હાઉસફુલ નાટક અધવચ્ચે છોડી ભાગવું પડ્યું!
મહેશ્ર્વરી
જીવનનું કોઈ પણ કાર્ય હોય, એની શરૂઆત સારી થાય તો ઉત્સાહની ભરતી આવી જતી હોય છે અને ભરતીના મોજાં પર સવાર થઈ આગળ વધવાનો આનંદ કંઈ ઓર જ હોય છે. ગોરધન મારવાડીએ ચંદ્રકાંત માસ્તરને ગુજરાતી નાટક માટે કોઈ છોકરી છે એવા કરેલા સવાલનો જવાબ હું હોઈશ એની મને સ્વપ્નેય કલ્પના નહોતી. નાટકની ઓફર મળવાનો આનંદ થવો સ્વાભાવિક હતું પણ મરાઠી મુલગી ગુજરાતી નાટકમાં? એક વાત કહું? ચેલેન્જ ઉપાડી લેવી એ કલાકારનું સ્વભાવગત લક્ષણ હોય છે. મહાલક્ષ્મી નાટક સમાજનું નાટક કરવા અમે સાબરકાંઠા જિલ્લાના ધનસુરા ગામ પહોંચી ગયા. ગામ પહોંચી અમે પૂજામાં બેઠા હતા ત્યારે બેચરદાસ (માધવલાલ માસ્તરના બનેવી) મારી પાસે આવ્યા અને બોલ્યા કે ‘છોકરી, તે ગુજરાતી ભાષા તો બહુ સરસ શીખી લીધી. કોઈ કહી નહીં શકે આ છોકરી મરાઠી છે. હવે તારું નામ પણ બદલી નાખીએ. તારું નામ જયશ્રી નહીં પણ મહેશ્ર્વરી હોવું જોઈએ.’ બેચરદાસ જે લહેકાથી મહેશ્ર્વરી બોલ્યા મને બહુ ગમ્યું. નામ પણ સરસ હતું અને એ સમયમાં આવું નામ સામાન્યપણે જોવા ન મળતું. મનમાં ને મનમાં પાંચ દસ વાર મહેશ્ર્વરી મહેશ્ર્વરી એવું રટણ કર્યું. કાનમાં ઘંટડી વાગતી હોય એવું લાગ્યું. સરવાળે મરાઠી મુલગી ગુજરાતી શીખી ગઈ અને જયશ્રી ભીડે મહેશ્ર્વરી બની ગઈ. જીવતે જીવત ખોળિયું બદલી નાખ્યું. કલાકારનો એ જ તો ધર્મ હોય છે, ખોળિયું બદલતા રહેવાનો.
ધનસુરામાં નિયમ અનુસાર રવહુરાણી’ નાટકથી શરૂઆત કરવાની હતી. ગામ પહોંચ્યા એના બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે રિહર્સલ માટે હું જઈ રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાક છોકરાઓ મને જોઈ ઊભા રહ્યા અને એમાંનો એક અળવીતરો બોલ્યો કે ’એ જો જો, રંડી જઈ રહી છે.’ કાનમાં કીડા પડ્યા હોય એવી લાગણી થઈ. બે ક્ષણ માટે તો હું હેબતાઈ ગઈ. ગાળો આપી કરેલું અપમાન સહન ન થાય ત્યારે કોઈ કાચી પોચી છોકરી તો રડી પડે, પણ જીવનમાં દુ:ખના પહાડ તૂટી પડ્યા હોય તો પણ હું ભાગ્યે જ રડી છું અને એ પણ કિશોરાવસ્થામાં. મેં તરત જાતને સંભાળી લીધી. અચાનક મારામાં જાણે કાળકા માતા પ્રવેશ્યા. મેં એ છોકરાને બાવડેથી ઝાલ્યો અને સણસણતો એક લાફો ઠોકી દીધો. લાફાનો માર અને મારો ગુસ્સો જોઈ બધા છોકરા ત્યાંથી ઊભી પૂંછડીએ નાઠા. જોકે, છોકરાને બરાબરનો પાઠ ભણાવ્યો એ ખુશી ઝાઝી ટકી નહીં. પેલા છોકરાએ ગામમાં જઈ મારી ફરિયાદ કરી હશે એટલે રીતસરનું એક ધાડું જ અમે