ગઝલની મેં પકડી લીધી આંગળી…
આજે આટલું જ – શોભિત દેસાઈ
આ શિર્ષક એટલે મારી આત્મકથા… આ ૧૩ અક્ષરો એટલે મારા – શોભિત દેસાઈના સત્યના પ્રયોગો… આ પાંચ શબ્દો એટલે મારી વિલાસયાત્રા.
And what a journey it is ! Unbeleivable… ૫૦ વરસ થઈ ગયાં, સાહેબો! અને હજી સફરમાં જ છું… તંદુરસ્ત, મનદુરસ્ત અને ઘણું ગુમાવી દીધા બાદ પણ બચેલા ધનદુરસ્ત… ૧૯૬૭ (પોદાર સ્કૂલ)થી ૧૯૭૩ (એન. એમ. કૉલેજ) સુધી વકતૃત્વ સ્પર્ધામાં ઈનામો જીતેલાં જ, ૧૯૬૮થી શાસ્ત્રીય અને સુગમ સંગીતમાં પારંગતતા તરફ પ્રયાણ હતું જ, ૧૯૭૩માં પરેશ રાવલ સાથે અભિનયની શરૂઆત થઈ જ ગયેલી, ગોખણપટ્ટીના ગોરખધંધામાં પ્રવીણ્યને કારણે શૈક્ષણિક સડસડાટપણું હતું જ… નહોતી તો માત્ર નાણાકીય દુરસ્તી, રહેવાલાયક ઘર અને ભૌતિક સમૃદ્ધિથી અંજાઈ જતી દુનિયાનો આદરભાવ… પણ બે ભાઈઓ અને મા-બાપ કેવાં!!!
આ બધા વચ્ચે એક બુલબુલ, જેનું નામ ગઝલ, આવીને બેસી ગઈ ખભા પર, અંજાઈ ગઈ આંખમાં, પથરાઈ ગઈ અસ્તિત્વ પર. મે પૂછ્યું: તારું નામ? તો કહે: બરકત વિરાણી ‘બેફામ’…
પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ,
પ્રણયની પછી પણ મને કામ આવ્યા
પ્રસંગો ઉપરના એ પરદા બન્યા છે,
ઉમંગો ઉપરનાં કફન થઈ ગયાં છે.
મળ્યો મારા પ્રેરણાપુરુષને… કહ્યું: બેફામસાહેબ! બધા ‘મરીઝ’ને બહુ પ્રશંસે છે… મને તમારા જેટલા અને જેવા કેમ નહીં લાગતા હોય!! એમણે કહ્યું: તારી કાચી સમજણ… મેં એક મુશાયરાનું સંચાલન કરતાં ‘મરીઝ’ને છેલ્લા રજૂ કર્યા હતા, આ શબ્દો સાથે: ‘તમે બધાએ અમને સાંભળ્યા. હવે અમે જેમને સાંભળવા આવ્યા છીએ એમને સાંભળો: ‘મરીઝ’… ત્યાંથી શિખવા મળ્યો સહોદરો પ્રત્યેનો નિર્વ્યાજ આદરભાવ…
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો
જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો
‘મરીઝ’
દર મહિને પગાર મળે જ એવી યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયાની નોકરીને હજી માંડ ૬ મહિના થયા હશે અને દિલીપ ધોળકિયાએ ઓળખાણ કરાવી કૈલાસ પંડિત સાથે. મહાનતા અને Middle class લાચારીનું મૂર્તિમંત સ્વરૂપ. એણે જ કરાવ્યો મુશાયરા પ્રવેશ અને પછી તો કેવડો અંગત મિત્ર… ઠેઠ ગયો ત્યાં સુધી…
મેં કફન માનીને લીધું હાથમાં
એ સુખી માણસનું પહેરણ નીકળ્યું…
April ૧૯૭૬ના, પ્રા. બકુલ રાવલના પુસ્તક ઉદ્ઘાટનના મુશાયરામાં એક સાથે મળ્યા કેટલા બધા શાયરો, પ્રાત:સ્મરણીયો, પૂર્વસૂરિઓ… એમાંય સૈફ પાલનપુરી તો અનહદ… નવા ટચૂકડા બચૂકડાને કેવો પ્રોત્સાહિત કરે!
