ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : સ્ત્રી-પુરુષ સમાનતામાં કેવી હોય છે બ્રાન્ડની ભૂમિકા?

-સમીર જોશી

જેન્ડર ઇક્વાલિટી અર્થાત્ લૈંગિક સમાનતાની વાતો આપણે થોડાં વર્ષોથી સાંભળી રહ્યાં છીએ. આજે આ વાત કરવાનું મન એટલા માટે થયું કારણ કે હાલમાં WPL (વુમન પ્રીમિયર લીગ) ચાલે છે. થોડા સમય પહેલાંની વાત કરીએ તો આપણને મહિલા ખેલાડીઓનાં નામ પણ નહોતાં ખબર. આજે એમને અદલોદલ પુરુષની જેમ રમતાં જોવાની મજા પણ આવે છે.

એક ડેટા અનુસાર 2023માં WPL ની વ્યૂઅરશીપ 50 મિલિયન હતી (1 મિલિયન = 10 લાખ), જે 2024 માં વધીને 103 મિલિયન થઈ અને થોડા સમયમાં આપણને આ વર્ષનો ડેટા મળશે, જે આનાથી પણ ઘણો વધુ હશે.
એક વાત હંમેશા ચર્ચામાં રહે છે પછી તે બોલિવૂડ હોય કે એડ્વર્ટાઇઝિંગ, સમાજમાં જે ચાલી રહ્યું છે એ જ તે દર્શાવે છે.

માર્કેટિંગમાં આ વાત બીજી રીતે પણ ચર્ચાય છે કે બ્રાન્ડ્સ પોતાના કેમ્પેન દ્વારા સમાજમાં બદલાવ લાવે છે કે સમાજમાં જે ચાલી રહ્યું છે તેનો અભ્યાસ કરી લોકો સમક્ષ એને દર્શાવી તે બદલાવની વાત કરે છે (આને બિહેવિઅર ચેંજના સંદર્ભમાં લેવી). દલીલો બંને તરફી છે તેથી આપણે તેમાં ન પડતાં કઈ રીતે સ્ત્રી આજે ખરીદીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને અમુક કેમ્પેન જોઈએ, જેમાં સ્ત્રી કઈ રીતે સમોવડી બની છે તે જાણીએ.

આ પણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ બ્રાન્ડને જીવંત બનાવે છે રંગ હર કલર કુછ કહેતા હૈ..!

સ્ત્રીઓ આજે ખરીદીના નિર્ણયમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ વાત ફક્ત ઘરમાં વપરાતી ચીજો પૂરતી માર્યાદિત નથી. વૅકેશનમાં ક્યાં જવુંથી લઈને કયું બાઈક અથવા સ્કૂટર ખરીદવું તે પણ એ નક્કી કરે છે. આથી એડ કેમ્પેનમાં આજે સ્ત્રીઓ ફક્ત એક ખૂબસુરત મોડેલ તરીકે નહિ, પણ પોતે ખરીદારીના નિર્ણયમાં ભાગ ભજવે છે તે બતાવવામાં આવે છે.

ઇક્વાલિટીનો બદલાવ એટલે ફક્ત સ્ત્રી ઑફિસમાં જઈ કામ કરે છે કે એ પણ કેરિયરલક્ષી છે કે પછી અમુક પ્રકારના ડ્રેસ પહેરે છે કે પછી એ પણ પુરુષની જેમ સિગારેટ અને દારૂ પીવે છે એટલા પૂરતો સીમિત ના હોવો જોઈએ, કારણ કે આ એક પ્રકારનો બાહ્ય અભિગમ છે. સમાનતાની વાત તો રોજબરોજનાં જીવનમાં આવવી જોઈએ અને તેને અમુક બ્રાન્ડસ લોકો સમક્ષ સુંદર રીતે મૂકે છે.

સ્ત્રી કે પુરુષનું શરીર અમુક પ્રકારનું પોષણ અમુક વય પછી માંગે છે. આ વાત બંને માટે સમાન છે. અમુક મલ્ટિ વિટામિન બનાવતી બ્રાન્ડે ‘અમુક વર્ષ પછી લગ્ન દિવસની ભેટમાં કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે ’ એ વાત સરસ રીતે પેશ કરી છે. બીજી બ્રાન્ડે પતિપત્ની બન્ને આખો દિવસ પોતપોતાનાં કામમાં વ્યસ્ત હોય છે અને તેથી એમને અમુક પોષણની જરૂર છે તેથી એ ઘરે આવી અથવા સવારે સાથે બેસી તે પોષણ મેળવે છે.

આ પણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: હમ નયે જમાને કે બિઝનેસમેન હૈ…

હાલમાં એક કેમ્પેન જોઈ, જેમાં લોકોના વાસ્તવિક જીવનમાં બનેલી વાત રજૂ કરવામાં આવી છે. ત્રણ બહેન મળીને પોતાના પિતાને એક વિશાળ જમીનનો પ્લોટ ભેટમાં આપે છે. અહીં પણ સ્ત્રી આજે કઈ રીતે આગળ વધી છે અને પોતે પુત્ર જે કરે તે કરી શકે છેની વાત છે.

એક નામી ઑટોમોબાઇલની કંપનીએ પોતાના ઇલેક્ટ્રિક વેહિકલ બંને માટે છે તેને બતાવવા બંને અલગ અલગ કારમાં આવે છે તે બતાવ્યું. આની સામે આ જ વાત બીજી બ્રાન્ડે યુવાનો દ્વારા બતાવી કે ત્રણ મિત્ર, જેમાં એક યુવતી અને બે યુવાન છે એ ડ્રાઈવ કરવાનો પ્લાન બનાવે છે જેમાં ત્રણે પાસે પોતપોતાની કાર છે.

‘શેર ધ લોડ’ કેમ્પેન જે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયું તે એક કપડાં ધોવાના પાઉડરની બ્રાન્ડે બનાવ્યું હતું. આમાં એક પિતા પોતાની દીકરીને તેના ઘરે ઑફિસથી આવી કઈ રીતે બધું મૅનેજ કરે છે તે જુએ છે.

આ પણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: બુઢ્ઢા હોગા તેરા બાપ…! આવું કોઈ સંભળાવી જાય એ પહેલાં…

પિતાને લાગે છે કે દીકરી એકલી કેટલો બધો કામનો બોજ લે છે એમાં એના પતિએ મદદ કરવી જોઈએ. આ વાતે પિતાને પણ પોતાની ભૂલથી અવગત કરાવી કે પોતે પણ ક્યારેય પત્નીની મદદ નહોતી કરી. એક બીજાનો કામનો ભાર શેર કરો આ વાત હતી.

સમાજમાં એક વાત પ્રચલિત છે કે અમુક કામ સ્ત્રીઓજ કરે. આ વાતને બે બ્રાન્ડ્સે સરસ રીતે દર્શાવી છે, જેમાં સ્ત્રી પોતાના પુત્રને શીખવે છે કે ઘરનાં કામ બધાનાં હોય છે. મા ઘરે આવતી હોય છે ને ફોન પર ખબર પડે છે કે પુત્રને ભૂખ લાગી છે. તે ઘરમાં પ્રવેશ કરવાની હોય છે, છતાં એ ફોન પર દીકરાને પેલી વાનગી બનાવવાની રીત બતાવે છે અને એ જ્યારે ખાવાનું બની જાય છે પછી જ એ ઘરની અંદર આવે છે ને કહે છે: ભવિષ્યમાં તું એકલો હોઈશ ત્યારે આ શીખેલું કામ આવશે. તો બીજી એડમાં એક ભાઈ એની બહેનને કહે છે વૉશિંગ પાઉડર વૉશિંગ મશીનમાં નાખ. મા આ વાત સાંભળે છે અને કહે છે મને મદદ કર અને ધીરે ધીરે એની પાસે કામ કરાવે છે. અંતમાં કહે છે ઘરનાં કામ બધાનાં કેમ નહિ?

આ પણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : આજના વેપારની આવશ્યકતા… સ્ટાર્ટઅપની માનસિકતા…

આવાં બીજાં ઘણાં ઉદાહરણ છે. આજે બ્રાન્ડ માટે જરૂરી છે કે આ બદલાવને સમજી પોતાની માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરવાની. જો બ્રાન્ડ પોતાના કેમ્પેનો દ્વારા આવી જ વાતોને અલગ અલગ રીતે રજૂ કરશે તો એમનો તો વેપાર વધશે, પણ સાથોસાથ પુરુષ-સ્ત્રી વચ્ચે ખરા અર્થમાં કેવી સમાનતા હોવી જોઈએ તે વાત પણ લોકો સુધી પહોંચશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button