ઉત્સવ

શક્તિશાળી અને સક્ષમ રાષ્ટ્રના નિર્માણમાં ઇતિહાસ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ

“તમે ઇતિહાસ સાંભળો, મેં મારા પિતા વ્યાસજી, દેવર્ષિ નારદ અને મહર્ષિ દેવલ પાસેથી વિધિપૂર્વક સાંભળ્યું હતું. – મહર્ષિ શુકદેવજી

આજની પેઢી ઈતિહાસ વિષયને નકામો ગણે છે. અમુકને તો પ્રશ્ન થાય કે, ઇતિહાસ ભણવાથી કે જાણવાથી શું ફાયદો? ભૂતકાળમાં જે બન્યું તેની વર્તમાન સમયમાં ચર્ચા શા માટે કરવી જોઈએ? આવો પ્રશ્ન સાંભળીએ ત્યારે ખૂબ દુખ થાય. ભૂતકાળ પરથી જ વર્તમાન અને ભવિષ્ય ઉજળું બનતું હોય છે. એ બાબતે પ્રશ્ન કરનાર અજ્ઞાની છે. ખરેખર પ્રજાએ ઇતિહાસમાંથી થોડોક પણ બોધપાઠ લીધો હોત તો વિશ્વમાં જે યુદ્ધો, હુમલા થઈ રહ્યા છે એ ન થાય અથવા તેને અટકાવી શકાય. ભૂલોમાં ઊંડા ઊતરીશું તો એવો જ નિષ્કર્ષ નીકળશે કે આ તો આપણી ભૂતકાળની ભૂલોનું જ પરિણામ છે.

શક્તિશાળી અને સક્ષમ રાષ્ટ્રના નિર્માણમાં ઇતિહાસ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉચ્ચ માનવીય ગુણો અને દેશભક્તિથી ભરેલી યુવા પેઢી માટે આપણા પૂર્વજોના ગૌરવપૂર્ણ કાર્યોનું જ્ઞાન, પ્રેરણા અને માર્ગદર્શનનું કામ કરે છે. ભારતીય સમાજ વ્યવસ્થામાં સંસ્કારોનું બીજારોપણ પરંપરાગત રીતે મહાપુરુષોની ગૌરવગાથા, મહાન નાયકોના મહાન કાર્યો દ્વારા કથા/વાર્તાઓથી થતું રહ્યું છે.

છગનલાલ બોહરા પોતાની એક શોધમાં જણાવે છે કે, વેદ, પુરાણ, મહાભારત, શ્રીમદ્ભાગવત, જૈનઆગમ, રામાયણ વગેરે ઇતિહાસનો ભંડાર છે. સૃષ્ટિના આરંભથી અત્યાર સુધીની ઐતિહાસિક માહિતી અને કાળક્રમના જ્ઞાનથી સમૃદ્ધ છે. દરેક ગામમાં તેનું પારાયણ પ્રજાની સામે વિદ્વાન કથાકારો, ઉપદેશકો, સંતો અને ઋષિમુનિઓ દ્વારા હજારો લાખો વર્ષોથી ચાલતુ આવ્યું છે. શ્રીમદ્ભાગવતમાં મહર્ષિ શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે, “તમે ઇતિહાસ સાંભળો.” મેં તેને મારા પિતા વ્યાસજી, દેવર્ષિ નારદ અને મહર્ષિ દેવલ પાસેથી વિધિપૂર્વક સાંભળ્યું હતું. તેમાં વર્ણિત પૂર્વજોનો મહાન ઇતિહાસ અને ઉત્કૃષ્ટ જીવન ચરિત્રનું વર્ણન સમાજને માર્ગદર્શન આપતું રહ્યું છે અને ભારતીય સમાજને એક શ્રેષ્ઠ સમાજ અને વિશ્ર્વ નેતા તરીકે સ્થાપિત કરવા માટેનું મૂળ કારણ રહ્યું છે. આ જીવનશક્તિ હતી જેના બળ પર બર્બર વિધર્મી આક્રમણો દરમિયાન પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહી અને વિશ્વની સામે મજબૂત રીતે ઊભી છે, જ્યારે અનેક દેશો બર્બર આક્રમણોથી નાશ અને ભ્રષ્ટ થયા.