મિત્રો બનાવવામાં રહ્યો સૈફ હું અને
બહુ સારા સારા દુશ્મનો બીજે સરી ગયા
અને અહીંયા ‘કવિતા’ના અંકોમાં રમેશ પારેખનો છાક (તોર, મિજાજ, નશો, કેફ) ભાષાને, સમગ્ર ભાષાને અભાન બનાવતો જ જાય…
સ્વપ્નમાં અત્તરની શીશી રોજ ફૂટી જાય છે
એટલે ખુશ્બુમાં તિરાડો મને દેખાય છે.
અને આવે સાહેબ! ગઝલ વિશ્ર્વ વિદ્યાલયના વાઈસ ચાન્સેલર શૂન્ય પાલનપુરી… માયાળુ સૌમ્યતા અને ગઝલની ગંજાવર શાસ્ત્રીયતાનું ગજબનું નરમ-કડક મિશ્રણ. ઉમર ખય્યામનો એમનો ગુજરાતી અનુવાદ વિશ્ર્વમાં, જી હા વિશ્ર્વમાં બેજોડ. એડવર્ડ ફિટ્ઝરાલ્ડે તો ખય્યામ અંગ્રેજીમાં નીચો પાડી દીધો છે.
ડંખ દિલ પર કાળ-કંટકનાં સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર
કાંસકીને જો! કે એના તનના સો ચીરા થયા
ત્યારે પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર
૧૯૭૭ માર્ચમાં કૈલાસ – સૈફના આયોજનમાં કલકત્તા જવા મળે છે. શૂન્યસાહેબ ટ્રેન ઉપડવાની પાંચ મિનિટ પહેલાં જ મન અને તન ડોલાવતા હાવરા મેલના સેક્ધડ ક્લાસના ડબ્બામાં આવે અને સ્વયમ્ અમૃત ઘાયલ, સાક્ષાત્, ઊભા થઈને એમના ૩૫ વર્ષ જૂના સહકર્મી અને સહશાયરને એમ કહીને બિરદાવે… આઈયે ઉસ્તાદ!!!
તુમ આ ગયે, જહે કિસ્મત, તુમ્હારી ઉમ્ર દરાઝ
તુમ્હારા નામ લિયા થા અભી અભી મૈને
(અજ્ઞાત)
અને ઉસ્માન બલોચ ‘શૂન્ય’ અમૃત ભટ્ટ ‘ઘાયલ’ને કહે: અરે વાહ વાહ મારા ભાઈ!
કેમ છો?
ન હિંદુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા
કેવળ જો માપ્યું વહાલ તો ઈન્સાન નીકળ્યા
અમૃત ઘાયલ
અને પયગમ્બરી નામના સંસ્થાગત માળખા સામે વારંવાર વિદ્રોહનો ઊહાપોહ ઉઠાવનાર જલન માતરીને તો તમે ઓળખો છો ને! હા હા એ જ જલન માતરી જેની પાસે અનેક દલીલો છે ખુદાઈને ખરલમાં ખાંડવાની…
સતાવ્યા સારા ઈન્સાનોને તેં પયગમ્બરી દઈને
તને શું શોભતું’તું આવું કરવાનું ખૂદા થઈને?!
તો મંગળવારે, ગૂડી પડવાના દિવસે મુંબઈમાં આ બધા મારી આત્મકથાના પાનાઓનું હું કંઈ કમાલનું પઠન કરવાનો છું! ગઝલની ગુંજતી સરગમ એ નામથી. ક્યારેક આ બધા વિષે ખોલીને વાત કરું, તમને જણાવું કે ક્યાં છે આ બધું, એવી ઈચ્છા પણ ખરી… પણ અત્યારે તો તમારે તમારા ગુપ્તચરોને કામે લગાડવા પડે એ બધું જાણવા…
એ છે ગુજરાતી ગઝલનું એવું સાજ
એકલો છે આખી સેનાનો અવાજ
આજે આટલું જ…