ઉત્સવ

રામરાજ્યમાં કરવેરા પદ્ધતિ કેવી હતી?

સીતારમનનું બજેટ તો આવી ગયું, હવે શ્રીરામના યુગમાં કરવેરા પદ્ધતિ કેવી હતી એ જોઇએ

વિશેષ -મુકેશ પંડયા

૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં બાળક રામ સ્થાપિત થયા પછી વડા પ્રધાને તેમના પ્રવચનમાં કહ્યું હતું કે રામમંદિરમાં રામલલા બિરાજમાન થઇ ગયા પણ હવે શું? કંઇક આવો જ આ જ પ્રશ્ર્ન તે જ મંચ પરથી રાષ્ટ્રીય સેવા સંઘના વડા મોહન ભાગવતે પણ કર્યો હતો. બન્ને મહાનુભાવોનું કહેવું એવું હતું કે માત્ર રામને મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાથી કશું નહીં થાય. હવે રામરાજ્ય ભારતમાં આવે તે માટે પ્રધાનો અને પ્રજા બન્નેએ કમર કસવી પડશે. આ મહત્ત્વના પ્રસંગ પછી એક ફેબ્રુઆરીએ ભારતનું વચગાળાનું બજેટ પણ આવ્યું. ઘણા લોકોને આ બજેટ લાંબા ગાળા માટેની યોજના લાગી તો મધ્યમવર્ગીય પ્રજાને એ થોડું આકરું પણ લાગ્યું કારણ કે તેમાં કરવેરાના સ્લેબમાં રાહત મળે તેવા કોઇ સમાચાર નથી. એક વાત નક્કી છે કે મોદી અને હાલની ભાજપ સરકાર લાંબા ગાળે ફાયદા થાય તેવી યોજનામાં રસ ધરાવે છે. લોકપ્રિય બજેટ આપવાના મૂડમાં નથી. ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં મૂકવાની નેમ ધરાવે છે.

નિર્મલા સીતારમનના આ બજેટ પછી હવે આપણે જોઇએ કે રાજા રામના સમયની અર્થવ્યવસ્થા કેવી હશે? આ વિષય પર ખાંખાંખોળા કરતા જાણવા મળ્યું કે રામચરિતમાનસના રચયિતા સંત શ્રી તુલસીદાસે લખેલી દોહાવલિમાં કરની વસૂલી કેવી રીતે કરવી તેનો ઉલ્લેખ છે. તેણે એક દુહામાં લખ્યું છે કે,
‘બરસત હરષત લોગ સબ લખૈ ન કોઇ,
તુલસી પ્રજા સુભાગ તે ભૂપ ભાનુ સો હોઇ!’
સૂર્ય જે પ્રકારે અજાણતા જ નદી કે સાગરમાંથી જળ ખેંચી લે છે જેેેની કોઇને પણ ખબર પડતી નથી, પરંતુ એ જ જળને વાદળમાં એકત્ર કરી વરસાવે છે એ જ રીતે રાજાએ કોઇને ખબર પણ ન પડે એ રીતે કર એકઠો કરી લોકહિતનાંકાર્યો કરવાં જોઇએ.

તુલસીદાસે આમ લખીને અપ્રત્યક્ષ કરની વાત કરી છે. આજે પ્રજા પાસેથી આવકવેરો લેવાય છે તે ડાયરેક્ટ ટૅક્સ અર્થાત્ પ્રત્યક્ષ કર કહેવાય, પરંતુ જીએસટી (કોઇ પણ વસ્તુ કે સેવાની ખરીદી પર લાગતો કર) અપ્રત્યક્ષ કર મતલબ કે ઇનડાયરેક્ટ ટૅક્સ કહેવાય. આપણે કોઇ પણ વસ્તુ ખરીદતા હોઇએ કે પછી કોઇ સેવાનો ઉપભોગ કરતા હોય ત્યારે તેના બિલ સાથે જ દરેક ગ્રાહકો આડકતરી રીતે કર ચૂકવી દેતા હોય છે. એ રીતે આખો દેશ આવા ઇનડાયરેક્ટ ટૅક્સ ભરે છે. જીએસટીનું માળખું જો સુવ્યવસ્થિત અને મજબૂત થાય તો આવકવેેરો જેવો પ્રત્યક્ષ વેરો લાંબે ગાળે ઓછો કે સમાપ્ત પણ કરી શકાય કે કેમ એ આજના આર્થિક નિષ્ણાતોએ વિચારવું જોઇએ. આવક વેરો પોતાની આવકમાંથી સીધો કપાય છે એટલે દેખ્યાનું ઝેર બની જાય છે અને એટલે જ કરપાત્ર આવકનો સ્લેબ સરકાર વધારે એવી અપેક્ષા ખાસ કરીને મધ્યમવર્ગના પગારદારોને હોય છે જે દર વર્ષે પૂરી ન પણ થાય.

