હેપ્પી ફાધર્સ-ડે બાપ, બાપ હોતા હૈ….
મિજાજ મસ્તી -સંજય છેલ
સાચો સંબંધ, સંબોધનનો મોહતાજ નથી હોતો. (છેલવાણી)
એક છોકરાનો સ્કૂલનો પહેલો દિવસ હતો. પપ્પા સ્કૂલ-બસમાં એને મૂકવા ગયા. બસમાં નવા જુનિયર છોકરાઓને, સિનિયર છોકરોઓનું ગ્રૂપ, સતાવી રહ્યું હતું. પેલા છોકરાએ તો ગભરાઇને પપ્પાનો હાથ જોરથી પકડી લીધો. ત્યારે એને બસમાં ચઢાવી પપ્પાએ મોટેથી કહ્યું, સાંજે સ્કૂલથી જલદી આવજે, હં… યાદ છે ને, આજે આપણાં હાથીને નવડાવવાનો છે. ‘હાથી’ શબ્દ સાંભળતાં જ છોકરાઓ રોમાંચથી ચોંકી ગયા. પછી પપ્પાએ પાછળ ફરીને બસ તરફ જોયું તો એક છોકરાએ એના દીકરાની બેગ ઉપાડી લીધેલી, બીજાએ એને બેસવાની જગ્યા કરી આપેલી, ત્રીજાએ એના ખભે હાથ મૂકેલો! છોકરો હસતા હસતા પપ્પાને બાય-બાય કહેતો હતો. એક બાપે કેવી સ્માર્ટલી જવાબદારી પૂરી કરીને?
પણ આપણે સહુ પિતા વિશે બહુ બેજવાબદાર છીએ. આપણે ત્યાં સાહિત્યમાં, મા કે ઇવન સાવકી-મા પર અનેક વાર્તાઓ-કવિતાઓ છે, પણ પિતાને સાવકી ટ્રિટમેંટ અપાય છે.
વિશ્ર્વસાહિત્યમાં માતાની સરખામણીએ ૧૫% ટકા પણ પિતા પર નહીં લખાયું હોય. જગતભરમાં માતૃભાષા હોય છે- પિતૃભાષા નહિ. માતૃભૂમિ વિશે અનેક વાતો છે- પિતૃભૂમિ વિશે ભાગ્યે જ વાત થાય છે. ‘મધર્સ-ડે ’ પર જે રીતે માતાનું મહિમા ગાન થાય છે એની સરખામણીએ ‘ફાધર્સ-ડે’નું જોર ઝાંખું પડે છે.
ફિલ્મોમાં ય મધર ઈંડિયા – મમતા કે મા જેવી અનેક ફિલ્મો બની છે,
પણ ફાધર-ઇંડિયા જેવી ફિલ્મ હજી બની નથી. જાહેરાતોમાંયે માર્કેટિંગવાળાઓએ માતાને જ વધારે માન આપ્યું છે. કોણ ન જાણે કેમ પણ , ફાધર માટે આપણી અંદર હંમેશાં એક જાતનો ડર કે આદર જ હોય છે. માન્યું કે અગાઉ બાપાઓ બહુ સિરિયસ ને કડક હતા, પણ હવે તો બિચારા ફાધર લોકો બહુ ફ્રેંડલી હોય છે, પણ ફાધર-પ્રજાએ, સંતાનોને જીતવા હજી વધુ મહેનત કરવી પડશે.
એક એવરેજ બાપ નોકરી-ધંધામાં જિંદગીભર નીચોવાયા કરે, પોતાના પ્રશ્ર્નોની કે હતાશાની વાત દિલમાં જ સમાવી રાખે, વર્ષોના વર્ષ સંઘર્ષ કરીને એના વાળ પાકી જાય, ખભા ઝૂકી જાય, ચશ્માના નંબર વધી જાય ને તોયે એ હસતે મોઢે જીવે રાખે. ખરેખર, આપણે ત્યાં પિતા-પપ્પા, કે ફાધર કોઈએ એક અધૂરી વાર્તાનું મૂંગુ પાત્ર જ રહ્યું છે.
