અરે આનંદો: કોઇકનાં ‘સારા દિવસો’ ચાલી રહ્યા છે!
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ: શાતા આપે એ માતા. (છેલવાણી)
ડૉકટરે એક છોકરીને કહ્યું, “કોંગ્રેજ્યુલેશન્સ, તમે પ્રેગ્નન્ટ છો!
ત્યારે પેલીએ ભોળાભાવે પૂછયું,”તમે શ્યોર છોને કે એ બાળક મારું જ છે? “આમાં હસવાની છે પણ અને નથી પણ. જો કે પ્રેગ્નન્સી બહુ સેંસેટિવ બાબત છે. એના વિશે લખતા પહેલાં સો વાર વિચારવું પડે. તમને થશે કે આ પ્રેગ્નન્સીની લપ શું કામ માંડી છે? પણ એ માટે અમારી પાસે ‘ટ્વિન્સ’ કારણો છે: એટલે કે બે-વે જુડવા કિસ્સા છે. જેમાં પહેલો કિસ્સો, સત્યઘટના ટાઇપનો થોડો ટ્રેજિ-કોમિક છે, પણ એને હળવાશથી લેજો:
અમારા ૪૫ વર્ષનાં મિત્રની પત્ની, કોણ જાણે કેમ પણ અમારી વાતો સાંભળીને, અમને કોઇ મહાન ‘ફિલોસોફર’ કે ‘ગુરૂ’ માની બેઠા છે! કારણ કે એ બહેન, હમણાં થોડાં દિમાગથી હલેલાં છે એટલે અમે અમસ્તાં જ ક્યારેક આપેલી કશીક સલાહ સાંભળીને એમને અચાનક અમારામાં કોઇ સ્વામી ‘છેલબાપુ’ દેખાવા માંડયા છે. ‘ગાઇડ’-ફિલ્મના દેવ આનંદ જેવી કફોડી હાલત થઇ ગઈ કે- ‘માન ના માન,મૈં મહાત્મા!’ એ બહેન, જ્યારે જ્યારે માનસિક રીતે અસ્વસ્થ હોય કે એનું બી.પી. વધી જાય ત્યારે અમે સાદી સલાહો આપીએ કે- ઊંડા શ્ર્વાસ લો, ૧૦૧વાર મનમાં પવિત્ર મંત્ર બોલો..વગેરે. એકચ્યુઅલી, અમે તો અમારી લાઇફનાં પ્રશ્નો યે સોલ્વ નથી કરી શકતાં ત્યાં બીજાને શું જ્ઞાન આપવાના? એટલે શરૂ શરૂમાં તો આ ગુરુગીરીમાં અમને રમૂજ થતી પણ પછી કંટાળો આવવા લાગ્યો.
એવામાં વળી એ બહેન, છેક ૪૫ વર્ષે અચાનક પ્રેગ્નન્ટ થઇ ગયાં. એમાં વળી એના પતિ બેકાર ને બીમાર. ઉપરથી ૨૦-૨૨ વર્ષનાં કોલેજિયન પુત્ર-પુત્રી. ઘરની આર્થિક સ્થિતિ, આપણાં દેશની ઇકોનોમી જેવી ડામાડોળ. અમે સલાહ આપી કે આવામાં આ ઉંમરે ત્રીજું બાળક ના પોસાય. ડો.ને મળીને પ્રોબ્લેમ સોલ્વ કરો પણ પતિ-પત્ની માને જ નહીં! “આ તો જીવ-હત્યા કહેવાય, જન્મનારાં બાળકનો શો દોષ? સંતાન તો પ્રભુની પ્રસાદી છે- આવું બધું વિચારવા માંડ્યા. મા, પેલી બનવાની હતી પણ પ્રસવ પીડા જેવી ચિંતા અમને થઇ રહી હતી કારણ કે પેલીની મૂર્ખતા એનાં આખા ઘરને ભારે પડી શકે એમ હતી પણ માનવા તૈયાર જ નહીં. પછી જૂની ફિલ્મોમાં કુંવારી માતા, નવજાત શિશુને મંદિરનાં પગથિયે મૂકીને ભાગી જતી એમ અમે પણ કંટાળીને આખો પ્રોબ્લેમ ભગવાનને સોંપીને માથું મારવાનું બંધ કર્યું.