રામરાજ્યમાંં કર ઉઘરાવવા માટે કોઇ કડક કાયદો ન હતો. હા સોનાના ઘરેણા કે અન્ય કિંમતી રત્નજડિત અલંકારો પર સૌથી વધારે કર હતો. તુલસીદાસે પોતાની દોહાવલિમાં આનું વર્ણન પણ કર્યું છે જે નીચે મુજબ છે.

‘મણિમાણેક મહેંગે કિયે, સહેજે પ્રણજલનાજ,
તુલસી સોઇ જાનિયે, રામ ગરીબનિવાજ!’
મતલબ કે મણિમાણેક જેવી ચીજોને કર વધારીને ભલે મોંઘી કરાય, પણ જીવનજરૂરી ચીજો દરેક જનને ઉપલબ્ધ થાય એટલી સોંઘી હોવી જોઇએ. જે ચીજો જરૂરિયાતવાળી છે તેની પર સહુથી ઓછો અને જેની વગર ચાલી શકે તેવી લક્ઝરી ચીજોના પર વધારે કર લેવાતો હતો. આ પદ્ધતિ આજે પણ અમલમાં મુકાય જ છે.

એ વખતે ‘બાર્ટર’ સિસ્ટમ પણ અમલમાં હતી. અનાજ અને અન્ય સામગ્રીઓ કર સ્વરૂપે શાસનને અપાતી હતી. પૈસો નાની જગ્યામાં પણ સાચવી શકાય છે. તે બગડતો નથી. સડતો નથી. એટલે સંગ્રહખોરીને પ્રોત્સાહન મળે છે. કાળું નાણું વધે છે. બાર્ટર સિસ્ટમમાં ટેક્સરૂપે પૈસાને બદલે ખાદ્યસામગ્રીઓ ઉઘરાવવામાં આવતી અને તે બગડી જાય એ પહેલાં જરૂરતમંદમાં વહેંચી નાખવામાં આવતી કે પછી દુષ્કાળ વખતે અનાજ ,કઠોળ કે અન્ય ખાદ્યસામગ્રી ભરેલાં ગોદામો ખોલી નાખવામાં આવતાં હતાં.

ઘણા લોકો ‘ટૅક્સ’ને વિલન માને છે, પણ ટૅક્સ રામના ત્રેતાયુગમાં અને કૃષ્ણના દ્વાપરયુગમાં પણ હતો જ. ટેક્સ વગર રાજા કે સરકાર રાજ ચલાવી શકે નહીં. ટૅક્સ વડે જ દેશમાં સંરક્ષણ અને સલામતીનું બજેટ વધારી શકાય છે. રસ્તા, પાણી, શિક્ષણ વગેરેની યોગ્ય સુવિધા ઊભી કરી શકાય છે. જરૂરી ચીજોની આયાત કરી શકાય છે. દેશનો વિકાસ કરી શકાય છે. જો સરકાર પાસે આવક ન હોય તો તમારી પાસે ગમે તેટલા પૈસા હોય એ નકામું છે. સમૃદ્ધિની સાથે તમારી સલામતી અને સુવિધાજનક સ્થિતિ પણ એટલી જ જરૂરી છે, માટે ટૅક્સને વિલન ન માનતા તે તમારા સારા માટે જ છે એ સમજીને સમયસર ભરતા રહેવું જોઇએ સાથે સાથે સરકારે પણ તુલસીદાસે લખ્યું છે એવી રીતે ટૅક્સ ઉઘરાવવો જોઇએ જેથી ટૅક્સ એ બોજો ન લાગે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા