ઈતિહાસના તે મહાન યોદ્ધાઓમાં આવે છે જેમણે પોતાના જીવનમાં ક્યારેય યુદ્ધ હાર્યું ન હતું
આજે મહાન સેનાપતિ બાજીરાવ પેશ્ર્વાની પ્રથમની પુણ્યતિથિ છે
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -રાજેશ ચૌહાણ
આપણે વૃક્ષના મૂળ પર ઘા કરવાની નીતિ અપનાવવી જોઈએ. જો એમાં સફળ થઈશું તો ડાળીઓ આપોઆપ ખરી પડશે’. – બાજીરાવ પ્રથમ
બાજીરાવ પ્રથમ સતત ૩૫ થી વધુ યુદ્ધ લડ્યા અને એક પણ યુદ્ધ હાર્યા નથી.
બાજીરાવ જીવનપર્યત એ કાર્ય કરતા રહ્યા જે મરાઠા અધિકાર ભારતીય મહાદ્વીપ પર અરબસાગર થી લઇ બંગાળની ખાડી સુધી ફેલાવવું. મરાઠાઓમાં બજીરાવને પેશ્ર્વા નામથી યાદ કરવામાં આવે છે અને તેમને હિંદુ શક્તિનો અવતાર માનવામાં આવે છે.” – સર રિચર્ડ ટેમ્પલ
આપણા દેશના સૌથી પ્રખર રહેલ શાસકો કે પછી યોદ્ધાઓ યાદી બનાવીએ તો મરાઠા ઓનું નામ એ હરોળમાં મોખરે છે. મરાઠા શાસનના તમામ પેશ્ર્વાઓમાં અજેય એટલે પેશ્ર્વા બાજીરાવ પ્રથમ.
શિવાજીના શાસન દરમિયાન અલગ-અલગ વિભાગોના અલગ-અલગ મંત્રીઓ હતા. આ મંત્રીઓમાં જે પ્રધાન મંત્રી તે ‘પેશ્ર્વા’ તરીકે જાણીતા હતા.
મરાઠા સંઘનો સર્જક, સફળ સેનાપતિ અને મુત્સદ્દી પેશ્ર્વા બાજીરાવ પ્રથમ. વિદ્યાર્થીકાળ દરમિયાન તેમણે ઘોડેસવારી, તલવારબાજી, શિકાર વગેરે શૌર્યભરી રમતોમાં નિપુણતા મેળવી હતી. સાતારામાં તેને રાજકારણ અને વહીવટી અનુભવે જે તેમની કારકિર્દીમાં મહત્વની ભૂમિકા હતી.
બાજીરાવ પેશ્ર્વાનો જન્મ વિસાજી તરીકે જન્મેલા પેશ્ર્વા બાલાજી વિશ્ર્વનાથ રાવને ત્યાં ૧૮, ઓગસ્ટ ૧૭૦૦ના રોજ થયો હતો. બાજીરાવ પ્રથમ કોંકણના અગ્રણી ભારતીય પરંપરાગત ચિત-પવન અથવા કોંકણસ્થ બ્રાહ્મણ પરિવારના હતા. જેઓ ‘પેશ્ર્વાપદ’ ને નવી ઊંચાઈ પર લઈ ગયા. પેશ્ર્વા બાજીરાવના પિતા બાલાજી વિશ્વનાથ જોકે વારસાગત પેશ્ર્વાઓની શ્રેણીમાંના પ્રથમ હતા, તેમની સિદ્ધિઓની વાત કરીએ તો તેઓ તેમના પુરોગામી કરતાં પણ આગળ નીકળી ગયા હતા. પેશ્ર્વા બાજીરાવના પિતાની ભૂમિકા મોટાભાગે છત્રપતિ શિવાજીના જીવનમાં માતા જીજાબાઈની ભૂમિકા જેવી જ હતી.
બાલાજી વિશ્ર્વનાથ બાજીરાવને ૧૨ વર્ષની નાની ઉંમરમાં યુદ્ધના મેદાનમાં જ કેવી રીતે લડવું તે શીખવતા. બાજીરાવની માતા રાધાભાઈ એક સારા વહીવટકર્તા હતા.
છત્રપતિ શિવાજી મહારાજની જેમ તેઓ ખૂબ જ કુશળ ઘોડેસવાર હતા. ઘોડા પર બેસીને ભાલા ફેંકવાં અને બંદૂક ચલાવવી એ તેમના ડાબા હાથની રમત હતી. ઘોડા પર બેઠેલા બાજીરાવના ભાલાનો ઘા એટલો જોરદાર હતો કે સામેનો સવાર તેના ઘોડા સહિત ઘાયલ થઈ જતો.
કિશોરાવસ્થામાં જ તેમણે તેમના લશ્કરી કૌશલ્યો માટે ખૂબ જ ખ્યાતિ મેળવી હતી અને તેમના ઔપચારિક શિક્ષણમાં સંસ્કૃત વાંચન, લેખન અને શીખવાનો સમાવેશ થતો હતો.
નાનપણથી લઈને પેશ્ર્વા ૨૦ વર્ષના થયા ત્યાં સુધી તેઓ તેમના પિતા સાથે ઠાઠમાઠ અને દરબારી યુક્તિઓ જોતા અને સમજતા હતા. બાજીરાવના પિતાનું અવસાન બાદ માત્ર ૨૦ વર્ષની ઉમરે તેમને પેશ્ર્વા બનાવવામાં આવ્યા હતા. પેશ્ર્વા બન્યા પછીના ૨૦ વર્ષ સુધી બાજીરાવે પોતાની તીક્ષ્ણ કૌશલ્ય અને હિંમતથી મરાઠા સામ્રાજ્યનું નેતૃત્વ કર્યું. આ સમયગાળા દરમિયાન ઘણા યુદ્ધો લડ્યા અને દરેક યુદ્ધ જીત્યા. પેશ્ર્વા બાજીરાવનું નામ ઈતિહાસના તે મહાન યોદ્ધાઓમાં આવે છે જેમણે પોતાના જીવનમાં ક્યારેય યુદ્ધ હાર્યું ન હતું.
ઇ.સ. ૧૭૧૬માં મહારાજા શાહુની સેના-ઇન-કમાન્ડ દામાજી થોરાટે વિશ્ર્વાસઘાત કરીને બાલાજી વિશ્ર્વનાથની ધરપકડ કરી. બાજીરાવે તેમના પિતાની સાથે જેલમાં જવાનું નક્કી કર્યું અને મુક્તિ સુધી બે વર્ષ તેમની સાથે રહ્યા. બાજીરાવ પ્રથમે તેમના પિતાના જેલવાસ દરમિયાન ભોગવેલી યાતનાઓનું વર્ણન કરતા. આ અનુભવોએ વિશ્ર્વાસઘાતનો સામનો કરવાનું શીખવ્યું. જેલવાસ પછી બાલાજી વિશ્ર્વનાથની કારકિર્દી મરાઠા-મુઘલ સંબંધોના ઇતિહાસમાં એક નવા પરિમાણ પર પહોંચી. યુવાન બાજીરાવ તેમના પિતાના આ તમામ રાજકીય અને લશ્કરી વિકાસના સાક્ષી હતા.
ઇ.સ. ૧૭૧૮માં માં તેઓ દિલ્હીમાં તેમના પિતાના કાફલામાં સાથે હતા. મુઘલ રાજધાનીમાં તેમણે અકલ્પનીય ષડયંત્ર જોયા અને ઝડપથી રાજકીય પદ્ધતિઓ શીખ્યા. આ સમજણ/શીખે તેમની પોતાની યુવા ઊર્જા, કૌશલ્ય અને દ્રષ્ટિ સાથે
મળીને તેમને એવી પરિસ્થિતિ માટે તૈયાર કર્યા કે જેના કારણે તેમને મરાઠા સામ્રાજ્યની સીમાઓ ઉત્તર તરફ વિસ્તારવાની જરૂર પડી.
ઇ.સ. ૧૭૨૦ના એપ્રિલમાં પ્રથમ પેશ્ર્વા બાલાજી વિશ્ર્વનાથનું અવસાન થતાં એની સેવાની કદર કરી છત્રપતિ શાહૂએ એના ૨૦ વર્ષના યુવાન પુત્ર બાજીરાવની પેશ્ર્વા તરીકે નિમણૂક કરી. બાજીરાવે પોતાની શૂરવીરતા, સાહસ અને દીર્ઘષ્ટિથી એ નિમણૂકને યોગ્ય ઠેરવી. મરાઠા ઘોડેસવાર સેનાના જનરલો દ્વારા તેમના પિતરાઈ ભાઈ સદાશિવરાવ ભાઈ સાથે રાજદ્વારી અને યોદ્ધા તરીકે સારી રીતે પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા જેમણે ૨૭ વર્ષ સુધી યુદ્ધમાં પોતાને અન્યથી અલગ પાડ્યા હતા. પેશ્ર્વા બાજીરાવ પ્રથમ મુઘલ રાજનીતિમાં ક્રમશ: પતનને જોતા હતા અને આ પરિસ્થિતિનો પૂરો લાભ લેવા માંગતા હતા. તેમણે મરાઠાઓની ઘાતક ગોળાકાર દંડપટ્ટા, તલવાર અને ઘોડેસવારીની કુશળતાનો ઉપયોગ કરીને તેમની કુશળતાથી તેમના સૈનિકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો.
