કેવી રીતે નામ બની ગયાં બ્રાંડ…
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
ટૅક્નોલોજીની દુનિયામાં જ્યારે કોઈ ડિવાઈસ કે સર્વિસની વાત આવે ત્યારે અચૂક કોઈને કોઈ કંપનીનું નામ આપણને યાદ આવે. એ પછી કંઈ સર્ચ કરવાનું હોય તો ગૂગલ અને કોમ્પ્યુટરલક્ષી કંઈ હોય તો વિન્ડોઝ. માઈક્રોસોફ્ટમાં તો હમણાં એવડું મોટું ભંગાણ પડ્યું કે, માઈક્રોસોફ્ટનું સર્વર ભપ થઈ ગયું અને દુનિયાભરની સેવાઓ ઠપ થઈ ગઈ …
આમ જુવો તો સર્વરથી લઈને સર્વિસ સુધી ટૅકનોલોજીની દુનિયામાં નામ પાછળની હકીકત રસપ્રદ અને રોમાંચક છે. અર્થ તો દરેકને ખબર જ હશે , પણ વાત આજે એ કરવી છે કે, એ નામના મૂળમાં શું હતું અને કેવી રીતે નામ પોપ્યુલર થયું.
ચાલો , શરૂ કરીએ નામકરણ કથા….
ટૅકનોલોજીના સમુદ્રમાં આ યાત્રા એવી રીતે શરૂ થઈ જેની શોધકે ખુદે પણ કલ્પના નહીં કરી હોય. વિલિયમ સેક્સપિયરે કહ્યું હતું કે, નામ મેં ક્યા રખા હૈ? પણ ટૅક્નોલોજીના ક્ષેત્રમાં નામ હી કાફી હૈ જેવું છે.
શરૂઆત આપણા બધાના પ્રિય એવા ફોનની કંપની એપલથી. સામાન્ય રીતે જોઈએ તો એપલ શબ્દ અંગ્રેજી છે, જેનો અર્થ થાય છે સફરજન, પણ જેણે સ્ટીવ જોબ્સને વાંચેલા હશે એને એટલો તો ખ્યાલ હશે કે, આ ભાઈ નાનપણથી ખૂબ જ ફળપ્રેમી રહ્યા છે. ફ્રૂટનું ડાયેટ એમણે કૉલેજકાળમાં પોતાની રીતે કસ્ટમાઈઝ કરાવેલું હતું. અંગત રીતે પણ ભાઈને સફરજન ખૂબ ભાવતું હતું. આમ તો નામની સ્ટોરી પાછળ ઘણી વાત જોડાયેલી છે. કેટલાક લોકો તેને થિયરી પણ માને છે. એક થિયરી એવું પણ કહે છે કે, ઈવ કેટેગરીનું સફરજન હતું એના પરથી આ નામ નક્કી થયું. એપલ એક ડિવાઈસ કરતાં પણ એક સુરક્ષિત ગેઝેટ બની રહે એ માટેનું વિઝન હતું, પણ એપલના નામના લોગોમાંય કેવી ગજ્બની ક્રિએટિવિટી છે. ! એના લોગો પર ધ્યાનથી નજર કરો તો એક તરફ કોઈએ સફરજનને કટ -કર્યું હોય – થોડું ખાધુ હોય એવું લાગે પૌરાણિક કથાઓ મુજબ – સફરજન ચાખ્યા પછી આદમ -ઈવને સાંસારિક જ્ઞાન મળ્યું હતું !
HTC એક એવી કંપની જેની વ્યાખ્યા કરવાની જરૂર નથી. ડિવાઈસથી લઈને સિસ્ટમ સોફ્ટવેર સપોર્ટ આપતી આ કંપનીના સ્થાપક એક કપલ છે. એ યુગલ ઈચ્છતું હતું કે, કંપનીના નામમાં બન્નેના નામના કેટલાક ઈનિશ્યલ રહે. પછી તો ટેકવીરોએ કેટલાય એના ફૂલફોર્મ બનાવી નાખ્યા. જેમ કે, હાઈટેક કોમ્પ્યુટર કોર્પોરેશન. પણ એ પછીના દિવસોમાં જગજાણીતું નામ HTC જ રહ્યું, જેના પાયામાં સ્થાપક એચ.ટી.ચો અને ચેરવાંગનો સિંહફાળો છે. ચેરવાંગે નક્કી કર્યું હતું કે કંપનીના મુખ્ય નામ સાથે પતિ-પત્ની બન્નેનાં નામના અક્ષરો જોડાઈ જાય. HT તો ઈનિશ્યલ હતા જ સાથે ઈ આવ્યું. એટલે બન્યું HTC. આમ પણ ટૅકનોલોજીના ક્ષેત્રમાં ઘણી એવી મહિલાઓ નામ કમાયાં છે. આ લેડીનું સાચું નામ ચેર મી વાંગ હતું જેને ચેરવાંગ કહીને લોકો બોલાવતા હતા.
