મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
રોમન સામ્રાજ્યના ત્રીજા શહેનશાહ ગેઈસ સિઝર ઓગસ્ટસ જર્મેનિક્સ ઉર્ફે કેલિગ્યુલાને, ઈતિહાસ સૌથી ક્રૂર અને તરંગી શાસક તરીકે યાદ રાખે છે. નિર્દયતા અને મનોરોગી વ્યવહારથી એ બદનામ હતો. ઇસવી સન ૧૨મી સદીમાં જન્મેલો કેલિગ્યુલા એની બહેનો સાથે યૌન સંબંધો બાંધવા, નપુંસકતાની સમસ્યા, વિચિત્ર કામેચ્છાઓ અને અન્ય અનેક ગાંડા જેવી વાતો માટે કુખ્યાત હતો.
જેમ જેમ એની રાજકીય તાકાત વધારો થયો તેમ તેમ એની કામેચ્છાએ માઝા મૂકી હતી. એને કોઈ જાતીય મર્યાદા નડતી નહોતી. એ પોતાની બહેનોથી લઈને રોમમાં નજરે ચડે તે સ્ત્રીઓને પથારીમાં ખેંચી જતો હતો. એ એક મહેલના વિશાળ ખંડમાં સમૂહમાં સેક્સ પાર્ટી કરતો હતો.
એની સેક્સ-કથાઓ પરથી, મનોવિજ્ઞાનમાં ‘કેલિગ્યુલા ઈફેક્ટ’ નામની માનસિક બીમારીની ધારણા આવી છે- પ્રતિબંધિત અને અનિચ્છનીય ચીજો કરવાની વૃત્તિ. કર્ણાટકમાં ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગોવડાના પૌત્ર અને હસન લોકસભા બેઠકના સંસદ સભ્ય પ્રજ્વલ રેવન્નાએ આ ‘કેલિગ્યુલા ઈફેક્ટ’નું તાજુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જેના દાદા, પિતા (એચ. ડી. રેવન્ના) અને કાકા (એચ. ડી. કુમારસ્વામી)નો કર્ણાટકની રાજનીતિ અને સત્તાની દુનિયામાં ડંકો વાગતો હોય તેવા ૩૩ વર્ષીય સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેક્સ અત્યાચારના એક નહીં, એકસો નહીં, પણ ૨,૯૭૬ વીડિયો-પેન ડ્રાઈવ હમણાં સાર્વજનિક થયા છે, જેને અત્યાર સુધીનું સૌથી મોટું સેક્સ કૌભાંડ ગણાવામાં આવી રહ્યું છે. આઘાત જનક વાત તો એ છે કે આ વીડિયો રેવન્નાએ જાતે રેકોર્ડ કર્યા છે (અમુકમાં તો પોતે રેકોર્ડિંગ કરતો હોય તેવું પણ દેખાય છે) અને એક પેન ડ્રાઈવમાં તેને રાખવામાં આવ્યા હતા.
હસન શહેરમાં ૨૦૨૩થી આ ક્લિપ્સની ચર્ચા હતી અને રેવન્ના ૨૦૨૩માં સ્થાનિક કોર્ટમાંથી ૮૬ મીડિયા ગૃહો સામે આ ક્લિપ્સ જારી કરવા સામે હુકમ લઇ આવ્યો હતો. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં હસન બેઠક માટે ૨૬ એપ્રિલે મતદાન થયું તેના ચાર દિવસ પહેલાં રેવન્નાની આ ક્લિપ્સ ફરતી થઇ હતી. એ પછી તો એની સામે અનેક સ્ત્રીઓ બહાર આવી છે અને પોલીસમાં ફરિયાદો નોંધાવી છે. રેવન્ના અત્યારે જર્મની છટકી ગયો છે. એની સામે લૂક આઉટ નોટિસ જારી થઇ છે. કર્ણાટક સરકારે એની સામેના આરોપોની તપાસ કરવા માટે ‘સીટ’ની રચના કરી છે. એના પિતા એચ. ડી. રેવન્નાની અમુક સ્ત્રીઓ સાથે મારપીટ કરવા બદલ ધરપકડ થઇ છે.
