ઉત્સવ

‘હું તારી બહેનને પ્રેમ કરું છું’

મહેશ્ર્વરી

રંગમંચ પર અનેક વાર ‘વહુરાણી’નો રોલ કરી પ્રેક્ષકો અને નાટ્યકર્મીઓની અફાટ પ્રશંસા મેળવનારી મહેશ્વરી એટલે કે હું હવે જીવનના રંગમંચ પર વહુરાણી બની ગઈ હતી. નાટકમાં ભજવેલા પાત્ર અભિનયથી ઉજળા બનતા હોય છે, જ્યારે જીવનનાં પાત્રો કર્મથી નીખરતાં હોય છે. રંગભૂમિ પર ભજવેલાં વિવિધ પાત્રોને કારણે નાટ્યાત્મક વળાંકની કોઈ નવાઈ નહોતી, પણ જીવનમાં કેવા કેવા વળાંક આવશે એની કોઈ ગતાગમ નહોતી. સાચું કહું તો વૈવાહિક જીવન શરૂ કરવા હું થનગની રહી હતી કે ઉત્સાહિત હતી એવું કશું જ નહોતું. મેં લગ્ન તો પપ્પાની મરજી હોવાથી કર્યા હતા.

‘વહુરાણી’નો રોલ કરવા ગુજરાતના પ્રવાસે આવેલી અભિનેત્રી હવે સંસારમાં વહુરાણીનો રોલ સાકાર કરવા મુંબઈ જતી ટ્રેનમાં બેઠી ત્યારે આનંદથી થનગનતી નહોતી પણ અંદરથી હચમચી ગઈ હતી. કારણ કે, હજી લગ્નના બે દિવસ થયા હતા અને હાથની મહેંદીનો રંગ હજી ઊડી નહોતો ગયો ત્યાં એવી વાત બની કે મારા ચહેરાનો રંગ જ ઊડી ગયો. મારા હોશકોશ ઊડી ગયા. ‘હું તારી બહેનને પ્રેમ કરું છું’ એમ માસ્તરે, મારા પતિએ લગ્નના બે દિવસ પછી મને કહ્યું. વિચાર કરી જુઓ કે કોઈ પરિણીત સ્ત્રીને એનો પતિ લગ્નના બે જ દિવસ પછી આવું કહે તો એના હૃદયમાં પ્રેમની ઈમારતના થઈ રહેલા ચણતર પર બુલડોઝર ફરી ગયું હોય એવી જ લાગણી થાય ને! મેં કોઈ જવાબ ના આપ્યો. હું શૂન્યમનસ્ક થઈ ગઈ. મનમાં એવો વિચાર જરૂર આવ્યો કે માસ્તરે લગ્ન પહેલા મને ન કીધું, પણ મારી બહેન તો મને કહી શકી હોત. અને બધી વાત મને જો કરી હોત તો પપ્પાને સમજાવી એનાં લગ્ન માસ્તર સાથે કરાવવા વિશે વિચાર્યું પણ હોત. જોકે, એ બધી વાત – વિચારનો હવે અર્થ નહોતો. મુંબઈ પહોંચી સાંસારિક જીવનમાં ગોઠવાઈ ગયા પછી બધું ધીરે ધીરે થાળે પડી જશે એવી હૈયાધારણ જાતને આપ્યા કરતી હતી. પણ પેલી કહેવત છે ને કે માણસ ધારે કંઈ ને પ્રભુ કરે કંઈ. એનો પરચો અમારી ટ્રેન બોરીવલી સ્ટેશન પહોંચી ત્યારે થયો.

ટ્રેનમાંથી અમે બધા ઉતર્યા ત્યારે હવે મારે તો માસ્તરના ઘરે જોગેશ્ર્વરી જવાનું છે એમ માની હું હજી બહેન અને મમ્મી – પપ્પાની વિદાય લઉં ત્યાં તો માસ્તરે ધડાકો કર્યો ‘તું હમણાં જોગેશ્ર્વરી નહીં આવતી.’ નાટકમાં આવતા વન લાઈનર્સ પ્રેક્ષકોને મોટે ભાગે મોજ કરાવતા હોય છે, પણ માસ્તરની આ વન લાઈનરે તો અમારા બધાના હાંજા ગગડાવી નાખ્યા. ‘કેમ?’ સ્વાભાવિક રીતે જ મેં પૂછ્યું. એક ધડાકાનો આંચકો જાણે ઓછો હોય એમ માસ્તરે બીજો ધડાકો કર્યો કે ‘હું જરા શાંતાને સમજાવી તને લેવા આવું.’ હવે આ શાંતા વળી કોણ? એવો સવાલ અત્યારે વાચકોને થઈ રહ્યો હશે એમ જ મને પણ ત્યારે થયો હતો. વાત એમ હતી કે ચંદ્રકાંત માસ્તર શાંતા નામની સિંધી સ્ત્રી સાથે રહેતા હતા. જોકે, તેમના લગ્ન નહોતા થયા.
આ વાત તેમણે જ પપ્પાને કહી હતી. એટલે કે પપ્પા જાણતા હતા.

