ઊડતી વાત : તમારી પાસે કોઇ માફિયાનો નંબર છે?

-ભરત વૈષ્ણવ
‘તમારે બ્રુસલી કે જેકી ચેન સાથે ઓળખાણ ખરી?’
રાજુ મારા ઘરમાં દાખલ થયો. એણે રિમોાટથી એર એરકન્ડિશનર સોળ પર સેટ કરી રૂમ ચિલ કર્યો. મને એસી ફાવતું નથી. રાજુએ સવાલ સાથે એસીને એકદમ કુલમાં સેટ કરી મને અપસેટ કર્યો. રાજુને બ્રુસલી પરમ પિતાને પ્યારો થઇ ગયો એની પણ ખબર હશે કે નહીં એ તો રામ જાણે.
‘રાજુ, પચાસ ટકા ઓળખાણ છે.’ મેં રાજુને જવાબ આપ્યો.
‘તો તો મારું કામ થઇ ગયું.’ આટલું બોલી રાજુ મને ભેટી પડ્યો. મારા પાંસળાઓમાં કડાકો બોલી ગયો.
‘રાજુ, હું બ્રુસલીને હું પચાસ કે જેકી ચાનને સો ટકા ઓળખું તો તેનાથી તને કોઇ ફાયદો થશે નહીં.’ મેં રાજુને ચોંકાવ્યો.
‘ગિરધરલાલ, મારે બ્રુસલી પાસે કૂંગ ફૂ કરાટે કે તે પ્રકારનું
માર્શલ આર્ટ શીખવું છે.’ રાજુ રદીએ રહસ્ય પરથી પડદો
ઊંચકયો. સફેદ રંગનો ખુલતો રોબ પહેરીને આવેલા રાજુએ કમરનો પટો ટાઇટ કરી પગ મારા ખભા સુધી ઉછાળ્યા. હાથ બે-ત્રણ વાર ઉપર નીચે પછાડયા. મોમાંથી ‘હૂંહૂં.. હાહા’ જેવા ચિત્ર-વિચિત્ર ઉદગારો કર્યા.
‘અરે, આ રાજુભાઇને શું થયું છે? ભૂત-પ્રેત વળગ્યું છે? રોજ નિતનવા નાટક કરે છે.’ ચાના કપ સાથે પ્રવેશેલાં રાધારાણીએ મને પૂછયું.
‘તારો માનીતો દિયર તારી સામે છે. જે પૂછવું હોય તે રાજુને સીધું પૂછી લે.’
‘સોરી, ભાભી થોડું ખાનગી છે તમને કહેવાય તેવું નથી.’ રાજુએ આટલું કહી બે હાથ જોડી રાધારાણીની માફી માગી. રાધારાણી મોં મચકોડીને રસોડામાં પરત ફર્યા.
‘રાજુ, ગામ આખું આઇપીએલ પાછળ ગાંડું થયું છે. યુરોપ આખું ફૂટબોલ પાછળ ગાંડું થયું છે. અમેરિકા બેઝબોલ પાછળ પાગલ છે. તું કેમ માર્શલ આર્ટની આદું, લસણ, ડુંગળી ખાઇને પાછળ પડ્યો છે?’ મેં રાજુના ગાંડપણ પર પ્રહાર કર્યો.
‘ગિરધરલાલ, એનું એક રહસ્ય છે. તમે પાનના ગલ્લે ચાલો. તમે મને સિગારેટ અને કાચી પાંત્રીસ, લવલી, કિમામવાળો મસાલો અપાવો એટલે નિરાંતે બધી વાત કરું’ આમ કહી રાજુએ સિગારેટ-બીડીની ડિમાન્ડ કરી દીધી. મારા ઘરેથી નીકળતા પહેલાં રાજુ ચાના કપમાં ચોંટેલી તર પર જીભ ફેરવી ચાટી ગયો. ઘરેથી નીકળી અમે પરાગ પ્રપંચીના પાનના ગલ્લે આવ્યા. રાજુને મારા પૈસે પાનબીડી તમ્બાકુની મજા કરવાની શરૂ કરી.
‘રાજુ, તને માર્શલ આર્ટનો ‘મ’ આવડે છે?તું માર્શલ આર્ટ શું છે એ જાણે છે? ‘
‘ના, ગિરધરલાલ.’ રાજુએ અજ્ઞાનનો સ્વીકાર કર્યો.
