નફરત પ્રેમની પરીક્ષા લે છે, કારણ કે નફરત પ્રેમ કરતાં વધુ તાકાતવર છે

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને ૨૦૨૫ની ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માટે થયેલો પ્રયાસ અમેરિકાનો ‘મામલો’ નથી. તે દુનિયામાં વ્યાપ્ત આક્રમકતા અને રાજકીય હિંસાની સંસ્કૃતિની નિશાની છે. વિશેષ તો એટલા માટે કે આ હુમલો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સમયમાં થયો છે અને દુનિયાભરના કરોડો લોકોએ તેને લાઈવ જોયો છે.
સામાન્ય સંજોગોમાં આવી ઘટના કાળજું કંપાવનારી અને ચિંતાજનક ગણાય, પરંતુ ડિજિટલ દુનિયામાં રોજે રોજ હિંસા જોઇને મોટી થઈ રહેલી પેઢીને તે એટલી નોર્મલ લાગે છે કે ભવિષ્યમાં આપણો સમાજ કેટલો હિંસક હશે તેની કલ્પના જ કરવી રહી.
અમેરિકાના કિસ્સામાં તો એ પાર્ટી (રિપબ્લિકન) અને એ નેતા (ટ્રમ્પ) સામે જ હિંસા આચરવામાં આવી છે, જે ખુદ હિંસાનું સમર્થન કરતા આવ્યા છે. આ ઘટના એ સાબિત કરે છે કે રાજકીય હિંસા કેટલી અનિયંત્રિત બની શકે છે- અને વર્તમાન સમયમાં તે આપણા સમાજ માટે કેટલી ખતરનાક છે.
રાજકારણ જયારે દેશની પ્રગતિ માટેની તંદુરસ્ત હરીફાઈને બદલે વ્યક્તિગત દુશ્મનીમાં તબદીલ થઇ જાય ત્યારે જાહેર જીવનમાં આ પ્રકારની હિંસા પ્રવેશે છે. તેમાંય ટેકનોલોજીના જમાનામાં આવા સમાચારો કોને કેવી રીતે પ્રભાવિત કરે છે તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે.
એ જમાનો ગયો જયારે મુઠ્ઠીભર પત્રકારો તથ્યોની કડક તપાસ કર્યા પછી સમાજને ઘટનાની જાણ કરતા હતા. ટ્રમ્પના કિસ્સામાં પણ હજુ ચોવીસ કલાક પણ થયા નહોતા અને જાત-ભાતનાં કાવતરાં, ગોસીપ અને આરોપો ‘સમાચાર’ કે ‘તથ્યો’ના નામે લોકોમાં ચર્ચાતા હતા.
હવે તો કોઇપણ વ્યક્તિ ઘટનાના વિશ્લેષણના નામે એના ઇચ્છિત રાજકીય પરિપ્રેક્ષ્યમાં
ફિટ થાય તે રીતની કલ્પનાઓ, અટકળો અને માન્યતાઓને ઓનલાઈન પ્રસારિત કરી શકે છે અને એક બહોળો વર્ગ તેને સાચું માનીને પોતાનો એક મત પણ બનાવી લે છે અભ્યાસો પરથી ખબર પડે છે કે નિયમિત હિંસક ઈમેજ જોતા રહેવાથી કિશોરોમાં તેના માટેની સંવેદના ઓછી થાય છે અને એમનામાં આક્રમક દ્રષ્ટિકોણ અને વ્યવહારને ઉત્તેજન આપે છે. આ બંને એકબીજાને પોષે છે અને સમય જતાં મજબૂત થાય છે એટલા માટે એ વિષચક્રને તોડવું જરૂરી બની જાય છે. કાં તો માન્યતાઓના સ્તરે કે વ્યવહારને સ્તરે આ કરી શકાય.
હિંસા અને યુદ્ધ માણસોની બુનિયાદી વૃત્તિ -પ્રવૃત્તિ રહી છે. કેમિકલની અને શરીરની
રચનાની દ્રષ્ટિએ આપણે આપણા એક લાખ વર્ષ પહેલાંના પૂર્વજોથી અલગ નથી. માણસે એની પ્રકૃતિ બદલી છે અને તે હવે હત્યાઓ અને હિંસાને બદલે વિવેકબુદ્ધિથી સમસ્યાઓનાં સમાધાન લાવે છે એવો એક વ્યાપક ભ્રમ આપણે પાળ્યો છે, પરંતુ હકીકત એ છે કે માનવ સમાજ હિંસા અને યુદ્ધોથી ક્યારેય મુક્ત થયો નથી. હળીમળીને પ્રાકૃતિક સંસાધનો વહેંચીને ખાઈ લેવાની જરૂરિયાતના કારણે માણસે એની જંગલી વૃત્તિઓને નિયંત્રણમાં રાખવા સામાજિક અવરોધ ઊભા કર્યા છે અને વિવેકબુદ્ધિ અને સંવાદના વૈકલ્પિક રસ્તા અપનાવ્યા છે.
જ્યારે આ વ્યવસ્થા તૂટી જાય અથવા વ્યક્તિઓ વચ્ચેથી વિશ્ર્વાસ ગાયબ થઇ જાય ત્યારે આપણો હિંસક ચહેરો સામે આવી જાય છે. એટલા માટે એવા અવરોધની વ્યવસ્થાને વધુ મજબૂત કરવી જોઈએ, આપણી અંદરની નફરત અને અવિશ્ર્વાસ પર ચાંપતી નજર રાખવી જોઈએ અને સદભાવ બનાવી રાખવો જોઈએ.
