વિડિયો-ઓડિયો સ્ટ્રિમિંગની કેવી છે કમાલ?
બ્લેક એન્ડ વ્હાઈટના યુગમાંથી 8K ટેક્નિક સુધીનો પ્રવાસ
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
ઈન્ટરનેટ ડેટા સસ્તો થયા બાદ વિડિયો સ્ટ્રિમિંગ એકાએક વધી ગયું છે. ટેક્સ્ટ માત્ર હેડિંગ કે માર્ગદર્શિકા પૂરતા હોય એવું ઘણીવાર લાગ્યા કરે. યુટ્યુબ સામે અનેક એવા OTT પ્લેટફોર્મે વિષયનો અન્નકુટ ખોલ્યો હોય એવું લાગે. વાત માત્ર યુટ્યુબથી અટકતી નથી. સોશિયલ મીડિયા એપ્લિકેશન કે પ્લેટફોર્મ ઉપર પણ વિડિયો સ્ટ્રિમની વેરાઈટીઓ છે. સમયાંતરે વિડિયો વાયરલ થાય છે. આવા વિડિયો એકથી વધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શેર થાય છે. વિડિયો ફોર્મેટ એક એવી દુનિયા છે જેમાં એક્શન અને એનિમેશનનું મિશ્રણ છે. હવે તો વિડિયો સાથે સબ ટાઈટલ આવતા ઘણી મોટી સરળતા પ્રાપ્ત થાય છે. જેમ જેમ ટેકનોલોજીમાં અપડેટ આવતી ગઈ એમ વિડિયોની ગુણવત્તામાં એક મોટું પરિવર્તન જોવા મળ્યું. HDપિક્ચરથી શરૂ કરીને આજે ૩૩ મિલિયન પિક્સલ અર્થાત્ 8K સુધી પહોંચેલી આ સફરમાં લાઈટિંગ અને શાર્પનેસે આખું ચિત્ર બદલી નાંખ્યું. ઈન્ટરનેટ પર વિડિયો સેક્શન શરૂ થતા એવી વાતો થતી હતી કે, ટીવીનો યુગનો અંત થશે. ડિવાઈસ અને ચિપસેટની દુનિયાએ વિઝ્યુઅલ્સને પાયાથી બદલી નાંખ્યા.
ટીવી ડિવાઈસમાંHD, UHD અને હવે 8K પિક્સલ ટેકનોલોજીએ વિઝન ફેરવી નાખ્યા છે. આ વાત સાચી છે કે, આવા વિડિયો પ્રોસેસ કરવાની અને પબ્લિશ માટેની કિંમત વધારે હોય છે. ફિલ્મોનું વિતરણ થાય છે ત્યારે 4D ફિલ્મો માટે એક અલગથી પ્રોસેસ કરવી પડે છે. હકીકત એ પણ છે કે, હવે તમામ વિડિયો ઓછામાં ઓછી HD (હાઈ-ડેફિનેશન) ફોર્મેટમાં જ શૂટ થાય છે. જે સ્પેસ વધારે રોકે છે. આવા વિડિયોની ક્લેરિટી પણ એક નંબર હોય છે. આ પાછળનું થોડું સાયન્સ પણ સમજવા જેવું છે. ફ્રેમિંગ અને ફોર્મેટના કોન્સેપ્ટથી વિડિયો ક્વોલિટીમાં જે પરિવર્તન આવ્યું એ અતુલ્ય રહ્યું. વિડિયો એક્સપિરિયન્સને થ્રીલ આપી ફીલ કરાવનારા સિનેમાઓ પણ બદલાયા. જે ખુરશીઓ પાછળથી આગળ પીઠના ભાગેથી ધક્કે દેતા ફરતી, હલનચલન કરતી ત્યાં હવે મસ્ત સોફા આવ્યા. 4D (3D પછીનું) માં તો આખી ચેર વાયબ્રેટ થાય એ પણ મ્યુઝિક સિસ્ટમ સાથે. એક એક સીનમાં એની ફીલ આવે. આ પાછળ કામ કરે છે સાઉન્ડ એન્ડ વાયબ્રેશન ટેકનોલોજી. જેને ચોક્કસ ફ્રિક્વન્સી કે ડેસિબલ મળતા જ ઓટો સેન્સર્સની જેમ એનું કામ કરે છે.
