હેં… ખરેખર?!: વિશ્ર્વની સૌથી ધનવાન સ્ત્રી કંજૂસ પણ અધધ છે!

પ્રફુલ શાહ
Harriet Robinson Green,, નામ હેરિએટ રૉબિન્સન ગ્રીન પણ ઓળખાય હેટ્ટી ગ્રીન તરીકે શા માટે ઓળખાય? અને ક્યાં? અમેરિકામાં ઓળખાય અને બે તદ્દન વિરોધાભાસી કારણોસર: સૌથી ધનવાન સ્ત્રી અને સૌથી કંજૂસ સ્ત્રી! લાગે છે ને એકદમ જ વિચિત્ર?
અમેરિકાના મેસેચ્યુટ્સ સ્થિત ન્યુ બેડફોર્ડમાં હેટ્ટીનો જન્મ 1834ની 21મી નવેમ્બરે. અત્યંત ધનવાન પિતાની એ એકની એક દીકરી. એનો એકનો એક ભાઈ બાળપણમાં સ્વર્ગે સિધાવી ગયો. આથી તે પરિવારની સંપત્તિની એકલી વારસ બનવાની હતી. આ બધી જવાબદારી એ બરાબર નિભાવી શકે એની પિતાને ચિંતા હતી. પરંતુ દાદા ગિડોજ હૉલેન્ડ તો હેટ્ટી છ વર્ષની હતી, ત્યારથી એને આર્થિક અખબારો વાંચવા પ્રોત્સાહન આપતા હતા. એટલું જ નહીં બચ્ચી સાથે આર્થિક વિષયોની ચર્ચા પણ કરતા હતા.
1867ની 11મી જુલાઈએ હેટ્ટીએ કરોડપતિ એડવર્ડ હેન્રી ગ્રીન સાથે લગ્ન કર્યા. એ સમયની કાનૂની વ્યવસ્થા મુજબ પતિને પત્નીની બધી સંપત્તિ અને હક્ક મળી જતા. પરંતુ હેટ્ટીના પિતા અને દાદાની અદમ્ય ઈચ્છા કે પોતાના નાણાકીય વ્યવહાર ખુદ હેટ્ટી સંભાળે અને પૈસા ખાતર તેણે કોઈ પર અવલંબન રાખવું ન પડે. આથી નવોઢા હેટ્ટીએ પતિને એ સમયમાં અસાધારણ ગણાય એવી વિનંતી કરી: મારી સંપત્તિ પરના બધા હક તમે જતા કરો. પતિદેવ માની પણ ગયા.
સમયે સાબિત કર્યું કે હેટ્ટીએ સાચો નિર્ણય લીધો હતો. પતિના હાથ બેફામ છુટ્ટા. ઘણીવાર તો હેટ્ટી તેની વહારે આવતી હતી. પરંતુ 1885માં હેટ્ટીએ તેનું દેવું ચૂકવવામાં નનૈયો ભણી દીધો. એડવર્ડે સત્તાવાર રીતે નાદારી જાહેર કરવી પડી. આ ઘટના બાદ પતિ-પત્ની છૂટાં થઈ ગયાં.
આ તરફ હેટ્ટી સમજદારીપૂર્વક મૂડી રોકાણ કરતી ગઈ. ડૉલરમાં વધઘટ, મોર્ગેજમાં રોકાણ, રિયલ એસ્ટેટ અને રેલરોડ પ્રોજેક્ટમાં રોકાણ કરી એ પોતાની આવક – સંપત્તિ વધારતી ગઈ. 1950ના એક અહેવાલ મુજબ એનું સ્થાન બ્રિટનની સૌથી ધનવાન બે ડઝન વ્યક્તિઓમાં હતું. આ યાદીમાં એ એક મહિલા હતી અને એની સંપત્તિ બ્રિટનના રાજા એડવર્ડ સાતમા કરતાં વધુ હતી!
સ્વાભાવિક છે કે આટલી બધી સંપત્તિ અને દુનિયાના ટોચના ધનવાનોમાં માનભર્યા સ્થાનને લીધે મીડિયાની નજર એના પર રહેવા માંડી.
આ પણ વાંચો: હેં… ખરેખર?! : હાય હાય ગરમી: સૌથી હૉટેસ્ટ સ્થળે ઉષ્ણતામાન 70 ડિગ્રી
હેટ્ટી ગ્રીનનો ઝડપભેર આર્થિક વિકાસ થવાનું એક કારણ હતું. Geelded Age. આ ગિલ્ડેડ યુગ એટલે અમેરિકન ઈતિહાસનાં 1860થી 1890 સુધીનો ગાળો. આ તબક્કામાં અમેરિકામાં ઔદ્યોગિકરણ થયું. ટેક્નોલોજીનો વિકાસ નોંધાયો. સંપત્તિમાં અધધ અસમાનતા નોંધાઈ. આ શબ્દ ‘ગિલ્ડેડ એજ’ શોધ્યો માર્ક ટ્વેઈન અને ચાર્લ્સ ડુડલી વોર્નરે. બન્ને એ પોતાના પુસ્તક ‘ધ ગિલ્ડેડ એજ: અ ટૅલ ઑફ ટુડે’માં ધનવાન અને સંઘર્ષરત શ્રમિક વર્ગ વચ્ચેની ઊડીને આંખ વળગતા વિરોધાભાસ તથા કૃત્રિમ સમૃદ્ધિને વર્ણવતા આ શબ્દસમૂહનો ઉપયોગ કર્યો હતો.
તો ગિલ્ડેડ યુગમાં હેટ્ટી ગ્રીનના નામની બોલબાલા હતી. એની મૂડીરોકાણ સૂઝબૂઝ અને વધતી સંપત્તિને લીધે એને માન-સન્માન મળતા અને સૌની નજરમાં ય રહેતી હતી. એમાંય 1902માં છૂટા પડી ગયેલા પતિના અવસાન બાદ તો ભારે કાળા કપડાંથી માથું ઢાંકીને ફરવા માંડી. પછી એ ક્યારેય સામાન્ય વસ્રોમાં શેરીમાં ન દેખાઈ. આને લીધે તેને ‘ધ વિચ ઑફ વૉલ સ્ટ્રીટ’ અર્થાત્ વૉલ સ્ટ્રીટની ડાકણનું બિરુદ અખબારોએ આપ્યું.
આ પણ વાંચો: હેં… ખરેખર?! : નવ દેશમાંથી વહેતી એમેઝોન નદી પર એકેય પુલ નથી!
આ સાથે તેના અંગત જીવનની ઝીણી ઝીણી બાબતો જાહેરમાં આવવા માંડી. વીજળીનો ખર્ચ બચાવવા માટે ગરમ પાણીથી સ્નાન કરતી નહોતી. અંડરગારમેન્ટ સાવ ફાટી ન જાય ત્યાં સુધી બદલતી નહોતી. એક અફવા તો એવીય ચડી કે પોતે વરસો અગાઉ હાથે બનાવેલું અંડરગારમેન્ટ એ પહેરતી હતી. વાત તો ત્યાં સુધી આવી કે સોળ વર્ષની ઉંમરે સીવેલી અંડરપેન્ટ મરણ પર્યંત વાપરી હતી. એ ન્યુજર્સીની સાવ અસાધારણ લોજમાં રહેતી હતી. એક જગ્યાએ ઘર ભાડે લે અને ઓછા ભાડામાં બીજું ઘર મળે તો તરત જ ઘર બદલી નાખે. દીકરા એડવર્ડ વિશેના કિસ્સા ય બહાર આવવા માંડ્યા. ઍડવર્ડને દાંતમાં ખૂબ દુ:ખાવો થતો હતો પણ પૈસા ચૂકવવા ન પડે એટલે ડૅન્ટિસ્ટ પાસે ન લઈ ગઈ. આ ઍડવર્ડની સમયસર સારવાર ન કરાવતા તેનો પગ કપાવવો પડ્યો હતો.
સાબુનો ખર્ચ ન થાય એટલે હેટ્ટી ક્યારેય કપડા ધોતી નહોતી. તે કરિયાણાની દુકાનમાં વધેલી કેક અને બિસ્કિટના ટુકડા પણ ખરીદવાનું પસંદ કરતી હતી. પોતાના શ્ર્વાન માટે મફત હાડકા માટે તે આકરી દલીલ કરતી હતી. માત્ર બે સેન્ટની પાઈ તે લંચ ને ડિનરમાં ખાતી હતી. નોકરે ઓછા પગારમાં વધારો માંગ્યો અને તેમાંથી થયેલા ઝઘડાને લીધે હેટ્ટીને હાર્ટઅટેક આવ્યો અને 81 વર્ષની વયે 1916ની ત્રીજી જુલાઈએ અવસાન થયું.
આ પણ વાંચો: હેં… ખરેખર?!: દુનિયાનો સૌથી મોટું મંદિર કૉરીડોર રામેશ્વરમમાં છે…
અવસાન સમયે હેટ્ટી ગ્રીન પાસે દસ કરોડ ડૉલરથી વધુ સંપત્તિ હતી, પણ એક ખાસ કારણસર એણે અમેરિકાના ઈતિહાસમાં અનન્ય સ્થાન મેળવી લીધુ. 1907માં અફડાતફડીના માહોલમાં ન્યૂયોર્ક શહેરની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ હતી. બૅન્કોએ પણ મદદ કરવાનો ઈનકાર કર્યો ત્યારે હેટ્ટી ગ્રીન વહારે આવી હતી.
પોતાની અદ્ભુત કોઠાસૂઝ અને વ્યાપારી કુશાગ્રતાથી પિતાની સંપત્તિમાં અધધ વધારો કરનારી હેટ્ટી ગ્રીન પુરુષોના વર્ચસ્વવાળા આર્થિક-નાણાકીય ક્ષેત્રમાં સિંહણની જેમ જીવી અને જીતી. અને હા, પોતાના સંતાન માટે એ માત્ર સંપત્તિનો વારસો જ છોડી ગઈ. કંજૂસીનો નહિ. સંતાનોએ મમ્મીની મિલકતમાંથી ગરીબો માટે મફત હૉસ્પિટલ બનાવી હતી. જો હેટ્ટી જીવતી હોત તો શું બોલી હોત?