જો તમારે કોઈ દેશને ગુલામ બનાવી રાખવો હોય તો સૌથી પહેલા તેના ઈતિહાસનો નાશ કરો. વિદેશી શાસકોએ આ હકીકતને ઓળખી અને ભારતીય પ્રજાની શ્રેષ્ઠતાના સ્ત્રોત એવા ભારતના ઉજ્જવળ અને ઉત્તમ ઈતિહાસને ખોટો, બનાવટી અને કાલ્પનિક કહીને નકારી કાઢ્યો. તેના બદલે, તેમણે વિકૃત ઇતિહાસ અભ્યાસક્રમોમાં શીખવવાનું શરૂ કર્યું. આ વિકૃત ઈતિહાસના સર્જન માટેનું ષડયંત્ર હતું જેમાં ભારતીયોને હંમેશા હારેલા, શોષિત, વિશ્વાસઘાત અને રાજદ્રોહી તરીકે દર્શાવવામાં આવ્યા. આપણા યુવાનોના મનમાં એક હીનતા, વ્યક્તિની જાતિ, સમાજ, ભાષા, પહેરવેશ, ખોરાક, રીતરિવાજો, દેવતાઓ, મહાપુરુષો અને દેશભક્તો પ્રત્યે ઉપેક્ષા અને હીનતાની લાગણી પેદા કરે છે. બાળકોના મનમાં સારા સંસ્કારો અને સદગુણોને બદલે ગુલામીની લાગણીઓનો ભાવ જન્માવે છે. વિદેશી શાસકોને ગુલામી માનસિકતા ધરાવતા ભારતીયોની જરૂર પોતાનું શાસન ચલાવવા અને ગુલામ રાખવા માટે આ ષડયંત્રમાં અમુક અંશે સફળ પણ થયા હતા.

धमार्थ काममोक्षाणामुपदेश समान्यितम्
पूर्ण कथायुक्तमितिहंसप्रचशते

ભારતીય ઋષિઓએ ઈતિહાસને પાંચમો વેદ માની તેને જ્ઞાન પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું છે. જીવનના ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાધના કરવાવાળા ઉપદેશ યુક્ત પ્રાચીન કાળની શ્રેષ્ઠ ઘટનાઓ અને જીવનના પ્રેરણાદાયી ચરિત્રોથી લોકોને સંસ્કારિત કરવાવાળો ભારતીય ઈતિહાસ પાંચમો વેદ છે.

