ઉત્સવ

મહાત્મા ગાંધીના પ્રિય ‘હરિજન’ શબ્દની કેવી રીતે થઈ પડતી …

હરિજન મારું સાપ્તાહિક નથી. જ્યાં સુધી તેના માલિકીના અધિકારોની વાત છે તો તે અસ્પૃશ્ય સમાજના સેવકો સાથે સંબંધિત છે અને હું ઇચ્છું છું કે તેઓ (આંબેડકર) એવું માને કે તે કોઈપણ હિંદુઓની જેમ તેમનું પણ છે. -ગાંધીજી

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

મહાત્મા ગાંધીએ એમની સામાજિક-રાજકીય લડાઈમાં જે અલગ અલગ હથિયારોનો ઉપયોગ કર્યો હતો તેમાં એક શસ્ત્ર ભાષાનું પણ હતું. એમનાં લખાણો મારફતે જન ચેતના જાગૃત કરવા એ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. એટલું જ નહીં, પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે નવા શબ્દોનો પણ ઉપયોગ કરતા હતા,
જેમકે એ મન, વચન, કર્મથી સત્યના આગ્રહી હતા અને ઇચ્છતા હતા કે બ્રિટિશરોના અન્યાયી શાસન સામેની લડત પણ સત્યના પાયા પર લડાવી જોઈએ. તેના માટે એમણે ‘સત્યાગ્રહ’ નામનો એક નવીન શબ્દ આપ્યો હતો, જે એમના સમગ્ર ચિંતનનો પ્રતિનિધિ બની ગયો ગયો હતો.

એમણે સામાજિક ચેતનામાં બીજો પણ એક નવીન શબ્દ આપ્યો હતો , જે એક સમયે ભારતની જાતિ વ્યવસ્થાની લડાઈમાં ખૂબ લોકપ્રિય થયો હતો. તે હતો ‘હરિજન.’ ૧૯૩૧માં એમણે અછૂત લોકો માટે આ નવું સંબોધન શોધ્યું હતું. એમને ‘દલિત’ કે ‘અસ્પૃશ્ય’ શબ્દ ગમતો નહોતો. ગાંધીજીએ ક્યારેય આ શબ્દપ્રયોગ નથી કર્યો. ૭૦ના દાયકામાં, મહારાષ્ટ્રના આક્રમક ‘દલિત પેન્થર સંગઠન’ના સભ્યોએ ‘દલિત’ શબ્દને પૂરા ગૌરવ સાથે સ્વીકાર્યો તે પછી ‘હરિજન’ શબ્દ નોધારો થઇ ગયો (જો કે, ગુજરાતમાં આજે પણ હરિજન એટલો જ પ્રચલિત છે).

ગાંધીજીએ આ શબ્દ કેવી રીતે શોધ્યો તે અંગે ઠક્કર બાબા જયંતી સ્મૃતિ ગ્રંથમાં કંઇક આવું વર્ણન છે….
ડિસેમ્બર ૧૯૩૩માં ગાંધીજી મદ્રાસ ગયા ત્યારે અમુક હરિજન નેતાઓએ એમને કહ્યું કે એ બધા ‘હરિજન’ શબ્દથી નારાજ છે, ત્યારે ગાંધીજીએ જવાબમાં કહ્યું હતું, મેં દલિત લોકોની સલાહ લીધી હતી. મેં ભારતના તમામ ભાગોની મુલાકાત લીધી છે. મને પૂછવામાં આવતું હતું કે અમારું સારું નામ કેમ ના હોય? ભગવાનને ખાતર અમને ‘કૂલી’ ના કહો. એક આખી જાતિને તે નામથી બોલાવવામાં આવતી હતી. જો કે હવે તેનો ઉપયોગ થતો ન હતો. મેં કહ્યું તેમ તે મારી રચના નથી. એક અસ્પૃશ્ય વ્યક્તિએ મને વિનંતી કરે છે કે દલિતની ઓળખાણ મને ગુલામીની યાદ અપાવે છે….મેં કહ્યું- સાચી વાત છે. મારી પાસે નવું નામ નથી. તમે શું તમે સૂચવશો? પછી તે વ્યક્તિએ ‘હરિજન’ સૂચવ્યું. એણે ગુજરાતી કવિ નરસિંહ મહેતાની કવિતામાંથી તે શોધ્યું હતું. મને એ નામ ગમી ગયું. મને તમિલ કહેવત ‘તિક્કત્રાવનુક્કુ દૈવમય થુનાઈ’ પણ ખબર હતી- ભગવાનના પ્રિય પણ જે બહિષ્કૃત છે.’

