામ કરેગી?’ મેં હા પાડી અને એક દિવસનું કામ મળી ગયું. એવી જ રીતે ચંદુલાલ શાહના નિર્માણ હેઠળની ‘અકેલી મત જઈઓ’ (રાજેન્દ્રકુમાર – મીના કુમારી)માં પણ એક દિવસ માટે કામ મળ્યું. બંને ફિલ્મમાં ૧૦૦ – ૧૦૦ રૂપિયા મળ્યા. ૧૯૬૨માં આ પૈસા મને તો બહુ મોટા લાગ્યા હતા. જોકે, આ લાઈનમાં આગળ વધવાની બહુ તક નથી એનો ખ્યાલ આવી ગયો હતો. ફિલ્મોમાં કામ અને પૈસા નિયમિત મળી રહ્યા હતા, પણ કાયમ એક્સ્ટ્રા કલાકાર તરીકે કામ કરવાની અને એવું જીવન જીવવાની કોઈ ઈચ્છા નહોતી. વળી ફિલ્મમાં ક્યારે કામ મળતું બંધ થઈ જાય એ પણ નિશ્ર્ચિત નહોતું. મૂળે જીવ તો નાટકનો ને. ફિલ્મના સેટ કરતા રંગભૂમિનો તખ્તો વધુ માફક વધુ અનુકૂળ લાગતો હતો. ફિલ્મની હિરોઈન બનવાનું ગજું નથી, નાટકની અભિનેત્રી બની શકીશ એ અહેસાસ થઈ ગયો અને મારી લાગણીઓનો પડઘો પડતો હોય એમ ફિલ્મિસ્તાનને આવજો કહેવાનો વખત આવી ગયો. ફિલ્મિસ્તાન સ્ટુડિયોએ છોકરીઓને લેવાનું બંધ કર્યું અને અમને બધાને દરવાજો દેખાડી દીધો. ફરી પાછો સંઘર્ષ… મને હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ યાદ આવી ગઈ: મન કા હો તો અચ્છા ઔર ના હો તો ઔર ભી અચ્છા. આપણા મનનું ધાર્યું થાય તો આનંદ થાય જ, પણ જો એ પ્રમાણે ન થાય તો એનો અર્થ એ થાય કે ઈશ્ર્વરની ઈચ્છા અનુસાર બધું થવાનું છે અને ઈશ્ર્વર તો હંમેશા આપણું હિત જ જોતો હોય છે ને.
અભિનેતા માટે અરીસા
જયશંકર ‘સુંદરી’ જેમને અભિનય ગુરુ માનતા હતા એ બાપુલાલ ભભલદાસ નાયકએ ૧૧ વર્ષની ઉંમરે બાળ અભિનેતા તરીકે શરૂઆત કરી હતી. અભિનયની સહજ સૂઝના કારણે પ્રેક્ષકો તેમને ‘યુવાન બાપુડિયા’ના લાડકા નામથી સંબોધન કરતા. ૧૬ વર્ષની ઉંમરે તો મૂળરાજ સોલંકી’ નાટકમાં મૂળરાજની મુખ્ય ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી. ૨૧ વર્ષની ઉંમરે તો બાપુલાલ નાયક દિગ્દર્શક બની ગયા હતા. દિગ્દર્શક તરીકે અભિનેતાને ખીલવા દેવાની તેમની શૈલી અદભુત અને અસાધારણ હતી. જૂની રંગભૂમિના જાણકારે વર્ષો પહેલા કરેલી વાત એ વાતનું સમર્થન કરે છે. તેમણે કહ્યું હતું કે ‘બાપુલાલ નાયકે જયશંકર માટે ફુલ સાઈઝના ત્રણ અરીસાની વ્યવસ્થા કરી હતી. બાપુલાલે જયશંકરને કહ્યું હતું કે સંવાદ બોલીને કે મૂક રહી તારે જે અભિનય કરવો હોય એ આ અરીસા સામે ઊભા રહી કરવો. અલગ અલગ પ્રયાસોનું જાતે નિરીક્ષણ કરવું અને કોઈ એક પ્રયાસ ગમી જાય પછી એ અભિનય મારી સમક્ષ કરી બતાવવો.’ અભિનેતાને સંતોષ થાય એ વાતનું મહત્ત્વ તેમણે સ્વીકાર્યું હતું. બાપુલાલ જ્યારે નટને તાલીમ આપતા ત્યારે દરેક અભિનેતા માટે બાકીના બધા અભિનેતાઓની ભૂમિકા કંઠસ્થ કરવી ફરજિયાત હતું. આ જહેમત પાછળનો આશય એ હતો કે કોઈ કારણવશ જો કોઈ અભિનેતા નાટકની ભજવણી વખતે હાજર ન રહી શકે એમ હોય તો અન્ય અભિનેતા એ રોલમાં સહજતાથી ગોઠવાઈ જાય. ટૂંકમાં કહીએ તો ‘શો મસ્ટ ગો ઓન.’ ૧૯૨૨માં ૪૩ વર્ષની ઉંમરે તો બાપુલાલ નાયકએ ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ ખરીદી લીધી અને નવાં નાટક લખાવરાવ્યા અને લોકોના મનોરંજન અર્થે તેમજ વધુ લોકોમાં નાટકની રુચિ કેળવાય એ હેતુથી નાનકડા ગામડાઓમાં પણ નાટક ભજવવાને પ્રાધાન્ય આપ્યું.