કૅરિયરની પસંદગીમાં કેવી રીતેજાળવશો તમારો ઇન્ટરેસ્ટ?
કૅરિયર -કીર્તિશેખર
કહેવાય છે કે જો આપ જિંદગીમાં એ કામ કરો છો જે આપને પસંદ છે, જે કરવાના તમને હોંશ હોય છે, તમન્ના હોય છે તો એ કામ કરતાં કરતાં તમે ખુશ રહો છો. ક્યારેય થાક વર્તાતો નથી, કંટાળો આવતો નથી કે હેરાન-પરેશાન થતાં નથી. એવા લોકો જેને જે કામ કરવું પસંદ હોય અને આજીવિકા રળવા માટે પણ એ જ કામ મળી રહે તો એનાથી બહેતર કારકિર્દી બીજી કોઇ હોઇ જ ન શકે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે જ્યારે દસમું ધોરણ પાસ કરતા હોઇએ ત્યારે આપણી ઉંમર માંડ ૧૪-૧૫ વર્ષની હોય છે. આટલી નાની ઉંમરમાં આપણે કેવી રીતે જાણવું કે કઇ ચીજ પસંદ છે અને જે ચીજ પસંદ છે એને કારકિર્દીરૂપે કેવી રીતે હાંસલ કરીએ? આ ખરેખર ઘણો મહત્ત્વપૂર્ણ સવાલ છે, ખાસ કરીને ભારતમાં જ્યાં આજે પણ ૯૦ ટકા કરતા પણ વધુ બાળકોની કારકિર્દી તેમના માબાપ નક્કી કરતા હોય છે.
જોકે, આ અશક્ય નથી જો આપણે દુનિયા વિશે થોડી સમજ રાખીએ, જો આપણી પસંદ-નાપસંદ માટે એકમત રાખીએ તો આપણે એ પણ જાણી શકીએ છીએ કે આપણને જિંદગીમાં કેવું કાર્ય કરવું સારુ લાગશે. ભલે આપણે અનેક પ્રકારના દબાણને વશ આ વાતને સાર્વજનિકરૂપે વ્યક્ત ન કરી શકીએ, પણ આ સોશિયલ મીડિયાના યુગમાં બાળકો પોતાની ઉંમર કરતાં પાંચ વર્ષ વધુ મોટા થઇ ગયા છે. ગઇ સદીના એંસી ને નેવુંના દાયકામાં બાળકો ૨૦ વર્ષની ઉંમરમાં જે વાત જાણતા હતા એ વાતો આજના બાળકો ૧૫ વર્ષની ઉંમરમાં જ જાણતા થઇ જાય છે. એટલે જ આપણે સમયની પહેલાં જ પરિપક્વ થઇ રહેલી નવી પેઢીને ગંભારતાથી લઇએ તો આપણે એ વાત માનવી પડશે કે ૧૪-૧૫ વર્ષની ઉંમરમાં બાળકો ભલી ભાંતિ જાણી શકે છે કે તેમની પસંદ શું છે? તેઓ કયુ કામ કરીને ખુશ રહી શકે છે? અને અંતે એ પણ કે તેઓ જીવનમાં શું બનવા માગે છે. એટલે આપણે એ માનીને ચાલી શકીએ કૅરિયરને લઇને તેમનો સેલ્ફ ઇન્ટરેસ્ટ શું છે? અને જો એ ન જાણતા હોય તો ચાલો આપણે બતાવીએ કે વાસ્તવમાં તેમના સેલ્ફ ઇન્ટરેસ્ટ શું છે?
ઘણી વાતો આપે છે સંકેત
જો આપને કોઇ રમત રમવામાં ઘણો બધો આનંદ મળતો હોય કે તમને ખ્યાલ પણ ન રહે કે કેટલો સમય થઇ ગયો તો આ રમતના ક્ષેત્રને તમારી કારકિર્દી બનાવવી જોઇએ. અગર તમે કલાકો સુધી પુસ્તકોમાં ડૂબી જાવ છો અને મમ્મી -પપ્પા આવીને ઢંઢોળતા હોય કે ક્યારના એક જ જગ્યાએ બેઠા છે તો સમજવું કે લખવા-વાંચવામાં રૂચિ છે. આપ સારા લેખક કે પછી સારા પત્રકાર બની શકો છો અથવા શિક્ષક બની શકો છો. કારણ કે શીખવવાવાળા પણ ખૂબ વાંચતા હોય છે. એ જ રીતે તમને સંગીત પસંદ છે કે કલાકો સંગીતના કાર્યક્રોમોમાં ખોવાઇ જાવ છો તો સંગીતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી લાભદાયી બની રહેશે.