૧૫મી સદીના ભજનિક નરસિંહ મહેતાએ, કૃષ્ણ ભક્તિનાં એમનાં ગીતોમાં (વૈકુંઠ ઢુંકડું રે  મારા હરિજન હૃદે હજૂર...ભણે નરસૈંયો પ્રિય કરી માને હારી એવા હરિજન) આ શબ્દ પ્રયોજ્યો હતો. એમણે આ શબ્દ તમામ ઈશ્ર્વર પ્રેમીઓ માટે વાપર્યો હતો કે અસ્પૃશ્યો માટે તે સ્પષ્ટ નથી....

ગાંધીજીને એ નામ એટલું પસંદ આવી ગયું હતું કે દેશમાંથી અસ્પૃશ્યતા નિવારણ માટે એમણે ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કરી હતી. તેના નેજા હેઠળ ‘હરિજન’ નામથી સાપ્તાહિક શરૂ કર્યું હતું. સામાજિક-રાજકીય લડાઈના ભાગ રૂપે ગાંધીજીએ ત્રણ સામયિક ચલાવ્યાં હતાં: ‘યંગ ઇન્ડિયા- નવજીવન અને હરિજન’

સંપૂર્ણ સ્વરાજની જનચેતના જગાવવા માટે ગાંધીજીના બે સાથીદાર, ઉમર સોબાની અને શંકરલાલ બેન્કરે ૧૯૧૯માં ગાંધીજીને ‘યંગ ઇન્ડિયા’ નું તંત્રીપદ સોંપ્યું હતું. એ જ સમયે ઇન્દુલાલ યાજ્ઞિકે ‘નવજીવન અને સત્ય’ માસિકનું સંપાદન પણ ગાંધીજીને આપ્યું હતું. ગાંધીજીએ એ ટાઈટલમાંથી ‘સત્ય’ શબ્દ પડતો મુક્યો અને ‘નવજીવન’ ચાલુ રાખ્યો.

અમદાવાદમાં અત્યારે જ્યાં નવજીવન પ્રેસ છે ત્યાંથી જ નવજીવન અને યંગ ઇન્ડિયા પ્રકાશિત થતાં હતાં. યંગ ઇન્ડિયા પખવાડીક હતું અને મુંબઈથી પ્રગટ થતું હતું, પરંતુ નવજીવનની જવાબદરી આવી એટલે ગાંધીજીએ તેને સાપ્તાહિક કરી નાખ્યું અને
અમદાવાદ લઇ આવ્યા. એમની આત્મકથા ‘મારા સત્યના પ્રયોગો’ ‘નવજીવન’ સામાયિકમાં, ૧૯૨૫થી ૧૯૨૯ સુધી ધારાવાહિક પ્રગટ થઇ હતી.
૧૯૩૦માં એમણે મીઠાનો સત્યાગ્રહ કર્યો એટલે અંગ્રેજ સરકારે એમની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા, એમાં આ બંને સામયિકો બંધ થઇ ગયાં. જેલમાંથી બહાર આવ્યા પછી ફેબ્રુઆરી ૧૯૩૩માં અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં ‘હરિજન’ ‘હરિજનબંધુ’ અને ‘હરિજનસેવક’ શરૂ કર્યું હતું.

‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ સામયિકોનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિટિશ શાસન સામે સત્યાગ્રહની ચેતના જગાવવાનો હતો.

‘હરિજન’ નો હેતુ, ભારતીય સમાજને અસ્પૃશ્યતાના અભિશાપ મુક્ત કરવાની તેમની લડાઈને આગળ ધપાવવા માટે હતી.

ગાંધીજીના અગાઉનાં પ્રકાશનોથી વિપરિત એક સામયિક તરીકે ‘હરિજન’ની અસરકારકતા વિવાદાસ્પદ છે. એમની લડાઈએ હવે રૂઢિચુસ્ત હિંદુ સમાજની સંવેદનશીલ નસને દબાવી હતી. દલિતો ગાંધીજીને કેટલા એમના નેતા માનતા હતા એ પણ પ્રશ્ર્ન ઊભો થયો હતો. ૧૯૩૦ના દાયકા સુધીમાં, દલિતોને બાબાસાહેબ આંબેડકરમાં એમની લાગણીઓની પ્રચંડ વાચા મળી હતી.