પછી અચાનક મેસેજ આવ્યો કે આપો આપ જ મિસ-કેરેજ થઇ ગયું, પ્રોબ્લેમ સોલ્વ્ડ! અમને ‘હાશ’ થઇ પણ વાત અહીં અટકતી નથી. હવે એ બહેને એવું માનવાનું શરૂ કર્યું કે-“એ બાળક, ખૂબ સમજદાર હતું. અમારા લોકોનાં સંજોગો સારા નહોતા એટલે એણે પોતે જ સમજીને આ જગતમાંથી વિદાય લીધી!! વગેરે વગેરે… સાંભળીને થયું કે ૨૦૨૩માં પણ કેવા વેવલા લોકો વસે છે. હવે પાછું એ બહેનને હવે સતત એવા વિચાર આવે છે કે કસૂવાવડમાં મરી પરવારેલ સદ્ગત ગર્ભ પાછળ ક્રિયા-કર્મ કરાવવા એ લોકોએ ઉધારી કરીને ગોદાવરી-નાશિકમાં પૂજા ને જમણવાર રાખવો! આ સાંભળીને થયું કે ભગવાન અમને જ ગોદાવરીમાં ડૂબાડી દે તો સારું. હવે ડર લાગે છે કે ૨ મહિનાનાં ગર્ભ પાછળ, એ લોકો શોકસભા ગોઠવશે ને અમારે સફેદ લૂગડાંમાં ખરેખર જવું પડશે? આખરે અમે એ લોકો સાથે કોન્ટેકટ્સ કાપી નાખ્યા.
ઇન્ટરવલ:
મારા કમખામાં ચોમાસું એવું ઊમટ્યું કે
ચિતરેલી નદીયું યે છલકી ઊઠી. (અનીલ જોષી)
અહીં કોઇની ભાવુકતા કે માતૃત્વની મજાક ઉડાડવાનો આશય નથી પણ વેવલાઇની હદ હોય ને? આપણાં રિવાજો, આપણી પુરાણ-કથાઓ અને પોચટ સાહિત્યકારોએ માતૃત્વ, સંતાન-જન્મને એવાં ઊંચા આસને બેસાડી દીધાં છે કે સામાન્ય માણસનાં મનમાં પાપ-પુણ્ય-પુનર્જન્મ વગેરેની ગ્રંથિઓનાં ગાડાંના ગાડાં પાર્ક થઇ ગયાં છે.
વેઇટ, વાર્તામાં ટ્વિસ્ટ બાકી છે. હવે એ બહેન, ફરીથી પ્રેગ્નન્ટ થઇ જવાનાં ડરને લીધે, આજકાલ પતિને અડકવા નથી દેતી અને પતિ, પત્નીને મનાવવા વયસ્ક સંતાનોની હાજરીમાં પેલીની આગળ-પાછળ દોડે છે ને ઘરમાં હવે નવી બેડરૂમ કોમેડી ચાલુ થઇ છે!
તમે કહેશો કે ઇવન, જાનવરોને પણ સમજાય છે કે એમના માટે સારું શું અને ખરાબ શું. તો બીજો કિસ્સો એ જ છે. થોડા વરસ અગાઉ ચાઇનાનાં પ્રાણી સંગ્રહાલયવાળાઓ, ‘પાંડા’ નામનું સફેદ રીંછ, ‘પ્રેગ્નન્ટ છે’-એવું ભૂલથી માની બેઠા. કયૂટ દેખાતાં પાંડા, લુપ્ત થઇ રહેલી પશુઓની જાતિ છે એટલે એમની જગભરમાં ખાસ જાળવણી કરવામાં આવે છે. પછી તો એ પ્રેગ્નન્ટ પાંડાબહેનને માનપૂર્વક એ.સી. પાંજરામાં મૂકવામાં આવ્યાં. પાંડાબ્હેનને સારાં સારાં ફ્રૂટઝ, મીઠાં-મીઠાં બન-પાંવ, કૂમળાં વાંસની આઇટેમો વગેરે લાડથી ખવડાવવામાં આવી. નર પાંડા, પ્રેગ્નન્સી દરમ્યાન માદાને તકલીફ ના આપે એટલે એમને દૂર તડકામાં નોર્મલ પાંજરામાં મૂકવામાં આવ્યાં.
નોર્મલી, માદા પાંડા ૧૬૦ દિવસમાં બાળક જણતી હોય છે એટલે પાંડાબહેન આજે બાળક પેદા કરશે, કાલે કરશે એમ વિચારીને ઝૂનાં સ્ટાફે વિડીયો કેમેરા વગેરે ગોઠવી રાખ્યા પણ મહિનાઓ પછી ખબર પડી કે પાંડાબહેને તો પ્રેગ્નન્ટ છે જ નહીં અને મફતની મજા માણવા એણે પણ સાવ ખોટું નાટક ચાલુ રાખેલું જેથી સ્પે. મહેમાનગતિ માણી શકાય! ભોળાં લાગતાં પાંડાબહેન કેટલા શાણાં હતા અને એની સામે પેલાં બહેન કેટલાં ભોળાં!
સારું છે કે એ પાંડાબહેન ભારતમાં નહોતાં નહિતર એનો ખોળો ભરવામાં આવ્યો હોત. પાંડા બચ્ચાંનાં નામ રાખવામાં આવ્યાં હોત ને જ્યારે પાંડાબહેનની સુવાવડ ના થઇ હોત તો મેણાંટોણાં પણ મારવામાં આવ્યાં હોત!
એંડ-ટાઇટલ્સ:
ઇવ: ૩૫ પછી પણ બાળક જન્મી શકે?
આદમ: હા..પણ ૩૪ બાળકોનું આપણે કરશું શું?