આ કોશિષો પણ કારગર સાબિત થશે
ઉપર બતાવેલી રૂચિઓ તો પોતાના રસને ઓળખવાના અચૂક નુસ્ખા છે જ, પણ કેટલાક બીજા રસ્તા પણ છે જેનાથી તમે તમારા ઇન્ટરેસ્ટને જાણી શકો છો. જો તમે કોઇ કાર્ય કરતી વખતે ક્યારેય નકારાત્મક નથી થતાં, એ કામ માટે ખરાબ નહીં, પણ સારું જ વિચારી રહ્યા હોવ તો માનજો કે એ કામ તમારી પસંદનું છે અને તેમાં તમે તમારી કારકિર્દી ઘડી શકો છો. જો આપણે આપણા જીવનમાં આગળ વધવું હોય, કામકાજના ક્ષેત્રમાં સફળ થવું હોય તો તમારું વિઝન, તમારી દૃષ્ટિ એ કામ વિશે સ્પષ્ટ હોવી જોઇએ. જો તમે કોઇ ક્ષેત્રને લઇને તમારા વિઝનમાં સ્પષ્ટ છો,પણ તમારા મગજમાં ક્યારેય એ વાત ન આવી કે આ ક્ષેત્ર તમારી ભાવિ કારકિર્દી થઇ શકે છે, તો જરૂર વિચારજો. આ ક્ષેત્ર ખરેખર તમારા માટે શાનદાર સાબિત થશે.
જે ક્ષેત્રને જાણવાની ઉત્સુકતા હોય
ઘણા લોકો એવા હોય છે જેમને એ ખ્યાલ જ નથી હોતો કે આખરે કયા ક્ષેત્રમાં એ ભાવિ કારકિર્દી ઘડવા માગે છે, પણ કેટલાક ક્ષેત્રોમાં તેમની જબરદસ્ત ઉત્સુકતા હોય છે. એ ક્ષેત્રની ચીજોને જાણવાની જિજ્ઞાસા હોય છે. એ ક્ષેત્ર વિશે વધુમાં વધુ વાંચતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ જે ક્ષેત્ર વિશે વધુ ને વધુ જાણવાની કોશિષમાં રહેતા હોય છે.
એ ક્ષેત્રના લોકોને અનુસરતા હોય છે તો માનજો કે એ જ ક્ષેત્રમાં ભવિષ્યમાં
કારકિર્દી બનાવવી જોઇએ. કારણ કે તેમને ખબર ન હોય, પણ તેમનું દિલ અને દિમાગ કહી આપે છે કે તેમને શું પસંદ છે.
… અને અંતમાં દિલનું સાંભળજો
તમે ઘણી વાર આ વાક્યો તો સાંભળ્યા હશે કે જ્યારે કોઇ બાબતે ભારે મુંઝવણ હોય, સમજ ન પડતી હોય કે શું સાચું છે ને શું ખોટું છે તો બહેતર એ જ છે કે દિમાગની બદલે દિલનું સાંભળો. દિલનું સાંભળવું ઓછામાં ઓછું કારકિર્દીની બાબતમાં છેતરશે નહીં. બની શકે કે લોકોને ઓળખવાની બાબતે તમે થાપ ખાઇ શકો, પરંતુ જો કોઇ કામ તમને દિલથી પસંદ આવે અને અને તેને તમે કારકિર્દીના રૂપમાં પસંદ કરો તો એ કામ તમને ક્યારેય થાપ નહીં આપે. કારણ કે જે કાર્ય કરવામાં તમારું દિલ ચોંટે છે, જે કામ કરવા તમારું દિલ તમને વારંવાર ભલામણ કરે છે એ કામ તમારા માટે જ બન્યું છે. આજે જ નહીં પરંતુ પૂરી જિંદગીમાં ક્યારેય પણ એ કામ કરતા તમને કંટાળો નહીં આવે.
… તો આ કંઇક એવા ઓપન સિક્રેટ છે, જેના દ્વારા તમે જ નહીં પણ કોઇ પણ વ્યક્તિ આ વાતને સારી રીતે જાણી શકે છે કે આખરે કારકિર્દીના મામલામાં તેનો સેલ્ફ ઇન્ટરેસ્ટ શું છે અને શું હોઇ શકે છે અને તેને કેવી રીતે પસંદ કરી શકાય છે?