ઉત્સવ

આજીવન કુંવારા-કુંવારીઓની સમસ્યા હાઇલાઇટ આ રીતે થાય?

વ્યંગ -ભરત વૈષ્ણવ

હું સ્તબ્ધ થઇ ગયો.હું દિગ્મૂઢ થઇ ગયો…. સહજતાથી અસહજ થઇ ગયો. હું સ્વસ્થતાથી અસ્વસ્થ થઇ ગયો. સારસ બેલડીની હત્યાથી મહર્ષિ વાલ્મીકિનું હદય સારડીની જેમ ચિરાઇ ગયેલું, જેના પરિણામે રામાયણ જેવા અનુપમ મહાકાવ્યની રચના એમણે કરેલી.મને પણ નરસિંહરાવ દિવેટીયાની જેમ ‘મંગલ મંદિર ખોલો દયામય’ જેવા કરૂણ કાવ્યની રચના કરવાની ઇચ્છા તો થઇ, પરંતુ પ્રજ્ઞા અને પેન ઇગો કરીને દગો દઇ ગયા. વગર ગ્લિસરીને મારી આંખોમાંથી સાંબેલાધાર અશ્રુવર્ષા થઇ. સંયમનો અકબંધ બંધ તૂટી ગયો. સાલું માન્યામાં ન આવે તેવી ઘટનાથી ખળભળી ગયો.આજકાલ જિંદગીનો કયા ભરોસો છે? જિંદગીમાં વોરંટી કે ગેરંટી મળતી નથી. બાર તેર વરસના ક્રિકેટ રમતા છોકરડા દુનિયામાંથી વિદાય લે છે.ટ્રેડમિલમાં વર્કઆઉટ કરતા, પોલીસ ભરતી માટે દોડની પ્રેકટિસ કરતા કોલેજમાં ભણતા જુવાનિયા- જુવતી ફુગ્ગાની જેમ ફૂટી જાય છે. કોરોનાની રસીની અસર કે આયખાની દોરી ટૂંકી થઇ હોય એ તો રામ જાણ, પણ દિવસેને દિવસે બાળકોથી લઇ યુવાનો ટપોટપ મરણશરણ થઇ રહ્યા છે.

         આપણા સહકર્મીની ભગવાન વાટ લગાડી દે એ તો સપનેય વિચાર્યું ન હોય. સપનામાં તૃપ્તિ ડમરી જોડે સેટિંગ કરવાનું મંગલ મંગલ દંગલ ન વિચારીએ, પરંતુ  ધાર્યું અલખ ધણીનું થાય છે. દુનિયા નશ્ર્વર છે એનો અહેસાસ થઇ ગયો.મારામાં સ્મશાન વૈરાગ્ય પાદુર્ભાવ ઉત્પન્ન થયો...