બાબાસાહેબને ગાંધીના ‘હરિજન’માં વિશ્ર્વાસ નહોતો. ૧૯૫૬માં ‘બીબીસી’ ને આપેલા એક ઈન્ટરવ્યુમાં એમને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો કે ‘તમને નથી લાગતું કે ગાંધીજી સમાજમાં પાયાનું પરિવર્તન લાવી શક્યાં છે?’ ત્યારે એમણે જવાબમાં કહ્યું હતું:
બિલકુલ નહીં. હકીકતમાં એમના હંમેશાં બેવડાં ધોરણો રહ્યાં હતાં. એમણે બે પ્રકાશનો બહાર કાઢતા હતા. એક અંગ્રેજીમાં ‘હરિજન’ હતું અને તે પહેલાં ‘યંગ ઇન્ડિયા’ હતું અને બીજું ગુજરાતીમાં દિનબંધુ’ હતું. અંગ્રેજી પ્રકાશનમાં એ પોતાને જ્ઞાતિ વ્યવસ્થાના અને અસ્પૃશ્યતાના વિરોધી ગણાવતા હતા અને પોતાને ડેમોક્રેટ ગણાવતા હતા..ગુજરાતી વાંચો તો ખબર પડે કે એ જ્ઞાતિ વ્યવસ્થાને, વર્ણાશ્રમ ધર્મને અને ભારતને યુગોથી પછાત રાખનારી બધી જુનવાણી રૂઢિઓને ટેકો આપતા હતા.’

જો કે, આનો જવાબ ખુદ ગાંધીજી જ આપી ગયા હતા. એમણે ‘હરિજન’ વિશે વાત કરતાં કહ્યું હતું કે, હરિજન મારું સાપ્તાહિક નથી. જ્યાં સુધી તેના માલિકીના અધિકારોની વાત છે, તો તે અસ્પૃશ્ય સમાજના સેવકો સાથે સંબંધિત છે અને હું ઇચ્છું છું કે એ (આંબેડકર) એવું માને કે તે કોઈપણ હિંદુઓની જેમ એમનું પણ છે.’
ઇંગ્લેન્ડ અને અમેરિકામાંથી ભણીને આવેલા બાબાસાહેબને પણ શબ્દોની તાકત ખબર હતી. એમણે ૩૧ જાન્યુઆરી, ૧૯૨૦ના રોજ પોતાનું પ્રથમ અખબાર ‘મૂકનાયક’ શરૂ કર્યું હતું. બાદમાં, એમણે વધુ ત્રણ અખબારોની સ્થાપના કરી હતી : ‘બહિષ્કૃત ભારત’ (૧૯૨૭-૧૯૨૯) ‘જનતા’ (૧૯૩૦-૫૬) અને પ્રબુદ્ધ ભારત’ (૧૯૫૬).
૧૯૪૧માં ગાંધીના અન્ય રાજકીય હરીફ ‘મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમ લીગ’ની માગણીઓ માટે દબાણ કરવા માટે ‘ડોન’ અખબારનું પ્રકાશન શરૂ કર્યું હતું, જે આજે પણ પાકિસ્તાનનું અગ્રણી દૈનિક છે.

આઝાદી પછી ગાંધીએ ‘હરિજન’ માં લખ્યું હતું: ભારત હવે આઝાદ છે. હવે જ્યારે તાબેદારીનો બોજો ઉઠાવી લેવામાં આવ્યો છે ત્યારે તમામ શક્તિને એક એવા દેશના નિર્માણ માટે જોડવી પડશે , જે માનવ સંઘર્ષોને ઉકેલવા માટે હિંસાની પદ્ધતિને છોડી દે, પછી ભલે તે એક જ લોકોના બે વર્ગ વચ્ચે હોય.’

એવા સમાજના નિર્માણ માટે ગાંધીજી જીવનના છેલ્લા દિવસ એટલે કે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ સુધી ‘હરિજન’માં લખતા રહ્યા હતા. એમના નિધન પછી ભારતના ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ પત્રિકામાં જાહેર કર્યું હતું, :  હરિજન બાપુનો અવાજ હતો અને જ્યારે એમનું શરીર પંચમહાભૂતોમાં ભળી ગયું છે ત્યારે ‘હરિજન’ પણ આગળ વધી ના શકે.’
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…