હવે જેની સાઉન્ડ ક્વોલિટી અને પિક્ચર બન્નેનો વિકલ્પ આજ દિવસ સુધી કોઈને જડ્યો નથી એવી કંપની એટલે સોની. મ્યુઝિકની દુનિયામાં તો એનું આગવું પ્રદાન છે, પણ ઘણા ઓછો લોકો જાણે છે કે, સોની ટૅકનોલોજીના ડિવાઈસની દ્રષ્ટિએ વર્ષો જૂની છે. સફળ છે અને નિર્વિકલ્પ છે, જેના કરોડો રૂપિયાના લેન્સની હજુ પણ ડિમાન્ડ છે. ભલે આ કોઈ સંપૂર્ણ આઈટી કંપની નથી , પણ ‘સોનસ’ લેટિન શબ્દ પરથી સોની શબ્દ આવ્યો છે. પહેલા સોનીના સ્પેલિંગમાં બે ‘એન’ લખતા પછીથી એક ‘એન’ કરી દેવામાં આવ્યો. આની સ્થાપકમાં પણ બે વ્યક્તિનો હાથ છે. જાપાનના ટોકિયો સિટીમાંથી શરૂ થયેલી કંપની ઓડિયો ટૅકનોલોજી પર જ ફોક્સ કરતી આવી છે એટલે જ સોનીના રૂટમાં સાઉન્ડ છે. જાપાનની માર્કેટમાં ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટ શરૂ કર્યા બાદ સ્માર્ટફોન સુધી એના ઉત્પાદનો વિસ્તર્યા છે..
એ જ રીતે, દિવસમાં ઓછામાં ઓછા એક વખત જેનું નામ દરેક વ્યક્તિના કંઠમાંથી નીકળે છે એ કંપની એટલે ટેકજાયન્ટ ગૂગલ.
હકીકતમાં આ નામ એક સ્પેલિંગ મિસ્ટેક હતી એના પરથી આખી કંપની બની ગઈ ને મોભેદાર બ્રાંડ થઈ ગઈ. જોકે, સ્પેિંલગ મિસ્ટેકથી આખી ગૂગલ કેવી રીતે બની એનો તો વિસ્મયજનક ઈતિહાસ છે. આ કંપની વિશે આ જ કૉલમમાં અગાઉ ઘણું વિગતવાર લખાયું છે. આ રીતે, એમેઝોનના
જંગલમાં ભૂલા પડ્યા એટલે ભાન ભૂલ્યા જેવું, પણ એમેઝિાનની શોપિંગ સાઈટ પર કોઈ ભૂલા પડવાનું કહે તો બહાર નીકળવાનું પણ મન ન થાય. યસ, એમેઝોનના માલિક જેફ બેઝોસે કંપનીનું નામ નક્કી કરતી વખતે એક વકીલની સલાહ લીધી હતી. કેડેબ્રા નામનો શબ્દ એના મનમાં પહેલી વાર આવ્યો હતો, પણ જેફે કાયદેસર ડિક્શનરીના પાનાં ફેરવ્યાં અને શબ્દ ગમી ગયો એમેઝોન જે હકીકતમાં એક જંગલ પણ છે અને નદી પણ છે. જેને દુનિયાની વિશાળ નદી માનવામાં આવે છે. જોકે, એની પ્રોડક્ટસમાં પણ વિશાળતા-વિવિધતા છે એ વાતને ધ્યાનમાં રાખી આ ઓનલાઈન કંપની માટે એમેઝોન નામ પસંદ કરવામાં આવ્યું .
આઉટ ઓફ બોક્સ
નામ કમાવવા માટે કામને એ ક્વોલિટી સુધી લઈ જવું પડે… કામ જ નામને ઉજાગર કરે. ફરક ક્વોલિટીથી પડે છે, જે નામને સ્થાપિત કરે છે.