‘રાધારાણી અહીં આવો.’ મેં રાધારાણીને બૂમ પાડી.રસોડામાંથી સાડીના છેડાથી ભીના હાથ લૂંછતા લૂંછતા આવ્યા. ‘રાધારાણી ગયો!’ મેં ડૂસકા ભરતા ભરતા બોલ્યા. ‘કોણ ગયો?’ રાધારાણીએ પૂછયું. ‘ગયો ગયો!’ મેં ડૂસ્કા ભરતા ભરતા કહ્યું. ‘ગિરધરલાલ,સૂરજ આથમે એમાં વિષાદ કરવાનો ન હોય. સૂરજ કાલે પાછો ઉગશે!’ રાધારાણીએ આશ્ર્વાસન આપ્યું. ‘ઓ રાધારાણી, ઓ રાધારાણી, (સાહેબે બંગાળની ચૂંટણી સભામાં દીદી ઓ દીદી’ એવું સંબોધન કરેલું એની મેં અહી સ્ટ્ઇલ મારી !).હું સૂરજના અસ્તાચળ જવાનો શોક કરતો નથી. ‘હાય,હાય તો કોણ ગયું- બાપુજી? દાદા? બા? મોટાભાઇ? તમે મોંમાંથી ફાટતા નથી! ભૈસાબ , જે હોય એ કહી દો. મારો જીવ ચૂંથાય છે…’ રાધારાણીએ અસ્વસ્થતા વ્યક્ત કરી. રાધારાણીએ તમામ આધિ, વ્યાધિ, ઉપાધિનું આજીવન લવાજમ ભરેલું છે. અલાઉદીનનો ચિરાગ ઘસો એટલે ઇચ્છિત રોગ બોલો મેરે આકી . હુકમ કરો’ (આકાનું સ્ત્રીલિંગ આકી જ થતું હશે ને?!) એમ કહીને અદબભેર ઊભો રહે. ‘નટખટ, નફપટ, નઠારો, નકામો,નડતર મિત્ર રાજુ રદી આપણી વચ્ચે રહ્યો નથી. આ ફાની દુનિયામાં ઘરવાળી ન મળી એટલે સ્વર્ગ કે નર્કમાં પત્ની શોધવા માટે દેહનો ર્જીણ વસ્ત્રોની જેમ ત્યાગ કરેલ છે. એના આત્માને મનગમતી ચંચળ, સુશીલ, સૌંદર્ય સમ્રાજ્ઞી મળે તેની પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવા વિનમ્ર વિનંતિ… હાર્દિક અનુરોધ સહ પ્રાર્થના છે…’ મારા ફોન પર ચંદુ ચૌદસનો વોટસએપ મેસેજ રાધારાણીને વંચાવ્યો. ‘હાય! હાય! આ તો ગજબ થઇ ગયો. રાજુ ભાઇ આજે તો આપણા ઘરે સવાર સવારમાં ટપકીને અઢી કપ ચા અને અઢી સો પાપડી ઝોહટી ગયા છે. ચા-પાપડી પચે એ પહેલા લુઢકી ગયા!’ રાધારાણીએ ખરખરો કર્યો કે રાજુનો ફજેતો કર્યો એ મને ખબર ન પડી. નન મારે રાજુના ઘરે જવું પડશે… મને ટુવાલ કે ફાળિયું આપ.’ મેં રાધારાણીને કહ્યું. ‘ગિરધરલાલ,હાય હાય હુંય મૂંઇ ભુલકણી છું.. રાજુભાઇને ઘરે તાળું છે એ કહેવાનું ભૂલી ગઇ. રાજુભાઇના ઘરના બધા ક્યાંક ગયા હશે?’ રાધારાણીએ ચિંતા વ્યક્ત કરી.રાજુ રદીનું અવસાન થયું હોય તો તેના સગાવ્હાલા પણ એના ઘરે આવવા માંડે. હવે કોને ફોન કરીને પૂછવું એવું વિચારતો હતો. ‘ગિરધરભાઇ, ઘરમાં છો કે નહીં?’ મને આવું વાક્ય બોલાયાનો ભણકારો થયો. રાજુ રદીના સમાચાર વાંચી મન ક્ષુબ્ધ થયેલ. મને એમ કે એ મારા મનનો વ્હેમ હશે. ‘ગિરધરલાલ, કયાં લગી ઘોરખોદિયાની જેમ ઘોરશો?’ આમ કહી કોઇ મારા ઘરમાં પ્રવેશ્યું. હું ભોચક્કો રહી ગયો. મારા મોઢાની ડાકલી ખુલ્લી રહી ગઇ. હું હલબલી ગયો. ‘ભૂત ભૂત ભૂત!’ એમ બબડતો રહ્યો. શરીરમાં ભયનું લખલખું કમકમા વ્યાપી ગયું. હું ડરથી ધ્રૂજવા લાગ્યો! ‘અરે, ગિરધરલાલ. હું રાજુ રદી છું. મને જોઇને કેમ ભૂ,- પલિત જોઇ ગયા એમ છળી કેમ મરો છો? હું જીવતોજાગતો છું… હું પંચમહાભૂત છું… હું ક્યાંય વિલીન થયો નથી’ રાજુ ચારસો ચાલીસના વોલ્ટના ઝટકા પર ઝટકા આપતો જતો હતો. ‘રાજુ આ બધું શું માંડ્યું છે. પહેલી એપ્રિલને વાર છે. એપ્રિલફૂલ કરવાની આ ભદ્દી રીત આઇ ડિસલાઇક!’