જે રીતે મોલ કે એરપોર્ટ પર દરવાજાથી કેટલાક મીટરમાં સેન્સર્સ લાગેલા હોય એમ આવી ચેર ખાસ ડેસિબલ અને ફ્રિક્વન્સી સાથે તૈયાર કરવામાં આવી હોય છે. હવે તો તમામ સિનેમાઘરમાં આ પ્રકારના 4d ઝોન હોય છે, જેમાં ખાસ ફિલ્મો જ રજૂ થાય છે. આ પાછળ પણ વિડિયો સ્ટ્રિમિંગ ટેકનોલોજી જવાબદાર છે. કરોડો પિક્સલ ભેગા થઈને એક ઈમેજ બનાવે છે આ તો લોહીનો રંગ લાલ હોય છે એવું સત્ય થયું. આ પિક્સલને ચોક્કસ ઈફેક્ટ સાથે મુવ કરવામાં આવે, એમાં લાઈટ્સ, શાર્પનેસ અને મલ્ટિપલ ઈફેક્ટ આપવામાં આવે ત્યારે એ HD કેટેગરીના બને છે. જેટલા પિક્સલ વધારે એટલી વિડિયો કે ફોટોની ક્લેરિટી (ચોખ્ખાઈ) વધારે. વિડિયો વોઈસ કે મ્યુઝિક વગરના હોય એ પણ નક્કામા ગણાય. જાણે કોઈ ફિલ્મ મ્યુટ મોડ પર જોતા હોય એવું લાગે. આ માટે ઓડિયો ચેનલ અનિવાર્ય છે. અત્યાર સુધીના કોઈ પણ ફોર્મેટમાં ડિજિટલ ઓડિયો ચેનલ પર એક કંપનીનો દબદબો રહ્યો હતો. ડોલ્બી ડિજિટલે સાઉન્ડ સિસ્ટમે ધ્વનિને દુનિયાનો નક્શો ફેરવી નાંખ્યો. આ પછીની જનરેશનમાં8D ઓડિયો ક્વોલિટી આવી. અવાજની ઈફેક્ટ એ જ ચેનલ પરથી આઠ જુદી જુદી જગ્યા પરથી આવે તો એને માણવાનો આનંદ રોમાંચક બની જાય. આ ટેકનોલોજી માટે પણ પ્રોસેસ અલગ અલગ રહી છે.
મૂળ વાત પર આવીએ તો સ્ટ્રિમિંગ ટેકનોલોજીમાં જેટલી ક્લેરિટી આવી એટલા જ પિક્સલ અને પિક્સલ રેટમાં અપગ્રેડેશન આવ્યું. ઈન્ટરનેટ ક્નેક્શન અને ટીવીએ હાથ મિલાવતા ક્લેરિટીની દુનિયામાં ચોમાસાના વરસાદ પછી જે ઉઘાડ આવે એવો ઉજાશ આવ્યો.
8K ટીવી ડિવાઈસ માર્કેટમાં આવી ચૂક્યા છે.એના જુદા જુદા મોડેલમાં પ્રાપ્ય છે. સ્મૂથનેસ અને મુવમેન્ટ પાછળ જે ટેકનોલોજી જવાબદાર છે એનું નામ છે મોશન મુવમેન્ટ. વિડિયો રેકોર્ડિંગ વખતે કેટલાક શોટ પર ખૂબ જ ધ્યાન આપીને લેવામાં આવે છે. આ પાછળનું એક કારણ ઈફેક્ટને નાખવા અને એનું શ્રેષ્ઠ પરિણામ આપવાનો પ્રયાસ હોય છે. ઘણી વખત પ્લેટફોર્મ પણ આ અંગે વિકલ્પો આપે ત્યારે વિડિયો જોવાનો આનંદ બેવડાય છે. યુટ્યુબમાં હવે HD અને 4k સપોર્ટ મળ્યા છે. ફાયદો એવો થયો છે કે, કલરફૂલ દુનિયામાં ડિજિટાઈઝેશનનું ચિત્ર બદલાઈ ગયું. એક સ્ક્રિન પર ૪થી ૮ હજાર પિક્સલ એક સાથે મુવ થાય એ એવું લાગે જાણે સેટ પર આપણી નજર સામે કોઈ શૂટ ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં પિક્સલની દુનિયામાં એક મોટું પરિવર્તન આવવાનું છે. 3Dએક સમયે ચશ્મા પહેરીને જોવાતું પણ 8D આવતા વિડિયોનું સ્તર વધુ ઉપર જશે એ વાત તો
નક્કી છે.
આઉટ ઓફ ધ બોક્સ
HD ટેકનોલોજીને ૩૪ વર્ષ પૂરા થયા છે. વર્ષ ૧૯૯૦માં પહેલી વખત HD વિડિયો ફોર્મેટનું ટેસ્ટિંગ કરાયું હતું. એ ટીવીની સ્ક્રિન તો ગરમ થતા તૂટી ગઈ, પણ વિડિયો સ્ટ્રિમિંગ એન્ડ ઓપ્શન માટે આ જ ટેકનોલોજી મોટો આધાર બની રહી.