ભારતીય સાહિત્ય ગ્રંથોના લેખકો તેમની પહેલાં બનેલી ઘટનાઓ, પ્રાચીનકાળના મહાપુરુષો, નાયકો અને અવતારોનો ઉલ્લેખ કરતા હતા. મહાભારત, રામાયણ, શ્રીમદ્ ભાગવત, જૈન પુરાણ વગેરે પુસ્તકો તેમના ઉદાહરણો છે. બ્રહ્માંડમાં બનેલી તમામ મુખ્ય ઘટનાઓનું વર્ણન આ ગ્રંથોમાં સંક્ષિપ્તમાં અથવા વિગતવાર રીતે ઉપલબ્ધ છે. વર્તમાન સૃષ્ટિના આરંભથી લઈને સમગ્ર કાલગણના, કલ્પ, મન્વતરો, યુગો, ત્યાગ/બલિદાનની ગણતરી અને આ સમયચક્રની મધ્ય પૃથ્વી પર થઈ રહેલા ફેરફારો, મનુષ્ય, દેવતા અને સમગ્રજીવની સૃષ્ટિ પર થનાર અસરોનું વર્ણન આપણા ધાર્મિક ગ્રંથોમાં જે વાસ્તવમાં ઈતિહાસના ગ્રંથો છે, જેમાં ઉપલબ્ધ છે જેના અભ્યાસ અને શિક્ષણ આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો મૂળ આધાર હતો. જીવન માટે જરૂરી અન્ય તમામ જ્ઞાનવિદ્યાઓ, વાણિજ્ય, વેપાર, ખેતી, ચિકિત્સા, તીરંદાજી, યુદ્ધ, શસ્ત્ર, તંત્ર, હસ્તકલા, કળા, કૌશલ્ય, સમાજશાસ્ત્ર અને જીવનના સૌથી સૂક્ષ્મ જ્ઞાનનું શિક્ષણ આ ધાર્મિક ઇતિહાસ ગ્રંથોની આસપાસ, ગુરુકુળો અને ઋષિમુનિઓના આશ્રમોમાં અપાતું/મળતું હતું. મનુષ્યને જીવનના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ જ નહી, પરંતુ નર થી નારાયણ સુધીનો માર્ગ બતાવનાર શિક્ષણ પદ્ધતિ આપણી સંસ્કૃતિને અકબંધ રાખવાવાળી જીવન શક્તિ હતી. મહાભારતમાં વીર માતા વિદુલાની એક ઘટના છે, તેનો પુત્ર સંજય યુદ્ધમાં પીઠ બતાવીને ભાગી ગયો. ત્યારે માતા વિદુલા તેને તેના પૂર્વજોના પરાક્રમી કાર્યોની યાદ અપાવે છે. સંજયની બહાદુરી અને આત્મસન્માન જાગે છે અને તે સિંહની જેમ દુશ્મન પર ત્રાટકીને વિજય હાંસલ કરે છે. (મહાભારત ઉદ્યોગ -પર્વ) વિદુલા સંજયના આ વૃતાંત દ્વારા માતા કુંતી પાંડવો માટે ક્ષાત્રધર્મનું પાલન કરવા યુદ્ધ માટે તૈયાર રહેવાનો સંદેશ શ્રીકૃષ્ણના માધ્યમથી મોકલે છે.

મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ જયારે ગુરુ વશિષ્ઠ પાસે અભ્યાસ કરવા જાય છે, ત્યારે ગુરુ વશિષ્ઠજી તેમને તેમના પૂર્વજો મનુ, ઋષભદેવ, ભરત, હરિશ્ચંદ્રથી લઈને રઘુ અને દશરથ સુધીના તમામ મહાપુરુષોનો ઈતિહાસ સંભળાવી તેમના શ્રેષ્ઠ માનવીય ગુણો અને મહાન કાર્યોની યશોગાથાઓથી તેમને પ્રેરણા આપે છે. યોગીરાજ શ્રી કૃષ્ણના જીવનમાં શ્રી ઋષિ સાંદીપનિએ ભૂતકાળમાં ધૃવ, પ્રહલાદ, શ્રીરામ, હનુમાન વગેરે જેવા અનેક મહાપુરુષોના વૃતાંત સંભળાવી તેમની શ્રેષ્ઠતાને જાગૃત કરી. છત્રપતિ શિવાજીને માતા જીજાબાએ રામાયણ અને મહાભારતની શૌર્ય કથાઓ સાંભળાવી તો જીવન શોર્યમય બન્યું.

इदं पुसधनं चैव वीरा जनमेध च।
अमिक्ष्णं गभिणी श्रुत्व ध्रुवं प्रजयेस ॥
(महाभरत-उद्येग 133 वं अध्यय)

સદ સંસ્કારના બીજ બાળકોના હૃદયમાં આ પ્રકારે શૌર્યપૂર્ણ ઈતિહાસ કથાઓ સંભળાવીને કરી શકાય છે. મહાત્મા ગાંધીના બાળમાનસ પર સત્યવાદી હરિશ્ચંદ્રના જીવનની એવી અસર પડી કે તેમણે જીવનભર સત્યનું આચરણ કરવાનું વ્રત સ્વીકાર્યું.