હું રાજુ પર વરસી ગયો :
આ તેં શું ગિમિક કર્યું છે?’ મે રાજુને તતડાવ્યો. ‘ગિરધરલાલ, તમે પૂનમ પાંડેને ઓળખો છો? એ ઇન્સ્ટાગ્રામ- ટિન્ડર, વગેરેમાં સક્રિય છે. એ સ્વચ્છંદી બાઇ છે. રિલ આને રિયલ લાઇફમાં લાઇમ લાઇટમાં રહેવા અનાવૃત કે અર્ધાંગનાવૃત વીડિયો, રિલ્સ વાઇરલ કરે છે. દુનિયા એને ફોલો કરે છે. એ તમને પણ ફોલો કરતી હશે!’ રાજુ રદીએ પૂનમ પાંડે નામની મનચલ્લીને રાજુએ આ વાતમાં શું કામ ઘુસાડી હશે તેની ખબર ન પડી. ‘જો, રાજુ, હું જાવેદ અખ્તર, સૌમ્ય જોશી કે પ્રસૂન જોષી જેવો સેલિબ્રિટી રાઇટર નથી. તું મે સર્જેલ પાત્ર છું . મારું ગણીને અઢીનું ફેન ફેલોઇંગ છે. અઢી એટલે અઢી મિલિયન, લાખ કે હજાર, સો નહીં, પણ માત્ર અઢી જણ મને ફોલો કરે છે’ મે રાજુને સ્પષ્ટતા કરી. ‘ગિરધરભાઇ, પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સર થવાની કારણે ખુદનું અવસાન થયેલ હોવાની પોસ્ટ વહેતી કરીને આ કાંડ કર્યો. એકાદ બે દિવસના ઊહાપોહ પછી સર્વાઇકલ કેન્સર માટે અવેરનેસ ફેલાવવા પબ્લિસિટી સ્ટંટ કર્યુ હોવાનું ડિકલેર કર્યું. લોકોએ એને ટ્રોલ કરી.’ રાજુએ તાજેતરની ઘટના મને શેર કરી. ‘રાજુ. પૂનમ પાંડે તો વિવાદાસ્પદ વ્યક્તિ છે, પણ તે તારા નિધનના ફેંક સમાચાર કેમ ફેંક્યા?’ ‘ગિરધરભાઇ, હું મારા લગ્ન થાય એટલા માટે આકાશપાતાળ એક કરૂં છું. કુંવારા કે વાંઢાની સમાજ હાંસી ઉડાવે છે. કુંવારા- ઢાંઢા કહી ઉપાલંભ કરે છે. અટલ બિહારી વાજપાઇ-ડોકટર અબ્દુલ જે કલામ, સલમાન ખાન, શક્તિસિંહ ગોહિલ, માયાવતી, મમતા બેનરજી, લતા મંગેશકર, ઉમા ભારતી સહિતના કુંવારા કુંવારી બ્રહ્મચારીની તકલીફો, મુશ્કેલીઓ, સમસ્યા તરફ લોકોનું ધ્યાન જાય અને એ બહાને પણ મારું પણ કોઈ કુમળી કુમારિકા સાથે લાકડે માંકડું વળગી જાય તે માટે મે ખેલા કર્યો!’ ‘રાજુનું ગળું દબાવવા તત્પર થયેલા હાથે ક્યારે મારા ગળે ભરડો લઇ લીધો તેની ખબર જ ન પડી!’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button