ઉત્સવ

સંતુની ઓળખનો મને આનંદ છે: સરિતા જોશી (અભિનેત્રી)

મુલાકાત: હેન્રી શાસ્ત્રી

પુણેમાં ૧૯૪૧માં જન્મ, વડોદરામાં ભણતર અને અશરફ ખાન અને શાંતા આપટે જેવા ટકોરાબંધ કલાકારો સાથે બાળ કલાકાર તરીકે નાટકોમાં કામ કરી શરૂઆત કરનારાં સરિતા જોષીની અભિનય કારકિર્દીનું ફલક ગંજાવર છે. જૂની તેમજ નવી રંગભૂમિનાં નાટકો, ગુજરાતી ફિલ્મો, ટીવી સિરિયલો તેમજ હિન્દી ફિલ્મોમાં સરિતા બહેનની કામગીરીની ગુણવત્તા પર નજર નાખતા કોઈની પણ આંખો અંજાઈ જાય એવું એમનું યોગદાન રહ્યું છે. યશસ્વી અભિનય સફર બદલ સરિતા બહેનને મળેલા અનેક સન્માન – પારિતોષિકમાં ભારત સરકારનો ‘પદ્મશ્રી’ એવોર્ડ શિરમોર છે.

આ ઉપરાંત સંગીત નાટક અકાદમી એવોર્ડ, ગુજરાત સરકાર એવોર્ડ, એનએસડી – નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પારિતોષિક, મોરારિ બાપુના હસ્તે નટરાજ એવોર્ડ, હરીન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ, નાલંદા ભરત મુનિ સન્માન, નહેરુ શતાબ્દી નાટ્ય સમારોહમાં પારિતોષિક, સળંગ ચાર વર્ષ ‘બા બહુ ઔર બેબી’ ટીવી સિરિયલ માટે ફેવરિટ એક્ટર એવોર્ડ… એમને મળેલા સન્માન અને એવોર્ડની લાંબી યાદીમાં હવે ‘મુંબઈ સમાચાર’ના એવોર્ડનું નામ જોડાવાથી સરિતાબહેન રાજી થયાં છે.

‘એવોર્ડ મળે ત્યારે કલાકારને આનંદ થાય જ’, સરિતા બહેન જણાવે છે, ‘ચાર વર્ષ પહેલા પદ્મશ્રી’નું સન્માન મળ્યું ત્યારે જેવી હરખની લાગણી થઈ હતી એવી જ લાગણી આજે ‘મુંબઈ સમાચાર’નો એવોર્ડ મળતી વખતે થઈ છે. એનું કારણ એવું છે કે અખબાર સાથે મારો બહુ જૂનો નાતો છે.

આ અખબાર સાથે સંકળાયેલા વેણીભાઈ પુરોહિત અને જીતુભાઇ મહેતા સાથે કલા ક્ષેત્રની ઘણી ગોઠડી કરી છે. એ વાતચીતમાં કે ચર્ચામાં ઘણું પામી છું. કલાકારોને પ્રોત્સાહિત કરવાનો ‘મુંબઈ સમાચાર’નો આ પ્રયાસ સ્તુત્ય છે.’

બાળ કલાકાર તરીકે ઝળહળ્યા પછી સરિતા જોષી ૧૯૬૮માં મુંબઈ આવ્યાં. મુંબઇ આવ્યાં એ પહેલા અરુણ દવે, દિનેશ રાવળ સાથે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. સંજીવ કુમાર, દિપક ઘીવાલા જેવા સિદ્ધહસ્ત કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો.

ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાથી નવું શીખવા મળ્યું એનો લાભ થયો. સરિતા બહેન સીડીના પગથિયાં એક પછી એક ચડી રહ્યાં હતાં. આગળ વધી રહ્યાં હતાં. ત્યારબાદ એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. પ્રવીણ જોશી સાથે એમની મુલાકાત થઈ અને ‘આઈએનટી’માં જોડાયાં અને પેલી સફળતાની સીડી પછી લિફ્ટ બની ગઈ. એક પછી એક ટકોરાબંધ નાટકો આવવાં લાગ્યાં.
‘સપ્તપદી’, ‘કુમારની અગાશી’, ‘મોસમ છલકે’… આ નાટકોની સફળતા સાથે સાથે સરિતા જોશી અભિનયની બુલંદીથી એવરેસ્ટ પર બિરાજમાન થઈ ગયાં. બર્નાર્ડ શોના જગવિખ્યાત નાટક ‘પિગ્મેલિયન’ના મધુ રાયએ કરેલા ગુજરાતી સંસ્કરણ ‘સંતુ રંગીલી’એ તો એવી સાંબેલાધાર સફળતા અપાવી કે સરિતા જોશી અને સંતુ રંગીલી એકબીજાના પર્યાય બની ગયા.

