કવર સ્ટોરી: ભૂતકાળમાં હિંદુઓનાં તૂટેલાં ધર્મસ્થાનો પર આજે એમનો અધિકાર છે, પણ…
-વિજય વ્યાસ
ભારતમાં ઠેર ઠેર મંદિર-મસ્જિદ વિવાદો વધી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો આદેશ આપીને કોઈ પણ ધર્મસ્થાનનો સર્વે કરવાનો આદેશ નહીં આપવા નીચલી અદાલતોને ફરમાન કર્યું છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, મંદિર તોડીને મસ્જિદ બનાવાયું હોવાના દાવા સાથેની કોઈ પણ અરજીના કિસ્સામાં સર્વે સહિતની કોઈ પણ કામગીરી કરવાની મંજૂરી ના આપવી કે આવી કોઈ નવી અરજી સ્વીકારવી નહીં. આપણે ત્યાં અત્યારે ધર્મસ્થાનો અંગે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ (વિશેષ જોગવાઈઓ), ૧૯૯૩’ અમલમાં છે. આ કાયદાને નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષકારો દ્વારા અરજીઓ થઈ છે અને સામે મુસ્લિમ પક્ષકારોએ એ કાયદાને નાબૂદ ના કરી શકાય એવી અરજીઓ કરી છે.
સુપ્રીમ કોર્ટે પોતે વર્શિપ એક્ટની બંધારણીય કાયદેસરતા ના ચકાસી લે ત્યાં સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયાની અંદર વર્શિપ એક્ટને પડકારતી અને વિરોધ કરતી અરજીઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા પણ કહ્યું છે અને જ્યાં સુધી કેન્દ્ર સરકાર જવાબ દાખલ નહીં કરે ત્યાં સુધી વર્શિપ એક્ટ પર સુનાવણી નહીં થાય એ પણ સ્પષ્ટ કર્યું છે. સુપ્રીમ કોર્ટના આ વલણને કારણે મથુરાની ઈદગાહથી માંડીને અજમેર શરીફની દરગાહ સુધીનાં ધર્મસ્થાનોના મામલે ટેબ્લો પડી ગયો છે.
કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણમાં માનતી તેથી મુસ્લિમ ધર્મસ્થાનો પર દાવા ના થાય એટલે ૧૯૯૧માં કેન્દ્રની નરસિંહરાવ સરકારે દેશનાં તમામ ધાર્મિક સ્થળને લગતા વિવાદોમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ,૧૯૯૧’ બનાવ્યો હતો. અયોધ્યાના રામ જન્મભૂમિ સંકુલ સિવાયનાં તમામ ધર્મસ્થાનોને આ કાયદા હેઠળ રક્ષણ અપાયું હતું. આ એકટમાં ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો ત્યારે દરેક ધર્મસ્થળ જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં રાખવાની સ્પષ્ટ જોગવાઈ છે. આ જોગવાઈ તમામ ધર્મસ્થાનને લાગુ પડે છે ને તેનો સીધો અર્થ એ થાય કે,હિંદુવાદીઓ હિંદુ મંદિરો તોડીને બનાવાયેલી મસ્જિદો સહિતનાં હિંદુ ધર્મસ્થાનો પર દાવો ના કરી શકે. મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોય કે દરગાહ, ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જે સ્થિતિમાં હતી એ જ સ્થિતિમાં રાખવી પડે. આ વર્શિપ એક્ટ મુસ્લિમ તુષ્ટિકરણના રાજકારણનો વરવો નમૂનો છે કેમ કે તેમાં મુસ્લિમ આક્રમણખોરોએ આચરેલી અસભ્યતાને કશું બોલ્યા વિના સ્વીકારી લેવાની વાત છે. ભારતમાં આક્રમણ કરનારા મુસ્લિમ શાસકોએ અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી હતી એવો ઉલ્લેખ આ મુસ્લિમ શાસકોએ લખેલા કે લખાવેલા ઈતિહાસમાં જ છે. માત્ર મંદિરો જ નહીં પણ બૌદ્ધ અને જૈન ધર્મનાં ધર્મસ્થાનો તોડ્યાં હોવાના ઐતિહાસિક પુરાવા પણ ઉપલબ્ધ છે.
