અનામતમાં અનામત કેટલું સલામત ?
અનામતમાં અપાતા આવા પેટા-અનામત સમાજના ટુકડે ટુકડા કરી એને છિન્નભિન્ન કરી નાખશે…
કવર સ્ટોરી -વિજય વ્યાસ
સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની અનામતમાં ચોક્કસ જ્ઞાતિઓ માટે અલગથી અનામત રાખી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપી દીધો. પંજાબમાં ૧૯૭૬માં એસ.સી. અનામતમાં બાલ્મીકિ અને મઝહબી શીખોને પ્રાયોરિટી આપીને દલિતો માટેની અનામતમાં ૫૦ ટકા બેઠકો બાલ્મીકિ અને મઝહબી શીખો માટે અનામત રાખવાની જોગવાઈ કરાયેલી. તેના કારણે અનામતમાં પણ પેટા અનામત રાખી શકાય કે નહીં એ મુદ્દો ઉપસ્થિત થયેલો. લાંબા કાનૂની જંગ પછી અંતે સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેન્ચે ૬ વિરુદ્ધ ૧ જજના બહુમતીથી અનામતમાં પેટા અનામત પર મંજૂરીની મહોર મારી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ ઉપરાંત જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા મળીને કુલ છ જજ અનુસૂચિત જાતિ (એસસી) એટલે કે દલિતો અને અનુસૂચિત જનજાતિ (એસટી) એટલે કે આદિવાસીઓ માટેની અનામતની સબ કેટેગરી બનાવવાની તરફેણમાં હતા જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદીએ પેટા અનામતની વિરૂધ્ધ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ પહેલાં અનામતમાં પેટા અનામત મુદ્દે બે વિરોધાભાસી ચુકાદા આપેલા. આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમની ચંદ્રાબાબુ નાયડુ સરકારે ૨૦૦૦ની સાલમાં અનુસૂચિત જાતિ (શીડ્યુલ્ડ કાસ્ટ-એસ.સી.) માટેની અનામતમાં પેટા અનામતનો નિર્ણય લીધેલો. આંધ્રમાં એસ.સી. અનામતનો લાભ લેનારી ૫૭ જ્ઞાતિઓને ચાર વિભાગમાં વહેંચીને ૧૫ ટકા એસ.સી. અનામત વહેંચી દેવાયેલી. આ નિર્ણયને પડકારતો કેસ સુપ્રીમ કોર્ટે ચિન્નૈયાહ કેસ તરીકે જાણીતો થયો. ચિન્નૈયાહ કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે અનામતમાં પેટા અનામતને ગેરકાયદેસર ગણાવી હતી.
પંજાબમાં એસસી અનામતમાં પેટા અનામત અંગે ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટની જસ્ટિસ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની બેંચે અલગ ચુકાદો આપેલો. સુપ્રીમ કોર્ટે એસ.સી. અનામતમાં પેટા અનામતને બંધારણીય રીતે યોગ્ય ગણાવીને ચિન્નૈયાહ કેસમાં ખોટો ચુકાદો અપાયેલો એવું કહ્યું હતું.
ચિન્નૈયાહ કેસ અને પંજાબ અનામત કેસ બંનેમાં ચુકાદા આપનારી બેંચ પાંચ-પાંચ જજની હોવાથી કયો ચુકાદો માન્ય ગણાય એ ગૂંચવાડો થયેલો. આ ગૂંચવાડો દૂર કરવા ૭ જજની બંધારણીય બેંચ પાસે કેસ મોકલાયો. ૭ જજની બંધારણીય બેંચે અનામતમાં પેટા-અનામતને બંધારણીય માન્યતા આપતાં આ ગૂંચવાડો દૂર થયો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બંધારણીય ગૂંચવાડો તો દૂર થયો પણ દેશમાં જ્ઞાતિના આધારે ભાગલા વધવાનો રસ્તો પણ ખૂલી ગયો છે. ભારતમાં અનામતની વ્યવસ્થા વિકાસથી વંચિત રહી ગયેલા સમાજના નીચલા અને પછાત વર્ગને સમાન તક આપવા માટે કરાયેલી પણ કમનસીબે અનામત રાજકારણનો તથા મતબેંકનો મુદ્દો બનીને રહી ગયો છે. રાજકારણીઓ અનામતનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવા માટે કરે છે અને લોકોને એકબીજા સામે લડાવે છે. તેના કારણે પછાત જ્ઞાતિઓ તો હજુ ત્યાંની ત્યાં જ છે પણ સમાજમાં જ્ઞાતિવાદના કારણે પરસ્પર વેરઝેર વધી ગયાં છે.
અનામતના મુદ્દે સમાજમાં વિભાજનની શરૂઆત બહુ પહેલાં થઈ ગયેલી પણ વી.પી. સિંહની સરકારે મંડલ પંચના અહેવાલના આધારે ઓબીસી માટે ૨૭ ટકા અનામતનો અમલ શરૂ કરવાની જાહેરાત કરી એ સાથે ભડકો થઈ ગયો. મંડલ પંચની ભલામણોના અમલ સામે ઉગ્ર આંદોલન થયેલું તેથી વી.પી. સરકાર તેનો અમલ ના કરી શકી પણ પછી તેનો અમલ થયો જ.