સરિતા બહેનને આમંત્રણ મળ્યું હોય એવા અનેક જાહેર કાર્યક્રમોમાં ‘પ્લીઝ, સંતુના સંવાદ સંભળાવો’ એવી ફરમાઈશથી જ શરૂઆત થવા લાગી અને હજી પણ થાય છે. પછી ‘તારોય વારો આવશે હિમાદ્રિ અને શંતુનો ડંકો વાગશે’, ‘તારા ખિચ્ચામાં નહીં હોય પઈ અને હું ચેકુમાં કરતી હોઈશ સઈ’ કે પછી ‘રાજાનો દીકરો મરકીને કહેશે કે સંતુનાં નામના સિક્કા પડાવો ને સંતુનાં માનમાં તોપું ફોડાવો ને સંતુના ભેરે અસવારી જોડાવો’ સંવાદો અસ્ખલિત વહેવા લાગે અને એક એવો ભૂતકાળ કલા રસિકોની નજર સામે તરવરવા લાગે કે જે થંભાવી દેવાની લાલચ થાય. આ છે

કૌવત સરિતા જોશીનું, એમના અભિનય સામર્થ્યનું. સરિતા બહેન પોતે કહે છે કે ‘નિશા (કુમારની અગાશી), સુરેખા (સપ્તપદી), માલ્વિકા (મૌસમછલકે) કે સવિતા દામોદરપરાંજપેનો ટાઈટલ રોલ જેવા વૈવિધ્યપૂર્ણ પાત્રો મેં ભજવ્યાં છે, પણ મારી સંતુની અલાયદી ઓળખ મને ખૂબ જ પ્રિય છે.

સંતુ રંગીલીએ મને મારું પોતાનું અલાયદું એવરેસ્ટ બનાવી આપ્યું છે. એક વાતનો મને આનંદ છે અને ગર્વ પણ છે કે મેં નાટકોમાં કાયમ હીરોઈનના જ રોલ કર્યા છે, સાઈડ રોલ ક્યારેય નથી કર્યો. પ્રવીણ જોશી ઉપરાંત શૈલેષ દવે સહિત અન્ય મહારથીઓ સાથે કામ કર્યું છે.’

સરિતા બહેનનું પ્રમુખ અને મહત્તમ યોગદાન રંગભૂમિ (૨૦૦થી વધુ નાટક) છે એ ખરું, પણ એમણે ગુજરાતી ચલચિત્રો ઉપરાંત ટીવી સિરિયલ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. નાટકોની સરખામણીએ આ યાદી નાની છે, પણ એમાંની અમુક ભૂમિકા કાયમ સ્મરણમાં રહી જાય એવી છે.

ટીવી સિરિયલના સુવર્ણ દોરમાં ‘બા બહુ બેબી’ના ગોદાવરી ઠક્કરનાં પાત્રએ એમનો વિશાળ ચાહક વર્ગ ઊભો કર્યો અને એમની ઓળખાણનો વિસ્તાર થયો. ‘સંતુ રંગીલી’ નહીં જોનારા પ્રેક્ષકો માટે સરિતા બહેન ગોદાવરી ઠક્કર હતાં.
આ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ સરિતાબહેનને અભિનય પ્રતિભા દેખાડવાની તક મળી.

અહીં પણ સંખ્યા મોટી નથી, પણ એવા કેટલાક રોલ છે જે દર્શકોના હૈયામાં કોતરાઈ ગયા છે. ‘ગુરુ’માં અભિષેક બચ્ચનની માતાનો રોલ કે પછી ‘બારહવી ફેલ’માં વિક્રાંત મેસીની દાદીનો રોલ હોય કે ‘સિંઘમ રિટર્ન્સ’ની નાનકડી ભૂમિકા હોય, સરિતા બહેન અલગ તરી આવે.

