દુબઈનો ઇતિહાસ,ભૂગોળ અને આબોહવા….
મુંબઈ સમાચાર ટીમ
જ્યાં ૩૦ વર્ષ પહેલા ધૂળ ઉડતી હતી, ત્યાં અત્યારે વિશ્ર્વની શ્રેષ્ઠ ઇમારતો, રસ્તાઓ અને અત્યાધુનિક મેટ્રો દોડતી જોવા મળે છે. જ્યાં એક સમયે ફક્ત એક કે બે માળના મકાનો જોવા મળતા હતા ત્યાં હવે નજર ના પહોંચે તેવી ભવ્ય અને ગગનચુંબી ઇમારતો છે વિશ્ર્વભરના પ્રવાસીઓ અને વેપારીઓ જ્યાં દોડી જાય છે. તેવા દુબઈનો ઈતિહાસ પણ દુબઈ જેવો ભવ્ય છે.
દુબઈમાં સૌ પ્રથમ માછલી અને મોતીનો વ્યવસાય ઘણો ફૂલ્યો ફાલ્યો હતો પરંતુ જાપાને કૃત્રિમ મોતી બનાવતા મોતીનો બિઝનેસ સાવ પડી ભાંગ્યો અને તે જ અરસામાં તેલની શોધ પણ થઇ જે દુબઈ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ ત્યારે ઘણા લોકોએ મોતીનો વ્યવસાય છોડીને તેલ ક્ષેત્રમાં વ્યવસાય કરવાનું શરૂ કર્યું, તેમજ જ્યારે ૧૯૭૧માં બ્રિટનથી આઝાદી મળી ત્યારબાદ તેલનું ઉત્પાદન વધ્યું જેનાથી આ દુબઇની અર્થવ્યવસ્થામાં ઘણા મોટા ફેરફારો થયા અને દુબઇ કાચા તેલનું હબ બની ગયું.
દુબઈના અર્થતંત્રના મૂળમાં વેપાર રહે છે, આ શહેર વિશ્ર્વના બે સૌથી મોટા બંદરો અને વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઈ કાર્ગો હબનું સંચાલન કરે છે. આ ઔદ્યોગિક રોકાણ આકર્ષવા માટે ૧૯૮૦માં જેબેલ અલી ફ્રી-ટ્રેડ ઝોનની સ્થાપના કરનાર શેખ ઝાયેદ પાછળથી સંયુક્ત આરબ અમીરાતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને શેખ રશીદ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા.
દુબઈનું વિઝન શેખ રશીદનું હતું જે તેમના બાદ આવનાર શેખ મોહમ્મદે પૂર્ણ કર્યું હતું અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. શેખ ઝાયેદે યુએઈના રાજ્યોને એકીકૃત કરવામાં અને તેલની સંપત્તિ દ્વારા તેમને સમૃદ્ધ બનાવવામાં ભૂમિકા ભજવી હતી, તો બીજી તરફ શેખ રશીદે તેલના કારણે આગળના ભવિષ્યમાં કેટલો ફાયદો થશે અને દુબઈ કેવી રીતે હરણફાળ ભરશે તે વિશે વિચાર્યું અને તેનો અમલ કર્યો જેના પરિણામ સ્વરૂપે થોડા જ સમયમાં દુબઈ વૈશ્ર્વિક નકશામાં ઉભરાઇ આવ્યું હતું. દુબઈમાં એવી કોઇ બાબત નથી કે જે અશક્ય હોય. દુબઇના નિયમો અને નીતિઓ ખૂબજ મજબૂત છે. દુબઇ હંમેશાથી રૂઢિચુસ્ત સમાજ રહ્યો છે. તેમની પરંપરાઓ હજુ જૂની વિચારસરણી પ્રમાણે જ છે. પરંતુ તે પ્રવાસીઓની સુવિધા માટે ઘણી આધુનિક છે.
દુબઈ યુનાઈટેડ આરબ અમીરાતના પર્સિયન ગલ્ફ કિનારે આવેલું છે અને લગભગ દરિયાની સપાટીથી એ ૫૨ ફૂટ ઉપર છે. દુબઈ દક્ષિણમાં અબુ ધાબી, ઉત્તરપૂર્વમાં શારજાહ અને દક્ષિણપૂર્વમાં ઓમાનની સાથે તેની સરહદો જોડાયેલી છે.
દુબઈ અરેબિયન રણની અંદર છે. પરંતુ દુબઈની ટોપોગ્રાફી યુએઈના દક્ષિણ ભાગ કરતા તદ્દન અલગ છે, દુબઈનું લેન્ડસ્કેપ રેતાળ રણ છે, જેના કારણે ત્યાં વર્ષના દસ મહિના ગરમી રહે છે. પૂર્વમાં સબ્ખા તરીકે ઓળખાતો દરિયાકાંઠો છે.
દુબઈમાં કોઈ નદીઓ કે ઉદ્યાનો નથી, જો કે દુબઈમાં એક કુદરતી પ્રવેશદ્વાર છે. દુબઈ ગલ્ફ જેનો વિકાસ એ રીતે કરવામાં આવ્યો છે કે હાલમાં ત્યાંથી મોટા જહાજો આરામથી પસાર થઇ શકે છે. દુબઈમાં ઘણા પર્વતો પણ આવેલા છે પરંતુ આ તમામ પર્વતો મોટાભાગે રેતીના જ હોય છે. સિસ્મોલોજીકલ રીતે દુબઈ ખૂબ જ સ્થિર વિસ્તાર છે. તેથી ભૂકંપની શક્યતા નથી. આ ઉપરાંત દરિયાની ઊંડાઇ વધારે હોવાના કારણે અહીં સુનામી આવવાની સંભાવના પણ સાવ નહિવત્ છે. અહીંના રણ પ્રદેશમાં તમને ખજૂરના ઊંચા ઊંચા વૃક્ષો અને ફૂલોના બગીચા જોવા મળશે. જો કે હવે દુબઈ સરકારે આયાત કરીને નવા વૃક્ષો ઉગાડવાના પણ શરૂ કર્યો છે.