ઇંટરવલ:
કદી કોટિ કોટિ સહી કષ્ટ કાયા,
મને છાતીમાં લૈ કરી છત્રાછાયા;
અતિ પ્રાણથી પ્યાર જે આણતા જી,
ભલા કેમ આભાર ભૂલું, પિતાજી? (કવિ દલપતરામ)
જો કે જનરેશનો બદલાતાં હવે ઘણો ફરક પડ્યો છે. હવે ડેડી-કૂલ મિત્ર બનીને સંતાન સાથે શર્ટ-શૂઝથી માંડીને સિક્રેટ સુધી ઘણું શૅર કરે છે. ૧૦ વરસ પહેલાં ટીનએજરો પપ્પાના ફોન-નંબરને ‘એ.ટી.એમ ’ ના નામે મોબાઇલમાં સેવ કરતા. હવે થોડો ફરક પડ્યો છે કે ‘પે.ટી.એમ’ ના નામે સેવ કરે છે, એટલું જ. જો કે બાપને ખિસ્સા ખંખેરવાનું મશીન માનવાની પરંપરા જગતમાં પહેલો બાપ જન્મયો હશે ત્યારથી જ છે. ઇંગ્લેંડનો રાજા જ્યોર્જ-પાંચમો, કરકસરિયા સ્વભાવ માટે જાણીતા હતો. એનાથી ઊલટું એનો દીકરો, રાજકુમાર-પ્રિન્સ ઓફ વેલ્સ બહુ ઉડાઉ સ્વભાવનો હતો. પ્રિન્સે એકવાર બોર્ડિંગ સ્કૂલમાંથી પિતા જ્યોર્જ પાંચમાને વધારે પૈસા માંગવા પત્ર લખ્યો. કિંગ જ્યોર્જે જવાબમાં લખ્યું, ‘જો, વધારે પૈસા જોઈતા હોત તો જાતે કમાતા શીખો!’
સામે પ્રિન્સે પત્રમાં લખ્યું, યોર હાઇનેસ, તમારી સલાહ માનીને તમારા રાજવી સિક્કાવાળો પત્ર, શાહી વસ્તુઓનું સંગ્રહ કરનાર એક એંટિક-કલેક્ટરને ૫૦ પાઉન્ડમાં વેંચી નાખ્યો છે! થેંક યુ, વારેવારે આવા પત્ર લખતા રહેજો.!
ફાધર કે પિતા શબ્દમાં જ એકજાતનું વજન છે. કોઇ સારો ખેલાડી કે અભિનેતા હોય તો આપણે કહીએ છીએ: ‘એ તો બાપ માણસ છે.’ કોઇ સિનિયરને માન આપતાં આપોઆપ બોલાઇ જાય કે હું તો એને મારા ફિલ્ડમાં બાપ માનું છું!
એકવાર ફિલ્મોનાં જાણીતા ગીતકાર આનંદ બક્ષી રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી જતા હતા ને સામેથી સિનિયર ગીતકાર-ઉર્દૂ શાયર મજરુહ સુલ્તાનપુરી મળ્યા. બક્ષીએ વૃદ્ધ મજરુહની સ્હેજ મજાક કરી ત્યારે મજરુહે કહ્યું: બક્ષી, યે મત ભૂલના કિ હમ તુમ્હારે ઝેહની-બાપ (માનસ-પિતા) હૈં! અને બક્ષી, પિતા સમાન મજરુહને ભેટી પડ્યા.
કોઇ કંપનીના સારા મેનેજર, ડિરેક્ટર કે માલિક માટે આપણે કહીએ છીએં કે એક બાપની જેમ પોતાનો પરિવાર માનીને એ સંસ્થા ચલાવે છે ફાધર્સ-ડે માત્ર બાયોલોજીકલ પિતાઓ માટે નથી, પણ આવા બાપ લોકોને યાદ કરવાનો પણ મોકો છે કારણ કે પરિવાર કે ફેમિલી શબ્દ આવતાં જ આપણી સામે પિતાની જાજરમાન મૂર્તિ દેખાવા માંડે છે.
એક નદી પાસે પુલ પરથી માણસ આત્મહત્યા કરતો હતો. ત્યાં એક પુરુષ આવીને એને રોકે છે. પેલો માનતો જ નથી ત્યારે એ પુરુષ સમજાવે છે: જો તું અહીંથી કૂદીશ તો મારે તને બચાવવા કૂદવું પડશે. હું તો કૂદીશ પણ શું છે કે મને તરતાં આવડતું નથી એટલે હું ડૂબવા માંડીશ. હું ડૂબી જઇશ તો મારી ફેમિલીનું શું થશે? ૩ બાળકનો પિતા છું, એ લોકો રખડી પડશે માટે મારાં બાળકો ખાતર તું આત્મહત્યા ના કર. કદાચ તું યે એક બાપ છેને? તારા પરિવારનું વિચાર.. અને પેલો માણસ માની જાય છે. વાર્તામાં ટ્વિસ્ટ એ છે કે મરવા પડેલો માણસ કુંવારો હતો, એને કોઇ ફેમિલી નહોતું, પણ એક બાપના શબ્દોએ એને પીગળાવી નાખ્યો. ફેમિલી માત્રની વાતથી મરતાં માણસનાં મનમાં જીજીવિષા જન્માવે એ સાચો બાપ. અને પછી જીવનમાંથી જ્યારે બાપ જતો રહે છે ત્યારે જીવનમાંથી એક અવાજ જતો રહે છે. એ ઘેઘૂર અવાજ, જે આપણને સારા-ખરાબ સમયે છાનાંમાનાં હૂંફભર્યો હોંકારો આપતો.
આજે હેપી ફાધર્સ-ડે છે!
એંડ-ટાઇટલ્સ:
આદમ: મારે બાપ બનવું છે.
ઈવ: પહેલા તું તો મોટો થા .