રિહર્સલ કરતા હતા ત્યાં આવી પહોંચ્યું. ગામના આગેવાન જેવા લાગતા લાલઘૂમ ચહેરાવાળા ભાઈએ મારી સાથે ઊંચા અવાજે વાત કરી છોકરાને લાફો મારવા બદલ મને માફી માગવા કહ્યું. તેમના આક્રોશથી હું ઢીલી ના પડી બલકે મારી કમાન છટકી. હું રીતસરની તેમના પર તાડુકી, ‘મને માફી માગવા કહેતા તમને શરમ નથી આવતી? અમે કલાકાર છીએ. અમારી કલાથી તમારું મનોરંજન કરીએ છીએ. અમને આદર સત્કાર ન આપો તો કંઈ નહીં, પણ કલાકાર સાથે આવું વર્તન અમે નહીં સાંખી લઈએ. માફી તો પેલા છોકરાએ અભદ્ર ભાષા માટે માગવી જોઈએ.’ મારી તડાફડી, મારું રૌદ્ર સ્વરૂપ જોઈ ગામવાસીઓ શિયાવિયા થઈ ગયા. તેમની તો જાણે જીભ જ સિવાઈ ગઈ. એક જણ તો બોલ્યો પણ ખરો કે ‘વાત સાચી છે. ભૂલ આપણા છોકરાની છે. આવી અસંસ્કારી ભાષા ન વાપરવી જોઈએ. આ વાત જો ફેલાશે તો છોકરાની સાથે આપણા ગામનું નામ પણ બદનામ થશે.’ અચાનક ભૂલનું ભાન થયું હોય એમ જુસ્સાથી આવેલા ગામવાસીઓ શાંતિથી પાછા ફર્યા. એ લોકો ગયા પછી મને મારા પર જ હસવું આવી ગયું. નાટકના રંગમંચ પર સૌમ્ય ભૂમિકાઓ કરનારી મહેશ્ર્વરીએ આજે જીવનના રંગમંચ પર રૌદ્ર પાઠ સફળતા સાથે ભજવ્યો હતો.
બીજે દિવસે શુકનવંતા નાટક ‘વહુરાણી’થી શરૂઆત કરી અને પ્રેક્ષકોએ નાટક બે હાથે વધાવી લીધું. અહીં મને અલગ જ અનુભવ થયો. નાટકનો કોઈ સીન કે સંવાદ ગમી જાય તો પ્રેક્ષકો તાળીઓ પાડે, વન્સમોર પણ કરે. મારા માટે આ બધું નવું હતું. હું થોડી
ડરી પણ જતી. જોકે, નાટકના માલિકે સમજાવ્યું કે ‘અહીં પ્રેક્ષકો આવું રિએક્શન આપે. કોમેડી હોય ત્યારે સીટી પણ મારે. એનાથી ગભરાવું નહીં.’ ધીરે ધીરે હું ટેવાઈ ગઈ. બીજું નાટક હતું પ્રભુલાલ દ્વિવેદીનું ‘પૃથ્વીરાજ ચૌહાણ’ જેમાં મેં સંયુક્તાનો રોલ કર્યો હતો. ત્રીજું નાટક હતું ‘વસંતકુમાર બેરોનેટ’. જજની રિયલ સ્ટોરી પર આધારિત હતું. એ સિવાય ત્રાપજકરનું અત્યંત સફળ નાટક ‘વીર પસલી’ પણ ભજવ્યું. બીજા પણ કેટલાક નાટક કર્યા. બે મહિનામાં પચીસેક નાટક કર્યા હશે અને દરેકે દરેક નાટકમાં હું હીરોઈન. રોજીરોટી માટે ફિલ્મોમાં એક્સ્ટ્રા કલાકાર તરીકે કામ કરતી જયશ્રી ભીડે હવે ગુજરાતી નાટક કંપનીની હીરોઈન બની ગઈ હતી. કલાકારના જીવનમાં પાત્રો બદલાતા રહે છે. ખેર, ધનસુરાને આવજો કહી અમે માલગાંવ પહોંચ્યા. ધનસુરામાં પચીસેક નાટકમાં હીરોઈન બનવાથી આનંદ અને ઉત્સાહની ભરતીના મોજાં પર હું સવાર થઈ ગઈ હતી. કંપનીના માલિક અને અન્ય કલાકારના ચહેરા પર પણ રોનક આવી ગઈ હતી. માલગાંવમાં જોરદાર પર્ફોર્મન્સ પછી અમે મોડાસા પહોંચ્યા અને ત્યા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા અમે બધા થનગની રહ્યા હતા. નાટ્ય કલાકાર માટે પ્રેક્ષકોના શિરપાવથી મોટું કોઈ પારિતોષિક નથી. જોક મોડાસામાં બે-ચાર શો નબળા ગયા પછી પણ ‘હાઉસફુલ’નું પાટિયું લાગ્યું. અમારામાં નવા ઉત્સાહનો સંચાર થયો, પણ…