પોલીસનો અંદાજ છે કે પુત્ર રેવન્નાએ ૯૦ જેટલી સ્ત્રીને પોતાની હવસનો શિકાર બનાવી છે. ગોવડા પરિવારના ફરજંદ, પ્રજવલ રેવન્નાનાં કરતૂત અનેક વાર સાબિત થઇ ગયેલી એક વાત ફરી સાબિત કરે છે: સત્તા અને સેક્સને સીધો સંબંધ છે.
કેલિગ્યુલાની જેમ, રેવન્ના પાસે સત્તા હતી અને સુવિધા પણ, એટલે એણે તેનો છૂટથી દુરપયોગ કર્યો હતો. બહુમતી પુરુષોના કિસ્સામાં આવું હોતું નથી. સેક્સની ભૂખ નૈસર્ગિક છે પણ એના માટે સુવિધાય જરૂરી હોય છે. એમાંથી જ એક પત્નીત્વ અને વફાદારીની નૈતિકતા પેદા થઇ છે. સત્તામાં બેઠેલાઓને સુવિધાનો અભાવ નડતો નથી.
૧૮મી સદીના મોરોક્કન શાસક મૌલે ઇસ્માઇલને એની ૫૦૦ સંગિનીઓ થકી ૮૮૮ સંતાનો હતાં. મોંગેલિયન સરદાર ચંગીઝ ખાન તો મૌલે ઇસ્લાઇલનેય નપુસંક સાબિત કરે તેવો હતો. પૃથ્વી પર આજેય ચંગીઝ ખાનના ૧૬ મિલિયન વારસદારો છે. હોલિવૂડના ધુઆંધાર ફિલ્મ નિર્માતા- સર્જક હર્વે વેઇન્સ્ટેઇન પર ૮૦ જેટલી સ્ત્રીએ જાતીય અત્યાચાર અને સતામણીના આરોપ મુક્યા હતા. (આને લઈને ૨૦૧૭માં ‘મી ટુ ’ની લડત શરૂ થઈ હતી).
હર્વે વેઇન્સ્ટેઇન ૨૯ વર્ષ માટે જેલમાં ધકેલવામાં આવ્યો છે. ભાજપ સરકારમાં મંત્રી રહેલા ભૂતપૂર્વ એડિટર એમ. જે. અકબર સામે પણ ૧૧ સ્ત્રીએ સતામણીની ફરિયાદ કરી હતી. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને હવે ફરીથી ઉમેદવારી નોંધાવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને તો ‘સેક્સ મેનિયાક’ નામ આપવામાં આવ્યું છે. જેમ દરેક માણસમાં રામ અને રાવણ હોય છે, તેમ દરેક પાવરફુલ માણસમાં એક પ્રજવલ રેવન્ના હોય છે. ફર્ક એટલો છે કે, કેટલાક એના પર પટ્ટો બાંધી રાખે છે અને અમુકની કાછડી છૂટી જાય છે. સવાલ એ થાય છે કે દેખીતી રીતે બુદ્ધિશાળી અને અનુભવી પુરુષો આવી બેવકૂફી કેમ કરતા હશે? સાયકોલોજિકલ સાયન્સ સામયિકમાં પ્રગટ એક અભ્યાસ પ્રમાણે સત્તા અને સેક્સને સીધો સંબંધ છે. આ સામયિકના ૧૫૦૦ વાચકો પર કરાયેલા સર્વેક્ષણમાં તારણમાં એવું નીકળ્યું હતું કે માણસની સત્તા વધે એમ એની કાછડી છોડવાની વૃત્તિ પણ વધે. ‘નેધરલેન્ડ યુનિવર્સિટી’ના સાયકોલોજી પ્રોફેસર મેરીસ લેમર્સ કહે છે કે, સત્તાથી આત્મવિશ્ર્વાસ વધે છે.