Also read: હેં… ખરેખર?!: ચૌરાસી મંદિર પાસે જવામાં ફફડાટ, દૂરથી જ નમસ્કાર
અયોધ્યા વિવાદમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)’એ પુરાવા આપેલા. એ રીતે બીજાં ધર્મસ્થાનોમાં પણ ખોદકામ કરવામાં આવે તો એ પ્રકારના પુરાવા મળે જ…વર્શિપ એક્ટ દ્વારા આ તમામ ખોદકામ અને દાવા કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો કેમ કે કોંગ્રેસને મુસ્લિમોને પંપાળીને એમના મત લેવામાં રસ હતો. વર્શિપ એક્ટ વાહિયાત છે તેમાં બેમત નથી, પણ ગમે તેવો પણ એ દેશનો કાયદો છે અને આ દેશના નાગરિકોએ તે અમલમાં છે ત્યાં સુધી આ કાયદો પાળવો જ પડે. આ દેશ હિંદુઓનો છે એ જોતાં દેશના કાયદા અને બંધારણીય જોગવાઈઓનું જતન કરવાની જવાબદારી સૌથી વધારે હિંદુઓની છે તેથી હિંદુઓએ અમલમાં છે ત્યાં સુધી વર્શિપ એક્ટને માન આપવું જોઈએ એ ખરું, પણ જે હિંદુઓનાં ધર્મસ્થાનો આક્રમણખોરોએ તોડ્યાં એ પણ હિંદુઓને પાછાં મળવાં જ જોઈએ.
જોકે, વર્શિપ એક્ટ અમલમાં હોય ત્યાં સુધી આ ધર્મસ્થાનો પાછાં મળવાનાં નથી એ જોતાં હિંદુઓએ વર્શિપ એક્ટ નાબૂદ કરાવવા માટે પૂરી તાકાત લગાડવી પડે. સુપ્રીમ કોર્ટમાં હમણાં વર્શિપ એક્ટ નાબૂદ કરાવવા અરજી થઈ છે, પણ સુપ્રીમ કોર્ટ વર્શિપ એક્ટને નાબૂદ ના કરી શકે, કારણ કે આ દેશમાં સંસદ સર્વોપરિ છે ને સંસદે બનાવેલો કાયદો કોઈ ના બદલી શકે, સુપ્રીમ કોર્ટ પણ નહીં. સુપ્રીમ કોર્ટ તેનું અર્થઘટન કરી શકે ને બંધારણની મૂળભૂત જોગવાઈઓથી વિરોધાભાસી હોય તો નાબૂદ કરી શકે, પણ વર્શિપ એક્ટમાં એવું કશું નથી. આ સંજોગોમાં વર્શિપ એક્ટ સંસદમાં કાયદો લાવીને જ નાબૂદ કરી શકાય ને એ કામ આ દેશની હિંદુવાદી કહેવાતી મોદી સરકારે જ કરવું પડે.
દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, પણ ભાજપ સરકારે વર્શિપ એક્ટ નાબૂદ કરવા કશું કર્યું નથી. હિંદુઓ માટે સૌથી મહત્ત્વનો મુદ્દો હોવા છતાં ભાજપના એજન્ડામાં જ એ મુદ્દો નથી. ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ સહિતનાં કહેવાતાં હિંદુવાદી સંગઠનો પણ આ મુદ્દે કશું બોલતાં નથી. બલ્કે મોહન ભાગવતે તો સોઈ ઝાટકીને કહી દીધું છે કે, વારાણસી કે મથુરાના મુદ્દા અમારા એજન્ડામાં જ નથી…! સુપ્રીમ કોર્ટમાં વર્શિપ એક્ટ નાબૂદ કરાવવા માટે જે હિંદુવાદીઓ ગયા છે તેમાં પણ સંઘ કે કહેવાતાં હિંદુવાદી સંગઠનોમાંથી કોઈ નથી. આ સંજોગોમાં હિંદુઓએ મુસ્લિમ આક્રમણખોરોએ તોડી પાડેલાં ધર્મસ્થાનો પાછાં લેવાની લડાઈ પોતે જ લડવી પડે. કોઈ એમને મદદ નહીં કરે પણ જશ લેવાનો આવશે ત્યારે બધા કૂદી પડશે.