ફિલ્મોમાં કામ કરવાના અનુભવ વિશે સરિતા બહેન કહે છે કે ‘મણિરત્નમ, વિધુ વિનોદ ચોપડા અને રોહિત શેટ્ટી જેવા એકબીજાથી સાવ ભિન્ન એવા દિગ્દર્શકો સાથે કામ કરવાથી ઘણું શીખવા મળ્યું. મારા માટે તો આ એક નવી પાઠશાળા હતી, જેના અનુભવથી હું વધુ સમૃદ્ધ બની છું.’ આજે પણ મેકરો સરિતા જોષી સાથે કામ કરવા ઉત્સુક છે, પણ કામ કરવાની મજા આવે, કશુંક ક્રિયેટિવ કામ થઈ રહ્યું છે એવું લાગે તો જ સરિતાબહેન કામ સ્વીકારે છે.

અભિનેત્રી સરિતા જોષી, સાહિત્યકાર વર્ષા અડાલજા, નાટ્યલેખક પ્રવીણ સોલંકી અને સમાજસેવાના અગ્રણી હેમરાજ શાહે પોતપોતાના ક્ષેત્રમાં મહામૂલું યોગદાન આપી જનજીવનને સમૃદ્ધ બનાવવામાં સીધું કે આડકતરું યોગદાન આપ્યું છે. ૮૦ વર્ષની ઉંમર વટાવી ગયેલી આ ચારેય વિલક્ષણ પ્રતિભા જીવનની સમી સાંજે પણ વહેલી સવારના સૂર્યનાં કિરણોની જેમ તેજ પાથરી ઝળહળવા તલપાપડ છે.

સરિતા બહેનની વાણીમાં હજી સંતુ રંગીલી કે ગોદાવરી ઠક્કર અથવા સકુબાઈ રણકે છે…
વર્ષા અડાલજા ‘મારે પણ એક ઘર હોય’ કે ‘ગાંઠ છૂટ્યાની વેળા’ જેવું સર્જન કરવા થનગને છે…
૭૦ વર્ષ પહેલા પ્રથમ એકાંકી લખનારા પ્રવીણ સોલંકીના ચાર નાટક હાલ ભજવાઈ રહ્યા છે…
-અને પાઠ્યપુસ્તક તેમજ નોટબુક પ્રકાશનના વ્યવસાયને સમાંતર સામાજિક ઉત્કર્ષ માટે અનન્ય યોગદાન આપનારા હેમરાજ શાહની ડિક્શનરીમાં ‘નિવૃત્તિ’ શબ્દ જ નથી…

Also Read – આકાશ મારી પાંખમાં ઃ સોનેરી સૂરજ ઊગ્યો

આપણા આ ગૌરવ રત્નોનું સન્માન કરવાની આ અનોખી પહેલ બદલ ‘મુંબઈ સમાચાર’ની સાથે સાથે સમગ્ર પ્રજા ગર્વ અને ગૌરવની લાગણી અનુભવતી હશે એ નિ:શંક બાબત છે. સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે સરિતા જોષીને શ્રી ફરદુનજી મર્ઝબાનજી કલા ગૌરવ એવોર્ડ, શ્રીમતી વર્ષા અડાલજાને શ્રી નસરવાનજી મંચેરજી કામા સાહિત્ય ગૌરવ એવોર્ડ, પ્રવીણ સોલંકીને શ્રી મંચેરજી નસરવાનજી કામા કલા ગૌરવ એવોર્ડ અને હેમરાજ શાહને શ્રી રૂસ્તમજી મંચેરજી કામા સમાજ ગૌરવ એવોર્ડથી આજે સાંજે સન્માનિત કરવામાં આવશે. આ પ્રતિભાવંતોને સન્માન પત્ર ઉપરાંત રૂપિયા ૭૫ હજારની ધનરાશિ સાથે પુરસ્કૃત કરવામાં આવશે.

વેપારી પ્રજાનું લેબલ ધરાવતી ગુજરાતી પ્રજામાં અનેક કલા રત્નો પણ પાક્યા છે. આ પ્રતિભાઓનું સન્માન કરવું એ ફરજ માની ‘મુંબઈ સમાચાર’એ દિશામાં પહેલું પગલું માંડ્યું છે. ચારેય કલાકારને સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવનની શુભેચ્છા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button