અંગ્રેજો ભારતમાં સ્થાપિત થયા. તેમણે ભારતીય શિક્ષણને નષ્ટ કરી પશ્ચિમી શિક્ષણ, વિકૃત ઇતિહાસ અને વિકૃત સંસ્કૃતિનું શિક્ષણ આપવાના વિચારથી નવી શિક્ષણ પ્રણાલી લાગુ કરી અને ભારતીય શિક્ષણ પ્રણાલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અંગ્રેજી માધ્યમ અને અંગ્રેજી શિક્ષણ પધ્ધતિથી ભણનારાઓને સરકારી નોકરીઓ, ઉચ્ચ હોદ્દાઓ, વિવિધ પ્રકારના હોદ્દા, રાય બહાદુર, સર, સાહેબ બહાદુર, અંગ્રેજોની સભા, મંડળીઓ અને ક્લબનું સભ્યપદ, લશ્કરી વહીવટ વગેરે સારી પોસ્ટની લાલચમાં ફસાવવામાં આવતા. અંગ્રેજ સ્ત્રીઓ સાથેના લગ્ન સંબંધો અને તેમાંથી જે નવો વર્ણસંકર એંગ્લો-ઇન્ડિયન વર્ગ તથા સાહિત્યકારો અને ઇતિહાસકારોનો એક વર્ગ ઊભો થયો જે અંગ્રેજ અને અંગ્રેજી માનસિકતાથી જોતા અને વિચારતા થયા.

બ્રિટિશ ઈતિહાસકારોએ આર્યો મધ્ય એશિયામાંથી ભારતમાં આવવાનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો જેનો હેતુ ભારતની લાખો વર્ષ જૂની ઐતિહાસિક પરંપરા જે મનુ-ઋષભ-ભારત-સગર-હરિશ્ચંદ્ર, ભગીરથ, મહાવીર, રામકૃષ્ણથી આજ સુધી ચાલુ છે, તેને અસત્ય સાબિત કરીને ભારતીય સંસ્કૃતિનું મૂળ મધ્ય એશિયા અને યુરોપમાં સ્થાપિત કરવાનું હતું. તેમના મતે આર્યો મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા અને ભારતીયોને સુશિક્ષિત કર્યા તેઓ પણ યુરોપમાંથી આવ્યા અને ભારતને સંસ્કારી અને શિક્ષિત બનાવી રાખ્યા; આર્યો, શક, હુણ, કુષાણ, મોંગોલ, તુર્ક, મુઘલો બધા બહારથી આવીને અહીં રાજ કર્યું તો તેઓ યુરોપમાંથી આવીને રાજ કરતા હોય તો એમાં ખોટું શું છે? ભારત અનેક દેશોના લોકો અને ઘણા દેશોની સંસ્કૃતિથી બનેલું છે. કાફિલે જુડતા ગયા કારવા ચલતા ગયા.

યુરોપીય સમાજની નિર્લજ્જ જીવનશૈલી યુરોપ, અમેરિકા અને રશિયાની આર્થિક ઔદ્યોગિક અને ટેક્નિકલ પ્રગતિના મૃગજળમાં તેઓ ભારતની પ્રાચીન શિક્ષણ પ્રણાલી, સદ્દસંસ્કાર, મહાપુરુષ, ધર્મ અને આધ્યાત્મિકતાને રૂઢિચુસ્ત અને માનતા હતા. તેમણે “નેશન ઇન મેકિંગ ની ફળસ્વરૂપના પ્રભાવથી ભારતની આત્માને નષ્ટ કરી. તેના પરિણામે આજે આપણે સામાજિક જીવનના દરેક ક્ષેત્રમાં જીવનમૂલ્યોના પતન દેખાઇ રહ્યું છે. ભ્રષ્ટાચાર, અનૈતિકતા, અસંવેદનશીલતા, આદર્શોનો અભાવ, દેશદ્રોહ, માનવ જીવનના શાશ્વત મૂલ્યોની અવગણના, ચારિત્રહીનતા અને આધ્યાત્મિકતા પ્રત્યેની ઉદાસીનતા જે આપણી યુવા પેઢીમાં ફેલાયેલી છે, આ બધું એ જ બિનરાષ્ટ્રીય, વિદેશી શિક્ષણ પદ્ધતિ અને ઈતિહાસ પ્રતિ બિનરાષ્ટ્રીય વિદેશી વલણનું પરિણામ છે.