પેશ્ર્વા બાજીરાવ પ્રથમે ઇ.સ. ૧૭૨૦ થી ૧૭૪૦ સુધી મરાઠા સામ્રાજ્યના ચોથા છત્રપતિ શાહુજી મહારાજના તરીકે સેવા આપી હતી. પોતાની કુશળતા અને તીક્ષ્ણ બુદ્ધિથી બાજીરાવે મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને આ જ કારણ છે કે પેશ્ર્વા બાજીરાવ પ્રથમને તમામ નવ મહાન પેશ્ર્વાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
બાજીરાવ ઉત્તર તરફ આગળ ધસો’ની નીતિ અપનાવી. બાજીરાવે શાહૂને જણાવ્યું હતું કે આપણે વૃક્ષના મૂળ પર ઘા કરવાની નીતિ અપનાવવી જોઈએ. જો એમાં સફળ થઈશું તો ડાળીઓ આપોઆપ ખરી પડશે’. આ નીતિનો અર્થ એવો હતો કે જો મુઘલ સમ્રાટ પર આક્રમણ કરી એને આપણે હરાવીશું તો બીજા રાજાઓ આપોઆપ શરણે આવશે. આ નીતિ પ્રમાણે એણે લશ્કર સાથે ૧૭૨૪માં નર્મદા નદી પાર કરી અને માળવા પર અંકુશ જમાવ્યો. ત્યાં મહેસૂલ ઉઘરાવવા માટે
પોતાના પ્રતિનિધિઓ તરીકે મલ્હારરાવ હોલકર, રાણોજી સિંધિયા અને ઉદાજી પવારની નિમણૂક કરી, જેમણે પાછળથી ઇંદોર, ગ્વાલિયર અને ધારનાં રાજ્યોની સ્થાપના કરી. એવી જ રીતે ગુજરાત જીતી લઈને ત્યાં ખંડેરાવ દાભાડે અને દામાજી ગાયકવાડને પોતાના પ્રતિનિધિઓ તરીકે નીમ્યા, જેમાંના ગાયકવાડે પછીથી વડોદરા રાજ્યની સ્થાપના કરી. ૧૭૨૮માં પોતાના નાના ભાઈ ચિમનાજી અપ્પાને માળવા મોકલ્યો, જેણે માળવાના મુસ્લિમ ગવર્નરને હાંકી કાઢી ત્યાં મરાઠાઓની સત્તા સ્થાપી. ૧૭૨૮માં બુંદલેખંડ પર વિજય મેળવી ત્યાં વહીવટકર્તા તરીકે ગોવિંદ બલ્લાલ ખેરને મૂક્યો, જેણે ઝાંસીના રાજ્યની સ્થાપના કરી અને ગોવિંદ પંત બુંદેલા તરીકે પ્રસિદ્ધિ પામ્યો.
બાજીરાવે નિઝામને હરાવી એણે પચાવી પાડેલો મરાઠાઓનો પ્રદેશ પાછો મેળવ્યો તથા છ સૂબાઓમાંથી ચોથ ઉઘરાવવાનો અધિકાર મેળવ્યો. ૧૭૩૭માં જમના નદી પાર કરી બાજીરાવ દિલ્હી નજીક પહોંચી ગયો.
મુઘલ બાદશાહે ગભરાઈને નિઝામને પોતાની મદદે બોલાવ્યો. પરંતુ બાજીરાવે નિઝામના લશ્કરને ભોપાલ પાસે હરાવ્યું અને ૧૭૩૮ના જાન્યુઆરીમાં સંધિ કરવા ફરજ પાડી. આ સંધિથી નિઝામે સમગ્ર માળવા ઉપર મરાઠાઓની સત્તાનો સ્વીકાર કર્યો અને યુદ્ધદંડ તરીકે રૂપિયા ૫૦ લાખ ચૂકવ્યા. એ પછી બાજીરાવ દિલ્હી તરફ જવાને બદલે દક્ષિણમાં જ રહ્યો. તેના આ વિજયો ઉપરાંત તેના ભાઈ ચિમનાજી અપ્પાએ ૧૭૩૭માં સાલસેટ અને ૧૭૩૯માં વસઈ પોર્ટુગીઝો પાસેથી જીતી લીધાં. બાજીરાવ લાંબું જીવ્યા હોત તો એ મરાઠી સત્તાનો વધુ વિસ્તાર કરી શક્યો હોત.
ઇ.સ. ૧૭૪૦માં બાજીરાવ તેની સેના સાથે ખારગાંવમાં હતા. ઈતિહાસકારો અનુસાર આ યાત્રા દરમિયાન બાજીરાવને ખૂબ તાવ આવ્યો હતો. ૨૮ એપ્રિલ ૧૭૪૦ના રોજ આખરે આ તાવ બાજીરાવ મૃત્યુનું કારણ બન્યું.
બાજીરાવ પેશ્ર્વા વિશે પ્રસિદ્ધ અંગ્રેજ ઇતિહાસકાર ’સર રિચર્ડ ટેમ્પલ’એ આ શબ્દોમાં લખ્યું છે – બાજીરાવ જીવનપર્યત એ કાર્ય કરતા રહ્યા જે મરાઠા અધિકાર ભારતીય મહાદ્વીપ પર અરબસાગર થી લઇ બંગાળની ખાડી સુધી
ફેલાવવું. મરાઠાઓમાં બજીરાવને પેશ્ર્વા નામથી યાદ કરવામાં આવે છે અને તેમને હિંદુ શક્તિનો અવતાર માનવામાં
આવે છે.