નફરત કાયમ પ્રેમની પરીક્ષા લેતો આવ્યો છે અને એ હકીકત ભૂલવા જેવી નથી કે નફરત પ્રેમ કરતાં વધુ તાકાતવર છે. આપણી પર નફરત હાવી થઈ જવાની સંભાવના આજે પણ એટલી જ છે જેટલી એક લાખ વર્ષ પહેલાં હતી અને ભવિષ્યમાં પણ રહેશે. એટલા માટે જ પ્રેમના હાથ મજબૂત કરવાના પ્રયાસોને ક્યારેય ઢીલા ના મુકાય. હિંસા ક્યારેય અતીતને સુધારતી નથી. હિંસા માત્ર ભવિષ્યને વધુ હિંસા માટે સજજ કરે છે. એનું સરળ કારણ એ છે કે માનવ સ્વભાવ મૂળભૂત રીતે હિંસક છે એટલે જ આપણે હિંસાને દૂર કરી શક્યા નથી. માત્ર કાબૂમાં જ રાખી શકીએ છીએ. બીજી તરફ, હિંસાની સૌથી મોટી કમજોરી એ છે કે તે જે ચીજનો નાશ કરવા માગે છે, તેને જ તાકાત બક્ષે છે. તે દુષ્ટતાને ખતમ નથી કરતી, દુષ્ટતાને ઔર ભડકાવે છે.
માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે મહાત્મા ગાંધીના શબ્દો ‘આંખના સાટે આંખ આખી દુનિયાને આંધળી કરશે’ નો પડઘો પાડતાં કહ્યું હતું કે હિંસાથી તમે જૂઠ બોલનારાને તો મારી શકો છો પણ ન તો જૂઠને મારી શકો છો કે ન તો સત્યને સ્થાપી શકો છો. હિંસાથી તમે નફરતી વ્યક્તિની હત્યા કરી શકો છો, નફરતની નહીં. બલ્કે, તમે નફરતમાં ઉમેરો કરો છો. હિંસાનો જવાબ હિંસાથી આપો તો હિંસા બેવડાય છે. હિંસા તારાઓ વગરના આકાશમાં વધુ અંધારું ફેલાવે છે.
અંધારું અંધારાને દૂર ના કરે, માત્ર પ્રકાશ જ અંધારું દૂર કરે. નફરત સાથે લડવાનું આસાન છે કારણ કે એમાં બંને પક્ષ ઉત્તરોત્તર મજબૂત થાય છે. પ્રેમ સાથે લડવાનું અસંભવ છે. એટલે જ ગાંધીજીની અહિંસાની ધારણા પરથી માનવ અધિકારના લડવૈયા માર્ટિન લ્યુથર કિંગે અહિંસાના છ આદર્શ સૂચવ્યા હતા :
૧) એ હિંસા વગરનો વિરોધ છે.
૨ ) એમાં શત્રુને અપમાનિત કરીને નહીં, પણ મિત્રતા અને સમજદારીથી જીતવાનો હોય છે.
૩ ) તેમાં વિરોધ વ્યક્તિનો નહીં, વ્યક્તિના દુષ્ટ કામનો હોય છે.
૪ ) અહિંસામાં બદલો લીધા વગર કષ્ટ ભોગવવાનું હોય છે, કારણ કે એમાં જ કષ્ટ સમે છે.
૫ ) અહિંસામાં બાહ્ય હિંસાને જ તજવાની વાત નથી, એમાં વિચારો અને લાગણીઓને હિંસાનો પણ ત્યાગ છે.
૬) અહિંસામાં ભવિષ્યમાં ઊંડો વિશ્ર્વાસ હોય છે- સંસારમાં છેવટે ન્યાયનો જ વિજય થાય છે.
એ જ રીતે, સકારાત્મકતા અને શાંતિનો અર્થ કાયરતા નથી. એ પોતાની વાત અને અધિકાર માટે મજબૂતાઈથી ઊભા રહેવાનું નિષ્ક્રિય સાહસ છે (પોતાની વાત માટે કોઇનું ખૂન કરી નાખવું એ સક્રિય સાહસ છે). એટલા માટે તો ગાંધીજીએ એમ કહ્યું હતું કે હિંસા અને કાયરતા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરું. એ હિંસામાં જાતનું રક્ષણ કરવાનો સકારાત્મક ઉદેશ્ય છે. હિંસા જ્યારે બીજી વ્યક્તિને હાનિ પહોંચાડવા માટે હોય ત્યારે તે નકારાત્મક ગણાય.
અહિંસાની જેમ સકારાત્મકતા અને શાંતિ એટલે સંઘર્ષ ટાળવા માટેનું નહીં સંઘર્ષમાં વિજયી થવાનું સાધન છે. સકારાત્મક હોવું એટલે મુશ્કેલી સામે શાહમૃગની જેમ રેતીમાં મ્હોં ખોસી દેવું નહીં પણ સંઘર્ષમાં સૌ સારાં વાનાં થશે તેવો અભિગમ રાખવો તે. ઇતિહાસ સંઘર્ષોથી ભરેલો છે તે કબૂલ, પણ માનવસભ્યતાનો આટલો વિકાસ સકારાત્મક અને શાંતિપ્રિય અભિગમથી
જ શક્ય બન્યો છે. સેપિયન્સ: માનવ જીવનનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તક કહે છે કે આપણી અસલી પ્રગતિ જંગલી સેપિયન્સમાંથી શાંતિપ્રિય માણસ તરફની છે. એવું ન થયું હોત તો આપણે હજી પણ મારો-કાપોમાં જ જીવતા હોત.વ્યાપક પરિપ્રેક્ષ્યમાં કહીએ તો માણસ સકારાત્મક અને શાંતિપ્રિય હશે તો જ તેનું ભવિષ્ય સુરક્ષિત છે.