વિદેશીઓનો પોતાનો સ્વાર્થ હતો કે તેઓ દેશને ગુલામ રાખવા માંગતા હતા. ક્રૂરતા, છેતરપીંડી અને ચાલાકી દ્વારા રાજ્ય કબજે કર્યાનું તેને ધમંડ હતું. તેઓ પોતાને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા અને જ્યારે તેઓએ જોયું કે ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, જ્ઞાન, વિજ્ઞાન અને જીવનશૈલી આપણા કરતા અનેક ગણી ચડિયાતી છે તો તેઓએ તેનો નાશ કરવાની યુક્તિઓ અપનાવી. વિદેશીઓનું સર્વશ્રેષ્ઠ જે કંઈ છે તેને ખોટું સાબિત કરવા માટે ષડયંત્ર અથવા શિક્ષણ પદ્ધતિને નષ્ટ કરી યુરોપિયન શિક્ષણ પ્રણાલીને લાગુ કરવાનું હતું. ઈતિહાસને વિકૃત કરી તમામ સ્તરે અભ્યાસક્રમમાં તેનો અમલ કરવો. દેશ તેમના દુષ્ટ વર્તુળમાં ફસાઈ ગયો. સૌથી દુ:ખદ પાસું એ છે કે આઝાદી પછી પણ આ ચાલુ રહ્યું. આ સૌથી મોટી વિડંબના હતી. આઝાદી પછી ભારતમાં ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી લાગુ થવી જોઈતી હતી. શિક્ષણનો ઉદ્દેશ્ય દરેક સ્તરે આત્મનિર્ભરતા, સ્વ-ભાષા, સ્વ-સંસ્કૃતિ, સ્વદેશી જીવનશૈલી માટે ઉત્કૃષ્ટ દેશભક્તિ સ્ત્રોત બનીને સારા નાગરિકો બનાવવાનું માધ્યમ બનેત. તમામ પ્રકારનું ઉત્પાદન આપણે અને આપણી ટેક્નોલોજી થાય, આપણી પોતાની ચિકિત્સાપધ્ધતિઓ, સ્વદેશી ન્યાય પ્રણાલી, સ્વદેશી ટેક્નોલોજીથી કૃષિ ઉત્પાદન, દેશી ગાય સંવર્ધન, સૌર ઊર્જા અને પવન ઊર્જાનો વિકાસ કરીને ઊર્જાની સમસ્યા નિરાકરણ થયું હોત. પેટ્રોલિયમ પેદાશો માટે વિદેશીઓને પૈસા ચૂકવવા ન પડતા પરંતુ વિદેશી વિચારસરણીએ દરેક સ્તરે યુરોપિયન શૈલીનો અમલ કર્યો.

શિક્ષણ વ્યવસ્થા ધાર્મિક આધાર વગરની હોવાને કારણે આજે સમાજમાં નૈતિક ચારિત્ર્યનો અભાવ વધી રહ્યો છે. વ્યક્તિ ‘હું અને મારો સ્વાર્થ’ જીવનને આ દૃષ્ટિકોણથી જોઈ રહ્યો છે. સમાજ અને રાષ્ટ્રનું હિત તેમનાથી દૂર જતું રહ્યું. કુદરતી સંસાધનોની ફાળવણીમાં, સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, સેવા ક્ષેત્રના મોટા કૌભાંડો અને રમતગમતમાં જીત-હાર પણ વેચાવા લાગી છે. સામાજિક જીવનની આ તમામ ન્યૂનતા અને હ્રાસનું કારણ જો આપણે જોઈએ તો આપણી પેઢીઓને ઈતિહાસનું વિકૃત શિક્ષણ મળ્યું તે છે. જો ઉજ્જવળ અને ગૌરવશાળી ઈતિહાસનું શિક્ષણ આપ્યું હોત તો વિશ્વનું શ્રેષ્ઠ ચારિત્ર્યવાન અને શક્તિશાળી રાષ્ટ્ર બની શકયું હોત.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત