ઉત્સવ

આજનો મોડર્ન માનવી શું કામ આદિવાસી જાતિઓ પાછળ પડી ગયો છે?

કુદરતનાં આ સંતાનો આપણી પાસેથી ખરેખર કંઈ જ શીખવાનાં છે? ના…નથી !

કેનવાસ -અભિમન્યુ મોદી

*આંદામાન ટાપુ પર રહેતા સેન્ટીનેલીઝ આદિવાસીઓ
*ન્યુ ગીનીના ટાપુ પર રહેતા બીયામી જાતિના આદિવાસીઓ

વાત ૧૫મી સદીની છે. ભૌગોલિક જ્ઞાન ખાતે શૂન્ય સમાજ ધરાવતો એક માણસ સ્પેનના રાજાની મદદ માગીને કોઈ ચોક્કસ દેશની શોધ કરવા નીકળી પડ્યો. ભૂમિતિ કે ભૂગોળ કે દરિયા વિષે ખાસ અનુભવ ન ધરાવતા ક્રિસ્ટોફર કોલંબસ નામના એ માણસે અમેરિકાની ધરતી ઉપર પગ મુક્યો. જે દેશ શોધવા માટે આટલું મોટું સરઘસ મહિનાઓ પહેલા કાઢી ને તે ભાઈ નીકળ્યા હતા તે દેશ વિષે સંભળાતી વાતોમાં સહેજ પણ ધ્યાન આપ્યું હોત તો તે સમજી જાત કે આ ભારત નહિ પણ બીજો જ કોઈ પ્રદેશ છે. ત્યાંના આદિવાસીઓને એણે ‘રેડ ઇન્ડિયન’ નામ આપી દીધું.

ત્યારબાદ ધીમે ધીમે યુરોપિયનોનો એ લીલુડી ધરતી ઉપર પગપેસારો થયો. થોડાંક જ વર્ષોની અંદર તો વીસથી સીતેર લાખ જેટલી વસતિ ધરાવતા આદિવાસીઓને લગભગ પતાવી દીધા. એ લોકોને જાતભાતના રોગોનો ચેપ લગાડી દીધો અગર તો ગુલામ બનાવવામાં આવ્યા. રતુમડી ચામડી ધરાવતા તે આદિવાસીઓ જ્યાં હજારો વર્ષોથી શ્ર્વસી રહ્યા હતા ત્યાં શ્ર્વેત ચામડી ધરાવતા ગોરા લોકોએ પોતાનો દેશ સ્થાપી દીધો. દેશના નામનો પહેલો શબ્દ જ ‘યુનાઈટેડ’ છે, જેને બ્લેક કોમેડી કહી શકાય.

૧૯૭૧ ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ઉત્તરે આવેલા ન્યુ ગીનીના વિશાળ ટાપુ ઉપર રહેતી ઘણી બધી આદિવાસી જાતિઓમાંથી બીયામી જાતિ ઉપર ‘ગાંધી’ ફિલ્મ બનાવનાર ડિરેક્ટરના ભાઈ ડેવિડ એટેનબોરો સાથે ‘બીબીસી’એ ડોક્યુમેન્ટરી બનાવી હતી.

ન્યુ ગીનીના આદિવાસીઓનો વિશ્ર્વાસ જીતવામાં તકલીફ પડી હતી, પણ થોડી ધીરજ રાખતા એમનાં સંપર્કમાં આવી શકાયું હતું માટે એક કરતાં વધુ લોકોએ ન્યુગીનીની જુદી જુદી ટ્રાઈબ ઉપર વીડિયો બનાવ્યા છે, પણ ત્યાં જઈને જંગલમાં રહેનારા લોકોને મળવાનો હેતુ તો બહુ નુકસાનકર્તા ન હતો.

જો કે, થોડા દિવસ પહેલા આંદામાન નિકોબાર ટાપુના નોર્થ સેન્ટીનેલ ટાપુનું સેન્ટીનેલીઝ આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવા માટે એક અમેરિકન ટુરિસ્ટ નિયમો તોડે તે મૂર્ખામી કહેવાય. એનું કમોત થયું તે દુખદ ઘટના છે, પણ આંદામાન ટાપુ ઉપર રહેતા જારવા, ઓન્જી અને આંદામાનીઝ આદિવાસીઓમાં ફક્ત સેન્ટીનેલીઝ આદિવાસીઓ જ આખા જગતમાં એવા
છે કે જેને દુનિયાના કોઈ સંપર્કમાં આવવું જ નથી.

આફ્રિકાના કોંગોમાં પણ આ પ્રકારના સમૂહ રહે છે અને મેક્સિકોમાં પણ છે, પરંતુ જંગલમાં જ રહેતી અને દુનિયાથી અલિપ્ત હોય એવી જાતિઓમાંથી ૯૭ ટકા જાતિઓ ફક્ત દક્ષિણ અમેરિકામાં છે. બ્રાઝિલનાં જંગલોમાં સૌથી વધુ આ પ્રકારના આદિવાસીઓ મળી આવે. એક જાતિમાં તો ફક્ત એક પુરુષ બચ્યો હતો. જેને ગમે તે લાલચ આપતા પણ મુખ્ય પ્રવાહોમાં ભળવું ન હતું. તે મરી ગયો તેની સાથે જે એ જાતિની ભાષા, રીતરિવાજ, સંસ્કૃતિ બધું મરી પરવારી ગયું. લાકડાનું સ્મગલિંગ કરનારા દાણચોરો આવા લોકોને સતત રંજાડતા રહેતા હોય છે. એટલે જ આ લોકો ઘણી વખત ધોળી ચામડી ધરાવતા માણસો ઉપર હુમલો કરી બેસે છે. તે લોકોના જંગલ ઉપરથી ઓછી ઊંચાઈએ હેલિકૉપ્ટર પણ નીકળે ને તો એની સામે તીર-કામઠા ચલાવે છે.
આવું કેમ?

ભારતમાં પણ એવા આદિવાસીઓ વસે છે. અત્યારે આપણું ધ્યાન લક્ષદ્વીપ તરફ છે, પણ આંદામાન નિકોબારના અમુક ટાપુઓના રહેવાસીઓ આપણા માટે અજાણ્યા નથી.
અખબારોમાં વખતોવખત એમના વિષે આવી ગયું છે. ખાસ કરીને સેન્ટીનેલીઝ ટાપુના રહેવાસીઓ વિષે રહસ્યોના બહુ ઝાળાં ગુંથાયાં છે. આંદામાનના સેન્ટીનેલીઝ માણસોને ભેટસોગાદો આપવાની કોશિશ પણ કેટલી બધી વખત થઇ છે, છતાં પણ એ કોઈના સંપર્કમાં આવવા માગતા કે ઈચ્છતાં પણ નથી.

સરકારનો હુકમ હોવા છતાં ભૂલેચૂકે કે જાણીજોઈને પણ જો કોઈ તે ટાપુના કિનારા નજીક ફરકે તો એમની સામે તીર ચલાવે છે. આ દિશામાં ભારતના નૃવંશશાસ્ત્રી અને ટ્રાઈબ સ્ટડી એક્સપર્ટ એવા ટી.એન.પંડિતને નાનકડી સફળતા મળી હતી જયારે આદિવાસીઓએ એમના હાથમાંથી નારિયેળ અને કેળા લીધા હતા.

ટ્રાઈબસ ઓફ કાર નિકોબાર’ના લેખિકા અને દિલ્હી સરકારના એક સમયના કર્મચારી એવા મધુમાલા ચટ્ટોપાધ્યાયને પણ આંદામાનના જારવા અને સેન્ટીનેલીઝમાં વસતા લોકો સાથે સંપર્કમાં આવવાનો મોકો મળ્યો હતો, પણ એ બહારી દુનિયાની કોઈ ભેટ સ્વીકારવા માગતા નથી કે મુખ્ય પ્રવાહમાં ભળવા માગતા નથી.
કેમ?

આ કેમનો જવાબ આપણે પ્રથમ ફકરામાં જ આપી દીધો છે. આદિવાસીઓ આપણી ઉપર ભરોસો મુકે પછી સહકાર અને વિકાસના નામે આપણે એ પ્રજા સાથે શું કરીએ તેનું એક ઉદાહરણ આખો અમેરિકા દેશ છે.

હા, આદિવાસીઓ ખુદ આવાં ઉદાહરણો કે દુરોગામી પરિણામો વિષે વિદિત ન હોય એવું બને, પરંતુ એમનાં મગજમાં ઊંડે ખૂણે તો એ કોઠાસૂઝ છે જ કે પોતાને સભ્ય અને સુસંસ્કૃત માનતી બહારી દુનિયા સાથે સંપર્ક સાધવામાં કોઈ ભલીવાર નથી. એ નુકસાનીનો ધંધો છે. એમની આંતરદ્રષ્ટિ તો પરોક્ષ રીતે એવું કહેતી જ હશે કે આપણે ય હજારો વર્ષોથી કોઈ ટેકનોલોજી વિના જીવીએ છીએ અને એ લોકો પણ જીવે છે તો બહારની સોસાયટી સાથે ભળવાની શું જરૂર? આમ પણ જંગલમાં જન્મેલા અને ઉછરેલા લોકો જયારે બાકીની દુનિયા સાથે ભળે ત્યારે એમને શારીરિક પ્રોબ્લેમ બહુ થાય. એમની રોગપ્રતિકારક શક્તિ આજના મોડર્ન વર્લ્ડમાં થતા રોગો મુજબ વિકસી જ ન હોય, પણ શારીરિક કરતાં ય માનસિક અને સામાજિક કે સાંસ્કૃતિક પ્રોબ્લેમને વધુ મોટા કહેવા જોઈએ.

કહેવતો સમાજે બનાવીને, અધ્યતન ટેકનોલોજી વાપરીને, ગગનચુંબી સફળતાઓ હાંસિલ કરીને આપણે એવું તો શું મેળવી લીધું? જંગલમાં રહીને, કપડાં ન પહેરીને, સાદું ભોજન લઈને, ‘દુનિયાદારીના’ કોઈ જ સમાજ કે ભણતરના પાઠો ન ભણીને એ લોકોએ શું ગુમાવ્યું?

આપણે જેને પ્રગતિ કહીએ તે જ બધાના દ્રષ્ટિકોણથી પ્રગતિ હોય? આપણે જેને સફળતા માનીએ એ જ રસ્તે ચાલીને બધાએ સફળ થવું શું જરૂરી છે? આપણે જેને જિંદગી કહીએ તે જ બધા માટે જીવન હોય?

જીવન જીવવાની કળાના લેવાતા વર્કશોપો અને (અતિનાટ્યાત્મક) શિબિરોમાં કુદરતની સાથે રહેવાનું શીખવવામાં આવે છે,જયારે આવા લોકો ખુદ કુદરતના ખોળે રહીને કુદરતનો એક ભાગ બની ગયા છે એમને મદદ કરવાના બહાને શું કામ છંછેડવા જોઈએ?

એક વાત યાદ રાખજો, તે લોકો આપણને હાજર વાત શીખવાડી શકશે, પણ આ કુદરતનાં સંતાનોએ આપણી પાસેથી કંઈ જ શીખવાની જરૂર નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?