અયોધ્યામાં ૬ઠ્ઠી ડિસેમ્બર,૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તૂટી પછી ભાજપ કે સંઘ વગેરે કોઈ જવાબદારી લેવા જ તૈયાર નહોતું ને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં કેસ પણ અયોધ્યાના હિંદુવાદીઓ જ લડતા હતા, પણ જેવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો હિંદુઓની તરફેણમાં આવ્યો કે તરત તેનો જશ ખાટવા લાઈન લાગી ગઈ! એ જ લોકો વર્શિપ એક્ટને નાબૂદ કરવા કશું કરી રહ્યા નથી પણ કાલે જશ ખાટવા ઉભા થઈ જશે.
આ સમસ્યાનો એક ઉકેલ મુસ્લિમ અને હિંદુ પક્ષકારો દ્વારા સમજદારીભર્યું વલણ અપનાવાય એ છે. આ અંગે થોડાં વરસો પહેલાં ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવનારા વસીમ રિઝવીએ રસપ્રદ સૂચન કર્યું હતું. રિઝવી હિંદુત્વ અપનાવીને જીતેન્દ્રનારાયણ સિંહ ત્યાગી બન્યા એ પહેલાં ઉત્તર પ્રદેશ શિયા વકફ બોર્ડના ચેરમેન હતા. ૨૦૧૮માં અયોધ્યાના રામજન્મભૂમિ વિવાદનો ચુકાદો નહોતો આવ્યો અને કોર્ટ બહાર ઉકેલની મથામણો ચાલતી હતી ત્યારે રિઝવીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને અપીલ કરી હતી કે, ભારતમાં જે જે હિન્દુ મંદિરોને તોડીને મસ્જિદો બનાવામાં આવી છે એ તમામ ધર્મસ્થાનો હિંદુઓને સોંપી દેવાં જોઈએ.
Also read:મોર્નિંગ મ્યૂસિંગ: લગ્ન સંસ્થાના ગબડતા પથ્થર પર કચરો જામી ગયો છે, એટલે…
વસીમ રિઝવીએ પોતાના પત્રમાં આવાં નવ મુસ્લિમ ધર્મસ્થાનોનો ઉલ્લેખ કર્યો હતો. એમના મતે આ નવ મસ્જિદો વિશે મુસ્લિમ શાસકોએ મંદિર તોડી મસ્જિદનું નિર્માણ કર્યું હતું તેવો સ્પષ્ટ રીતે ઈતિહાસમાં ઉલ્લેખ છે. અયોધ્યાની બાબરી મસ્જિદ ઉપરાંત મથુરાના કેશવ દેવ મંદિર, જોનપુરના અટાલા દેવ મંદિર, વારાણસીનું કાશી વિશ્ર્વનાથ મંદિર, પાટણના રુદ્ર મહાલય, અમદાવાદના ભદ્રકાલી મંદિર, પશ્ર્ચિમ બંગાળના પંડુવાની અદીના મસ્જિદ, મધ્ય પ્રદેશના વિદિશાના વિજયા મંદિર અને કુતુબ મિનારનો રિઝવીએ ઉલ્લેખ કર્યો હતો. એમનું સૂચન હતું કે, હિંદુ અને મુસ્લિમ આગેવાનો સાથે બેસીને કેટલાં ધર્મસ્થાનો સોંપવાં તેનો નિર્ણય લાવીને કાયમ માટે આ વિવાદને શાંત કરી શકે. એક વાર નક્કી થાય પછી બાકીનાં ધર્મસ્થાનો અંગે કોઈ વિવાદ નહીં કરવા બંને પક્ષો સંમત થાય તો કોઈ ડખો ના થાય. આ વિકલ્પ હજુ ખુલ્લો જ છે.