માણસ જેમ જેમ સફળ અને સત્તામાં આગળ વધતો જાય તેમ તેમ એનામાં જોખમો લેવાની, અટકચાળાં કરવાની વૃત્તિ વધતી જાય. પુરુષને જયારે પાવર મળે ત્યારે, એના મગજમાં દેખીતો બદલાવ આવે છે. એનામાં સહાનુભૂતિ ઘટી જાય છે. એ ભાવશૂન્ય બની જાય છે. આપણે એને સ્ટ્રોંગ લીડર’ તરીકે ગણીએ છીએ. વૈજ્ઞાનિકોએ પાવરફુલ લોકોના ખછઈં તભફક્ષમાં જોયું હતું કે કોઈક માનસિક આઘાત વખતે મગજમાં જેમ જખ્મ થાય છે, તેવી જ રીતે પાવરના કારણે ફ્રન્ટલ લોબમાં ફેરફાર થયા હતા. તેના કારણે લીડરોની તર્કશક્તિ અને કોમન સેન્સ જખ્મી થાય છે અને એમનો વ્યવહાર બદલાઈ જાય છે.
લોકો જેમ જેમ પાવરની સિડી ચઢતા જાય છે, તેમ તેમ એમનામાં બીજા લોકો પ્રત્યેની ચિંતા ઓછી થાય છે. અભ્યાસ કહે છે કે પાવરના અહેસાસથી બીજી વ્યક્તિની લાગણીઓને પ્રોસેસ કરવાની ક્ષમતા ઘટી જાય છે. એટલા માટે રેવન્ના જેવા લોકો એના દ્વારા પીડિત સ્ત્રીઓનું દર્દ મહેસૂસ નથી કરી શકતા.
એની બાયોલોજી પણ છે. પ્રસિદ્ધ આનુવંશશાસ્ત્રી ડો. હેલેન ફીશર કહે છે કે રોમેન્ટિક પ્રેમથી મગજના એ ભાગમાં સ્પાર્ક થાય છે જે ભાગમાં ડ્રગ્સથી ઉત્તેજના પેદા થાય છે. સેક્સની હોય કે ડ્રગ્સની, આ ઉત્તેજના જ માણસને જોખમ વહોરવા પ્રેરે છે.’
એક ચીની લોકકથા પ્રમાણે, ઇશ્ર્વર જ્યારે પ્રકાર પ્રકારના જીવ બનાવતો હતો ત્યારે આદમી બનાવ્યા પછી એને સંતાપ થયો કે એણે જરા અઘરા અને તેજ જીવની રચના કરી નાખી. ઇશ્ર્વરને થયું કે આદમી એક દિવસ એને ગુલામ બનાવી દેશે. ઇશ્ર્વર એ રાત્રે સૂઇ ન શક્યો. સવારે ઊઠીને એણે ઔરત બનાવી. ઇશ્ર્વરે વિચાર્યું કે આદમી એના વિશે ત્યારે જ વિચારશે જ્યારે એને ઔરતમાંથી નવરાશ મળશે.
આ કથા આમ તો સ્ત્રી-વિરોધી છે, પણ એનો હેતુ એવું કહેવાનો છે કે સ્ત્રી માટે પુરુષ કોઇપણ આંધળુંકિયું કરી શકે છે. ૨૦૦૮માં એક અભ્યાસમાં માલૂમ પડયું હતું કે એક ખૂબસૂરત સ્ત્રીને જોઇને બ્લેકજેક (કેસિનોમાં પત્તાંની એક રમત-જુગાર) રમનારા પુરુષો રમતમાં વધુ જોખમ ઉઠાવતા હતા. આ અભ્યાસ કરનાર સંશોધક માઇકલ બ્લેકના કહેવા પ્રમાણે પુરુષમાં પ્રજનન વૃત્તિનો ડ્રાઇવ એટલો જબરદસ્ત છે કે એ એની કારકિર્દીની પણ પરવા કરતો નથી.
પાવર પુરુષને કોન્ફિડેન્સ આપે છે. પાવર એને ફ્રીડમ આપે છે. પાવર એને ટીકાઓ પ્રત્યે બેપરવા બનાવે છે. પાવર એને સ્વ-કેન્દ્રિત બનાવે છે. પાવર એને ઇમ્પલ્સિવ અને રિસ્ક-ટેકર બનાવે છે. બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેર એમની આત્મકથામાં લખે છે કે, ‘સત્તામાં રહેતા પુરુષો સામે એવી ક્ષણો આવે છે જ્યાં સંયમની સીમા તોડીને એ ઉન્મુક્ત થઇ જાય છે. સેક્સ અજીબ ચીજ છે. સત્તા એમના માટે કામોત્તેજક તરીકે કામ કરે છે.’
આશરે ૭૯૧ શબ્દ્