પણ ‘હાઉસફુલ’ નાટકનો શો પૂરો થાય એ પહેલા બધાએ બિસ્તરા પોટલા લઈને ત્યાંથી રીતસરનું ભાગી જવું પડ્યું…
ધનસુરામાં ખાડાની કંપની
ગુજરાતી નાટક કંપનીની એક આગવી દુનિયા હતી. આગવા રંગ રૂપ હતા. એ સમયે ખાડાની કંપની બહુ જાણીતી હતી. ધનસુરા ગામમાં મને ખાડાની કંપનીનો પ્રથમ પરિચય થયો. અમે ધનસુરા પહોંચ્યા પછી બીજા દિવસે રિહર્સલ શરૂ કરવાના હતા. એટલે અમને કહેવામાં આવ્યું કે સવારે ૧૦ વાગ્યે થિયેટરમાં આવી જજો. મને આ વાત સાંભળીને બહુ નવાઈ લાગી. સામાન્ય રીતે કલાકારને થિયેટર શબ્દ સાંભળીને નવાઈ ન લાગે, બલકે આનંદ થાય. એટલે ‘થિયેટર?’ આશ્ર્ચર્ય થયું હોય એ રીતે મારાથી બોલાઈ ગયું એનું આશ્ર્ચર્ય બેચરદાસને થયું હોય એવું એમના ચહેરા પરથી લાગ્યું. નવાઈ લાગવાનું કારણ એવું હતું કે ધનસુરા એક નાનકડું ગામ. પાંચેક હજારની માંડ વસ્તી હશે. એટલે આવા ગામમાં થિયેટર? એની મને નવાઈ લાગી હતી. જોકે, કલાકારના જીવનમાં નવાઈની કોઈ નવાઈ નથી હોતી. બીજે દિવસે અમે પહોંચ્યા થિયેટર પર. ત્યાં એક પટેલ ભાઈ મૂળા અને ફાફડા લઈને બેઠા હતા. આદરપૂર્વક અમને બોલાવ્યા અને આગ્રહપૂર્વક મૂળા – ફાફડા ખાવા કહ્યું. મને બહુ નવાઈ લાગી, કારણ કે ફાફડા – જલેબી અનેક વાર ખાધા હતા, પણ ફાફડા સાથે મૂળા અને સાથે મીઠાનો ત્રિકોણ મેં પહેલી વાર જોયો. મેં જરા ચાખી જોયું, મને બહુ ભાવ્યાં. અનોખા નાસ્તાને ન્યાય આપી ઊભી થઈ ’થિયેટર’ પર નજર ફેરવી તો શું જોઉં છું? ચારે બાજુ પતરા બાંધેલા હતા. આગળ એક દરવાજો, પાછળ એક દરવાજો. પછી અંદર ડોકિયું કરીને જોયું તો મારી આંખો પહોળી થઈ ગઈ. ત્યાં એક મોટો ખાડો હતો. એ ખાડામાં ખુરશીઓ મુકવામાં આવી હતી જે ગામના અગ્રણીઓ માટે હતી. બીજી બાજુ ઊંચાઈ પર ખાસ મહિલાઓ માટેની બેઠકો અને એકદમ પાછળની ઊંચાઈ પર બેસવાની જે વ્યવસ્થા હતી જે એ સમયે પીટ ક્લાસ તરીકે ઓળખાતી હતી. એક હિસ્સો સ્ટેજ તરીકે ઓળખાતો. મહિલાઓ માટે ગ્રીન રૂમ, બીજો એક છોકરીઓ માટેનો રૂમ, વિશાળ ડ્રેસ રૂમ. મેકઅપ રૂમ પણ બહુ સરસ બનાવ્યો હતો. એકંદર વ્યવસ્થા બહુ જ સરસ હતી. ખાડાની કંપની વિશે સાંભળ્યું ઘણું હતું, પ્રત્યક્ષ અનુભવ પહેલી વાર થયો.