ઉત્સવ

હેં, ગુલ્લી.. અન-લિમિટેડ?!

વ્યંગ -ભરત વૈષ્ણવ

ખાનગી કંપની કે સરકારમાં નોકરી કરતાં બાબુઓને જાતજાતની રજા મળે છે. કેટલીક રજા માત્ર મહિલાઓને મળે છે. જેમ કે મેટર્નિટી લીવ, મિસકેરેજ લીવ. પુરૂષ કર્મચારી ધારે તો પણ આ રજાની મજા ભોગવી શકે નહીં. જ્યારે મહિલા કર્મચારી ઉપરથી નીચે પછડાય તો પણ પેટર્નિટી લીવ મળી શકે નહીં. મહિલા કર્મચારીઓને, માસિક ધર્મ આવે ત્યારે પેઇડ લિવ આપવાની મહિમ શરૂ થયેલી. અલબત, સારા કામમાં સો વિઘ્ન આવે એમ કહેવાય છે. દશેરાના દિવસે ઘોડું દોડે નહીં તે આનું નામ! લોકોના બંધારણીય હક્કોનું રક્ષણ કરવાની જેમના શિરે જવાબદારી છે એ સુપ્રીમ કોર્ટ લિવ મંજૂરી આડે બિલાડીની જેમ ઊતરી.

રજા એ જીવનનું અભિન્ન(નોકરી દરમિયાન ખાસ) અંગ છે. કેટલાક રજાપ્રેમીઓ કેલેન્ડરમાં રજાના દિવસો કે તારીખ પર લાલ પેનથી કુંડાળા કરે છે. કેટલીકવાર અલગ અલગ રજાઓ વચ્ચે વર્કિંગ-ડે હોય છે. કામ ન કરવું હોય અને માટે તો વર્કિંગ-ડે પણ હોલી-ડે છે, એ વાત અલગ છે.

આપણે રજાપ્રિય પ્રજા છીએ. જો આજના સમયે બાલ ગંગાધર તિલકે હાકલ કરવાની હોય તો તિલક મહારાજ બુલંદ અવાજે સાગર જેવી ગર્જના કરે ‘રજા એ મારો કર્મચારી સિદ્ધ હક્ક છે અને તે મેળવીને જંપીશ.’ મહાત્મા ગાંધીજી પણ ‘કાગડા કૂતરાંના મોતે મરીશ પણ રજા મેળવ્યા વિના પરત ફરીશ નહીં.’ એવો સંકલ્પ કર્યો હોત તેમ અમારો અવળચંડો રાજુ રદી ‘ડુ ઓર ડાઇ’ સ્લોગનના અંદાજમાં રજા લો અથવા બંક મારો’ના મૂડમાં રહે છે.

સરકારી બાબુઓ એક એવી રજા ભોગવે છે જેનો સાલું રજાની રુલબુકમાં પણ ઉલ્લેખ નથી. આ રજાને વિદ્વાનોએ અનેક નામથી વ્યાખ્યાયિત કરી છે. આ રજાને ગાપચીલીવ, ગુલ્લી, ગુટલી કે
બન્ક કે ફ્રેન્ચલીવ તરીકે ઓળખવામાં આવે છે આવી રજા એક કલાક, બે કલાક, અર્ધો દિવસ, પોણો દિવસ, આંખો દિવસ કે બે દિવસ પણ હોઇ શકે છે, જેના માટે બહાના જીભવગા હોય છે!

ઓફિસમાં બે કલાક મોડા પડીએ તો આંગળીના વેઢા ગણી શકાય તેટલા બહાના ઉપલબ્ધ હોય છે.ઘરે મહેમાન આવ્યા-ગળે ઊતરે તેવું બહાનું. ગાડીમાં પંકચર પડ્યું. મહિનામાં નવ નવ વાર પંકચર પડે તો ટાયર બદલ ભીડું.! બૅંકનું કામ, વીમાનું પ્રીમિયમ, સનની સ્કૂલમાં પેરેન્ટ બેઠક-કેટલા બહાના. એક ઢૂંઢો હજાર મિલે. નવ દસ વાર દાદી કે કાકી મરી જાય, પંદરવાર ફોઇનો પગ ભાંગે, આઠેકવાર એકની એક મામીનું સિમંત હોય, કારમાં અઠાવન વાર પંકચર પડે, ત્રેસઠ વાર વિધવા માસીને પ્રસૂતિ આવે. આ પ્રકારની ઘટના કુદરતી છે, સાહજિક અને પ્રાયોગિક છે, સાંયોગિક છે. આવું કાંઇ ષડયંત્ર રચી ન શકાય.

ગાપચી લીવની સંખ્યા મુકરર કરવામાં આવી નથી. ઉપરી સાથેના સંબંધો, સહકર્મી સાથે સુંવાળા (તમે કલ્પના કરો એ પ્રકારના ઉભા, આડા, ત્રાંસા સંબંધો નહીં.) અધિકારીને પોલ્સનના મારવાના આધારે ગાપચીલીવ મંજૂર થાય છે.

કેટલાક બાબુઓ રજા વાપરે છતાં રજાના હિસાબમાં રજા ઘટવાના બદલે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ રજામાં ઇજાફો થાય છે. ગાય-ભેંસની માફક રજા વિંયાય છે. કુંભકર્ણ રાવણનો ભાઇ હતો. તે પણ કિલ્લેદાર કે કમાંડર ઇન ચીફ કે મેજર જનરલ કે એવા કોઇ હોદા પર હશે. કુંભકર્ણ છ માસ ઘોરતા હશે તે સમયની તેની ફરજ પરની ગેરહાજરી કંઇ રજા તરીકે ઉધારતાં હશે? આ તો એક જેન્યુન સવાલ મનમાં થાય છે.

ગુલ્લી મારનાર કર્મચારી કે અધિકારી ખુદ ગબ્બર સ્થૂળદેહે ગમે તે જગ્યાએ ભ્રમણ કરતો હોય ટેબલ કે ચેમ્બરમાં પણ તેની હાજર હોવાનો ભ્રમ ઊભો કરવા સભાન પ્રયત્ન કરે છે. ખુરશી પાસે એક ઊંધું અને એક ચત્તું ચંપલ રાખે છે. ટેબલ પર ફાઇલ દોરી ખોલોને અધૂકડી ખુલ્લી રાખે છે. ફાઈલની નોટિંગ સાઇડ પર ચશ્માં મૂકે છે. કાગળો પર પેન ઢાંકણ ખોલીને મુકી રાખે છે. અરે, એક સો પાંત્રીસનો મસાલો મસળીને મસાલાનું પ્લાસ્ટિક ખુલ્લું રાખે છે. ઘણા મહારથી અડધી રજાનો રિપોર્ટ પેપરવેઇટ નીચે દબાવીને રાખે છે. જો કે, બીજા દિવસે કોઇએ તેની ગેરહાજરી અંગે પડપૂછ ન કરી હોય તો ટાઢા કલેજે રજાનો ગરમ રિપોર્ટ ફાડી પણ નાખે છે. કેવા સમજદાર એ લોક છે.

અર્જુન મહાભારતના ચાલુ યુદ્ધે પગ છૂટો કરવા કે સિગારેટ પીવા કે ચા પીવા કેન્ટિનમાં ગયો હોય તેવું તરકટ કરે છે.કોઇ પૂછે તો જવાબ મળે ‘માધવ અહીં જ ક્યાંક છે..’ ગાપચી મારનાર આદિલ મનસુરીની માફક લલકારે છે ‘ભરી લો ગાપચીલીવથી મહિનો, ફરી કદી ગાપચી મારવા મળે ન મળે!’

એક ઓફિસમાં પાંચ પચીસ બાબુ હોય તો એક-બે બાબુ ગુલી મારે તો ઓફિસમાં હાજરીને બાધ આવતો નથી. બાબુ વારાફરતી ગુલી મારે તો કોઇની આંખે ચડતા નથી. પચાસ ટકા કર્મચારી ગુલી પર હોય તો કોઇના પેટનું પાણી શું કામ હલવું જોઇએ? અરે, પોણા ભાગની કચેરીના બાબુ ગુલી મારે તો ક્યાં રાજ રંડાઇ જવાનું છે? આપણે આવો તો વેલકમ અને જાવ તો ભીડકમનું સૂત્ર ધ્યાનમાં લેવું!

તમે કદી ક્યારેય સાંભળ્યું છે કે સરકારના મહેસૂલ વિભાગ કે ગૃહ વિભાગના તમામ કર્મચારીઓએ સાગમટે ગુલ્લી મારી હોય? તમારો જવાબ ના હોય તો જવાબ બદલી નાખજો.આવો એક બનાવ હાલમાં આપણે ત્યાં બન્યો છે. તમે ચોંકી ન જતા.

ખેડા જિલ્લાની એક શાળાએ સાગમટે ગાપચી કહો કે ગુલ્લી મારવાનો રેકર્ડ તેમના નામે અંકે કર્યો છે. નડિયાદ તાલુકાના ચકલાસીના ઉમેદપુરાના ભીખા ઉમેદના કૂવા પાસે આવેલી પ્રાથમિક શાળામાં ચાલુ શાળાએ આચાર્ય તેમ જ શિક્ષકોએ સંપ, સહકાર અને સંગઠન ભાવના સુદ્રઢ કરી સામૂહિક ગાપચી મારવાનું કામ કરેલ છે. એક સામાજિક પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરવા શાળામાં ગાપચી મારી છે. શાળાના કાર્યાલયે ખંભાતી તાળું લટકાડી દીધું. સ્ટાફરૂમ પણ ખાલી જોવા મળે છે.અરે બ્લેકબોર્ડ, ડસ્ટર, ચોક, છોકરાને મારવાની માસ્તરની આંકણી, બેન્ચ, ખુરશી ટેબલ, પંખા, ચાર્ટ, સુવાકયોએ પણ માસ્તરો-આચાર્યને હમ સાથ સાથ હૈ કહી ગુલી મારી.જયારે એમને ગાપચી મારવા વિશે કોઇએ પૃચ્છા કરી તો મુગલે આઝમના ગીતમાં છેડછાડ કરી તેનું રિમિકસ કરી ગાયું :
‘ગુલી મારી તો ડરના કયા? ગાપચી મારી કોઇ ચોરી નહીં કી, બન્ક લગાયા તો શરમાવાના ક્યાં?!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button