‘રાજુ, કોઇ વ્યક્તિના હુમલા સામે માર્શલ આર્ટ એ સ્વબચાવની ટેકનિક છે. પરંપરાગત માર્શલ આર્ટ ટેકવાન્ડો અને આધુનિક માર્શલ આર્ટ બારિસ્તીશુ કહેવાય છે. પરંપરાગત માર્શલ કરાટેની તાલીમમાં કિહોન, કાટા અને કુમિટે એમ ત્રણ પદ્ધતિ છે. ’ આમ કહીને મેં માર્શલ આર્ટ- કરાટે વિશે ટૂંકમાં સમજાવ્યું. એ બધું સાંભળતાં રાજુનું મોં ખુલ્લુંને ખુલ્લું રહી ગયું.
‘ગિરધરલાલ’ આટલું કહીને રાજુએે મારા ડાબા કાન પાસે મોં લાવ્યો. રાજુએ તોપગોળા છોડવા જેવું વાક્ય મારા કાનનાં રેડ્યું’ આપણને એમાં કોઇ રસ નથી.’
‘રાજુ, કમાલ છો.. માર્શલ આર્ટમાં રસ છે અને માર્શલ આર્ટ વિશે જાણવામાં કોઇ રસ નથી.’ મેં આશ્રર્ય વ્યક્ત કર્યું.
‘તમે જીમ કલાઉડ વૈન ડૈમનું નામ સાંભળ્યું છે?’ રાજુએ આંતરરાષ્ટ્રીય સવાલ પૂછયો.
‘એ ભાઇ કોણ છે? ટેરીફ ટ્રમ્પ સોરી, ડોનલ્ડ ટ્રમ્પની ટીમમાં છે?’
‘ગિરધરલાલ , ગામની ફિલ્મ ઉતારો છો, પરંતુ ફિલ્મ બિલ્લમ જુઓ છો ખરા?’
‘રાજુ, એમાં ફિલ્મ કયાં વચ્ચે આવી?’
‘ગિરધરલાલ, જીમ કલાઉડ બેલ્જિયમના બ્રશેલ્સનો વતની છે. એ માર્શલ આર્ટનો ખેલાડી છે. કરાટેમાં ઘણા મેડલ મેળવ્યા હોવાથી ‘મસલ્સ ફ્રોમ બ્રશેલ્સ’ તરીકે જાણીતો છે.જીમ ફિલ્મોમાં પણ માર્શલ આર્ટથી ફાઇટિંગ કરીને વાહવાહી મેળવી છે. એનું અંગત અને વ્યાવસાયિક જીવન વિવાદ, મારામારી, હિંસાથી ભરેલું છે. જીમ મેન્ટલ ડિસઓર્ડર અને બાયોપોલર ડિસ ઓર્ડરથી પીડાય છે.’ રાજુએ જીમની જીવની રજૂ કરી.
‘રાજુ. મારે જીમની સ્ટોરીનું અથાણું કે કચુંબર કરવાનું છે?’
‘ગિરધરલાલ, આ જીમને કોઇ માફિયા મિત્રે એક- બે નહીં
પણ પાંચ ટીપટોપ છોકરી ગિફટ કરી છે. માફિયાઓ પહેલાં
ઊંચી કિસ્મના દારૂની બોટલો આપતા હતા. હવે મશીનનગન, પિસ્તોલ, ડ્રગ એવું બધું ગિફટ કરે છે.’ રાજુએ માફિયાનો લેટેસ્ટ ટ્રેન્ડ જણાવ્યો.
‘રાજુ, લાલો લાભ વિના લોટે નહીં સાંભળેલું. હવે પ્રત્યક્ષ અનુભવ્યું પણ ખરું. સીધેસીધું કહેને કે એટલે તું માર્શલ આર્ટની મેથી મારે છે. છોકરી માટે બ્રુસલી થવું તે આનું નામ.’
- તો વાંચક મિત્રો, હવે તમારી જવાબદારી છે કે તમારી ફોનબુક-ફેસબુક કે ઈન્સ્ટામાં કોઈ માફિયા, મવાલી , ચોરચકકારના
નામ – ફોન નંબર હોય તો રાજુ રદીને xx xxx xxx420
પર મોકલી આપો રાજુને પાંચ નહીં તો કમસે કમ એક પણ
છોકરી મળી જાય તો આખી જિંદગી દુ:ખી થવાનું રૂપાળું બહાનું મળી જશે!
આપણ વાંચો: ઝબાન સંભાલ કે : સોની કરે ટૂંકાનું લાંબું, સુથાર કરે લાંબાનું ટૂંકું