માસ્તરે મને શાંતા વિશે ક્યારેય કશું ન કહ્યું એ સમજી શકાય એવું હતું, પણ ‘તું માસ્તર સાથે લગ્ન કરીશ?’ એવું મને કહેનારા મારા પપ્પાએ શાંતાની વાત મારાથી કેમ છુપાવી એ સવાલ મારા મનમાં ઘૂમરાવા લાગ્યો. માસ્તરે જોગેશ્ર્વરીના દરવાજે ‘નો એન્ટ્રી’નું બોર્ડ મારી દીધું હોવાથી મારા માટે પપ્પા સાથે એમના ઘરે જવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. દહિસર પહોંચી હું ફરી ગણેશ ઉત્સવના નાટકોની દુનિયામાં ગોઠવાઈ ગઈ. ભાયંદર, વિરાર વગેરે સ્થળ પર જઈ રિહર્સલ કરવાના, નાટકો ભજવવાનું મારું કામ શરૂ થઈ ગયું. દિવસો, અઠવાડિયા પસાર થતા બે મહિનાનો સમય વીતી ગયો પણ માસ્તર મને લેવા આવ્યા જ નહીં. એક દિવસ પપ્પાએ મને અકળાઈને પૂછ્યું કે ‘તારાં તો લગ્ન થઈ ગયાં છે તો તું તારા સાસરે, માસ્તરના ઘરે કેમ નથી જતી?’ મેં પપ્પાને જવાબ આપ્યો કે ‘એમણે મને કહ્યું છે કે હું તને લેવા આવીશ.એટલે નથી જતી.’ બીજો પ્રકાશ પણ શું ફેંકું, કારણ કે હું જ અંધારામાં હતી. પછી પપ્પાએ આગળ વાત વધારી નહિ. આ બન્યું હતું એ પછી પણ ઘણો સમય વીતી ગયો. મારી હાલત ‘કૈસે દિન બીતે, કૈસી બીતી રતિયા, પિયા જાને ના’ જેવી હતી. ના કોઈ ચિઠ્ઠી, ના કોઈ સંદેશ, ઊભો કરે સંદેહ. કંપનીના ગુજરાત પ્રવાસ જવાનો સમય આવે એ પહેલાની વાત છે. હું નાટકના રિહર્સલમાંથી રાત્રે આઠેક વાગ્યે ઘરે પાછી ફરી રહી હતી ત્યારે હજી ચોમાસુ ઊતરી નહોતું ગયું. વરસાદ બહાર પડી રહ્યો હતો, પણ મેઘ ગર્જના ઘરમાં સંભળાઈ રહી હતી. ઘરમાં દાખલ થઈને જોઉં છું તો બહાર કરતાં વધુ ભયંકર તોફાની વાતાવરણ. હાહાકાર મચી ગયો હોય એવું લાગતું હતું. હું હેબતાઈ ગઈ અને પૂછ્યું કે શું થયું? અને પપ્પાએ જે વાત કરી એ સાંભળીને મારા પગ નીચેથી ધરતી જ સરકી ગઈ.

બોધ કે શિખામણનો
આગ્રહ વધુ હતો
યુરોપિયન કલાકારોએ ભજવેલાં નાટકોથી સ્થાનિક પારસીઓ તેમજ જુવાન ગુજરાતી કલાકારોને પણ નાટક ભજવવાનો ચસકો લાગ્યો એ સમયની વાત છે. આરંભમાં નાટકના વિષયો ધાર્મિક, પૌરાણિક કે ઐતિહાસિક રહેતા. પછીથી સામાજિક વિષયો પર પણ નાટકો લખાવા લાગ્યાં. જૂની રંગભૂમિનાં નાટકોમાં વાસ્તવદર્શી કથાનકો હોવા છતાં તેમાં બૌદ્ધિકતા કરતાં લાગણીશીલતાનું પલડું વધારે ભારે હતું. એવી જ રીતે નાટકના અંતે પ્રેક્ષકોને સ્વતંત્ર વિચારતા કરવાને બદલે તેમને સીધેસીધો બોધ કે શિખામણો આપવાનો આગ્રહ વધારે રહેતો. પાત્રોનું તત્કાળ હૃદય પરિવર્તન અપ્રતીતિકર લાગવા છતાં પ્રેક્ષકો તેને આવકારતા. ગુજરાતી રંગભૂમિના ચડતીપડતીના ઇતિહાસમાં ૧૮૮૦થી ૧૯૧૦ સુધીનો ગાળો સુવર્ણકાળ લેખાય છે. આ ગાળામાં જ ગુજરાતી નાટક અને ગુજરાતી રંગભૂમિનું પોત બંધાયું અને તેની અસ્મિતા પ્રગટ થઈ, પરંતુ દુર્ભાગ્યે નાટકનો ધંધો આર્થિક લાભનો ધંધો છે એવી હવા ફેલાતાં ઘણા વેપારી ગણતરી ધરાવતા માલિકો નાટ્યક્ષેત્રે આવી ગયા. સમગ્ર નાટકની ગૂંથણી અને માવજતમાં માલિકોની દખલગીરી વધતી ચાલી. આમ તો રણછોડભાઈ ઉદયરામની વિદાય
સાથે જ રંગભૂમિ અને સાહિત્યને છેટું પડી ગયેલું. લેખક નૃસિંહ વિભાકર અને રણજિતરામ વાવાભાઈ જેવા વિવેચકે આ નફાલક્ષી માલિકો અને તેમને હાથ વેચાઈ
ગયેલા લેખકો સામે બંડ પોકાર્યું પણ તેમ
છતાં રંગભૂમિના નૈતિક પતનને તેઓ ન રોકી શક્યા. (સંકલિત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા