મારે પણ એક વર્ષા હોય…વર્ષા અડાલજા (નવલકથાકાર)
વર્ષા અડાલજાની લેખન પ્રક્રિયા એ સમયમાં શરૂ થઈ અને વિકસી જ્યારે ગુજરાતીઓમાં કલા પ્રેમ, સાહિત્ય પ્રેમ ધબકતો હતો. વાંચન પ્રત્યે પ્રીતિ હતી અને દળદાર નવલકથાનું હોંશે હોંશે વાંચન થતું હતું. પિતા ગુણવંતરાય આચાર્યએ નવલકથા, વાર્તા, નાટક આદિનાં ૧૦૦થી વધુ પુસ્તકો આપ્યા છે. આમ લેખન, સાહિત્ય પ્રીતિ વર્ષા બહેનને ગળથુથીમાં જ મળ્યા.
વર્ષાબહેનનો જન્મ મુંબઈમાં.
સંજોગો અચાનક બદલાઈ જતા ઘર વિનાના થઈ ગયાં, પણ પિતાશ્રીની ભાષા પ્રત્યેની નિષ્ઠાથી પ્રેરાઈ એક વેપારીએ રહેવા ઘર આપ્યું. એ દિવસો યાદ કરી વર્ષાબહેન કહે છે કે ‘પપ્પાએ ખૂબ પરિશ્રમ કર્યો. વર્ષના ૩૬૫ દિવસ લખ્યું. ચારે ભાઈ બહેનને ભણાવ્યા – ગણાવ્યા.’ એટલે સ્વાભાવિક હતું કે વર્ષાબહેનમાં લખાણ માટે પ્રીતિ જાગી. ૧૯૬૨માં આકાશવાણીમાં જોડાયા ત્યારથી લેખન યાત્રાનો પ્રારંભ થયો જે આજ દિન સુધી અવિરત ચાલુ છે. આજની તારીખમાં ય એ એક ધારાવાહિક નવલકથા લખી રહ્યા છે.
વર્ષાબહેનના સાહિત્ય સર્જનને વિવિધ પારિતોષિક મળ્યાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા, ભારતીય ભાષા પરિષદ (કલકત્તા) તેમજ દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પણ પારિતોષિક મળ્યાં છે.
યાદી હજી પૂરી નથી થઈ…. સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ, કનૈયાલાલ મુનશી એવોર્ડ, રણજિતરામ સુવર્ણચંદ્રક, નંદશંકર મહેતા ચંદ્રક અને રામનારાયણ પાઠક એવોર્ડ પણ એ પ્રાપ્ત કરી ચૂક્યાં છે. રણજિતરામ સુવર્ણચંદ્રક પિતા-પુત્રીને મળ્યો હોય એવું એકમાત્ર ઉદાહરણ ગુણવંતરાય આચાર્ય અને વર્ષા અડાલજાનું છે.
૧૯૪૫માં ‘દરિયાલાલ’ માટે ગુણવંતરાય આચાર્યને અને ૨૦૦૫માં વર્ષાબહેનને એનાયત થયો હતો. આ વર્ષે જુલાઈમાં નર્મદ સાહિત્ય એવોર્ડ, સ્વામી સચ્ચિદાનંદ એવોર્ડ મળી ચુક્યા છે.
આ યાદીમાં ‘મુંબઈ સમાચાર’ના એવોર્ડનો ઉમેરો થયો એ બદલ રાજીપો વ્યક્ત કરતા વર્ષાબહેન જણાવે છે કે ‘કેવો યોગાનુયોગ છે કે મારા લખાણની શરૂઆત ૧૯૬૬માં ‘મુંબઈ સમાચાર’થી થઈ અને એના તરફથી જ એવોર્ડ મળી રહ્યો છે. એ સમયે દારૂવાલા સાહેબે મને ફેશનની કોલમ (સૌંદર્યનો શણગાર) લખવા કહ્યું હતું. એ સમયે બ્યુટી પાર્લર નહોતા. નાટકમાં કામ કરવાનો અનુભવ અને ફોરેનના મેગેઝિનો જોઈ હું કોલમ લખતી થઈ.
‘મુંબઈ સમાચાર’ના કાર્યાલયમાં આવતી ત્યારે નજીક આવેલી એશિયાટિક લાઈબ્રેરીની મુલાકાત પણ લેતી થઈ. વિવિધ ભાષાના પુસ્તકો વાંચવાની તક મળી અને નવલિકા લખવાની શરૂઆત થઈ. ‘મુંબઈ સમાચાર’ મારી સર્જન પ્રક્રિયાને વેગ આપવામાં નિમિત્ત બન્યું.’
વર્ષા અડાલજાનું મુખ્ય સર્જન નવલકથામાં છે. ૧૯૬૮માં પ્રકાશિત થયેલી પહેલી સામાજિક નવલકથાનો ઉલ્લેખ કરી એમણે કહ્યું કે ‘નવલકથા તો લખી પણ એને નામ શું આપવું એ સમજાતું નહોતું. એટલે ચુનીલાલ મડિયાએ નામ આપ્યું ‘શ્રાવણ તારાં સરવડાં’. ત્યારપછી મેં ‘તિમિરનો પડછાયો’ નવલકથા લખી અને મારો આત્મવિશ્વાસ વધી ગયો.
એ સમયે સોશિયલ મીડિયા નહોતું કે પુસ્તકના વિવેચનની પ્રથા પણ નહોતી.
આ નવલકથા વધુ લોકો સુધી પહોંચાડવા એક પ્રોફેસર અમદાવાદથી મુંબઈ આવ્યા અને એના પરથી એક ફિલ્મ બનાવી. પછી મેં એના પરથી એક નાટક લખ્યું જેમાં પદ્મારાણીએ અભિનય કર્યો હતો. એ નાટકના ઘણા શો થયા હતા. એમની ‘અણસાર’ નવલકથા મનુષ્યને ઢંઢોળે છે.
ચારેકોરથી હડધૂત થતા અને ઘોર નિરાશામાં સબડતા રક્તપિત્તથી પીડાતા લોકોની વેદનાને આ નવલકથામાં વાચા આપી છે. એનો ઉલ્લેખ કરી વર્ષાબહેને જણાવ્યું કે ‘રક્તપિત્ત વિશે ઊંડી જાણકારી પ્રાપ્ત કરવા અને ખાસ તો રોગગ્રસ્ત દર્દીઓની વેદના સમજવા હું એવા લોકો વચ્ચે જઈને રહી. આ નવલકથાને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો અને એનો અનુવાદ અંગ્રેજી અને મરાઠીમાં પણ થયો. અત્યારે ઉડિયા ભાષામાં કામ ચાલી રહ્યું છે.’
એકંદરે એમનો પ્રયાસ એક સાધના હતી એવું કહેવામાં આવ્યું હતું, પણ લોકેશન પર જઈ સાચુકલાં પાત્રો વચ્ચે રહી, એમને અનુભવી પછી કલ્પનાના રંગો પૂરી વાર્તા લખવાનો વર્ષાબહેનનો અભિગમ અનન્ય છે.
‘મારી આ કાર્યશૈલી જોઈ મનુભાઈ પંચોળી ‘દર્શક’એ વર્ષાએ નવી કેડી કંડારી એમ કહ્યું હતું,’ એમ જણાવતા વર્ષાબહેનના અવાજમાં રહેલો આનંદ સ્પષ્ટ રણકે છે.
૧૯૭૧માં પ્રગટ થયેલી ‘મારે પણ એક ઘર હોય’માં વર્ષાબહેને બે બહેનો વચ્ચે રહેલા પ્રેમ અને ધિક્કારની લાગણીઓને વાચા આપી છે. આ નવલકથાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. આ નવલકથા પરથી ગુજરાતી ચલચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું અને હિન્દી સિરિયલ પણ બની હતી.
Also Read – સંતુની ઓળખનો મને આનંદ છે: સરિતા જોશી (અભિનેત્રી)
જાત અનુભવથી નવલકથા લખવાના આશયને કારણે જેલના ભીતરી જીવનની ભયંકર વાસ્તવિકતાને આલેખતી બંદીવાન’ લખતી વખતે એમણે આર્થર રોડ જેલમાં જઈ કેદીઓ વચ્ચે રહેવાની કોશિશ પણ કરી હતી. ‘ગાંઠ છૂટ્યાની વેળા’ નવલકથા વિશે વર્ષાબહેન કહે છે કે ‘મધ્ય પ્રદેશના આદિવાસીઓની કથા આલેખવાની હતી. જાત અનુભવ લેવો હતો એટલે જંગલમાં રખડી, ખટારામાં મુસાફરી કરી અને આશ્રમમાં આદિવાસીઓ વચ્ચે રહી અને પછી નવલકથા લખી.
૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો હતો. ગુજરાતમાં સાહિત્યિક વાતાવરણ તૈયાર થાય, ગુજરાતી સાહિત્યનો વ્યાપ વધી એ લોકપ્રિય બને એ સ્થાપનાનો મુખ્ય હેતુ હતો. એના પહેલા પ્રમુખ હતા ગોવર્ધનરામ ત્રિપાઠી. બારમા સંમેલન(૧૯૩૬)ના પ્રમુખપદે ગાંધીજી હતા.
આશ્ચર્યની કે આઘાતજનક વાત એ છે કે ૧૧૯ વર્ષના ઈતિહાસમાં માત્ર ૩ મહિલા ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખ બની છે, જેમાં એક નામ વર્ષા અડાલજાનું છે. વર્ષાબહેનની જીવનકથામાં આવા અનેક રત્નો વિખરાયેલા પડ્યાં છે.
વર્ષાબહેનની શારીરિક હાઈટ – ઊંચાઈ ઘણી સારી છે. જોકે,એમના સર્જનની ઊંચાઈ સામે એ વામણી લાગે. વર્ષાબહેનનો સંઘર્ષ, એમની કર્તવ્યનિષ્ઠા, એમનું મહામૂલું સર્જન અને એમનો સ્નેહાળ સ્વભાવ જોઈ એમની અવિસ્મરણીય નવલકથા ‘મારે પણ એક ઘર હોય’ની જેમ દરેક માતા એમ જ ઝંખે કે ‘મારે પણ એક વર્ષા હોય’.