મંડલ પંચની ભલામણોના અમલે દેશમાં બે મોટાં રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઓબીસી મતબેંક પર આધારિત રાજકીય પક્ષોનો ઉદય થયો ને દેશનું રાજકારણ બદલાઈ ગયું. મુલાયમસિંહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ, નીતીશ કુમાર
સહિતના પ્રાદેશિક નેતા પેદા થયા કે જેમણે દેશનાં બે મોટાં રાજ્યોને જ્ઞાતિવાદમાં વહેંચી દીધો. મંડલ પંચના કારણે દેશમાં જ્ઞાતિવાદનો પ્રભાવ વધ્યો, સમાજમાં જ્ઞાતિવાદના આધારે ભાગલા વધ્યા. સવર્ણ વર્સિસ ઓબીસીનો જંગ વધારે ઉગ્ર બન્યો.
વી.પી. સિંહે અનામતના આધારે મતબેંકનું રાજકારણ રમવાનો રસ્તો ખોલી દીધો પછી રાજકારણીઓ માટે અનામત લોકોને ફોસલાવવાનું હથિયાર બની ગયું. દેશના બંધારણમાં ધર્મના આધારે અનામત આપી ના શકાય એવી જોગવાઈ છે પણ આપણા નેતાઓએ મુસ્લિમોને સુધ્ધાં અનામત આપી દીધી. બિહારમાં સૌથી મોટી મતબેંક ઓબીસીની છે.
બિહારની ગાદી પર વરસોથી ચીટકીને બેઠેલા નીતીશ કુમાર અનામતના રાજકારણના સૌથી મોટા ચેમ્પિયન સાબિત થયા છે. બિહારની કુલ વસતીમાં અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી ૫૧ ટકા છે. આ ૫૧ ટકામાં યાદવોનું વર્ચસ્વ હોવાથી લાલુ પ્રસાદ યાદવ લાંબું ટક્યા. નીતીશે આ વર્ચસ્વ ખતમ કરવા ઓબીસીમાં પણ ઈબીસી નામે પેટા અનામત દાખલ કરી દીધી છે. નીતીશે ઓબીસીમાં ઈબીસી એટલે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ બનાવીને ૧૩૦ જેટલી જ્ઞાતિઓને અલગથી અનામત આપી દીધી છે. કોરી, કુશવાહા અને તેલી ઈબીસીની મુખ્ય જ્ઞાતિઓ છે. આ પૈકી કોરી ૮ ટકા છે જ્યારે કુશવાહા અને તેલીની વસતી ૪-૪ ટકા છે તેથી તેમના જોરે નીતીશ ટકેલા છે.
નીતીશે દલિતોમાં પણ ભાગલા પડાવી દીધા છે. બિહારમાં દલિતોની વસતી ૧૬ ટકા છે. નીતીશ કુમારે ચાલાકી બતાવીને દલિતોમાં પણ મહાદલિતનો ફાંટો પડાવી દીધો છે. નીતીશે બિહારની ૨૩ દલિત જ્ઞાતિમાંથી ૨૧ જ્ઞાતિને મહાદલિત જાહેર કરાવીને મોટા ભાગની અનામત તેમને આપી દીધી છે. પાસવાન અને દુસાધ બે જ જ્ઞાતિ હવે દલિતમાં રહી ગઈ છે જ્યારે બાકીના દલિતો હવે મહાદલિત છે. મહાદલિતમાં મુશહર, ભૂઈયાન, ડોમ, ચમાર, ધોબી, નટ, ગોંડ, સંથાલ, થારૂ વગેરે છે. નીતીશે અત્યંત પછાત વર્ગમાં આવતી મલ્લાહ (નિષાદ) અને નોનિયા જ્ઞાતિને એસટી કેટેગરીમાં મૂકી દીધી છે.
આ રીતે બિહારમાં દલિતોમાં વિભાજન પહેલેથી કરી જ દેવાયું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે હવે બીજે પણ આ રીતે ભાગલા પડાવીને લોકોને લડાવવાનો ખેલ થશે કેમ કે આ ચુકાદાથી રાજકારણીઓ માટે તો દોડવું હતું ને ઢાળ મળ્યો જેવો ઘાટ છે.
બીજી તરફ જ્ઞાતિઓમાં પણ અનામતનો લાભ લેવાની હોડ જામી છે. ગુજરાતમાં પાટીદાર, રાજસ્થાનમાં જાટ અને ગુર્જર, હરિયાણામાં જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા વગેરે સમાજે અનામત લેવા માટે પ્રચંડ આંદોલનો કર્યાં. મહારાષ્ટ્રમાં તો મરાઠા સમાજ હજુ આંદોલનો કરે છે. મરાઠા સહિતના સમુદાયોને ઓબીસી અનામતમાંથી પોતાના માટે અલગ અનામત જોઈએ છે પણ એ રીતે અનામત આપવા જાય તો બીજી ઓબીસી જ્ઞાતિઓ ભડકી જાય છે તેથી ઓબીસી જ્ઞાતિઓ પણ સામસામે આવી ગઈ છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે એસસી, એસટી અને ઓબીસી અનામતમાં જે જ્ઞાતિઓની મતબેંક મોટી હશે તેમને માટે અલગ અનામતની જોગવાઈનો ખેલ શરૂ થશે કે જે સમાજ માટે ઘાતક છે. અનામતમાં જ્ઞાતિ આધારિત પેટા અનામત રાખવાથી પછાત જ્ઞાતિઓમાં ભાગલા પડશે ને આ જ્ઞાતિઓ સામસામે આવી જશે. તેના કારણે પહેલેથી જ્ઞાતિઓમાં વહેંચાયેલો દેશ જ્ઞાતિઓ ને પેટા જ્ઞાતિઓમાં વધારે વહેંચાઈ જશે ને પરસ્પર નફરત વધશે. હિંદુઓ માટે કલંકરૂપ મનાતી જ્ઞાતિપ્રથા એ હદે મજબૂત બનશે કે તેમાંથી કદી બહાર નહીં નીકળી શકાય.