ચંદ્રયાન-૧ અને મંગલાયન અંતરીક્ષ પ્રોબના પ્રોજેકટમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે

કિરણકુમાર એકેડેમીશ્યન-સ્પેશ સાયન્ટિસ્ટ ઑફ હાઇ ઓર્ડર
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
અલુરુ સીલીન કિરણકુમારનો જન્મ ૧૯૫૨ની સાલની ૨૨ ઑક્ટોબરે હસ્સન જિલ્લાના અલુર ગામમાં થયો હતો. હસ્સન જિલ્લો ત્યારે માયસોર રાજયમાં હતો, હવે કર્ણાટક રાજયમાં છે. તેઓએ B.Sc, M.Sc અનેM. Techની ડિગ્રી બેંગલોર યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિયૂટ ઑફ સાયન્સમાંથી લીધી છે. તેઓ ઇસરોના નવમા અધ્યક્ષ હતા. તેઓએ ચંદ્રયાનને અને મંગલાયન અંતરીક્ષયાનમાં રાખવામાં આવેલાં ઉપકરણો બનાવવાની જવાબદારી નિભાવી હતી. ૨૦૧૪ની સાલમાં ભારત સરકારે તેમને પદ્મશ્રીના સન્માનથી નવાજ્યા હતા. તેઓ ઇસરોના અધ્યક્ષ બન્યા તે પહેલા અમદાવાદસ્થિત સ્પેશ એપ્લીકેશન સેન્ટર SAC)ના ડિરેકટર હતા. તેમને અમદાવાદ ખૂબજ પ્રિય છે. તેઓ ઇલેક્ટ્રોનિકસના એક્ષ્પર્ટ છે. તેઓએ સ્પેશબોર્ન ઇલેકટ્રો ઓપ્ટીકલ ઇમેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટસ જે આકાશીપિંડોનાં ખૂબ જ ચોક્કસ અને સ્પષ્ટ છાયાચિત્રો લઇ શકે છે, તેઓ ઇલેક્ટ્રો-ઓપ્ટીકલ સિસ્ટમ્સ ગ્રૂપના ડાયરેકટર હતા. તેઓએ ઇસરો વતી ઘણા ઇન્ટરનેશનલ ફોરમમાં ભાગ લીધો હતો. તેઓ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કમિટીના અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે. લેખકે તેમની સાથે પોતાના ખગોળવૈજ્ઞાનિક સંશોધન વિશે ઘણી લાંબી ચર્ચા કરી હતી, જ્યારે તેઓ રાજકોટના સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનના વિજ્ઞાન કેન્દ્રમાં આવ્યા હતા. લેખકે પોતાના આ સંશોધન વિશેના સંશોધનપત્રોની કોપી તેમને આપી હતી. તેઓ ખૂબ જ સરળ અને શાંત સ્વભાવના સ્પેશ સાયન્ટીસ્ટ છે, તેઓ ૨૦૧૫થી ૨૦૧૮ સુધી ઇસરોના અધ્યક્ષ હતા.
કિરણકુમાર લેખો લખતા, વ્યાખ્યાનો આપતા, આમ તેઓ અંતરીક્ષક્ષેત્રના જ્ઞાનનો યુવાનોમાં પ્રચાર કરતા. તેઓ સિદ્ધહસ્ત વિદ્વાન લેખક હતા, અંતરીક્ષ વિજ્ઞાન લેખક, તેઓએ રિમોટ સેન્િંસગમાં પણ ઘણું કાર્ય અને સંશોધન કર્યું છે. તેમણે ઓસન કલર ઉપકરણ પણ વિકસાવ્યું હતું જેનો હવામાનશાસ્ત્રની આગાહી કરવામાં અને ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.
તેમણે ઘણા સેટેલાઇટના ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા છે. આકાશીપિંડોની સપાટીના સ્પષ્ટ ચિત્રો મેળવવાના ઉપકરણો અને કૅમેરાનો વિકાસ કરવા કિરણકુમારનું મોટું યોગદાન રહેલું છે.
ઇસરોના દરેકે દરેક અધ્યક્ષો વિવિધ અંતરીક્ષ વિજ્ઞાન અને ટૅકનોલૉજીની શાખાના નિષ્ણાત રહ્યાં છે, તે જ તેમના ક્વોલીફિકેશન રહ્યાં છે. તેમાં રોકેટ બનાવવા, રોકેટના ઇંધણ બનાવવામાં, આકાશીપિંડોના છાયાચિત્રો લેવાના ઉપકરણો બનાવવા, ઇલેક્ટ્રોનિકસ ઉપકરણો બનાવવા, અલગ અલગ ઉત્કૃષ્ટ સેન્સર બનાવવા વગેરે છે. કિરણકુમારે સ્પેશ સાયન્સ વિષયે ઘણી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાજરી આપી છે, સંશોધનપત્રો રજુ કર્યાં છે, કિ-નોટ એડ્રેસ આપ્યાં છે અને પીઅર રીવ્યૂડ અંતરીક્ષ સંશોધન સામાયિકમાં સંશોધનપત્રો પ્રકાશિત કર્યાં છે. કિરણકુમાર સ્પેશ સાયન્સના એકેડેમિક વિજ્ઞાની છે. કિરણકુમાર ઘણા ઍવોર્ડથી સન્માનિત થયા છે. તેમાં ડૉ. મોહનભાઇ પટેલ (D.Sc.)ની સંસ્થાનો વાસ્વીક ઍવોર્ડ પણ છે. કિરણકુમાર બેંગ્લોર એસોસિયેશન ઑફ સાયન્સ એજ્યુકેશનના અધ્યક્ષ છે, જે બેંગ્લોરના જવાહરલાલ નેહરુ પ્લેનેટોરીયમ સાથે સંલગ્ન છે. ૨૦૧૭માં એચ. કે. ફિરોડિયા વિજ્ઞાનરત્ન ઍવોર્ડથી તેમનું અર્થ ઓબ્ઝર્વેશન, કોમ્યુનિકેશન, નેવિગેશન અને મૌલિક લોંચ વેહિકલના વિકાસક્ષેત્રે યોગદાન માટે સન્માન થયું છે. ઇન્ડિયા-ફ્રાન્સ સ્પેશ કો-ઓપરેશન માટે ૨૦૧૯માં કિરણકુમારને ફ્રાન્સની સરકારે ફ્રાન્સના ઉચ્ચતમ નાગરિક ઍવોર્ડથી સન્માન કર્યું છે. કિરણકુમાર ભારતની એરોનોટીકલ સોસાયટીના અધ્યક્ષ છે.